મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ઑક્ટોબર 2026 › 25 ઑક્ટોબર
કેથોલિક પંચાંગ
દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 25 ઑક્ટોબર 2026
રવિવાર · સામાન્ય કાળનું 30મું અઠવાડિયું
પર્વો અને સંતો
સામાન્ય કાળનો 30મો રવિવાર
રવિવાર · ધાર્મિક વિધિનો રંગ: લીલો
દિવસનાં વાંચનો
પહેલું વાંચન
21તમારે વિદેશીઓને હેરાન કરવા નહિ, તેઓના પર ત્રાસ ગુજારવો નહિ, કારણ કે, તમે પોતે મિસર દેશમાં વિદેશી હતા. 22કોઈ વિધવા કે અનાથ બાળકને રંજાડશો નહિ. 23જો તમે કોઈ પણ પ્રકારે તેઓને ત્રાસ આપશો અથવા દુઃખી કરશો તો તેઓ મને પોકારશે અને હું તેઓનો પોકાર સાંભળીશ. 24પછી મારો કોપ ભભૂકી ઊઠશે. અને હું તમને તલવારથી મારી નાખીશ; તો તમારી પત્ની વિધવા થશે અને તમારાં પોતાનાં બાળકો અનાથ થશે. 25તમે મારા લોકોમાંના કોઈ ગરીબ માણસને નાણાં ધીરો, તો તેના પ્રત્યે લેણદાર જેવો વ્યવહાર ન રાખશો અને તેની પાસે વ્યાજ લેશો નહિ. 26જો તમે તમારા પડોશીનું વસ્ત્ર ગીરે રાખો, તો સૂર્યાસ્ત થતાં અગાઉ તમારે તે તેને પાછું આપવું. 27કારણ કે એ એનું એકમાત્ર ઓઢવા-પાથરવાનું છે. તે બીજું શું ઓઢીને સૂએ? જો તે મને પોકારશે, તો હું તેને સાંભળીશ, કારણ કે હું કૃપાળુ છું.
પ્રત્યુત્તર ગીત
1મુખ્ય ગવૈયાને માટે. યહોવાહના સેવક દાઉદનું (ગીત). જે દિવસે યહોવાહે તેને તેના સર્વ શત્રુઓના હાથમાંથી તથા શાઉલના હાથમાંથી છોડાવ્યો, તે દિવસે તેણે યહોવાહને આ ગીતનાં વચન કહ્યાં કે, હે યહોવાહ, મારા સામર્થ્ય, હું તમારા પર પ્રેમ કરું છું. 2યહોવાહ મારા ખડક, મારા કિલ્લા તથા મારા બચાવનાર છે; તે મારા ઈશ્વર, મારા ગઢ; તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખ્તર છે, મારા ઉદ્ધારનું શિંગ અને મારો ઊંચો બુરજ છે. 3હું યહોવાહને વિનંતિ કરીશ તે સ્તુતિપાત્ર છે અને એમ હું મારા શત્રુઓથી બચી જઈશ. 46યહોવાહ જીવતા જાગતા ઈશ્વર છે; મારા રક્ષકની સ્તુતિ હો. મારા ઉદ્ધાર કરનાર ઈશ્વર ઉત્તમ મનાઓ. 50તે પોતાના રાજાને વિજય આપે છે અને પોતાના અભિષિક્ત ઉપર, એટલે દાઉદ તથા તેના વંશજો ઉપર, સર્વકાળ કૃપા રાખે છે.
બીજું વાંચન
5કેમ કે અમારી સુવાર્તા કેવળ શબ્દમાં નહિ, પણ પરાક્રમમાં, પવિત્ર આત્મામાં તથા ઘણી ખાતરીપૂર્વક તમારી પાસે આવી; તેમ જ તમારે લીધે અમે તમારી મધ્યે કેવી રીતે રહ્યા હતા એ તમે જાણો છો. 6તમે અમને તથા પ્રભુને અનુસરનારા થયા કેમ કે ઘણી વિપત્તિઓ વેઠીને પવિત્ર આત્માનાં આનંદસહિત તમે પ્રભુની વાત સ્વીકારી. 7જેથી તમે મકદોનિયા તથા અખાયામાંના સર્વ વિશ્વાસીઓને નમૂનારૂપ થયા. 8કેમ કે કેવળ મકદોનિયા તથા અખાયામાં તમારાથી પ્રભુની વાતનો પ્રસાર થયો એટલું જ નહિ, પણ સર્વ સ્થળે ઈશ્વર પરનો તમારો વિશ્વાસ પ્રગટ થયો, એ બાબતે અમારે કશું કહેવાની જરૂર જણાતી નથી. 9લોકો પોતે અમારા વિષે એ બધી વાતો પ્રગટ કરે છે કે, કેવી પરિસ્થિતિમાં અમે તમારી મધ્યે આવ્યા અને તમે જીવંત તથા ખરા ઈશ્વરની સેવા કરવાને 10તથા ઈશ્વરના પુત્ર, એટલે આવનાર કોપથી આપણને બચાવનાર ઈસુ, જેમને તેમણે મૂએલાંમાંથી સજીવન કર્યા, તેમની સ્વર્ગથી આવવાની રાહ જોવાને, કેવી રીતે મૂર્તિઓ તરફથી ઈશ્વર તરફ, તમે ફર્યા.
સુવાર્તા
34જયારે ફરોશીઓએ સાંભળ્યું કે તેમણે સદૂકીઓના મોં બંધ કર્યા ત્યારે તેઓ એકઠા થયા. 35તેઓમાંથી એક શાસ્ત્રીએ તેમની પરીક્ષા કરવા સારુ તેમને પૂછ્યું કે, 36“ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે?” 37ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી તથા તારા પૂરા મનથી પ્રેમ કર.’ 38પહેલી અને મોટી આજ્ઞા તે છે. 39બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે ‘જેવો સ્વયં પર તેવો પોતાના પડોશી પર તું પ્રેમ કર.’ 40આ બે આજ્ઞાઓ સંપૂર્ણ નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે.”
સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર A, અઠવાડિયાના દિવસોનું વર્ષ II.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો