Bible Explorer એપ મેળવો

અન્વેષણ › રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં › હિઝકિયાથી યોશિયા સુધી

રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં · હિઝકિયાથી યોશિયા સુધી

બાબિલથી આવેલા સંદેશવાહકો

2 રાજા 20:12–19 · યશા 39:1–8

2 રાજાઓ

2 રાજા 20:12–19

12તે સમયે બાબિલના રાજા બાલઅદાનના દીકરા બરોદાખ-બાલાદાને સંદેશાવાહકો સાથે હિઝકિયા પર પત્રો તથા ભેટ મોકલ્યાં, કેમ કે તેણે સાંભળ્યું હતું કે, હિઝકિયા માંદો પડ્યો છે.

13હિઝકિયાએ તેઓનું સાંભળીને તેઓને પોતાની કિંમતી વસ્તુઓથી ભરેલો આખો મહેલ, ચાંદી, સોનું, સુગંધી દ્રવ્યો, મૂલ્યવાન તેલ, શસ્રભંડાર અને ભંડારમાં જે બધું મળી આવ્યું તે સર્વ સંદેશાવાહકોને બતાવ્યું. ત્યાં આખા ઘરમાં કે રાજ્યમાં એવું કંઈ ન હતું, કે જે હિઝકિયાએ તેઓને બતાવ્યું ના હોય.

14ત્યારે પ્રબોધક યશાયાએ હિઝકિયા પાસે આવીને તેને પૂછ્યું, “આ માણસોએ તને શું કહ્યું? તેઓ ક્યાંથી આવ્યા છે?” હિઝકિયાએ કહ્યું, “તેઓ દૂરના દેશ બાબિલથી આવ્યા છે.”

15યશાયાએ પૂછ્યું, “તેઓએ તારા મહેલમાં શું જોયું?” હિઝકિયાએ કહ્યું, “તેઓએ મારા મહેલમાં બધું જ જોયું છે. મારા ભંડારોમાં એવી એકે વસ્તુ નથી કે જે મેં તેઓને બતાવી ના હોય.”

16ત્યારે યશાયાએ હિઝકિયાને કહ્યું, “યહોવાહનું વચન સાંભળ,

17‘જો, એવા દિવસો આવી રહ્યા છે કે જયારે તારા મહેલમાં જે બધું છે તેનો, તારા પિતૃઓએ આજ સુધી જે કંઈ સંગ્રહ કર્યો છે તે બધું જ, બાબિલમાં લઈ જવામાં આવશે. કશું જ બાકી રહેશે નહિ એવું યહોવાહ કહે છે.

18અને તારા દીકરા જે તારાથી ઉત્પન્ન થશે, જેઓ તારા વંશજો થશે, તેઓને તેઓ લઈ જશે; તેઓને બાબિલના રાજાના મહેલમાં નોકરો તરીકે રાખવામાં આવશે.’”

19હિઝકિયાએ યશાયાને કહ્યું, “તું યહોવાહનું વચન જે બોલ્યો તે સારું છે.” કેમ કે તેણે વિચાર્યું કે, “હું જીવીશ ત્યાં સુધી તો શાંતિ અને સત્યતા કાયમ રહેશે”

યશાયા

યશા 39:1–8

1તે સમયે બાબિલના રાજા બાલઅદાનના દીકરા મેરોદાખ-બાલઅદાને હિઝકિયા પર પત્રો લખીને ભેટ મોકલી; કેમ કે તેણે સાંભળ્યું હતું કે હિઝકિયા માંદો પડ્યો હતો, પણ હવે સાજો થયો છે.

2હિઝકિયા તેને લીધે ખુશ થયો, તેણે સંદેશવાહકોને પોતાનો ભંડાર, એટલે સોનુંચાંદી, સુગંધીદ્રવ્ય અને મૂલ્યવાન તેલ, તમામ શસ્ત્રાગાર તથા તેના ભંડારોમાં જે જે હતું તે સર્વ તેઓને બતાવ્યું. તેના મહેલમાં કે આખા રાજ્યમાં એવું કંઈ નહોતું કે જે હિઝકિયાએ તેઓને બતાવ્યું ના હોય.

3ત્યારે યશાયા પ્રબોધકે હિઝકિયા રાજાની પાસે આવીને તેને પૂછ્યું, “એ માણસોએ તમને શું કહ્યું? તેઓ ક્યાંથી આવ્યા છે?” હિઝકિયાએ કહ્યું, “તેઓ દૂર દેશથી એટલે બાબિલથી મારી પાસે આવ્યા છે.”

4યશાયાએ પૂછ્યું, “તેઓએ તારા મહેલમાં શું શું જોયું છે?” હિઝકિયાએ કહ્યું, “મારા મહેલમાંનું સર્વ તેઓએ જોયું છે. મારા ભંડારોમાં એવી એક પણ વસ્તુ નથી કે જે મેં તેમને બતાવી ના હોય.”

5ત્યારે યશાયાએ હિઝકિયાને કહ્યું, “સૈન્યોના ઈશ્વર યહોવાહનું વચન સાંભળ:

6‘જુઓ, એવા દિવસો આવે છે કે જ્યારે તારા મહેલમાં જે સર્વ છે તે, તારા પૂર્વજોએ જેનો આજ સુધી સંગ્રહ કરી રાખ્યો છે, તે સર્વ, બાબિલમાં લઈ જવામાં આવશે; કંઈ પણ પડતું મુકાશે નહિ, એવું યહોવાહ કહે છે.

7તારા દીકરાઓ કે જે તારાથી ઉત્પન્ન થશે, જેઓને જન્મ અપાશે, તેઓને તેઓ લઈ જશે; અને તેઓ બાબિલના રાજાના મહેલમાં રાણીવાસના સેવકો થશે.”

8ત્યારે હિઝકિયાએ યશાયાને કહ્યું, “યહોવાહનાં જે વચનો તમે બોલ્યા છો, તે સારાં છે.” કેમ કે તેણે વિચાર્યું કે, “મારા દિવસોમાં તો શાંતિ તથા સત્યતા રહેશે.”

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો