Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ફેબ્રુઆરી 2027 › 20 ફેબ્રુઆરી

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 20 ફેબ્રુઆરી 2027

શનિવાર · તપઋતુનું પહેલું અઠવાડિયું

પર્વો અને સંતો

તપઋતુના પહેલા અઠવાડિયાનો શનિવાર

અઠવાડિયાનો દિવસ · ધાર્મિક વિધિનો રંગ: જાંબલી

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

પુન 26:16–19

16આજે યહોવાહ તમારા ઈશ્વર તમને આ નિયમો અને હુકમો પાળવાની આજ્ઞા કરે છે; માટે તમે તમારા પૂરા હૃદયથી તથા પૂરા જીવથી તેને પાળો તથા અમલમાં મૂકો. 17તમે આજે યહોવાહને તમારા ઈશ્વર તરીકે સ્વીકાર્યાં છે. તમે તેમના માર્ગમાં ચાલશો તથા તેમના કાયદાઓ, આજ્ઞાઓ અને નિયમો પાળશો અને તેમની વાણી સાંભળશો. 18અને યહોવાહે તમને જે વચન આપ્યું હતું તે પ્રમાણે તેમણે કબૂલ કર્યું છે કે, તમે તેમના પસંદ કરેલા લોક છો તેથી તમારે તેમની સર્વ આજ્ઞાઓ પાળવી. 19અને જે દેશજાતિઓને તેમણે ઉત્પન્ન કરી છે તે સર્વના કરતાં તમને મહાન પ્રજા બનાવશે અને તમને માન-પ્રતિષ્ઠા અને આદર પ્રાપ્ત થશે. અને યહોવાહે આપેલા વચન પ્રમાણે તમે યહોવાહ તમારા ઈશ્વરની પવિત્ર પ્રજા થશો.

પ્રત્યુત્તર ગીત

ગી.શા 119:1–2, 4–5, 7–8

1જેના માર્ગો સીધા છે, જેઓ યહોવાહના નિયમો પ્રમાણે ચાલે છે, તેઓ આશીર્વાદિત છે. 2જેઓ તેમનાં સાક્ષ્ય પાળે છે તેઓ આશીર્વાદિત છે, તેઓ પૂર્ણ હૃદયથી તેમને શોધે છે. 4તમારાં શાસનો પાળવાની તમે અમને આજ્ઞા આપી છે કે જેથી અમે તેનું ખૂબ કાળજીપૂર્વક પાલન કરીએ. 5તમારા વિધિઓ પાળવાને માટે મારા વિચારો દ્રઢ થાય તો કેવું સારું! 7જ્યારે હું તમારા ન્યાયી સાક્ષ્યો શીખીશ ત્યારે હું મારા શુદ્ધ અંતઃકરણથી તમારો આભાર માનીશ. 8હું તમારા વિધિઓને અનુસરીશ; મારો ત્યાગ ન કરો.

સુવાર્તા

માથ 5:43–48

43‘તું તારા પડોશી પર પ્રેમ કર અને તારા દુશ્મન પર દ્વેષ કર’, તેમ કહેલું હતું, તે તમે સાંભળ્યું છે. 44પણ હું તમને કહું છું કે તમે તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને જેઓ તમને સતાવે છે તેઓને માટે પ્રાર્થના કરો, 45એ માટે કે તમે સ્વર્ગમાંના તમારા પિતાના દીકરા થાઓ. કેમ કે તે સૂર્યને દુષ્ટ તથા ભલા પર ઉગાવે છે અને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ મોકલે છે. 46કેમ કે જેઓ તમારા પર પ્રેમ કરે છે, તેઓ પર જો તમે પ્રેમ કરો છો, તો તમને શો બદલો મળે? દાણીઓ પણ શું એમ નથી કરતા? 47જો તમે કેવળ તમારા ભાઈઓને સલામ કરો છો, તો તમે વિશેષ શું કરો છો? દેવ વગરના લોકો પણ શું એમ નથી કરતાં? 48એ માટે જેવા તમારા સ્વર્ગમાંના પિતા સંપૂર્ણ છે તેવા તમે પણ સંપૂર્ણ થાઓ.

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો