Bible Explorer એપ મેળવો

અન્વેષણ › રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં › યહૂદિયાના રાજાઓ

રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં · યહૂદિયાના રાજાઓ

યહૂદિયાનો રાજા અમાસ્યા

2 રાજા 14:1–20 · 2 કાળ 25:1–28

2 રાજાઓ

2 રાજા 14:1–20

1ઇઝરાયલના રાજા યોઆહાઝના દીકરા યોઆશના શાસનકાળના બીજા વર્ષે યહૂદિયાના રાજા યોઆશનો દીકરો અમાસ્યા રાજ કરવા લાગ્યો.

2તે રાજ કરવા લાગ્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ યહોઆદ્દીન હતું. તે યરુશાલેમની હતી.

3અમાસ્યાએ યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, તો પણ તેનાં કૃત્યો તેના પૂર્વ દાઉદની જેવા ન હતાં. તેણે તેના પિતા યોઆશે જે કર્યું હતું તેવું જ બધું જ કર્યું.

4તો પણ ઉચ્ચસ્થાનો દૂર કરાયા ન હતાં. લોકો હજુ પણ ઉચ્ચસ્થાનોમાં યજ્ઞો કરતા અને ધૂપ બાળતા હતા.

5એવું બન્યું કે, જેવું તેનું રાજય સ્થાપ્યું કે, તરત જ તેણે પોતાના પિતાનું ખૂન કરનારા ચાકરોને મારી નાખ્યા.

6પણ મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, મારી નાખનારાઓના દીકરાઓને તેણે મારી નાખ્યા નહિ. યહોવાહે આજ્ઞા કરી હતી, “સંતાનોને લીધે પિતાઓ માર્યાં જાય નહિ, તેમ જ પિતાઓને લીધે સંતાનો માર્યાં જાય નહિ. પણ દરેક વ્યક્તિ પોતાના પાપને લીધે જ માર્યો જાય.

7તેણે દસ હજાર અદોમીઓને મીઠાની ખીણમાં મારી નાખ્યા; વળી તેણે સેલા નગરને પણ યુદ્ધ કરીને કબજે કરી લીધું અને તેનું નામ યોક્તએલ પાડયું, જે આજે પણ તે જ નામથી ઓળખાય છે.”

8પછી અમાસ્યાએ ઇઝરાયલના રાજા યેહૂના દીકરા યહોઆહાઝના દીકરા યોઆશ પાસે સંદેશાવાહક મોકલીને કહાવ્યું, “આવો, આપણે યુદ્ધમાં સામ સામે લડીએ.”

9પણ ઇઝરાયલના રાજા યોઆશે યહૂદિયાના રાજા અમાસ્યા પાસે વળતો સંદેશાવાહક મોકલીને કહાવ્યું, “લબાનોનના એક કાંટાળા છોડવાએ લબાનોનના દેવદાર વૃક્ષને પાસે સંદેશો મોકલીને કહાવ્યું કે, “મારા દીકરા સાથે તારી દીકરીને પરણાવ,’ પણ એટલામાં લબાનોનનું એક જંગલી પશુ ત્યાં થઈને પ્રસાર હતું તેણે તે કાંટાળા છોડવાને કચડી નાખ્યો.

10સાચે જ તેં અદોમનો નાશ કર્યો છે માટે તને તેનો ખૂબ જ ગર્વ છે. તારી જીતનો ઘમંડ તારી પાસે રાખ અને તારા ઘરમાં જ બેસી રહે, કેમ કે, શા માટે તું તારા કારણે પોતાના અને યહૂદિયા એમ બંન્ને પર મુસીબત લાવીને બન્ને નાશ પામો?”

11પણ અમાસ્યાએ સાંભળ્યું નહિ. તેથી ઇઝરાયલના રાજા યોઆશે યુદ્ધ કર્યું, તે અને યહૂદિયાનો રાજા અમાસ્યા યહૂદિયામાં આવેલા બેથ-શેમેશ આગળ એકબીજાને સામ સામે મળ્યા.

12યહૂદિયાના લોકો ઇઝરાયલથી હારી ગયા અને દરેક માણસ પોત પોતાના ઘરે નાસી ગયા.

13ઇઝરાયલના રાજા યોઆશે, અહાઝયાહના દીકરા યોઆશના દીકરા યહૂદિયાના રાજા અમાસ્યાને બેથ-શેમેશમાં પકડ્યો. તે યરુશાલેમ આવ્યો અને એફ્રાઇમના દરવાજાથી ખૂણાના દરવાજા સુધી ચારસો હાથ જેટલો લાંબો યરુશાલેમનો કોટ તોડી નાખ્યો.

14તે બધું સોનું, ચાંદી, યહોવાહના સભાસ્થાનમાંથી મળેલી બધી વસ્તુઓ, રાજાના મહેલમાંથી મળેલી કિંમતી વસ્તુઓ ને તથા જામીનોને પણ લઈને સમરુન પાછો ગયો.

15યોઆશના બાકીનાં કાર્યો, જે બધું તેણે કર્યું તે, તેનું પરાક્રમ, યહૂદિયાના રાજા અમાસ્યા સાથે તેણે જે યુદ્ધ કર્યું તે બધું ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?

16પછી યોઆશ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેને ઇઝરાયલના રાજાઓ સાથે સમરુનમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો દીકરો યરોબામ તેની જગ્યાએ રાજા બન્યો.

17ઇઝરાયલના રાજા યહોઆહાઝના દીકરા યોઆશના મરણ પછી યહૂદિયાના રાજા યોઆશનો દીકરો અમાસ્યા પંદર વર્ષ સુધી જીવ્યો.

18અમાસ્યાના બાકીનાં કાર્યો, યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?

19તેઓએ યરુશાલેમમાં અમાસ્યાની વિરુદ્ધ ષડયંત્ર રચ્યું તેથી તે લાખીશ ભાગી ગયો. પણ તેઓએ લાખીશમાં તેની પાછળ માણસો મોકલીને તેને ત્યાં મારી નાખ્યો.

20તેઓ તેને ઘોડા પર નાખીને લાવ્યા અને દાઉદનગરમાં તેના પિતૃઓની સાથે દફ્નાવ્યો.

2 કાળવૃતાંત

2 કાળ 25:1–28

1અમાસ્યા રાજ કરવા લાગ્યો ત્યારે તેની ઉંમર પચીસ વર્ષની હતી; તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ યહોઆદ્દીન હતું અને તે યરુશાલેમની હતી.

2તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, પણ પૂરા હૃદયથી નહિ.

3જયારે રાજ તેના હાથમાં સ્થિર થયું, ત્યારે તેના જે ચાકરોએ તેના પિતાને મારી નાખ્યો હતો તેઓને તેણે મારી નાખ્યા.

4પણ તેણે તેઓનાં બાળકોને મારી નાખ્યાં નહિ, પણ મૂસાના નિયમશાસ્ત્રમાં જેમ લખેલું છે તેમ કર્યું, એમાં ઈશ્વરે એવી આજ્ઞા આપી હતી, “બાળકોના કારણે પિતાઓને મારી નાખવાં નહિ, તેમ જ પિતાઓને કારણે બાળકોને મારી નાખવા નહિ. તેના બદલે, દરેક વ્યક્તિ પોતાનાં જ પાપનાં કારણે માર્યો જાય.”

5પછી, અમાસ્યાએ યહૂદિયાના લોકોને એકત્ર કર્યા અને તેઓના પૂર્વજોના કુટુંબો પ્રમાણે તેઓને, એટલે સર્વ યહૂદિયાના લોકોને તથા બિન્યામીનીઓને સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓના હાથ નીચે નીમ્યા. તેણે તેઓમાંના વીસ વર્ષના તેથી ઉપરની વય ધરાવનારાઓની ગણતરી કરી. તો ભાલા તથા ઢાલ વાપરી શકે તેવા તથા યુદ્ધમાં જઈ શકે તેવા પસંદ કરેલા એવા ત્રણ લાખ માણસો મળી આવ્યા.

6તેણે એકસો તાલંત ચાંદી ત્રણ હજાર ચારસો કિલો ચાંદી આપવાનું કહીને ઇઝરાયલમાંથી એક લાખ લડવૈયાઓને નીમ્યા.

7પણ એવામાં એક ઈશ્વરભક્તે આવીને તેને કહ્યું, “હે રાજા, ઇઝરાયલી સૈન્યને તારી સાથે આવવા ન દઈશ, કેમ કે ઇઝરાયલીઓ એટલે એફ્રાઇમીઓની સાથે ઈશ્વર નથી.

8પણ તેમ છતાં જો તમે જશો અને તમે ગમે તેટલી નીડરતાથી લડશો, તો પણ ઈશ્વર તમને દુશ્મનો આગળ પરાજય અપાવશે. કેમ કે, સહાય કરવાને તથા પાડી નાખવાને પણ ઈશ્વર સમર્થ છે.”

9અમાસ્યાએ તે ઈશ્વરભક્તે કહ્યું, “પણ ઇઝરાયલના સૈન્ય માટે જે એકસો તાલંત ચાંદી મેં આપી છે તેનું આપણે શું કરવું?” તેણે ઉત્તર આપ્યો, “ઈશ્વર તને એથી પણ વિશેષ આપવાને સમર્થ છે.”

10તેથી અમાસ્યાએ એફ્રાઇમમાંથી જે સૈનિકો આવ્યા હતા તેઓને પોતાના સૈન્યથી જુદા પાડીને ઘરે પાછા મોકલી દીધા; તેથી તે લોકો યહૂદિયા પર ઘણાં નારાજ થયા અને ક્રોધાયમાન થઈને પોતાના ઘરે ચાલ્યા ગયા.

11અમાસ્યા પોતાના સૈન્યને હિંમતપૂર્વક મીઠાની ખીણમાં લઈ ગયો અને ત્યાં તેણે સેઈરના દસ હજાર માણસોને હરાવ્યા.

12યહૂદિયાના સૈન્યએ બીજા દસ હજારને જીવતા પકડીને તેઓને ખડકની ટોચ પરથી નીચે ફેંકી દીધાં. તેથી તેઓ બધાના ટુકડે ટુકડાં થઈ ગયા.

13તે દરમિયાન અમાસ્યાએ જે સૈન્યના સૈનિકોને પાછા મોકલી દીધા હતા કે જેથી તેઓ તેની સાથે યુદ્ધમાં ના જાય, તેઓએ સમરુનથી બેથ-હોરોન સુધીના યહૂદિયાના નગરો પર હુમલો કરીને ત્રણ હજાર માણસોને મારી નાખ્યા અને મોટી લૂંટ એકત્ર કરીને ચાલ્યા ગયા.

14તે પછી અદોમીઓની કતલ કરીને અમાસ્યા પાછો આવ્યો અને સેઈરના લોકોના દેવોને સાથે લઈ આવ્યો, તેણે પોતાના દેવો તરીકે તેઓની સ્થાપના કરી. તેણે તેઓની પૂજા કરી અને તેઓની આગળ ધૂપ બાળ્યો.

15તેથી ઈશ્વરનો રોષ તેના ઉપર સળગી ઊઠ્યો. તેમણે એક પ્રબોધકને તેની પાસે મોકલ્યો. તેણે અમાસ્યાને કહ્યું, “જે લોકોના દેવોએ પોતાના લોકોને તારા હાથમાંથી બચાવ્યા નથી તે દેવોની પૂજા તેં શા માટે કરી?”

16એવું થયું કે તે પ્રબોધક હજી અમાસ્યાની સાથે વાત કરતો હતો તેટલામાં જ રાજાએ તેને કહ્યું, “શું અમે તને રાજાનો સલાહકાર ઠરાવ્યો છે? ચૂપ રહે. શા માટે હાથે કરીને મરવા માગે છે?” પછી પ્રબોધકે જતાં જતાં કહ્યું, “હું જાણું છું કે, ઈશ્વરે તારો નાશ કરવાનો નિર્ણય કર્યો છે, કારણ કે તેં આ કામ કર્યું છે. અને મારી સલાહ સાંભળી નથી.”

17પછી યહૂદાના રાજા અમાસ્યાએ સલાહ મસલત કરીને ઇઝરાયલના રાજા યેહૂના પુત્ર યહોઆહાઝના પુત્ર યોઆશ પાસે સંદેશાવાહક મોકલીને કહેવડાવ્યું કે, “આવો, આપણે યુદ્ધમાં સામસામા લડીએ.”

18પણ ઇઝરાયલના રાજા યોઆશે યહૂદાના રાજા અમાસ્યાને પ્રતિઉત્તર મોકલ્યો કે, “લબાનોન પરના એક ઉટકંટાએ લબાનોનમાંના દેવદાર વૃક્ષને સંદેશો મોકલ્યો, ‘મારા પુત્ર સાથે તારી પુત્રીનાં લગ્ન કર.’ પણ લબાનોનના એક વન્ય પશુએ ત્યાંથી પસાર થતી વખતે પેલા ઉટકંટાને પોતાના પગ તળે કચડી નાખ્યો.

19તું કહે છે, ‘જો, મેં અદોમને માર્યો છે’ અને તું તારા મનમાં ફુલાઈ ગયો છે. તારી જીતમાં તું ઘણો અભિમાની થયો છે, પણ તું તારે ઘરે રહે કેમ કે તારું પોતાનું નુકસાન તારે શા માટે વહોરી લેવું જોઈએ કે જેથી તારી સાથે યહૂદિયાના લોકો પણ માર્યા જાય?”

20પણ અમાસ્યાએ તેનું સાંભળ્યું નહિ કેમ કે તે ઘટના તો ઈશ્વરથી થઈ હતી. તેઓ અદોમના દેવને પૂજતા હતા તેથી તેઓને તેઓના શત્રુઓના હાથમાં સોંપ્યાં હતા.

21માટે ઇઝરાયલના રાજા યોઆશે ચઢાઈ કરી; અને તે તથા યહૂદિયાનો રાજા અમાસ્યા યહૂદિયાના બેથ-શેમેશમાં એકબીજાની સામે જંગે ચઢ્યા.

22યહૂદિયાના માણસો ઇઝરાયલના માણસોથી હારીને પોતપોતાને ઘરે નાસી ગયા.

23ઇઝરાયલનો રાજા યોઆશ યહોઆહાઝના પુત્ર યોઆશના પુત્ર યહૂદિયાના રાજા અમાસ્યાને બેથ-શેમેશમાં પકડીને યરુશાલેમ લઈ ગયો. ત્યાં તેણે એફ્રાઇમના દરવાજાથી ખૂણાના દરવાજા સુધીનો ચારસો હાથ જેટલો યરુશાલેમનો કોટ તોડી નંખાવ્યો.

24તેણે ઈશ્વરના સભાસ્થાનમાંથી બધું સોનુંચાંદી તથા જે સર્વ પાત્રો તેને મળ્યા હતાં તે, રાજાના મહેલમાંથી કિંમતી વસ્તુઓ લઈ લીધી તે તથા ઓબેદ-અદોમના કુટુંબને તથા થોડા કેદીઓને લઈને સમરુન પાછો ફર્યો.

25ઇઝરાયલના રાજા યહોઆહાઝના પુત્ર યોઆશના મૃત્યુ પછી યહૂદિયાના રાજા યોઆશનો પુત્ર અમાસ્યા પંદર વર્ષ જીવ્યો.

26અમાસ્યાનાં બાકીનાં કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી યહૂદિયાના તથા ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલાં નથી શું?

27હવે અમાસ્યા ઈશ્વરનું અનુકરણ ન કરતાં અલગ માર્ગ તરફ વળ્યો, તે સમયથી યરુશાલેમમાં લોકોએ તેની વિરુદ્ધમાં બંડ કર્યુ. તેથી તે લાખીશ નાસી ગયો, પણ લાખીશ સુધી તેનો પીછો કરવામાં આવ્યો અને ત્યાં તેને મારી નાખવામાં આવ્યો.

28તેઓ તેનો મૃતદેહ ઘોડા ઉપર યરુશાલેમ લઈ આવ્યા અને ત્યાં યહૂદાના નગરમાં તેના પિતૃઓ સાથે તેને દફનાવવામાં આવ્યો.

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો