મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ઑક્ટોબર 2026 › 4 ઑક્ટોબર
કેથોલિક પંચાંગ
દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 4 ઑક્ટોબર 2026
રવિવાર · સામાન્ય કાળનું 27મું અઠવાડિયું
પર્વો અને સંતો
સામાન્ય કાળનો 27મો રવિવાર
રવિવાર · ધાર્મિક વિધિનો રંગ: લીલો
દિવસનાં વાંચનો
પહેલું વાંચન
1હું મારા પ્રિયતમ માટે, તેની દ્રાક્ષવાડી સંબંધી મારા સ્નેહીનું ગીત ગાઉં, મારા વહાલા પ્રિયતમને ફળદ્રુપ ટેકરી પર એક દ્રાક્ષવાડી હતી. 2તેણે તે ખેડી અને તેમાંથી પથ્થર વીણી કાઢ્યા અને તેમાં ઉત્તમ દ્રાક્ષવેલા રોપ્યા અને તેની મધ્યમાં બુરજ બાંધ્યો અને તેમાં દ્રાક્ષકુંડ ખોદી કાઢ્યો, તેમાં દ્રાક્ષની સારી ઊપજ થશે એવી તે આશા રાખતો હતો, પણ તેમાં તો જંગલી દ્રાક્ષની ઊપજ થઈ. 3હે યરુશાલેમના રહેવાસીઓ તથા યહૂદિયાના લોકો; તમે મારી અને મારી દ્રાક્ષવાડી વચ્ચે ઇનસાફ કરજો. 4મારી દ્રાક્ષવાડી વિશે વધારે હું શું કરી શક્યો હોત, જે મેં નથી કર્યું? જયારે હું સારી દ્રાક્ષ ઊપજવાની આશા રાખતો હતો, ત્યારે તેમાં જંગલી દ્રાક્ષની ઊપજ કેમ થઈ હશે? 5હવે હું મારી દ્રાક્ષવાડીનું શું કરવાનો છું, તે હું તમને જણાવું; હું તેની વાડ કાઢી નાખીશ; જેથી તે ભેલાઈ જશે; તેનો કોટ હું પાડી નાખીશ, જેથી તે કચડાઈ જશે 6હું તેને ઉજ્જડ કરી મૂકીશ, તે સોરવામાં આવશે નહિ અને કોઈ તેને ખેડશે નહિ, પણ એમાં કાંટા અને ઝાંખરાં ઊગી નીકળશે, વળી હું વાદળોને આજ્ઞા કરીશ કે તેઓ એમાં વરસાદ ન વરસાવે. 7કેમ કે ઇઝરાયલી લોકો તે સૈન્યોના યહોવાહની દ્રાક્ષવાડી છે અને યહૂદિયાના લોકો તેના મનપસંદ રોપા છે; તેણે ન્યાયની આશા રાખી હતી, પણ બદલામાં ત્યાં રક્તપાત હતો, નેકીની આશા રાખી હતી પણ ત્યાં વિલાપ હતો.
પ્રત્યુત્તર ગીત
8તમે મિસરમાંથી દ્રાક્ષાવેલો લાવ્યા; તમે વિદેશીઓને હાંકી કાઢીને તેને રોપ્યો. 11તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી પ્રસારી અને તેની ડાળખીઓ ફ્રાત નદી સુધી પ્રસારી. 12તમે તેનો દિવાલ એવી રીતે કેમ તોડી છે કે જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે? 13જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે અને રાની પશુઓ તેને ખાઈ જાય છે. 14હે સૈન્યોના ઈશ્વર, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો અને ધ્યાનમાં લો તથા આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો. 15તમે તમારા જમણા હાથે જેને રોપી છે, જે ડાળીને તમે તમારે માટે બળવાન કરી છે, તેનું રક્ષણ કરો. 18એટલે અમે તમારાથી વિમુખ થઈશું નહિ; અમને પુનર્જીવન આપો અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું. 19હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો બચાવ થાય.
બીજું વાંચન
6કશાની ચિંતા કરો નહિ; પણ સર્વ વિષે પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભારરસ્તુતિ સહિત, તમારી અરજો ઈશ્વરને જણાવો. 7ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે. 8છેવટે, ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ઉચિત, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે તથા જો કોઈ સદગુણ, જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો. 9જે તમે શીખ્યા તથા પામ્યા તથા સાંભળ્યું તથા મારામાં જોયું તેવું બધું કરો; અને શાંતિનો ઈશ્વર તમારી સાથે રહેશે.
સુવાર્તા
33એક બીજું દ્રષ્ટાંત સાંભળો. એક જમીનદાર હતો, તેણે દ્રાક્ષાવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો અને બુરજ બનાવ્યો, પછી ખેડૂતોને તે ઈજારે આપી, તે પરદેશ ગયો. 34ફળની ઋતુ પાસે આવી ત્યારે તેણે ફળ લેવા સારુ પોતાના ચાકરોને તે ખેડૂતો પાસે મોકલ્યા. 35ત્યારે ખેડૂતોએ તેના ચાકરોને પકડીને એકને માર્યો, બીજાને મારી નાખ્યો અને ત્રીજાને પથ્થરે માર્યો. 36પછી તેણે અગાઉ કરતાં બીજા વધારે ચાકરોને મોકલ્યા, પણ તેઓએ તેઓને એવું જ કર્યું. 37પછી તેણે પોતાના દીકરાને તેઓની પાસે મોકલતાં કહ્યું કે, ‘તેઓ મારા દીકરાનું માન રાખશે.’” 38પણ ખેડૂતોએ દીકરાને જોઈને પરસ્પર કહ્યું કે, ‘એ તો વારસ છે, ચાલો, આપણે એને મારી નાખીએ અને તેનો વારસો લઈ લઈએ.’ 39ત્યારે તેઓએ તેને પકડ્યો અને દ્રાક્ષાવાડીમાંથી બહાર કાઢીને તેને મારી નાખ્યો. 40એ માટે જયારે દ્રાક્ષાવાડીનો માલિક આવશે ત્યારે તે ખેડૂતોનું શું કરશે?” 41તેઓએ ઈસુને કહ્યું કે, “તે દુષ્ટોનો પૂરો નાશ કરશે; અને બીજા ખેડૂતો કે જેઓ મોસમે તેને ફળ પહોંચાડે, તેઓને દ્રાક્ષાવાડી ઈજારે આપશે.” 42ઈસુએ તેઓને કહ્યું કે, “જે પથ્થરનો નકાર ઘર બાંધનારાઓએ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો. તે પ્રભુથી બન્યું અને આપણી નજરમાં આશ્ચર્યકારક છે,’ એ શું તમે શાસ્ત્રવચનોમાં કદી નથી વાંચ્યું? 43એ માટે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે અને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને તે અપાશે.
આજના સંતો
- આસીસીના સંત ફ્રાન્સિસ
સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર A, અઠવાડિયાના દિવસોનું વર્ષ II.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો