Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › જાન્યુઆરી 2027 › 23 જાન્યુઆરી

ઓર્થોડોક્સ પંચાંગ · 10 જાન્યુઆરી (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 23 જાન્યુઆરી 2027

શનિવાર · પચાસમાના પર્વ પછીનું 34મું અઠવાડિયું · સ્વર 8

પર્વો અને સંતો

ઈશ્વરપ્રાગટ્ય પછીનો શનિવાર

ઉપવાસ

ઉપવાસ નથી

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

પત્ર (ઈશ્વરપ્રાગટ્ય પછીના શનિવાર માટે)

એફે 6:10–17

10અંતે, મારા પ્રિય ભાઈઓ, પ્રભુમાં તથા તેમના સામર્થ્યમાં શક્તિવાન થાઓ. 11શેતાનની કુયુક્તિઓની સામે તમે અડગ રહી શકો માટે ઈશ્વરનાં સર્વ હથિયારો સજી લો. 12કેમ કે આપણું યુદ્ધ, લોહી અને માંસ, અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, જગતમાંનાં આ અંધકારનાં સત્તાધારીઓની સામે, સ્વર્ગીય સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરો ની સામે છે. 13એ માટે તમે ઈશ્વરનાં સર્વ શસ્ત્રો ધારણ કરો કે, તમે ખરાબ દિવસે સામનો કરી શકો અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો. 14તેથી સત્યથી તમારી કમર બાંધીને, ન્યાયીપણાનું બખતર ધારણ કરીને 15તથા શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી પગરખાં પહેરીને, ઊભા રહો. 16સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના સળગી રહેલા બાણ બુઝાવી શકો. 17અને ઉદ્ધારનો ટોપ તથા આત્માની તલવાર, જે ઈશ્વરનું વચન છે, તે લો.

પત્ર

એફે 2:11–13

11એ માટે યાદ રાખો કે, તમે પહેલા દેહ સંબંધી બિનયહૂદી હતા, અને શરીરનાં સંદર્ભે હાથે કરેલી સુન્નતવાળા તમને બેસુન્નતી કહેતાં હતા; 12તે સમયે તમે આ જગતમાં ખ્રિસ્તરહિત, ઇઝરાયલની નાગરિકતાના હક વગરના, પ્રભુના આશાવચનના કરારોથી પારકા, આશારહિત તથા ઈશ્વર વગરના હતા. 13પણ પહેલાં તમે જેઓ દૂર હતા તેઓ ખ્રિસ્ત ઈસુ દ્વારા તેમના રક્તથી નજદીક આવ્યા છો.

સુવાર્તા (ઈશ્વરપ્રાગટ્ય પછીના શનિવાર માટે)

માથ 4:1–11

1પછી ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા. 2ચાળીસ રાતદિવસ ઉપવાસ કર્યા પછી તેમને ભૂખ લાગી. 3પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને કહ્યું કે, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો આ પથ્થરોને કહે કે, તેઓ રોટલી થઈ જાય.” 4પણ ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, “એમ લખેલું છે કે, ‘માણસ એકલી રોટલીથી નહિ, પણ દરેક શબ્દ જે ઈશ્વરના મુખમાંથી નીકળે છે તેથી જીવશે.’” 5ત્યારે શેતાન તેમને પવિત્ર નગરમાં લઈ ગયો અને ભક્તિસ્થાનના બુરજ પર તેમને ઊભા રાખ્યા, 6અને તેમને કહ્યું કે, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો પોતાને નીચે પાડી નાખ; કેમ કે એમ લખેલું છે કે, ‘ઈશ્વર પોતાના સ્વર્ગદૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે; અને દૂતો તને પોતાના હાથો પર ધરી લેશે, જેથી તારો પગ પથ્થર સાથે ન અફળાય.” 7ઈસુએ તેને કહ્યું, “એમ પણ લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરનું તું પરીક્ષણ ન કર.’ 8ફરીથી શેતાન તેમને ઘણાં ઊંચા પહાડ ઉપર લઈ ગયો અને દુનિયાના સઘળાં રાજ્યો તથા તેઓનો વૈભવ તેમને બતાવ્યા. 9અને તેમને કહ્યું કે, “જો તું પગે પડીને મારું ભજન કરશે, તો આ સઘળાં હું તને આપીશ.” 10ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “અરે શેતાન, દૂર જા! કેમ કે લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને એકલા તેમની જ સેવા કર.’” 11ત્યારે શેતાન તેમને મૂકીને ગયો; અને સ્વર્ગદૂતોએ તેમની પાસે આવીને તેમની સેવા કરી.

સુવાર્તા

લૂક 13:18–29

18ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે, અને હું એને શાની ઉપમા આપું? 19તે રાઈના દાણા જેવું છે. કોઈ માણસે દાણો લઈને પોતાની વાડીમાં વાવ્યો. પછી છોડ ઊગ્યો અને તે વધીને મોટું ઝાડ થયું, અને આકાશના પક્ષીઓએ તેની ડાળીઓ પર વાસો કર્યો.’” 20ફરીથી ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે અને હું એને શાની ઉપમા આપું? 21તે ખમીર જેવું છે. એક મહિલાએ ખમીર લઈને ત્રણ માપ લોટમાં મેળવ્યું. પરિણામે બધો લોટ ખમીરવાળો થયો.’” 22ઈસુ યરુશાલેમ તરફ મુસાફરી કરતા હતા ત્યારે માર્ગ પર આવતાં શહેર અને ગામોની મુલાકાત કરીને લોકોને બોધ કરતા હતા.’” 23એક માણસે ઈસુને પૂછ્યું કે, ‘પ્રભુ, ઉદ્ધાર પામનાર લોકો થોડા છે શું?’ પછી ઈસુએ તેઓને કહ્યું કે, 24‘સાંકડા દરવાજામાં થઈને પ્રવેશ કરવા કષ્ટ કરો, કારણ, હું તમને કહું છું કે ઘણાં અંદર પ્રવેશ કરવા પ્રયત્ન કરશે, પણ અંદર પ્રવેશી શકશે નહિ. 25જયારે ઘરનો માલિક ઊઠીને બારણું બંધ કરશે, અને તમે બહાર ઊભા રહીને બારણું ખટખટાવીને કહેશો કે, ‘પ્રભુ, પ્રભુ, અમારે માટે બારણાં ઉઘાડો’; અને તે તમને ઉત્તર આપતાં કહેશે કે, ‘હું તમને ઓળખતો નથી કે તમે ક્યાંનાં છો? 26ત્યારે તમે કહેશો કે, અમે તારી સમક્ષ ખાધું પીધું હતું અને તમે અમારા રસ્તાઓમાં બોધ કર્યો હતો. 27પણ તે કહેશે કે, હું તમને કહું છું કે, તમે ક્યાંનાં છો એ હું જાણતો નથી; હે અન્યાય કરનારાઓ, તમે લોકો મારી પાસેથી દૂર જાઓ. 28જયારે તમે ઇબ્રાહિમને, ઇસહાકને, યાકૂબને અને બધા પ્રબોધકોને ઈશ્વરના રાજ્યમાં જોશો, અને પોતાને બહાર કાઢી મૂકેલા જોશો, જ્યાં રડવું અને દાંત પીસવું થશે. 29તેઓ પૂર્વમાંથી, પશ્ચિમમાંથી, ઉત્તરમાંથી તથા દક્ષિણમાંથી લોકો આવશે, અને ઈશ્વરના રાજ્યમાં ભોજન સમારંભમાં બેસશે.

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 10 જાન્યુઆરી એટલે નાગરિક પંચાંગનો 23 જાન્યુઆરી. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો