મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › જાન્યુઆરી 2027 › 9 જાન્યુઆરી
ઓર્થોડોક્સ પંચાંગ · 27 ડિસેમ્બર (જૂની પદ્ધતિ)
ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 9 જાન્યુઆરી 2027
શનિવાર · પચાસમાના પર્વ પછીનું 32મું અઠવાડિયું · સ્વર 6
પર્વો અને સંતો
નાતાલ પછીનો શનિવાર
નાતાલના દિવસો (સ્વ્યાત્કી)
ઉપવાસ નથી
આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.
દિવસનાં વાંચનો
પત્ર (ખ્રિસ્તના જન્મ પછીના શનિવાર માટે)
11પણ હે ઈશ્વરભક્ત, તું આ બાબતોથી દૂર ભાગજે; તદુપરાંત ન્યાયીપણું, ઈશ્વરપરાયણતા, વિશ્વાસ, પ્રેમ, સહનશીલતા તથા વિનમ્રતાની પાછળ લાગ. 12વિશ્વાસની સારી લડાઈ લડ, અનંતજીવન ધારણ કર, કે જેને માટે તું તેડાયેલો છે અને જેનાં વિષે તેં ઘણાં સાક્ષીઓની આગળ સારી કબૂલાત કરેલી છે. 13ઈશ્વર જે સઘળાંને જીવન આપે છે તેમની સમક્ષ તથા ખ્રિસ્ત ઈસુ જેમણે પોંતિયસ પિલાતની આગળ સારી કબૂલાત કરી, તેમની આગળ હું તને આગ્રહથી ફરમાવું છું કે, 14આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવા સુધી તું ઠપકારહિત તથા નિષ્કલંક રીતે આ આજ્ઞા પાળ. 15જેઓ સ્તુત્ય છે, એકલા જ સર્વોપરી, રાજકર્તાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ છે તેઓ યોગ્ય સમયે ઈસુનું પ્રગટ થવું બતાવશે, 16તેમને એકલાને જ અવિનાશીપણું છે, પાસે ન જવાય એવા અજવાળામાં રહે છે, જેમને કદી કોઈ મનુષ્યોએ જોયા નથી અને જોઈ શકતા પણ નથી તેમને અનંતકાળ સન્માન તથા આધિપત્ય હો. આમીન.
પત્ર
14વળી, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે આળસુઓને ચેતવણી, નિરાશ થયેલાઓને ઉત્તેજન અને નિર્બળોને આધાર આપો, સઘળાંની સાથે સહનશીલ થાઓ. 15સાવધ રહો કે, કોઈ દુષ્ટતાનાં બદલામાં સામી દુષ્ટતા ન આચરે પણ તમે સદા એકબીજાનું તથા સર્વનું હિત સાધવાને યત્ન કરો. 16સદા આનંદ કરો; 17નિરંતર પ્રાર્થના કરો; 18દરેક બાબતમાં આભારસ્તુતિ કરો, કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની ઇચ્છા એવી જ છે. 19આત્માને હોલવશો નહિ, 20પ્રબોધવાણીઓને તુચ્છકારશો નહિ. 21પણ સઘળી બાબતોને પારખો, જે સારું છે તેને પકડી રાખો. 22દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો. 23શાંતિના ઈશ્વર પોતે તમને સંપૂર્ણ પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં આગમન સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર નિર્દોષતામાં સંભાળી રાખો.
પત્ર (સંત સ્તેફન માટે)
8સ્તેફન કૃપાથી તથા સામર્થ્યથી ભરપૂર હતો, તેણે લોકોમાં મોટાં અદભુત આશ્ચર્યકર્મો તથા ચમત્કારિક ચિહ્નો કર્યાં. 9પણ લિબર્તીની કહેવાતી સભાસ્થાનમાંના, કુરેનીના, આલેકસાંદ્રિયાના, કિલીકિયાના તથા આસિયાના કેટલાક આગળ આવીને સ્તેફન સાથે વાદવિવાદ કરવા લાગ્યા. 10પણ સ્તેફન એવા જ્ઞાનથી તથા આત્માની પ્રેરણાથી બોલતો હતો કે તેઓ તેની સામે ટકી શક્યા નહિ. 11ત્યારે તેઓએ કેટલાક માણસોને સમજાવ્યાં, જેઓએ કહ્યું કે, અમે તેને મૂસાના નિયમશાસ્ત્ર તથા ઈશ્વરની વિરુદ્ધ દુર્ભાષણ બોલતા સાંભળ્યો છે. 12તેઓ લોકોને, વડીલોને તથા શાસ્ત્રીઓને ઉશ્કેરીને તેના પર તૂટી પડ્યા, અને તેને પકડીને સભામાં લાવ્યા. 13તેઓએ જૂઠા સાક્ષીઓ ઊભા કર્યા, જેઓએ કહ્યું કે, એ માણસ આ પવિત્રસ્થાન તથા નિયમશાસ્ત્ર વિરુદ્ધ દુર્ભાષણ કર્યા કરે છે; 14કેમ કે અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે, ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે, અને જે રીતરિવાજો મૂસાએ આપણને ફરમાવ્યા છે તેઓને બદલી નાખશે. 15જેઓ સભામાં બેઠા હતા તેઓ સર્વ સ્તેફનની તરફ એક નજરે જોઈ રહ્યા, અને તેનો ચહેરો સ્વર્ગદૂતના ચહેરા જેવો દેખાયો. 7:1ત્યારે પ્રમુખ યાજકે પૂછ્યું કે, “શું હકીકત આ પ્રમાણે છે?” 2સ્તેફને કહ્યું કે, “ભાઈઓ તથા વડીલો, સાંભળો. આપણો પૂર્વજ ઇબ્રાહિમ હારાનમાં રહેવા આવ્યો તે અગાઉ તે મેસોપોટેમિયામાં રહેતો હતો, ત્યારે મહિમાવાન ઈશ્વરે તેને દર્શન આપીને 3કહ્યું કે, ‘તું તારા દેશમાંથી તથા તારા સગામાંથી નીકળ, અને જે દેશ હું તને બતાવું તેમાં જઈને રહે’. 4ત્યારે ખાલ્દી દેશમાંથી નીકળીને તે હારાનમાં જઈને વસ્યો, અને ત્યાં તેના પિતા અવસાન પામ્યા ત્યાર પછી આ દેશ જેમાં તમે હમણાં રહો છો, તેમાં ઈશ્વરે તેને લાવીને વસાવ્યો. 5તેમણે એ દેશમાં તેને કંઈ વતન આપ્યું નહિ; ના, એક પગલાભર પણ નહિ; અને જોકે હજી સુધી તેને સંતાન થયું નહોતું તોપણ તેમણે તેને તથા તેના પછી તેના વંશજોને વતન તરીકે આ દેશ આપવાનું વચન આપ્યું. 47પણ સુલેમાને તેમને સારુ ભક્તિસ્થાન નિર્માણ કર્યું. 48તોપણ હાથે બાંધેલા ઘરમાં પરાત્પર ઈશ્વર રહેતા નથી; જેમ પ્રબોધક કહે છે તેમ, 49‘સ્વર્ગ મારું રાજ્યાસન, તથા પૃથ્વી મારું પાયાસન છે; તો તમે મારે સારુ કેવું નિવાસસ્થાન બાંધશો? એમ ઈશ્વર કહે છે અથવા મારું નિવાસસ્થાન કયું હોય? 50શું, મેં મારે હાથે એ બધાં નથી બનાવ્યાં?’ 51ઓ સખત હઠીલાઓ, અને બેસુન્નત મન તથા કાનવાળાઓ, તમે સદા પવિત્ર આત્માની સામા થાઓ છો. જેમ તમારા પૂર્વજોએ કર્યું તેમ જ તમે પણ કરો છો. 52પ્રબોધકોમાંના કોને તમારા પૂર્વજોએ સતાવ્યા નહોતા? જેઓએ તે ન્યાયીના આવવા વિષે અગાઉથી ખબર આપી હતી તેઓને તેઓએ મારી નાખ્યા; અને હવે તમે, જેઓને સ્વર્ગદૂતો દ્વારા નિયમ મળ્યો, પણ તમે તે પાળ્યો નહિ. 53તે તમે, તે ન્યાયીને પરસ્વાધીન કરનારા તથા તેમની હત્યા કરનારા થયા છો.” 54આ વાતો સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયા, અને તેઓ તેની સામે દાંત પીસવા લાગ્યા. 55પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને સ્તેફને સ્વર્ગ તરફ એક નજરે જોઈ રહેતાં, ઈશ્વરનું ગૌરવ તથા ઈશ્વરને જમણે હાથે ઈસુને ઊભેલા જોયા. 56તેણે કહ્યું કે, “જુઓ, સ્વર્ગ ઊઘડેલું તથા ઈશ્વરને જમણે હાથે માણસના દીકરાને ઊભેલા હું જોઉં છું.” 57પણ તેઓએ બૂમ પાડીને પોતાના કાન બંધ કર્યા, અને તેઓ એકસાથે તેના પર ધસી આવ્યા. 58તેઓએ તેને શહેરની બહાર લઈ જઈને માર્યો; સાક્ષીઓએ શાઉલ નામે એક જુવાનનાં પગ આગળ પોતાનાં વસ્ત્રો મૂક્યાં હતાં. 59તેઓ સ્તેફનને પથ્થરે મારતા હતા ત્યારે તેણે પ્રભુની પ્રાર્થના કરતા કહ્યું કે, “ઓ પ્રભુ ઈસુ, મારા આત્માનો અંગીકાર કરો.” 60તેણે ઘૂંટણિયે પડીને મોટા અવાજે કહ્યું કે, “ઓ પ્રભુ, આ પાપ તેઓને લેખે ન ગણો. એમ કહીને તે ઊંઘી ગયો.”
સુવાર્તા (ખ્રિસ્તના જન્મ પછીના શનિવાર માટે)
15પણ ઈસુ એ જાણીને ત્યાંથી નીકળી ગયા. ઘણાં લોકો તેમની પાછળ ગયા, અને તેમણે બધાને સાજાં કર્યા. 16તેઓને કડક આજ્ઞા આપી કે, ‘તમારે મને પ્રગટ કરવો નહિ’, 17એ માટે કે પ્રબોધક યશાયાએ જે કહ્યું હતું તે પૂરું થાય કે, 18“જુઓ, મારો સેવક, જેને મેં પસંદ કર્યો; મારો પ્રિય, જેનાં પર મારો જીવ પ્રસન્ન છે. તેના પર હું મારો આત્મા મૂકીશ, અને તે બધી જ જાતિઓનો ન્યાયચુકાદો પ્રગટ કરશે. 19તે ઝઘડો નહિ કરશે, બૂમ નહિ પાડશે; તેની વાણી રસ્તાઓમાં કોઈ નહિ સાંભળશે. 20જ્યાં સુધી ન્યાયચુકાદાને તે જયમાં નહિ પહોંચાડે, ત્યાં સુધી છૂંદેલું બરુ તે ભાંગી નહિ નાખશે, ધુમાતું શણ પણ તે નહિ હોલવશે. 21બધા જ દેશના લોકો તેમના નામ પર આશા રાખશે.”
સુવાર્તા
10જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણાંમાં પણ વિશ્વાસુ છે; અને જે બહુ થોડામાં અન્યાયી છે તે ઘણાંમાં પણ અન્યાયી છે. 11માટે જો અન્યાયી દ્રવ્યમાં તમે વિશ્વાસુ ન થયા હો, તો ખરું દ્રવ્ય તમને કોણ સોંપશે? 12જો તમે બીજાના દ્રવ્ય સંબંધી વિશ્વાસુ ન થયા હો, તો જે તમારું પોતાનું તે કોણ તમને સોંપશે? 13કોઈ ચાકર બે માલિકોની ચાકરી કરી શકતો નથી; કેમ કે તે એકનો દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે. એકસાથે તમે ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી કરી શકો નહિ. 14અને ફરોશીઓ જેઓ દ્રવ્યના લોભી હતા તેઓએ તે સઘળી વાતો સાંભળીને ઈસુની મશ્કરી કરી. 15ઈસુએ તેઓને કહ્યું કે, માણસોની આગળ તમે પોતાને ન્યાયી બતાવો છો, પણ ઈશ્વર તમારાં હૃદય જાણે છે; કેમ કે માણસોમાં જે ઉત્તમ ગણેલું છે તે ઈશ્વરની દ્રષ્ટિમાં ધિક્કારપાત્ર છે.
સુવાર્તા (સંત સ્તેફન માટે)
33એક બીજું દ્રષ્ટાંત સાંભળો. એક જમીનદાર હતો, તેણે દ્રાક્ષાવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો અને બુરજ બનાવ્યો, પછી ખેડૂતોને તે ઈજારે આપી, તે પરદેશ ગયો. 34ફળની ઋતુ પાસે આવી ત્યારે તેણે ફળ લેવા સારુ પોતાના ચાકરોને તે ખેડૂતો પાસે મોકલ્યા. 35ત્યારે ખેડૂતોએ તેના ચાકરોને પકડીને એકને માર્યો, બીજાને મારી નાખ્યો અને ત્રીજાને પથ્થરે માર્યો. 36પછી તેણે અગાઉ કરતાં બીજા વધારે ચાકરોને મોકલ્યા, પણ તેઓએ તેઓને એવું જ કર્યું. 37પછી તેણે પોતાના દીકરાને તેઓની પાસે મોકલતાં કહ્યું કે, ‘તેઓ મારા દીકરાનું માન રાખશે.’” 38પણ ખેડૂતોએ દીકરાને જોઈને પરસ્પર કહ્યું કે, ‘એ તો વારસ છે, ચાલો, આપણે એને મારી નાખીએ અને તેનો વારસો લઈ લઈએ.’ 39ત્યારે તેઓએ તેને પકડ્યો અને દ્રાક્ષાવાડીમાંથી બહાર કાઢીને તેને મારી નાખ્યો. 40એ માટે જયારે દ્રાક્ષાવાડીનો માલિક આવશે ત્યારે તે ખેડૂતોનું શું કરશે?” 41તેઓએ ઈસુને કહ્યું કે, “તે દુષ્ટોનો પૂરો નાશ કરશે; અને બીજા ખેડૂતો કે જેઓ મોસમે તેને ફળ પહોંચાડે, તેઓને દ્રાક્ષાવાડી ઈજારે આપશે.” 42ઈસુએ તેઓને કહ્યું કે, “જે પથ્થરનો નકાર ઘર બાંધનારાઓએ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો. તે પ્રભુથી બન્યું અને આપણી નજરમાં આશ્ચર્યકારક છે,’ એ શું તમે શાસ્ત્રવચનોમાં કદી નથી વાંચ્યું?
તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 27 ડિસેમ્બર એટલે નાગરિક પંચાંગનો 9 જાન્યુઆરી. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો