મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ફેબ્રુઆરી 2027 › 14 ફેબ્રુઆરી
ઓર્થોડોક્સ પંચાંગ · 1 ફેબ્રુઆરી (જૂની પદ્ધતિ)
ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 14 ફેબ્રુઆરી 2027
રવિવાર · સ્વર 4
પર્વો અને સંતો
જાખ્ખીનો રવિવાર
ઉપવાસ
ઉપવાસ નથી
આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.
દિવસનાં વાંચનો
પ્રભાત-પ્રાર્થનાની ચોથી સુવાર્તા
1અઠવાડિયાને પહેલે દિવસે, પ્રભાતે, જે સુગંધીદ્રવ્યો તેઓએ તૈયાર કર્યાં હતાં તે લઈને તે સ્ત્રીઓ તેમની કબરે આવી. 2તેઓએ કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો. 3તેઓએ કબરમાં પ્રવેશ કર્યો પણ પ્રભુ ઈસુનું શબ તેઓને જોવા મળ્યું નહિ. 4એમ થયું કે, એ સંબંધી તેઓ ગૂંચવણમાં પડી હતી, ત્યારે ચળકતાં વસ્ત્ર પહેરેલા બે પુરુષો તેઓને દેખાયા. 5તેઓએ ડરીને જમીન સુધી પોતાનાં માથાં નમાવ્યાં, ત્યારે તેઓએ તેઓને કહ્યું કે, ‘મૂએલાંઓમાં જીવતાંને કેમ શોધો છો? 6તે અહીં નથી, પણ ઊઠયા છે; યાદ કરો કે તે ગાલીલમાં હતા ત્યારે તેમણે તમને શું કહ્યું હતું? 7પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પરસ્વાધીન કરાય તથા વધસ્તંભે જડાય અને ત્રીજે દિવસે પાછા ઊઠે એ જરૂરનું છે.’” 8તેમને ઈસુની વાતો યાદ આવી. 9કબર આગળથી પાછી આવીને તેઓએ અગિયાર શિષ્યોને તથા બીજા સર્વને એ બધી વાતો કહી. 10હવે જેઓએ આ વાત પ્રેરિતોને કહી તે મરિયમ મગ્દલાની, યોહાન્ના, યાકૂબની મા મરિયમ તથા તેમની સાથેની બીજી સ્ત્રીઓ હતી. 11એ વાતો તેઓને અક્કલ વગરની લાગી, અને તેઓએ તેઓનો વિશ્વાસ કર્યો નહિ. 12પણ પિતર ઊઠીને કબરે દોડી ગયો; અને નીચા વળીને અંદર જોયું તો તેણે શણના વસ્ત્રો એકલા પડેલા જોયા; અને જે થયું હતું તે સંબંધી પોતાના મનમાં તે આશ્ચર્ય પામતો પોતાને ઘરે ગયો.
પત્ર
9આ વિધાન વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે. 10તેથી આપણે તેને સારું મહેનત તથા સંઘર્ષ કરીએ છીએ, કેમ કે આપણી આશા જીવંત ઈશ્વરમાં છે, જે સર્વ મનુષ્યોના, સવિશેષ વિશ્વાસીઓના ઉદ્ધારકર્તા છે. 11આ બાબતોનો આદેશ આપજે તથા શીખવજે. 12તારી યુવાવસ્થાનો કોઈ તિરસ્કાર કરે નહિ; પણ વાણી, વર્તન, પ્રેમ, વિશ્વાસ અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે. 13હું આવું ત્યાં સુધી જાહેર શાસ્ત્રવાંચન, બોધ આપવા તથા શિક્ષણ આપવામાં ધ્યાન આપજે. 14જે કૃપાદાન તને વડીલોના હાથ મૂકવા તથા પ્રબોધ કરવા દ્વારા આપવામાં આવ્યું હતું, તે વિષે બેદરકાર રહીશ નહિ. 15એ બાબતોનું મનન કર, તેમાં પરોવાયેલ રહે જેથી તારી પ્રગતિ સર્વને સ્પષ્ટ દેખાય.
પત્ર (સંત ત્રિફોન માટે)
28આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે અને જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે. 29કેમ કે જેઓને તેઓ અગાઉથી ઓળખતા હતા, તેઓના વિષે તેમણે પહેલેથી નક્કી પણ કર્યું હતું, કે તેઓ તેમના દીકરાની પ્રતિમા જેવા થાય, જેથી તે ઘણાં ભાઈઓમાં જયેષ્ઠ થાય. 30વળી જેઓને તેમણે અગાઉથી ઠરાવ્યાં, તેઓને તેમણે તેડ્યાં, જેઓને તેમણે તેડ્યાં, તેઓને તેમણે ન્યાયી ઠરાવ્યાં અને જેઓને તેમણે ન્યાયી ઠરાવ્યાં, તેઓને તેમણે મહિમાવંત પણ કર્યા. 31ત્યારે એ વાતો વિષે આપણે શું કહીએ? જો ઈશ્વર આપણા પક્ષના તો આપણી વિરુદ્ધ કોણ? 32જેમણે પોતાના જ દીકરાને આપણા સર્વને માટે સોંપી દીધો, તેઓ કૃપા કરીને આપણને તેમની સાથે બધુંએ કેમ નહિ આપશે? 33ઈશ્વરના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? તેઓને ન્યાયી ઠરાવનાર ઈશ્વર છે; 34તેઓને દોષિત ઠરાવનાર કોણ? જે મૃત્યુમાંથી સજીવન થયા તે ખ્રિસ્ત ઈસુ છે, તે ઈશ્વરને જમણે હાથે છે, તે આપણે માટે મધ્યસ્થી પણ કરે છે. 35ખ્રિસ્તનાં પ્રેમથી આપણને કોણ અલગ કરશે? શું વિપત્તિ, કે વેદના, કે સતાવણી, કે દુકાળ, કે નિ:વસ્ત્રતા, કે જોખમ, કે તલવાર? 36જેમ લખ્યું છે કે, ‘તારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ, કપાવાનાં ઘેટાંના જેવા અમે ગણાયેલા છીએ.’” 37તોપણ જેમણે આપણને પ્રેમ કર્યો, તેના દ્વારા આપણે એ બધાં સંબંધી વિશેષ જય પામીએ છીએ. 38કેમ કે મને ખાતરી છે, કે ઈશ્વરનો જે પ્રેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, તેનાથી આપણને મરણ, જીવન, સ્વર્ગદૂતો, અધિકારીઓ, વર્તમાનનું, ભવિષ્યનું, પરાક્રમીઓ, 39ઊંચાણ, ઊંડાણ, કે કોઈ પણ બીજી સૃજેલી વસ્તુ અલગ કરી શકશે નહિ.
સુવાર્તા
1ઈસુ યરીખોમાં થઈને જતા હતા. 2ત્યાં જાખ્ખી નામે એક પુરુષ હતો; તે મુખ્ય દાણી હતો, અને શ્રીમંત હતો. 3તેણે ઈસુને જોવા કોશિશ કરી કે તે કોણ છે, પણ ભીડને લીધે તે તેમને જોઈ શક્યો નહિ, કેમ કે તે નીચા કદનો હતો. 4તેથી આગળ દોડી જઈને ઈસુને જોવા સારુ ગુલ્લર ઝાડ પર તે ચડ્યો; ઈસુ તે રસ્તે થઈને પસાર થવાનાં હતા. 5તે જગ્યાએ ઈસુ આવ્યા. તેમણે ઊંચે જોઈને કહ્યું, ‘જાખ્ખી, તું જલદી નીચે ઊતરી આવ, મારો આજનો ઉતારો તારે ઘરે છે.’” 6તે જલદી નીચે ઊતર્યો. તેણે આનંદથી ઈસુને આવકાર્યા. 7બધાએ તે જોઈને કચકચ કરી કે, ઈસુ પાપી માણસને ઘરે મહેમાન તરીકે રહેવા ગયો છે. 8જાખ્ખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું કે, ‘પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ ગરીબોને આપું છું; અને જો અન્યાયથી મેં કોઈનાં નાણાં પડાવી લીધા હોય તો હું ચારગણાં પાછા આપીશ,’ 9ઈસુએ તેને કહ્યું કે, ‘આજે આ ઘરે ઉદ્ધાર આવ્યો છે, કારણ કે જાખ્ખી પણ ઇબ્રાહિમનો દીકરો છે. 10કેમ કે જે ખોવાયું છે તેને શોધવા તથા ઉદ્ધાર કરવા સારુ માણસનો દીકરો આવ્યો છે.’”
સુવાર્તા (સંત ત્રિફોન માટે)
19જુઓ, સર્પો તથા વીંછીઓ અને દુશ્મનની બધી શક્તિ પર મેં તમને અધિકાર આપ્યો છે; કશાથી પણ તમને ઈજા થશે નહિ. 20પણ દુષ્ટાત્માઓ તમારે તાબે થયા છે, તેને લીધે ખુશ થતાં નહિ; પણ તમારાં નામ સ્વર્ગમાં લખવામાં આવ્યા છે, તેને લીધે હરખાઓ.’” 21તે જ સમયે તે પવિત્ર આત્માથી હરખાયા, અને બોલ્યા કે, ‘ઓ ઈશ્વરપિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું કે, જ્ઞાનીઓથી તથા બુદ્ધિમંતોથી તમે એ વાતો ગુપ્ત રાખી અને બાળકોને પ્રગટ કરી છે; હા ઈશ્વરપિતા, કેમ કે તમને તે સારું લાગ્યું.
તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 1 ફેબ્રુઆરી એટલે નાગરિક પંચાંગનો 14 ફેબ્રુઆરી. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો