મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ફેબ્રુઆરી 2027 › 11 ફેબ્રુઆરી
ઓર્થોડોક્સ પંચાંગ · 29 જાન્યુઆરી (જૂની પદ્ધતિ)
ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 11 ફેબ્રુઆરી 2027
ગુરુવાર · પચાસમાના પર્વ પછીનું 37મું અઠવાડિયું · સ્વર 3
પર્વો અને સંતો
Translation of the relics of the Hieromartyr Ignatius the God-bearer, Bishop of Antioch († 107)
ઉપવાસ
ઉપવાસ નથી
આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.
દિવસનાં વાંચનો
પત્ર
7તેથી તમે ઈશ્વરને આધીન થાઓ, પણ શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે. 8તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે; ઓ પાપીઓ, તમારાં હાથ શુદ્ધ કરો અને ઓ બે મનવાળાઓ તમે તમારા હૃદય પવિત્ર કરો. 9તમે ઉદાસ થાઓ, શોક કરો અને રડો; તમારું હાસ્ય શોકમાં બદલાય તથા આનંદને બદલે ખેદ થાય. 10પ્રભુની સમક્ષ નમ્ર થાઓ એટલે તે તમને ઊંચા કરશે. 11ઓ ભાઈઓ અને બહેનો, તમે એકબીજાની નિંદા કરો નહીં; જે પોતાના ભાઈની નિંદા કરે છે અને પોતાના ભાઈને દોષિત ઠરાવે છે તે નિયમશાસ્ત્રનો ન્યાય કરે છે; અને જો તું નિયમશાસ્ત્રનો ન્યાય કરે છે; તો તું નિયમશાસ્ત્રનો અમલ કરનાર નહીં પણ તેનો ન્યાય કરનાર છે. 12નિયમ આપનાર તથા ન્યાય કરનાર એક જ છે, તે તો ઉદ્ધાર કરવાને તથા નાશ કરવાને શક્તિમાન છે. પણ તું કોણ કે બીજાનો ન્યાય કરે છે? 13હવે ચાલો, તમે કહો છો કે, આજે કે કાલે અમે આ કે તે શહેરમાં જઈને ત્યાં એક વર્ષ સુધી રહીશું; અને વેપાર કરીને લાભ મેળવીશું. 14હવે તમે તો નથી જાણતા કે કાલે શું થવાનું છે. તમારી જિંદગી શાના જેવી છે? કેમ કે તમે તો ધુમ્મસ જેવા છો, કે જે થોડીવાર દેખાય છે પછી અદ્રશ્ય થાય છે. 15પણ તેના બદલે તમારે એમ કહેવું જોઈએ, કે જો પ્રભુની ઇચ્છા હશે, તો અમે જીવતા રહીશું અને આમ કે તેમ કરીશું. 16પણ હવે તમે તો ગર્વ કરીને બડાઈ કરો છો, આ બધી બડાઈ ખોટી છે. 17એ માટે જે ભલું કાર્ય જાણ્યાં છતાં કરતો નથી તેને પાપ લાગે છે. 5:1હવે શ્રીમંતો તમે સાંભળો, તમારા પર આવી પડનારા સંકટોને લીધે તમે વિલાપ અને રુદન કરો. 2તમારી દોલત સડી ગઈ છે અને તમારાં વસ્ત્રોને ઊધઈ ખાઈ ગઈ છે. 3તમારું સોનું તથા ચાંદી કટાઈ ગયું છે અને તેના કાટ તમારી વિરુદ્ધ સાક્ષી આપશે, અગ્નિની જેમ તમારા શરીરોને ખાઈ જશે. તમે છેલ્લાં દિવસને માટે મિલકત સંઘરી રાખી છે. 4જુઓ, જે મજૂરોએ તમારાં ખેતરમાં મહેનત કરી છે, તેઓની મજૂરી તમે દગાથી અટકાવી રાખી છે, તે બૂમ પાડે છે અને મહેનત કરનારાઓની બૂમ સૈન્યોના પ્રભુએ સાંભળી છે. 5તમે પૃથ્વી પર મોજશોખ કરો છો અને વિલાસી થયા છો; કાપાકાપીના દિવસોમાં તમે તમારાં હૃદયોને પુષ્ટ કર્યાં છે. 6ન્યાયીને તમે અન્યાયી ઠરાવીને મારી નાખ્યો, પણ તે તમને અટકાવતો નથી. 7ભાઈઓ, પ્રભુના આવતાં સુધી તમે ધીરજ રાખો; જુઓ, ખેડૂત ભૂમિના મૂલ્યવાન ફળની રાહ જુએ છે અને પહેલો તથા છેલ્લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે. 8તમે પણ, ધીરજ રાખો અને મન દ્રઢ રાખો, કેમ કે પ્રભુનું આગમન હાથવેંતમાં છે. 9ભાઈઓ, એકબીજા સાથે બડબડાટ ન કરો જેથી તમારો ન્યાય કરવામાં ન આવે; જુઓ, ન્યાયાધીશ બારણા આગળ ઊભા છે.
પત્ર (શુક્રવાર માટે)
1ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર લખે છે કે, વેરવિખેર થઈને પોન્તસ, ગલાતિયા, કપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં પરદેશી તરીકે ઈશ્વરથી પસંદ કરેલાઓ; 2જેઓને ઈશ્વરપિતાના પૂર્વજ્ઞાન પ્રમાણે આત્માનાં પવિત્રીકરણથી આજ્ઞાકારી થવા અને ઈસુ ખ્રિસ્તનાં રક્તથી છંટકાવ પામવા સારુ પસંદ કરેલા છે, તેવા તમ સર્વ પર પુષ્કળ કૃપા તથા શાંતિ હો. 10જે પ્રબોધકોએ તમારા પરની કૃપા વિષે ભવિષ્યકથન કર્યું તેઓએ તે ઉદ્ધાર વિષે તપાસીને ખંતથી શોધ કરી. 11ખ્રિસ્તનો આત્મા જે તેઓમાં હતો તેણે ખ્રિસ્તનાં દુઃખ તથા તે પછીના મહિમા વિષે સાક્ષી આપી, ત્યારે તેણે કયો અથવા કેવો સમય બતાવ્યો તેનું સંશોધન તેઓ કરતા હતા. 12જે પ્રગટ કરાયું હતું તેનાથી તેઓએ પોતાની નહિ, પણ તમારી સેવા કરી. સ્વર્ગમાંથી મોકલાયેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓ દ્વારા તે વાતો તમને હમણાં જણાવવાંમાં આવી; જે વાતોને જોવાની ઉત્કંઠા સ્વર્ગદૂતો પણ ધરાવે છે. 2:6કારણ કે શાસ્ત્રવચનમાં લખેલું છે કે, ‘જુઓ, પસંદ કરેલો તથા મૂલ્યવાન, એવો ખૂણાનો મુખ્ય પથ્થર હું સિયોનમાં મૂકું છું અને જે તેના પર વિશ્વાસ કરે છે તે શરમાશે નહિ. 7માટે તમને વિશ્વાસ કરનારાઓને તે મૂલ્યવાન છે, પણ અવિશ્વાસીઓને સારુ તો જે પથ્થર બાંધનારાઓએ નાપસંદ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. 8વળી ઠેસ ખવડાવનાર પથ્થર અને ઠોકર ખવડાવનાર ખડક થયો છે;’ તેઓ વચનને માનતાં નથી, તેથી ઠોકર ખાય છે, એટલા માટે પણ તેઓનું નિર્માણ થયેલું હતું. 9પણ તમે તો પસંદ કરેલું કુળ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર લોક તથા ઈશ્વરની ખાસ પ્રજા છો, જેથી જેમણે તમને અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક અજવાળામાં તેડ્યાં છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો. 10તમે પહેલાં પ્રજા જ નહોતા, પણ હાલ ઈશ્વરની પ્રજા છો; કોઈ એક સમયે તમે દયા પામેલા નહોતા, પણ હાલ દયા પામ્યા છો.
સુવાર્તા
27પછી ફરી તેઓ યરુશાલેમમાં આવ્યા. અને ઈસુ ભક્તિસ્થાનમાં ફરતા હતા, ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા વડીલો તેમની પાસે આવ્યા. 28તેઓએ ઈસુને પૂછ્યું કે, ‘કયા અધિકારથી તું આ કામો કરો છે,’ અથવા ‘કોણે તને આ કામો કરવાનો અધિકાર આપ્યો છે?’” 29ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું એક વાત તમને પૂછીશ અને જો તમે મને જવાબ આપશો, તો કયા અધિકારથી હું આ કામો કરું છું તે હું તમને કહીશ. 30યોહાનનું બાપ્તિસ્મા શું સ્વર્ગથી હતું કે માણસોથી? મને જવાબ આપો.’” 31તેઓએ પરસ્પર વિચારીને કહ્યું કે, જો કહીએ કે, સ્વર્ગથી, તો તે કહેશે કે, ત્યારે તમે તેના પર વિશ્વાસ કેમ ન કર્યો? 32અને જો કહીએ કે માણસોથી, ત્યારે તેઓ લોકોથી ગભરાયા. કેમ કે બધા યોહાનને નિશ્ચે પ્રબોધક માનતા હતા. 33તેઓએ ઉત્તર આપ્યો કે, ‘અમે જાણતા નથી.’” ઈસુ તેઓને કહે છે કે, ‘કયા અધિકારથી હું આ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી.’”
સુવાર્તા (શુક્રવાર માટે)
1ઈસુ તેઓને દ્રષ્ટાંતોમાં કહેવા લાગ્યા કે, ‘એક માણસે દ્રાક્ષાવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, દ્રાક્ષરસનો કૂંડ ખોદ્યો, બુરજ બાંધ્યો અને ખેડૂતોને વાડી ભાડે આપીને પરદેશ ગયો. 2મોસમે તેણે ખેડૂતોની પાસે ચાકર મોકલ્યો, કે તે ખેડૂતો પાસેથી દ્રાક્ષાવાડીના ફળનો ભાગ મેળવે. 3પણ તેઓએ તેને પકડીને માર્યો અને ખાલી હાથે પાછો મોકલ્યો. 4ફરી તેણે બીજો ચાકર તેઓની પાસે મોકલ્યો. તેઓએ તેનું માથું ફોડી નાખ્યું અને તેને ધિક્કારીને નસાડી મૂક્યો. 5તેણે બીજો ચાકર મોકલ્યો અને તેઓએ તેને મારી નાખ્યો. પછી બીજા ઘણાં ચાકરો મોકલ્યા, તેઓએ કેટલાકને કોરડા માર્યા અને કેટલાકને મારી નાખ્યા. 6હવે છેલ્લે માલિકનો વહાલો દીકરો બાકી રહ્યો હતો. માલિકે આખરે તેને તેઓની પાસે એમ વિચારીને મોકલ્યો કે, તેઓ મારા દીકરાનું માન રાખશે.’” 7પણ તે ખેડૂતોએ અંદરોઅંદર કહ્યું કે, ‘એ તો વારસ છે; ચાલો, તેને મારી નાખીએ કે વારસો આપણો થાય.’” 8તેઓએ તેને પકડીને મારી નાખ્યો. અને દ્રાક્ષાવાડીમાંથી બહાર ફેંકી દીધો. 9એ માટે દ્રાક્ષાવાડીનો માલિક શું કરશે? હવે તે પોતે આવશે, ખેડૂતોનો નાશ કરશે, અને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે. 10શું તમે આ શાસ્ત્રવચન નથી વાંચ્યું કે, ‘જે પથ્થરનો નકાર બાંધનારાઓએ કર્યો, ખૂણાનો મુખ્ય પથ્થર થયો;’ 11આ કામ પ્રભુએ કર્યું છે. આપણી દ્રષ્ટિમાં તે અદ્ભૂત છે! 12તેઓએ ઈસુને પકડવાને શોધ કરી; પણ તેઓ લોકોથી ગભરાયા. કેમ કે તેઓ સમજ્યા કે તેમણે તેઓના પર આ દ્રષ્ટાંત કહ્યું હતું, અને તેઓ તેમને મૂકીને ચાલ્યા ગયા.
તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 29 જાન્યુઆરી એટલે નાગરિક પંચાંગનો 11 ફેબ્રુઆરી. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો