Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ફેબ્રુઆરી 2027 › 19 ફેબ્રુઆરી

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 19 ફેબ્રુઆરી 2027

શુક્રવાર · તપઋતુનું પહેલું અઠવાડિયું

પર્વો અને સંતો

તપઋતુના પહેલા અઠવાડિયાનો શુક્રવાર

અઠવાડિયાનો દિવસ · ધાર્મિક વિધિનો રંગ: જાંબલી

ઉપવાસ અને પ્રાયશ્ચિત્ત

માંસનો ત્યાગ

દરેક શુક્રવાર પ્રાયશ્ચિત્તનો દિવસ છે; તે કેવી રીતે પાળવો તે દરેક બિશપ પરિષદ નક્કી કરે છે: માંસનો ત્યાગ કે પ્રાયશ્ચિત્તનું બીજું કોઈ કાર્ય. ઉપવાસ 18 થી 59 વર્ષની ઉંમર સુધી, માંસનો ત્યાગ 14 વર્ષથી બંધનકારક છે.

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

હઝ 18:21–28

21પણ જો દુષ્ટ પોતે પોતાનાં કરેલાં સર્વ પાપો કરવાનું છોડી દેશે અને મારા બધા વિધિઓ પાળશે, નેકીથી તથા પ્રામાણિકપણે વર્તશે તો તે નિશ્ચે જીવશે, તે મરશે નહિ. 22તેણે કરેલાં સર્વ ઉલ્લંઘનો ફરી યાદ કરવામાં આવશે નહિ. તે તેનાં કરેલા ન્યાયીપણાને લીધે જીવશે. 23એવું પ્રભુ યહોવાહ કહે છે” “શું દુષ્ટ માણસના મૃત્યુથી મને કંઈ આનંદ છે?” જો તે પોતાના માર્ગથી પાછો ફરીને જીવતો રહે તો એના કરતાં હું વિશેષ રાજી ન થાઉં? 24પણ જો ન્યાયી માણસ પોતાની નેકી છોડી દઈને વિશ્વાસઘાત કરે, જે ધિક્કારપાત્ર કૃત્યો દુષ્ટ માણસ કરે છે તેઓનું અનુસરણ કરે, તો શું તે જીવશે? તેણે કરેલાં નેક કામોમાંનું કોઈ પણ યાદ કરવામાં આવશે નહિ. તેણે પોતે કરેલાં પાપોને લીધે તે મૃત્યુ પામશે. 25પણ તમે કહો છો કે, ‘પ્રભુનો વ્યવહાર અદલ નથી.’ હે ઇઝરાયલી લોકો સાંભળો. શું મારો વ્યવહાર અદલ નથી? તમારા માર્ગો અવળા નથી શું? 26જો ન્યાયી માણસ પોતાની નેકીથી પાછો ફરી જાય, અન્યાય કરે અને તેના કારણે તે મૃત્યુ પામે, તો તેણે પોતે કરેલા અન્યાયને કારણે જ તે મૃત્યુ પામે. 27પણ જો દુષ્ટ માણસ પોતે કરેલી દુષ્ટતાથી પાછો ફરીને ન્યાયથી તથા પ્રામાણિકપણે વર્તે તો તે પોતાનો જીવ બચાવશે. 28તે વિચાર કરીને પોતે કરેલા સર્વ અપરાધોમાંથી પાછા ફરે. તેથી તે નક્કી જીવશે, તે મૃત્યુ પામશે નહિ.

પ્રત્યુત્તર ગીત

ગી.શા 130:1–8

1ચઢવાનું ગીત. હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો. 2હે પ્રભુ, મારો અવાજ સાંભળો; મદદ માટેની મારી પ્રાર્થના પર તમારા કાન ધરો. 3હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે? 4પણ તમારી પાસે માફી છે, તેથી તમે આદર પામશો. 5હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે અને તેમના વચનમાં હું આશા રાખું છું. 6સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે. 7હે ઇઝરાયલ, યહોવાહમાં આશા રાખ. યહોવાહ દયાળુ છે અને માફી આપવામાં ઉતાવળા છે. 8તે ઇઝરાયલને તેનાં સર્વ પાપોથી ઉગારશે.

સુવાર્તા

માથ 5:20–26

20કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયીપણા કરતાં જો તમારું ન્યાયીપણું વધારે ન હોય, તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ જ કરશો. 21‘હત્યા ન કર’, અને ‘જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે,’ એમ પહેલાંના સમયનાં લોકોએ કહ્યું હતું, તે તમે સાંભળ્યું છે. 22પણ હવે હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ પર કારણ વગર ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે પોતાના ભાઈને ‘બેવકૂફ’ કહેશે, તે ન્યાયસભામાં અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે તેને કહેશે કે ‘તું મૂર્ખ છે’, તે નરકાગ્નિના જોખમમાં આવશે. 23એ માટે જો તું તારું અર્પણ યજ્ઞવેદી પાસે લાવે અને જો ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈક છે, 24તો ત્યાં યજ્ઞવેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પ્રથમ તારા ભાઈની સાથે સુલેહ કર અને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ. 25જ્યાં સુધી તું તારા દુશ્મનની સાથે માર્ગમાં છે, ત્યાં સુધી તેની સાથે ત્વરિત સમાધાન કર; રખેને તારો દુશ્મન તને ન્યાયાધીશને સોંપે, ન્યાયાધીશ તને સિપાઈને સોંપે અને તને જેલમાં પૂરવામાં આવે. 26ખરેખર હું તમને કહું છું કે, તમે પૂરેપૂરો દંડ ચૂકવશો નહિ, ત્યાં સુધી તમે ત્યાંથી નીકળશો નહિ.

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો