Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › જૂન 2027 › 6 જૂન

ઓર્થોડોક્સ પંચાંગ · 24 મે (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 6 જૂન 2027

રવિવાર · સ્વર 5

પર્વો અને સંતો

પાસ્ખાનો છઠ્ઠો રવિવાર

અંધ માણસનો રવિવાર

ઉપવાસ

ઉપવાસ નથી

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

પ્રભાત-પ્રાર્થનાની આઠમી સુવાર્તા

યોહ 20:11–18

11જોકે મરિયમ બહાર કબરની પાસે રડતી ઊભી રહી. તે રડતાં રડતાં નમીને કબરમાં વારંવાર જોયા કરતી હતી; 12અને જ્યાં ઈસુનો પાર્થિવ દેહ દફનાવેલો હતો ત્યાં પ્રકાશિત વસ્ત્ર પહેરેલા બે સ્વર્ગદૂતોને, એકને માથા બાજુ અને બીજાને પગ બાજુ, બેઠેલા તેણે જોયા. 13તેઓ તેને કહે છે કે, ‘બહેન, તું કેમ રડે છે?’ તે તેમને કહે છે, ‘તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેઓએ તેમને ક્યાં મૂક્યા છે તે હું જાણતી નથી, માટે હું રડું છું.’” 14એમ કહીને તેણે પાછા વળીને જોયું તો ઈસુને ઊભેલા જોયા; પણ તેઓ ઈસુ છે, એમ તેને ખબર પડી નહિ. 15ઈસુ તેને કહે છે કે, ‘બહેન, તું કેમ રડે છે?’ તું કોને શોધે છે?’ તે માળી છે એમ ધારીને તેણે તેને કહ્યું કે, ‘ભાઈ, જો તમે તેમને અહીંથી લઈ ગયા છો, તો તમે તેમને ક્યાં મૂક્યા છે તે મને કહો, એટલે હું તેમને લઈ જઈશ.’” 16ઈસુ તેને કહે છે કે, ‘મરિયમ;’ અને તેણે પાછા ફરીને તેમને હિબ્રૂ ભાષામાં કહ્યું કે, ‘રાબ્બોની!’ એટલે ‘ગુરુજી.’” 17ઈસુ તેને કહે છે કે, ‘હજી સુધી હું પિતા પાસે સ્વર્ગમાં ગયો નથી, માટે મને સ્પર્શ ન કર; પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે, ‘જે મારા પિતા તથા તમારા પિતા અને મારા ઈશ્વર તથા તમારા ઈશ્વર, તેમની પાસે હું જાઉં છું.’” 18મગ્દલાની મરિયમે આવીને શિષ્યોને જણાવ્યું કે, ‘મેં પ્રભુને જોયા છે અને તેમણે મને એ વાતો કહી છે.

પત્ર

પ્રે.કૃ 16:16–34

16અમે પ્રાર્થનાસ્થાને જતા હતા ત્યારે એમ થયું કે, એક જુવાન દાસી અમને મળી, કે જેને અગમસૂચક દુષ્ટાત્મા વળગ્યો હતો, તે ભવિષ્યકથન કરીને પોતાના માલિકોને ખૂબ કમાણી કરી આપતી હતી. 17તેણે પાઉલની તથા અમારી પાછળ આવીને બૂમ પાડીને કહ્યું કે, આ માણસો પરાત્પર ઈશ્વરના સેવકો છે, જેઓ તમને ઉદ્ધારનો માર્ગ પ્રગટ કરે છે. 18તેણે ઘણાં દિવસો સુધી એમ કર્યા કર્યું, ત્યારે પાઉલે બહુ નારાજ થઈને પાછા ફરીને તે દુષ્ટાત્માને કહ્યું કે, ઈસુ ખ્રિસ્તને નામે હું તને આજ્ઞા કરું છું કે એનામાંથી નીકળ; અને તે જ ઘડીએ તે તેનામાંથી નીકળી ગયો. 19પણ તેના માલિકોએ પોતાના લાભની આશા નષ્ટ થઈ છે, એ જોઈને પાઉલ તથા સિલાસને પકડ્યા, અને તેઓને ચૌટાનાં અધિકારીઓની પાસે ઘસડી લાવ્યા. 20તેઓને અધિકારીઓની આગળ લાવીને કહ્યું કે, આ માણસો યહૂદી છતાં આપણા શહેરમાં બહુ ધમાલ મચાવે છે. 21અને આપણ રોમનોને જે રીતરિવાજો માનવા અથવા પાળવા ઉચિત નથી, તે તેઓ શીખવે છે. 22ત્યારે સર્વ લોકો તેમની સામે ઊઠ્યાં, અને અધિકારીઓએ તેઓનાં વસ્ત્રો ફાડી નાખીને તેઓને ફટકા મારવાની આજ્ઞા આપી. 23અને અધિકારીઓએ ઘણાં ફટકા મારીને તેઓને પાઉલ અને સિલાસને જેલમાં પૂર્યા તથા જેલરને તેઓની ચોકસાઈ રાખવાની આજ્ઞા આપી. 24અને અમલદારને એવી આજ્ઞા મળવાથી તેઓને અંદરનાં જેલખાનામાં પૂરવામાં આવ્યા, અને તેઓના પગ હેડમાં બાંધી દીધાં. 25ત્યાં મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા તથા ઈશ્વરનાં સ્ત્રોત્ર ગાતા હતા, બીજા કેદીઓ તે સાંભળતાં હતા; 26ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે, જેલના પાયા હાલ્યા; અને બધા દરવાજા તરત ઊઘડી ગયા; અને સર્વના બંધનો છૂટી ગયા. 27જેલર ઊંઘમાંથી જાગી ઊઠ્યો, અને જેલના દરવાજા ખુલ્લાં જોઈને કેદીઓ નાસી ગયા હશે, એમ વિચારીને તે તરવાર ઉગામીને આત્મહત્યા કરવા જતો હતો. 28પણ પાઉલે મોટેથી બૂમ પાડીને કહ્યું કે, અમે સહુ અહીં છીએ, માટે તું પોતાને કંઈ પણ ઈજા કરીશ નહિ. 29ત્યારે તે દીવો મંગાવીને અંદર કૂદી આવ્યો, અને ધ્રૂજતો ધ્રૂજતો પાઉલ તથા સિલાસને પગે પડ્યો. 30તેઓને બહાર લાવીને તેણે કહ્યું કે, હે સાહેબો, ઉદ્ધાર પામવા સારુ મારે શું કરવું જોઈએ? 31ત્યારે તેઓએ કહ્યું કે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ ઉદ્ધાર પામશો. 32ત્યારે તેઓએ જેલરને તથા જે તેનાં ઘરમાં હતાં તે સર્વને પ્રભુનાં વચનો કહી સંભળાવ્યાં. 33પછી રાતના તે જ સમયે તે જેલરે તેઓના સોળ ધોયા અને તરત તે તથા તેનાં ઘરનાં બધા માણસો બાપ્તિસ્મા પામ્યા. 34જેલરે તેઓને પોતાને ઘરે લાવીને તેઓની આગળ ભોજન પીરસ્યું, અને તેના ઘરનાં સર્વએ ઈશ્વર પર વિશ્વાસ કરીને ઘણો આનંદ કર્યો.

સુવાર્તા

યોહ 9:1–38

1ઈસુ રસ્તે જતા હતા તેવામાં તેમણે જન્મથી અંધ એવા એક માણસને જોયો. 2તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે, ‘ગુરુજી, જે પાપને લીધે તે માણસ અંધ જનમ્યો, તે પાપ કોણે કર્યું? તેણે કે તેનાં માતાપિતાએ?’” 3ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘તેણે કે તેનાં માતાપિતાએ તે પાપ કર્યું, તેથી નહિ; પણ ઈશ્વરનાં કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થયું. 4જ્યાં સુધી દિવસ છે, ત્યાં સુધી જેમણે મને મોકલ્યો છે તેમના કામ આપણે કરવાં જોઈએ; રાત આવે છે કે, જયારે કોઈથી કામ કરી શકાતું નથી. 5જયારે હું દુનિયામાં છું ત્યારે હું માનવજગતનું અજવાળું છું.’” 6આ પ્રમાણે બોલીને ઈસુ જમીન પર થૂંક્યાં અને થૂંકથી કાદવ બનાવીને, તેમણે તે કાદવ તેની આંખો પર લગાડીને 7તેને કહ્યું કે, “તું જઈને આંખોને શિલોઆહ એટલે ‘મોકલેલાના’ હોજમાં ધો.” તે ગયો અને આંખોને ધોઈને દેખતો થઈને ઘરે આવ્યો. 8પછી તેના પડોશીઓએ તથા જેઓએ તેને અગાઉ ભિખારી જોયો હતો તેઓએ કહ્યું કે, ‘જે બેસીને ભીખ માગતો હતો, તે શું એ જ નથી?’” 9કેટલાકે કહ્યું, ‘હા તે એ જ છે;’ બીજાઓએ કહ્યું, ‘ના, પણ તે તેના જેવો છે;’ પણ તેણે પોતે કહ્યું, ‘હું તે જ છું.’” 10તેઓએ તેને કહ્યું કે, ‘ત્યારે તારી આંખો શી રીતે ઊઘડી?’” 11તેણે ઉત્તર આપ્યો કે, ‘જે માણસ ઈસુ કહેવાય છે તેમણે કાદવ બનાવ્યો અને મારી આંખો પર લગાવીને મને કહ્યું કે, તું શિલોઆહમાં જઈને ધો; તેથી હું ગયો અને આંખો ધોઈને દેખતો થયો.’” 12તેઓએ તેને કહ્યું કે, ‘તે ક્યાં છે?’ તેણે કહ્યું, ‘હું જાણતો નથી.’” 13જે અગાઉ અંધ હતો, તેને તેઓ ફરોશીઓની પાસે લાવ્યા. 14હવે જે દિવસે ઈસુએ કાદવ બનાવીને તેની આંખો ઉઘાડી હતી, તે દિવસ વિશ્રામવાર હતો. 15માટે ફરોશીઓએ ફરીથી તેને પૂછ્યું કે, ‘તું શી રીતે દેખતો થયો?’ તેણે તેઓને કહ્યું કે, ‘તેમણે મારી આંખો પર કાદવ લગાડ્યો અને હું આંખો ધોઈને દેખતો થયો છું.’” 16ફરોશીઓમાંના કેટલાકે કહ્યું કે, ‘તે માણસ ઈશ્વરની પાસેથી આવ્યો નથી, કેમ કે તે વિશ્રામવાર પાળતો નથી;’ પણ બીજાઓએ કહ્યું કે, ‘પાપી માણસ એવા ચમત્કારિક ચિહ્નો શી રીતે કરી શકે?’ એમ તેઓમાં બે ભાગલા પડ્યા. 17ત્યારે તેઓએ ફરીથી તે અંધને પૂછ્યું કે, ‘તેણે તારી આંખો ઉઘાડી, માટે તેને વિષે તું શું કહે છે?’ ત્યારે તેણે કહ્યું કે, ‘તે પ્રબોધક છે.’” 18પણ યહૂદીઓએ તે દેખતા થયેલાનાં માતાપિતાને બોલાવ્યા ત્યાં સુધી તેઓ તેને વિષે માનતા ન હતા કે, તે અંધ હતો અને દેખતો થયો છે. 19તેઓએ તેમને પૂછ્યું કે, ‘શું આ તમારો દીકરો છે, જેને વિષે તમે કહો છો કે, તે જન્મથી અંધ હતો? તો પછી તે કેવી રીતે દેખતો થયો છે?’” 20તેનાં માતાપિતાએ ઉત્તર આપ્યો કે, ‘તે અમારો દીકરો છે અને જન્મથી અંધ હતો, તે અમે જાણીએ છીએ. 21પણ હમણાં તે કેવી રીતે દેખતો થયો છે, તે અમે જાણતા નથી; અને તેની આંખો કોણે ઉઘાડી તે પણ અમે જાણતા નથી; તે પુખ્તવયનો છે; તેને પૂછો, તે પોતે કહેશે.’” 22તેનાં માતાપિતા યહૂદીઓથી ડરતા હતાં માટે તેઓએ તેમ કહ્યું; કેમ કે યહૂદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે, ‘તે ખ્રિસ્ત છે’ એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો. 23માટે તેનાં માતાપિતાએ કહ્યું કે, ‘તે પુખ્તવયનો છે, તેને પૂછો.’” 24તેથી અગાઉ જે અંધ હતો, તેને તેઓએ બીજી વાર બોલાવીને કહ્યું, ‘ઈશ્વરની સ્તુતિ કર; અમે જાણીએ છીએ કે તે માણસ તો પાપી છે.’” 25ત્યારે તેણે ઉત્તર આપ્યો, ‘તે પાપી છે કે નહિ, તે હું જાણતો નથી; પણ એક વાત હું જાણું છું કે, હું અંધ હતો અને હવે હું દેખતો થયો છું.’” 26ત્યારે તેઓએ તેને કહ્યું કે, ‘તેણે તને શું કર્યું? તારી આંખો તેણે શી રીતે ઉઘાડી?’” 27તેણે તેઓને ઉત્તર આપ્યો કે, ‘મેં હમણાં જ તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ; તમે શા માટે ફરીથી સાંભળવા માગો છો? શું તમે પણ તેમના શિષ્યો થવા ચાહો છો?’” 28ત્યારે તેઓએ તેની નિંદા કરતાં કહ્યું કે, ‘તું તેમનો શિષ્ય છે; પણ અમે તો મૂસાના શિષ્યો છીએ. 29ઈશ્વર મૂસાની સાથે બોલ્યા, તે અમે જાણીએ છીએ; પણ અમે નથી જાણતા કે, તે માણસ તો ક્યાંનાં છે.’” 30તે માણસે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, ‘એ તો અજાયબ જેવું છે કે, તેમણે મારી આંખો ઉઘાડી તે છતાં પણ તે ક્યાંનાં છે, તે તમે જાણતા નથી. 31આપણે જાણીએ છીએ કે, ઈશ્વર પાપીઓનું સાંભળતાં નથી; પણ જો કોઈ ઈશ્વરને ભજનાર હોય અને તેમની ઇચ્છા પ્રમાણે કરતો હોય, તો તે તેમનું સાંભળે છે. 32સૃષ્ટિના આરંભથી એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે, જન્મથી અંધ માણસની આંખો કોઈએ ઉઘાડી હોય. 33જો તે મનુષ્ય ઈશ્વરની પાસેથી આવ્યા ન હોય, તો તે કંઈ કરી શકતા નથી.’” 34તેઓએ તેને ઉત્તર આપ્યો કે, ‘તું તો તદ્દન પાપોમાં જનમ્યો છે અને શું તું અમને બોધ કરે છે?’ પછી તેઓએ તેને સભાસ્થાનમાંથી બહાર કાઢી મૂક્યો. 35તેઓએ તેને બહાર કાઢી મૂક્યો છે, એવું ઈસુએ સાંભળ્યું ત્યારે તેમણે તેને શોધીને કહ્યું કે, ‘તું શું માણસના દીકરા પર વિશ્વાસ કરે છે?’” 36તેણે ઉત્તર આપ્યો કે, ‘હે પ્રભુ, તે કોણ છે કે, હું તેમના પર વિશ્વાસ કરું?’” 37ઈસુએ તેને કહ્યું કે, ‘તેં તેમને જોયા છે અને જે તારી સાથે વાત કરે છે, તે જ તે છે.’” 38તેણે કહ્યું કે, ‘પ્રભુ, હું વિશ્વાસ કરું છું.’ પછી તેણે તેમનું ભજન કર્યું.

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 24 મે એટલે નાગરિક પંચાંગનો 6 જૂન. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો