Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › જૂન 2027 › 26 જૂન

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 26 જૂન 2027

શનિવાર · સામાન્ય કાળનું 12મું અઠવાડિયું

પર્વો અને સંતો

સામાન્ય કાળના 12મા અઠવાડિયાનો શનિવાર

વૈકલ્પિક સ્મૃતિદિન · ધાર્મિક વિધિનો રંગ: લીલો

શનિવારે ધન્ય કુમારી મરિયમનો સ્મૃતિદિન · વૈકલ્પિક સ્મૃતિદિન

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

ઉત્પ 18:1–15

1બપોરના સમયે જયારે ઇબ્રાહિમ તંબુના બારણામાં બેઠો હતો, ત્યારે ઈશ્વરે મામરેનાં એલોન વૃક્ષની પાસે તેને દર્શન આપ્યું. 2તેણે આંખો ઊંચી કરીને જોયું, તો ત્રણ પુરુષો તેની નજીક ઊભા હતા. જયારે તેણે તેઓને જોયા, ત્યારે તે તેઓને મળવાને તંબુના બારણામાંથી દોડ્યો અને જમીન સુધી નમીને તેઓને પ્રણામ કર્યા. 3તેણે કહ્યું, “હે મારા પ્રભુ, જો હવે હું તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોઉં, તો તમે તમારા દાસ પાસેથી જતા રહેશો નહિ. 4હું થોડું પાણી લાવું છું તેથી તમે તમારા પગ ધુઓ અને આ વૃક્ષ નીચે તમે આરામ કરો. 5હવે મને થોડું ભોજન લાવવા દો, કે જેથી તમે સ્ફૂર્તિ પામો. ત્યાર પછી તમે આગળ જજો, સારું તો હું તમારે માટે રોટલી લાવું.” અને તેઓએ કહ્યું, “તું કહે છે તે પ્રમાણે કર.” 6પછી ઇબ્રાહિમ ઉતાવળે સારાની પાસે તંબુમાં ગયો અને કહ્યું, “જલ્દી કર. ત્રણ માપ મેંદો મસળ અને રોટલી તૈયાર કર.” 7પછી ઇબ્રાહિમ દોડીને જ્યાં તેના જાનવર હતાં ત્યાં ગયો અને એક પુષ્ટ તથા કુમળું વાછરડું લાવીને નોકરને આપ્યું, જે તેને ઉતાવળે તૈયાર કરવા લાગ્યો. 8તેણે માખણ, દૂધ તથા ભોજન માટે જે રોટલી તથા વાછરડું તૈયાર કર્યું હતું તે લઈને તેઓની આગળ પીરસ્યાં. તેઓ જમતા હતા તે દરમિયાન તે તેઓની પાસે વૃક્ષ નીચે ઊભો રહ્યો. 9તેઓએ તેને કહ્યું, “તારી પત્ની સારા ક્યાં છે?” તેણે જવાબ આપ્યો, “ત્યાં, તંબુમાં છે.” 10યહોવાહે તેને કહ્યું, “હું ચોક્કસ વસંતમાં તારી પાસે પાછો આવીશ અને જો, તારી પત્ની સારાને દીકરો થશે.” તેની પાછળ જે તંબુનું બારણું હતું, ત્યાંથી સારાએ તે વાત સાંભળી. 11હવે ઇબ્રાહિમ તથા સારા વૃદ્ધ હતાં અને તેઓને ઘણાં વર્ષ થયાં હતાં. જે ઉંમરમાં સ્ત્રીઓ બાળકોને જન્મ આપે છે, તે ઉંમર, સારા વટાવી ચૂકી હતી. 12તેથી સારા મનોમન હસી પડી. તેણે ખુદને કહ્યું, “હું વૃદ્ધ થઈ ગઈ છું અને મારો પતિ પણ વૃદ્ધ છે, તો પછી કેવી રીતે પુત્ર જન્મે અને હર્ષ થાય?” 13ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “શા માટે સારા એમ કહેતાં હસી કે, ‘શું હું ખરેખર મારી વૃદ્ધાવસ્થામાં બાળકને જન્મ આપી શકીશ?’ 14ઈશ્વરને શું કંઈ અશક્ય છે? મેં નિયુક્ત કરેલા સમયે, વસંતમાં, હું તારી પાસે પાછો આવીશ. આવતા વર્ષના આ સમયે સારાને દીકરો થશે.” 15પછી સારાએ તે બાબતનો ઇનકાર કરીને કહ્યું, “હું તો હસી નથી, “કેમ કે તે ગભરાઈ હતી. તેમણે જવાબ આપ્યો, “ના, તું નિશ્ચે હસી છે.”

પ્રત્યુત્તર ગીત

લૂક 1:47–50, 53–55

47અને ઈશ્વર, મારા ઉદ્ધારકમાં મારો આત્મા હરખાયો છે. 48કારણ કે તેમણે પોતાની સેવિકાની દીનાવસ્થા પર દ્ર્ષ્ટિ કરી છે; કેમ કે, જો, હવેથી સઘળી પેઢીઓ મને આશીર્વાદિત કહેશે. 49કેમ કે પરાક્રમી ઈશ્વરે મારે સારુ મહાન કૃત્યો કર્યા છે, તેમનું નામ પવિત્ર છે. 50જેઓ તેમનું સન્માન કરે છે, તેઓ પર તેમની દયા પેઢી દરપેઢી રહે છે. 53તેમણે ભૂખ્યાંઓને સારાં વાનાંથી તૃપ્ત કર્યા છે; અને શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢ્યાં છે. 54આપણા પૂર્વજોને તેમના કહ્યાં પ્રમાણે, ઇબ્રાહિમ પર તથા તેના વંશ પર 55સદા દયા કરવાનું સંભારીને, તેમણે પોતાના સેવક ઇઝરાયલને સહાય કરી.’”

સુવાર્તા

માથ 8:5–17

5ઈસુ કપરનાહૂમમાં આવ્યા, પછી એક શતપતિ તેમની પાસે આવીને વિનંતી કરી કે, 6“ઓ પ્રભુ, મારો ચાકર ઘરમાં પક્ષઘાતી થઈને પડેલો છે, તેને ભારે પીડા થાય છે.” 7ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “હું આવીને તેને સાજો કરીશ.” 8શતપતિએ ઉત્તર આપતાં કહ્યું કે, “ઓ પ્રભુ, તમે મારા છાપરા હેઠળ આવો એવો હું યોગ્ય નથી; પણ તમે કેવળ શબ્દ કહો, એટલે મારો ચાકર સાજો થશે. 9કેમ કે હું પણ કોઈનાં અધિકાર હેઠળ છું અને સિપાઈઓ મારે સ્વાધીન છે. એકને હું કહું છું કે, ‘જા’, ને તે જાય છે; બીજાને કહું છું કે, ‘આવ’ અને તે આવે છે; અને મારા દાસને કહું છું કે, ‘એ પ્રમાણે કર’, ને તે કરે છે.” 10ત્યારે ઈસુને તે સાંભળીને આશ્ચર્ય થયું, પાછળ આવનારાઓને તેમણે કહ્યું, “હું તમને નિશ્ચે કહું છું કે, આવો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી. 11હું તમને કહું છું કે પૂર્વથી તથા પશ્ચિમથી ઘણાં લોકો આવશે અને ઇબ્રાહિમની, ઇસહાકની તથા યાકૂબની સાથે સ્વર્ગના રાજ્યમાં જમવા બેસશે. 12પણ રાજ્યના દીકરાઓ બહારના અંધકારમાં નંખાશે કે, જ્યાં રડવું અને દાંત પીસવું થશે.” 13ઈસુએ તે શતપતિને કહ્યું કે, “જા! જેવો તેં વિશ્વાસ કર્યો તેવું જ તને થાઓ.” તે જ ઘડી તેનો ચાકર સાજો થયો. 14ઈસુ પિતરના ઘરમાં આવ્યા, ત્યાં તેમણે તેની સાસુને તાવે બિમાર પડેલી જોઈ. 15ઈસુ તેના હાથને સ્પર્શ્યા, એટલે તેનો તાવ જતો રહ્યો અને તેણે ઊઠીને તેમની સેવા કરી. 16સાંજ પડી ત્યારે લોકોએ ઘણાં દુષ્ટાત્મા વળગેલાંઓને તેમની પાસે લાવ્યા અને તેમણે શબ્દથી તે દુષ્ટાત્માઓને બહાર કાઢ્યાં, અને સઘળાં માંદાઓને સાજાં કર્યાં. 17એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે, “તેમણે પોતે આપણી માંદગીઓ લીધી અને આપણા રોગો ભોગવ્યા.”

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો