મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › મે 2027 › 8 મે
ઓર્થોડોક્સ પંચાંગ · 25 એપ્રિલ (જૂની પદ્ધતિ)
ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 8 મે 2027
શનિવાર · તેજસ્વી અઠવાડિયું · સ્વર 8
પર્વો અને સંતો
તેજસ્વી અઠવાડિયાનો શનિવાર
ઉપવાસમુક્ત અઠવાડિયું
ઉપવાસ નથી
આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.
દિવસનાં વાંચનો
સંધ્યા-પ્રાર્થના: વાંચન (સંત માર્ક માટે)
1વિખેરાઈ ગયેલા બારે કુળને, ઈશ્વરના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં દાસ યાકૂબની સલામ. 2મારા ભાઈઓ, જયારે તમને વિવિધ પ્રકારની કસોટીઓ થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ ગણો; 3કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઊતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે. 4તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ અને કશામાં અપૂર્ણ રહો નહિ, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. 5તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે. 6પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માગવું; કેમ કે જે કોઈ સંદેહ રાખીને માગે છે, તે પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે. 7એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું. 8આવા પ્રકારના મનુષ્ય બે મનવાળો હોય છે અને પોતાના સઘળા માર્ગોમાં અસ્થિર છે. 9જે ભાઈ ઊતરતા પદનો છે તે પોતાના ઉચ્ચપદમાં અભિમાન કરે; 10જે શ્રીમંત છે, તે પોતાના ઊતરતા પદમાં અભિમાન કરે કેમ કે ઘાસનાં ફૂલની પેઠે તે વિલીન થઈ જશે. 11કેમ કે સૂર્ય ઊગે છે અને ગરમ પવન વાય છે ત્યારે ઘાસ ચીમળાય છે; તેનું ફૂલ ખરી પડે છે અને તેના સૌંદર્યની શોભા નાશ પામે છે તેમ શ્રીમંત પણ તેના વ્યવહારમાં વિલીન થઈ જશે. 12જે મનુષ્ય પરીક્ષણમાં પાર ઊતરે છે તે આશીર્વાદિત છે; કેમ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાનું આશાવચન આપ્યું છે તે તેને મળશે.
સંધ્યા-પ્રાર્થના: વાંચન (સંત માર્ક માટે)
13કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું; કેમ કે દુષ્ટતાથી ઈશ્વરનું કદાપિ પરીક્ષણ થતું નથી અને તે કોઈને પરીક્ષણમાં લાવતા પણ નથી. 14પણ દરેક મનુષ્ય પોતાની દુષ્ટ ઇચ્છાઓથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. 15પછી દુષ્ટ ઇચ્છાઓ ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે. 16મારા વહાલાં ભાઈઓ, તમે છેતરાતા નહિ. 17દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે અને પ્રકાશોના પિતા જેમનાંમાં પરિવર્તન થતું નથી, તેમ જ જેમનાંમાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે. 18તેમણે પોતાની ઇચ્છાથી સત્યનાં વચન દ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેમના ઉત્પન્ન કરેલાંઓમાં પ્રથમફળ જેવા થઈએ. 19મારા વહાલાં ભાઈઓ, તમે તે જાણો છો. દરેક મનુષ્ય સાંભળવામાં ચપળ, બોલવામાં મંદ, તથા ક્રોધ કરવામાં નરમ થાય; 20કેમ કે મનુષ્યના ક્રોધથી ઈશ્વરનું ન્યાયપણું કામ કરતું નથી. 21માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા તજી દો અને તમારા હૃદયમાં વાવેલું જે વચન તમારા આત્માનો ઉદ્ધાર કરવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો. 22તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારાં જ નહિ. 23કેમ કે જે કોઈ માણસ વચન પાળતો નથી, પણ કેવળ સાંભળે છે, તે પોતાનું સ્વાભાવિક મુખ દર્પણમાં જોનાર મનુષ્યના જેવો છે. 24કેમ કે તે પોતાને જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો, એ તે તરત ભૂલી જાય છે. 25પણ જે મુક્તિના સંપૂર્ણ નિયમમાં ધ્યાનથી નિહાળે છે અને તેમાં રહે છે, જે સાંભળીને ભૂલી જનાર નહિ, પણ કામ કરનાર થાય છે, તે જ મનુષ્ય પોતાના વ્યવહારમાં આશીર્વાદિત થશે. 26જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું, પણ પોતાની જીભને કાબૂમાં રાખતો નથી, તે પોતાના હૃદયને છેતરે છે, તેવા મનુષ્યની ધાર્મિકતા વ્યર્થ છે. 27વિધવાઓ અને અનાથોના દુઃખના સમયે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની એટલે પિતાની, આગળ શુદ્ધ તથા સ્વચ્છ ધાર્મિકતા છે.
સંધ્યા-પ્રાર્થના: વાંચન (સંત માર્ક માટે)
1મારા ભાઈઓ, તમે પક્ષપાત વિના આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ રાખો. 2કેમ કે જેની આંગળીએ સોનાની વીંટી હોય તથા જેનાં અંગ પર સુંદર કિંમતી વસ્ત્ર હોય, એવો માણસ જો તમારી સભામાં આવે અને જો ગંદા વસ્ત્ર પહેરેલો એક ગરીબ માણસ પણ આવે; 3ત્યારે તમે સુંદર કિંમતી વસ્ત્ર ધારણ કરેલા માણસને માન આપીને કહો છો, ‘તમે અહીં ઉત્તમ સ્થાને બેસો,’ પણ પેલા ગરીબને કહો છો, ‘તું ત્યાં ઊભો રહે,’ અથવા ‘અહીં મારા પગનાં આસન પાસે બેસ;’ 4તો શું તમારામાં ભેદભાવ નથી? અને શું તમે પક્ષપાતયુક્ત વિચારો સાથે આચરણ કરતા નથી? 5મારા વહાલા ભાઈઓ, તમે સાંભળો; વિશ્વાસમાં ધનવાન થવા સારુ તથા ઈશ્વરે પોતાના લોકો પર પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું આશાવચન આપ્યું છે તેનું વતન પામવા સારુ, ઈશ્વરે આ માનવજગતના ગરીબોને પસંદ નથી કર્યા? 6પણ તમે ગરીબનું અપમાન કર્યું છે. શું શ્રીમંતો તમારા પર જુલમ નથી કરતા? અને ન્યાયાસન આગળ તેઓ તમને ઘસડી લઈ જતા નથી? 7જે ઉત્તમ નામથી તમે ઓળખાઓ છો, તેની નિંદા કરનારા શું તેઓ નથી? 8તોપણ શાસ્ત્રવચન પ્રમાણે જે રાજમાન્ય નિયમ છે, એટલે કે, ‘તું પોતાના જેવો પોતાના પડોશી પર પ્રેમ રાખ,’ તે નિયમ જો તમે પૂરેપૂરો પાળો છો, તો તમે ઘણું સારું કરો છો; 9પણ જો તમે ભેદભાવ રાખો છો, તો પાપ કરો છો, નિયમશાસ્ત્રનો ભંગ કરનારા તરીકે નિયમશાસ્ત્રથી અપરાધી ઠરો છે. 10કેમ કે જે કોઈ પૂરેપૂરું નિયમશાસ્ત્ર પાળશે અને ફક્ત એક જ બાબતમાં ભૂલ કરશે, તે સર્વ સંબંધી અપરાધી ઠરે છે. 11કેમ કે જેમણે કહ્યું, ‘તું વ્યભિચાર ન કર, ‘તેમણે જ કહ્યું કે, ‘તું હત્યા ન કર;’ માટે જો તું વ્યભિચાર ન કરે, પણ જો તું હત્યા કરે છે, તો તું નિયમશાસ્ત્રનો ભંગ કરનારો થયો છે. 12સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થવાનો છે, એવું સમજીને બોલો તથા વર્તો. 13કેમ કે જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર કરાશે; ન્યાય પર દયા વિજય મેળવે છે.
પ્રભાત-પ્રાર્થના: સુવાર્તા (સંત માર્ક માટે)
1આ બનાવો બન્યા પછી પ્રભુએ બીજા સિત્તેર શિષ્યોને નીમીને જે જે શહેર તથા જગ્યામાં તે પોતે જવાના હતા, તેમાં તેઓમાંના બબ્બેને પોતાની આગળ મોકલ્યા. 2ઈસુએ તેઓને કહ્યું કે, ‘ફસલ પુષ્કળ છે, પણ મજૂરો થોડા છે; માટે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે.’” 3જાઓ; અને ધ્યાન રાખજો કે, હું તમને વરુઓની વચ્ચે ઘેટાંના બચ્ચાં જેવા મોકલું છું. 4પૈસાની થેલી, ઝોળી કે ચંપલ લેતા નહી; અને માર્ગે કોઈને સલામ કરશો નહિ. 5જે કોઈ ઘરમાં તમે જાઓ ત્યાં પ્રથમ એમ કહો કે, ‘આ ઘરને શાંતિ થાઓ.’” 6અને જો કોઈ શાંતિપુત્ર ત્યાં હશે તો તમારી શાંતિ તેના પર રહેશે; પણ જો નહિ હોય, તો તે તમારી પાસે પાછી આવશે. 7તે જ ઘરમાં રહો, અને જે તેઓની પાસે જે હોય તે ખાતાંપીતાં રહેજો; કેમ કે મજૂર પોતાના પગારને યોગ્ય છે; ઘરેઘરે ફરતા નહિ. 8જે કોઈ ઘરમાં તમે જાઓ અને તેઓ તમારો આવકાર કરે, તો જે કંઈ તેઓ તમારી આગળ મૂકે તે ખાઓ; 9અને તેમાંના બીમારને સાજાં કરો, અને તેઓને કહો કે, ‘ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે.’” 10પણ જે કોઈ શહેરમાં તમે જાઓ, ત્યાંના લોકો તમારો આવકાર કરે નહિ, તો ત્યાંથી નીકળી જઈને કહો કે, 11તમારા શહેરની ધૂળ જે અમારા પગમાં લાગેલી છે તે પણ તમારી વિરુદ્ધ અમે લૂછી નાખીએ છીએ; તોપણ એટલું જાણો કે ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે. 12હું તમને કહું છું કે, તે દહાડે તે શહેરના કરતાં સદોમના હાલ સહેલ થશે. 13ઓ ખોરાજીન, તને હાય! ઓ બેથસાઈદા, તને હાય! કેમ કે તમારામાં જે પરાક્રમી કામ થયાં છે, તે જો તૂર તથા સિદોનમાં થયાં હોત, તો તેઓએ ટાટમાં તથા રાખમાં બેસીને ક્યારનોય પસ્તાવો કર્યો હોત. 14તોપણ ન્યાયકાળે તમારા કરતાં તૂર તથા સિદોનને સહેલું પડશે. 15વળી, ઓ કપરનાહૂમ, તું સ્વર્ગ સુધી ઊંચું કરાશે શું? તને પાતાળ સુધી નીચું કરી નંખાશે.
પત્ર
11તે સાજો કરાયેલો માણસ પિતર તથા યોહાનને પકડી રહ્યો હતો એટલામાં આશ્ચર્યસભર સઘળા લોક, સુલેમાન નામની પરસાળમાં તેઓની પાસે દોડી આવ્યા. 12તે જોઈને પિતરે લોકોને ઉત્તર આપ્યો કે, ઇઝરાયલી માણસો, આ જોઈ તમે આશ્ચર્ય કેમ પામો છો? અને જાણે અમારા સામર્થ્યથી અથવા ધાર્મિકપણાથી અમે તેને ચાલતો કર્યો હોય તેમ શા માટે અમને ધારીઘારીને જોઈ રહ્યા છો? 13ઇબ્રાહિમનાં, ઇસહાકના તથા યાકૂબના ઈશ્વરે, એટલે આપણા પૂર્વજોના ઈશ્વરે, પોતાના સેવક ઈસુને મહિમાવાન કર્યા, જેમને તમે પકડાવ્યા અને પિલાતે તેમને છોડી દેવાનું ઠરાવ્યું હતું ત્યારે તેની આગળ તમે તેમનો નકાર કર્યો હતો. 14તમે તે પવિત્ર તથા ન્યાયીનો વિરોધ કર્યો, અને અમારે સારુ એક ખૂનીને છોડી દેવામાં આવે એવું માગીને, 15તમે જીવનનાં અધિકારી ઈસુને મારી નાખ્યા; તેમને ઈશ્વરે મૂએલાંઓમાંથી સજીવન કર્યા; અને અમે તેના સાક્ષી છીએ. 16આ માણસ જેને તમે જુઓ છો અને ઓળખો છો, તેને ઈસુના નામ પરના વિશ્વાસે શક્તિમાન કર્યો; હા, તમો સર્વની આગળ ઈસુ પરના વિશ્વાસે તેને આ પૂરું આરોગ્ય આપ્યું છે.
પત્ર (સંત માર્ક માટે)
6એ માટે ઈશ્વરના સમર્થ હાથ નીચે તમે પોતાને નમ્ર કરો તે તમને યોગ્ય સમયે ઉચ્ચસ્થાને બેસાડે. 7તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. 8સાવચેત થાઓ, જાગતા રહો; કેમ કે તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. 9તમે વિશ્વાસમાં દ્રઢ થઈને તેની સામે થાઓ, કેમ કે તમે જાણો છો કે, દુનિયામાંનાં તમારા ભાઈઓ પર એ જ પ્રકારનાં દુઃખો પડે છે. 10સર્વ કૃપાના ઈશ્વર જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના અનંતકાળના મહિમાને સારુ બોલાવ્યા છે, તે પોતે તમે થોડીવાર સહન કરો ત્યાર પછી, તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે. 11તેમને સદાસર્વકાળ સત્તા હોજો, આમીન. 12સિલ્વાનસ, જેને હું વિશ્વાસુ ભાઈ માનું છું, તેની હસ્તક મેં ટૂંકમાં તમારા ઉપર લખ્યું છે, અને વિનંતી કરીને સાક્ષી આપી છે કે જે કૃપામાં તમે સ્થિર ઊભા રહો છો, તે ઈશ્વરની ખરી કૃપા છે. 13બાબિલમાંની મંડળી જેને તમારી સાથે પસંદ કરેલી છે તે તથા મારો દીકરો માર્ક તમને સલામ કહે છે. 14તમે પ્રેમના ચુંબનથી એકબીજાને સલામ કરજો. ઈસુ ખ્રિસ્તમાં તમ સર્વને શાંતિ થાઓ. આમીન.
સુવાર્તા
22આ પછી, ઈસુ પોતાના શિષ્યો સહિત યહૂદિયા પ્રાંતમાં ગયા; ત્યાં તેઓની સાથે રહીને લોકોને બાપ્તિસ્મા આપતા હતા. 23યોહાન પણ સાલીમ પાસે એનોનમાં બાપ્તિસ્મા કરતો હતો, કેમ કે ત્યાં પાણી ઘણું હતું; લોકો આવીને બાપ્તિસ્મા પામતા હતા. 24કેમ કે હજી સુધી યોહાનને જેલમાં પૂરવામાં આવ્યો ન હતો. 25ત્યાં યોહાનના શિષ્યોને એક યહૂદી સાથે શુદ્ધિકરણ વિષે વાદવિવાદ થયો. 26તેઓએ યોહાનની પાસે આવીને તેને કહ્યું કે, ‘ગુરુજી, જે તારી સાથે યર્દન નદીને પેલે પાર હતા, જેને વિષે તેં સાક્ષી પૂરી છે, તે તો બાપ્તિસ્મા આપે છે અને સઘળાં તેની પાસે આવે છે.’” 27યોહાને જવાબ આપ્યો કે, ‘જો કોઈ માણસને સ્વર્ગેથી આપવામાં આવ્યું ન હોય, તો તે કંઈ પામી શકતો નથી. 28તમે પોતે મારા સાક્ષી છો કે, મેં કહ્યું તે પ્રમાણે, હું તો ખ્રિસ્ત નથી, પણ તેમની અગાઉ મોકલાયેલો છું. 29જેને કન્યા છે તેને જ વર છે; પણ વરનો જે મિત્ર ઊભો રહીને તેનું સાંભળે છે, તે વરના શબ્દોથી બહુ આનંદ પામે છે; માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે. 30તે વધતા જાય, પણ હું ઘટતો જાઉં, એ જરૂરનું છે. 31જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સર્વોપરી છે; જે પૃથ્વીનો છે તે ઐહિક છે તે પૃથ્વીની વાતો કરે છે; જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સર્વની ઉપર છે. 32તેમણે જે જોયું અને સાંભળ્યું છે, તેની સાક્ષી તે પૂરે છે પણ તેમની સાક્ષી કોઈ માનતું નથી. 33જેણે તેની સાક્ષી માની છે, તેમણે ઈશ્વર સત્ય છે, તે વાત પર મહોર કરી છે.
સુવાર્તા (સંત માર્ક માટે)
7બાર શિષ્યોને પોતાની પાસે બોલાવીને તે તેઓને બબ્બેની જોડીમાં મોકલવા લાગ્યા; અને તેમણે તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો; 8તેઓને ફરમાવ્યું કે, ‘મુસાફરીને સારું કેવળ એક લાકડી વિના બીજું કંઈ લેવું નહિ; રોટલી નહિ, ઝોળી પણ નહિ, પોતાના કમરબંધમાં નાણાં પણ નહિ; 9પણ ચંપલ પહેરજો પણ વધારાનું અંગરખું રાખશો નહિ.’” 10વળી તેમણે તેઓને કહ્યું કે, ‘જ્યારે તમે કોઈ ઘરમાં જાઓ અને ત્યાંથી નીકળો ત્યાં સુધી તેમાં જ રહો. 11જ્યાં કહીં તેઓ તમારો આવકાર ના કરે અને તમારું ના સાંભળે, તો તેઓની વિરુદ્ધ સાક્ષીરૂપ થવાને માટે ત્યાંથી નીકળતાં તમારા પગ તળેની ધૂળ ખંખેરી નાખજો. 12તેઓએ નીકળીને એવું પ્રગટ કર્યો કે, ‘પસ્તાવો કરો.’” 13તેઓએ ઘણાં દુષ્ટાત્માઓ કાઢ્યાં, ઘણાં માદાંઓને તેલ લગાવીને તેઓને સાજાં કર્યાં.
તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 25 એપ્રિલ એટલે નાગરિક પંચાંગનો 8 મે. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો