મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › જૂન 2027 › 13 જૂન
ઓર્થોડોક્સ પંચાંગ · 31 મે (જૂની પદ્ધતિ)
ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 13 જૂન 2027
રવિવાર · સ્વર 6
પર્વો અને સંતો
પાસ્ખાનો સાતમો રવિવાર
પહેલી વિશ્વવ્યાપી મહાસભાના પવિત્ર પિતૃઓ
ઉપવાસ
ઉપવાસ નથી
આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.
દિવસનાં વાંચનો
સંધ્યા-પ્રાર્થના: વાંચન
14જયારે ઇબ્રામે સાંભળ્યું કે દુશ્મનોએ તેના સગાં સંબંધીઓને તાબે કર્યાં છે, ત્યારે તેણે પોતાના ઘરમાં જન્મેલા અને તાલીમ પામેલા ત્રણસો અઢાર પુરુષોને લઈને દાન સુધી સૈન્યનો પીછો કર્યો. 15તે રાત્રે તેણે તેઓની વિરુદ્ધ પોતાના માણસોના બે ભાગ પાડીને તેઓ પર હુમલો કર્યો અને દમસ્કસની ડાબી બાજુના હોબા સુધી તેઓનો પીછો કર્યો. 16પછી તે પોતાના સંબંધી લોતને, તેની સંપત્તિને, સ્ત્રીઓને તથા બીજા દાસોને પાછા લાવ્યો. 17કદોરલાઓમેર તથા તેની સાથે જે રાજાઓ હતા, તેઓને હરાવીને ઇબ્રામ પાછો આવતો હતો ત્યારે તેને મળવા સારુ સદોમનો રાજા શાવેહની ખીણમાં એટલે રાજાની ખીણમાં આવ્યો. 18સાલેમનો રાજા મલ્ખીસદેક, રોટલી તથા દ્રાક્ષારસ લઈને આવ્યો. તે પરાત્પર ઈશ્વરનો યાજક હતો. 19તેણે ઇબ્રામ આશીર્વાદ આપીને કહ્યું, “પરાત્પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીના ઉત્પન્નકર્તા છે તેમનાંથી ઇબ્રામ આશીર્વાદિત થાઓ. 20જે સર્વશ્રેષ્ઠ ઈશ્વરે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે, પરાત્પર ઈશ્વરની સ્તુતિ થાઓ.” પછી ઇબ્રામે સર્વ સંપત્તિમાંથી તેને દસમો ભાગ આપ્યો.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
8જુઓ, તમારી આગળ આ જે દેશ હું દર્શાવું છું; તેમાં પ્રવેશ કરો. એ દેશ વિષે યહોવાહે તમારા પૂર્વજો એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ પ્રતિજ્ઞા લીધી હતી કે હું તમને તથા તમારા વંશજોને તે દેશ આપીશ તેનું વતન પ્રાપ્ત કરો.’” 9“તે સમયે મેં તમને એવું કહ્યું હતું કે, હું પોતે એકલો તમારો બધાનો બોજો ઉપાડવાને શક્તિમાન નથી. 10તમારા યહોવાહે તમારો વિસ્તાર વધાર્યો છે, અને જુઓ, આજે તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી છે. 11તમારા પૂર્વજોના ઈશ્વર યહોવાહે તમને આપેલા વચન પ્રમાણે તમે છો તેના કરતાં તમને હજારગણા વધારો અને આશીર્વાદ આપો. 15“તેથી તમારાં કુળોમાંના આગેવાનો જેઓ બુદ્ધિમાન અને અનુભવી પુરુષો હતા તેઓને લઈને મેં તમારા અધિકારીઓ ઠરાવ્યા. એટલે તમારાં કુળો પ્રમાણે હજાર-હજારના આગેવાનો તથા સો-સોના આગેવાનો, પચાસ-પચાસના આગેવાનો દસ-દસના આગેવાનો તથા અમલદારો ઠરાવ્યા. 16અને તે સમયે મેં તમારા ન્યાયીધીશોને એવી આજ્ઞા કરી હતી કે, તમારા ભાઈઓ વચ્ચેની તકરાર તમારે સાંભળવી. અને ભાઈ ભાઈની વચ્ચે તથા ભાઈ અને તેની સાથેના પરદેશી વચ્ચે તમારે નિષ્પક્ષ ન્યાય કરવો. 17ન્યાય કરતી વખતે તમારે આંખની શરમ રાખવી નહિ; નાના તથા મોટા સૌનું સરખી રીતે સાંભળવું. માણસનું મોં જોઈને તમારે બીવું નહિ, કેમ કે ન્યાય કરવો એ ઈશ્વરનું કામ છે. જો કોઈ મુકદમો તમને અઘરો લાગે તો તે તમારે મારી પાસે લાવવો એટલે તે હું સંભાળીશ.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
14જો, આકાશ તથા આકાશોનાં આકાશ; પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ તે યહોવાહ તમારા ઈશ્વરનું છે. 15તેમ છતાં તમારા પિતૃઓ પર પ્રેમ રાખવાનું યહોવાહને સારું લાગ્યું. અને તેમણે તેઓની પાછળ તેઓનાં સંતાનને એટલે સર્વ લોકોના કરતાં તમને પસંદ કર્યા જેમ આજે છે તેમ. 16તેથી તમે તમારાં પાપી હૃદયોને શુદ્વ કરો અને હઠીલાપણું છોડી દો. 17કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર તે તો સર્વોપરી ઈશ્વર છે. તે મહાન, પરાક્રમી અને ભયાનક ઈશ્વર છે, તે નિષ્પક્ષ અને ન્યાયી છે, તે કદી લાંચ લેતા નથી. 18તે વિધવાની તથા અનાથની દાદ સાંભળે છે. તે પરદેશીઓ પર પ્રેમ રાખે છે અને તેઓને ખોરાક તથા વસ્ત્રો આપે છે. 19તેથી તમારે પણ પરદેશીઓ પર પ્રેમ રાખવો. કારણ કે તમે પણ મિસરમાં પરદેશી હતા. 20તમે યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખો અને તમે તેમની જ સેવા કરો; તેમને જ તમે વળગી રહો. અને તેમના જ નામે સમ ખાઓ. 21તમારે તેમની સ્તુતિ કરવી, તે જ તમારા ઈશ્વર છે. તેમણે તમારા માટે જે મહાન અને અદ્ભૂત કાર્યો કર્યાં છે તે તમે પ્રત્યક્ષ નિહાળ્યાં છે.
પ્રભાત-પ્રાર્થનાની 10મી સુવાર્તા
1એ બીનાઓ બન્યા પછી તિબેરિયસના સમુદ્રકિનારે ફરીથી ઈસુએ શિષ્યોને દર્શન આપ્યું; તેમણે આ રીતે દર્શન આપ્યું; 2સિમોન પિતર, થોમા જે દીદીમસ કહેવાતો હતો તે, ગાલીલના કાનાનો નથાનિયેલ, ઝબદીના દીકરા તથા તેમના શિષ્યોમાંના બીજા બે એકત્ર થયા હતા. 3સિમોન પિતર તેઓને કહે છે કે, ‘હું માછલીઓ પકડવા જાઉં છું.’ તેઓ તેને કહે છે કે, અમે પણ તારી સાથે આવીએ છીએ. ત્યારે તેઓ નીકળીને હોડીમાં બેઠા; પણ તે રાત્રે તેઓને કંઈ મળ્યું નહિ. 4પણ વહેલી સવારે ઈસુ કિનારે ઊભા હતા; પરંતુ તેઓ ઈસુ છે એમ શિષ્યોએ જાણ્યું નહિ. 5ઈસુ તેઓને કહે છે કે, ‘જુવાનો, તમારી પાસે કંઈ ખાવાનું છે?’ તેઓએ તેમને ઉત્તર આપ્યો કે, ‘નથી.’” 6તેમણે તેઓને કહ્યું કે, ‘હોડીની જમણી તરફ જાળ નાખો, એટલે તમને કંઈક મળશે.’ તેથી તેઓએ જાળ નાખી; પણ એટલી બધી માછલીઓ તેમાં ભરાઈ કે તેઓ તેને ખેંચી શક્યા નહિ. 7ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા તે પિતરને કહે છે કે, ‘આ તો પ્રભુ છે!’ જ્યારે સિમોન પિતરે સાંભળ્યું કે તેઓ પ્રભુ છે ત્યારે તેણે પોતાનો ઝભ્ભો પહેર્યો કેમ કે તે ઉઘાડો હતો અને સમુદ્રમાં કૂદી પડ્યો. 8બીજા શિષ્યો હોડીમાં જ રહીને માછલીઓથી ભરાયેલી જાળ ખેંચતા આવ્યા, કેમ કે તેઓ કિનારાથી દૂર નહિ, પણ લગભગ 100 મીટર જેટલે અંતરે હતા. 9તેઓ કિનારે ઊતર્યા ત્યારે ત્યાં તેઓએ અંગારા પર મૂકેલી માછલી તથા રોટલી જોયાં. 10ઈસુ તેઓને કહે છે કે, ‘તમે અત્યારે પકડેલી માછલીઓમાંથી થોડી લાવો.’” 11તેથી સિમોન પિતર હોડી પર ચઢીને એક્સો ત્રેપન મોટી માછલીઓથી ભરાયેલી જાળ કિનારે ખેંચી લાવ્યો; જોકે એટલી બધી માછલીઓ હોવા છતાં પણ જાળ ફાટી નહિ. 12ઈસુ તેઓને કહે છે કે, ‘આવો, નાસ્તો કરો.’ તેઓ પ્રભુ છે તે જાણીને શિષ્યોમાંના કોઈની ‘તમે કોણ છે? એમ પૂછવાની હિંમત ચાલી નહિ. 13ઈસુએ આવીને રોટલી તેમ જ માછલી પણ તેઓને આપી. 14મૃત્યુમાંથી પાછા ઊઠ્યાં પછી ઈસુએ પોતાના શિષ્યોને આ ત્રીજી વાર દર્શન આપ્યું.
પત્ર
16કેમ કે આસિયામાં વખત પસાર કરવો ન પડે તે માટે પાઉલે એફેસસને બાજુ પર મૂકીને હંકારી જવાનું નક્કી કર્યું હતું, કેમ કે તે એ માટે ઉતાવળ કરતો હતો કે જો બની શકે તો પચાસમાના પર્વને દિવસે પોતે યરુશાલેમમાં હાજર થાય. 17પછી તેણે મિલેતસથી એફેસસમાં (સંદેશો) મોકલીને મંડળીના વડીલોને પોતાની પાસે બોલાવ્યા. 18તેઓ તેની પાસે આવ્યા ત્યારે તેણે તેઓને કહ્યું કે, આસિયામાં મેં પગ મૂક્યો તે દિવસથી માંડીને એ બધો વખત હું તમારી સાથે રહીને કેવી રીતે વર્ત્યો છું. 28તમે પોતા સંબંધી તથા જે ટોળાં ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો ઠરાવ્યા છે તે સર્વ સંબંધી સાવધ રહો, એટલે કે ઈશ્વરનો જે વિશ્વાસી સમુદાય જે તેમણે પોતાના લોહીથી ખરીદ્યો છે, તેનું તમે પાલન કરો. 29હું જાણું છું કે, મારા ગયા પછી ટોળાં પર દયા નહિ કરે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે; 30તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે. અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે વિપરીત વાતો કહેશે. 31માટે જાગતા રહો, અને યાદ રાખો કે ત્રણ વર્ષ સુધી રાત દિવસ આંસુઓ પાડીને દરેકને ઉપદેશ આપવાનું હું ચૂક્યો નથી. 32હવે હું તમને ઈશ્વરને તથા ઈશ્વરની કૃપાની વાત જે તમને સંસ્થાપન કરવાને તથા સર્વ પવિત્ર થયેલાઓમાં તમને વારસો આપવાને સમર્થ છે, તેને સોંપું છું. 33મેં કોઈના રૂપાનો સોનાનો કે વસ્ત્રનો લોભ કર્યો નથી. 34તમે પોતે જાણો છો કે મને તથા મારા સાથીઓને જે જોઈતું હતું તે મેં આ હાથોએ પૂરું પાડ્યું છે. 35મેં બધી બાબતો તમને કરી બતાવી છે કે, કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ, અને પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું, તેને યાદ રાખવું કે, “પામવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” 36એ પ્રમાણે વાત કર્યા પછી તેણે ઘૂંટણે પડીને તે સર્વની સાથે પ્રાર્થના કરી.
સુવાર્તા
1ઈસુએ એ વાતો કહ્યાં પછી સ્વર્ગ તરફ પોતાની આંખો ઊંચી કરીને કહ્યું કે, ‘પિતા, સમય આવ્યો છે; તમે તમારા દીકરાને મહિમાવાન કરો, જેથી દીકરો તમને મહિમાવાન કરે. 2કેમ કે તે સર્વ માણસો પર તમે અધિકાર આપ્યો છે કે, જે સર્વ તમે તેને આપ્યાં છે તેઓને તે અનંતજીવન આપે. 3અનંતજીવન એ છે કે તે તમને એકલાને, સત્ય ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્તને કે જેને તેમણે મોકલ્યો છે તેને ઓળખે. 4જે કામ કરવાનું તમે મને સોંપ્યું હતું તે પૂરું કરીને મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યાં છે. 5હવે, ઓ પિતા, સૃષ્ટિની ઉત્પત્તિ અગાઉ તમારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તેથી તમે હમણાં પોતાની સાથે મને મહિમાવાન કરો. 6માનવજગતમાંથી જે માણસો તમે મને આપ્યાં છે, તેઓને મેં તમારું નામ પ્રગટ કર્યું છે; તેઓ તમારાં હતાં, તેઓને તમે મને આપ્યાં છે; અને તેઓએ તમારાં વચન પાળ્યા છે. 7હવે તેઓ જાણે છે કે જે જે તમે મને આપ્યાં છે, તે સર્વ તમારા તરફથી જ છે. 8કેમ કે જે વાતો તમે મને કહેલી હતી તે મેં તેઓને કહી છે; અને તેઓએ તે સ્વીકારી છે; અને હું તમારી પાસેથી આવ્યો છું, એ તેઓએ નિશ્ચે જાણ્યું છે, તમે મને મોકલ્યો છે, એવો વિશ્વાસ તેઓએ કર્યો છે. 9જેઓએ વિશ્વાસ કર્યો છે તેઓને માટે હું પ્રાર્થના કરું છું; માનવજગતને સારું હું પ્રાર્થના કરતો નથી, પણ જેઓને તમે મને આપ્યાં છે તેઓને માટે; કેમ કે તેઓ તમારાં છે; 10જે બધા મારાં તે તમારા છે અને જે તમારા તે મારાં છે; હું તેઓમાં મહિમાવાન થયો છું. 11હું લાંબા સમય સુધી દુનિયામાં નથી, પણ તેઓ આ દુનિયામાં છે અને હું તમારી પાસે આવું છું. ઓ પવિત્ર પિતા, તમારું નામ જે તમે મને આપ્યું છે, તેમાં તેઓને પણ આપણા જેવા એક થવા માટે સંભાળી રાખો. 12હું તેઓની સાથે જગતમાં હતો ત્યાં સુધી તમારું નામ જે તમે મને આપ્યું છે તેમાં મેં તેઓને સંભાળી રાખ્યાં; અને મેં તેઓનું રક્ષણ કર્યું છે શાસ્ત્રવચનો પૂરા થાય માટે વિનાશના દીકરા સિવાય તેઓમાંના કોઈનો વિનાશ થયો નહિ. 13હવે હું તમારી પાસે આવું છું; ‘તેઓમાં મારો આનંદ સંપૂર્ણ થાય,’ માટે હું આ બાબતો દુનિયામાં કહું છું.
તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 31 મે એટલે નાગરિક પંચાંગનો 13 જૂન. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો