Bible Explorer એપ મેળવો

અન્વેષણ › રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં › યહૂદિયાના રાજાઓ

રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં · યહૂદિયાના રાજાઓ

યહૂદિયાનો રાજા આહાઝ

2 રાજા 16:1–20 · 2 કાળ 28:1–27

2 રાજાઓ

2 રાજા 16:1–20

1રમાલ્યાના દીકરા પેકાહના કારકિર્દીને સત્તરમા વર્ષે યહૂદિયાના રાજા યોથામનો દીકરો આહાઝ રાજ કરવા લાગ્યો.

2આહાઝ રાજ કરવા લાગ્યો ત્યારે તે વીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં સોળ વર્ષ સુધી રાજ કર્યુ. તેના પિતૃ દાઉદે જેમ યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, તે પ્રમાણે તેણે કર્યું નહિ.

3પણ, તે ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો, જે પ્રજાને યહોવાહે ઇઝરાયલી લોકો આગળથી હાંકી કાઢી હતી તેમનાં ધિક્કારપાત્ર કાર્યો પ્રમાણે તેણે પોતાના દીકરાને દહનીયાપર્ણની જેમ અગ્નિમાં થઈને ચલાવ્યો.

4તે ઉચ્ચસ્થાનો, પર્વતો અને દરેક લીલાં વૃક્ષ નીચે યજ્ઞો કરતો અને ધૂપ બાળતો હતો.

5આ સમયે અરામના રાજા રસીને અને ઇઝરાયલના રાજા રમાલ્યાના દીકરા પેકાહે યરુશાલેમ પર ચઢાઈ કરી.તેઓએ આહાઝને ઘેરી લીધો પણ તેને જીતી શકયા નહિ.

6તે જ સમયે, અરામના રાજા રસીને એલાથને પાછું અરામના કબજામાં લીધું, તેણે એલાથમાંથી યહૂદીઓને કાઢી મૂક્યા. અરામીઓ એલાથમાં આવીને ત્યાં વસ્યા, આજ સુધી તેઓ ત્યાં જ છે.

7પછી આહાઝે આશ્શૂરના રાજા તિગ્લાથ-પિલેસેરને સંદેશાવાહકો મોકલીને કહાવ્યું, “હું તારો ચાકર તથા તારો દીકરો છું. આવીને મને ઇઝરાયલના રાજા અને અરામના રાજાના હાથમાંથી છોડાવ, તેઓએ મારા પર હુમલો કર્યો છે.”

8પછી આહાઝે યહોવાહના ઘરમાં અને રાજમહેલના ભંડારોમાં જે સોનું તથા ચાંદી મળી આવ્યાં તે લઈને આશ્શૂરના રાજાને ભેટ તરીકે મોકલી આપ્યાં.

9આશ્શૂરના રાજાએ તેનું સાંભળ્યું અને દમસ્કસ પર ચઢાઈ કરીને તે કબજે કર્યું, ત્યાંના લોકોને બંદીવાન કરી પકડીને કીર લઈ ગયો. તેણે અરામના રાજા રસીનને મારી નાખ્યો.

10આહાઝ રાજા આશ્શૂરના રાજા તિગ્લાથ-પિલેસેરને મળવા દમસ્કસ ગયો. તેણે દમસ્કસની વેદી જોઈ. પછી તેણે તે વેદીનો ઘાટ, નમૂનો તથા બધી કારીગરીનો ઉતાર કરીને ઉરિયા યાજક પર મોકલ્યા.

11પછી દમસ્કસથી આહાઝે જે રૂપરેખા મોકલી હતી તે પ્રમાણે યાજક ઉરિયાએ વેદી બાંધી. આહાઝ રાજા દમસ્કસથી પાછો ફર્યો ત્યાં સુધીમાં તેણે તે કામ પૂરું કર્યું.

12રાજા દમસ્કસથી આવ્યો, ત્યારે તેણે તે વેદી જોઈ, રાજાએ વેદી પાસે આવીને તે પર અર્પણો ચઢાવ્યાં.

13તેણે વેદી પર પોતાના દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ ચઢાવ્યાં, પોતાનું પેયાર્પણ રેડ્યું અને પોતાના શાંત્યર્પણનું રક્ત તે વેદી પર છાંટ્યું.

14યહોવાહની આગળ જે પિત્તળની વેદી હતી તેને સભાસ્થાનની આગળથી એટલે યહોવાહના સભાસ્થાનની અને પોતાની વેદીની વચ્ચેથી લાવીને તેણે તે પોતાની વેદીની ઉત્તર તરફ મૂકી.

15પછી આહાઝ રાજાએ યાજક ઉરિયાને આજ્ઞા કરી, “મોટી વેદી પર સવારના દહનીયાર્પણનું, સાંજના ખાદ્યાર્પણનું, રાજાના દહનીયાર્પણનું અને તેના ખાદ્યાર્પણનું, તેમ જ દેશનાં બધાં લોકોનું દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા તેમના પેયાર્પણો જ ચઢાવવાં. દહનીયાર્પણનું બધું રક્ત તથા યજ્ઞનું બધું રક્ત તેની પર જ છાંટવું. પણ પિત્તળની વેદી યહોવાહની સલાહ પૂછવા ફક્ત મારા માટે જ રહેશે.”

16યાજક ઉરિયાએ આહાઝ રાજાના કહ્યા પ્રમાણે કર્યું.

17આહાઝ રાજાએ જળગાડીઓની તકતીઓ કાપી નાખી, તેમાંથી કૂંડીઓ લઈ લીધી, હોજને પિત્તળના બળદો પરથી ઉતારીને પથ્થરના ઓટલા પર મૂક્યો.

18વિશ્રામવારને માટે જે ઢંકાયેલો રસ્તો સભાસ્થાનની અંદર તેઓએ બાંધેલો હતો તે, રાજાને પ્રવેશ કરવાનો જે માર્ગ બહારની બાજુએ હતો તે, તેણે આશ્શૂરના રાજાને લીધે ફેરવીને યહોવાહના સભાસ્થાન તરફ વાળ્યો.

19આહાઝનાં બાકીનાં કૃત્યો, તેણે જે કર્યું તે બધું, યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?

20આહાઝ તેના પિતૃઓની સાથે ઊંઘી ગયો, તેને દાઉદનગરમાં તેના પિતૃઓની સાથે દફ્નાવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો હિઝકિયા રાજા બન્યો.

2 કાળવૃતાંત

2 કાળ 28:1–27

1આહાઝ જ્યારે રાજ કરવા લાગ્યો, ત્યારે તેની ઉંમર વીસ વર્ષની હતી અને તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. તેના પૂર્વજ દાઉદે જેમ સારું કર્યું હતું તેમ તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે પ્રમાણે કર્યું નહિ.

2પણ તે ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો; તેણે બઆલિમની ઢાળેલી મૂર્તિઓ બનાવી અને તેની પૂજા કરી.

3આ ઉપરાંત, જે વિદેશીઓને ઈશ્વરે ઇઝરાયલીઓની આગળથી હાંકી કાઢ્યાં હતા તેઓની ધિક્કારપાત્ર વર્તણૂક પ્રમાણે તે હિન્નોમપુત્રની ખીણમાં ધૂપ બાળતો અને પોતાનાં બાળકોનો અગ્નિમાં હોમ કરતો.

4પર્વતો પર આવેલા ધર્મસ્થાનોમાં, પર્વત પર તથા પ્રત્યેક લીલા વૃક્ષ નીચે તે બલિદાન ચઢાવતો અને ધૂપ બાળતો.

5આથી તેના પ્રભુ ઈશ્વરે તેને અરામના રાજાના હાથમાં સોંપી દીધો. અરામીઓ તેને હરાવીને તેની પ્રજામાંથી ઘણાં માણસોને બંદીવાન કરીને દમસ્કસમાં લઈ ગયા. આહાઝ ઇઝરાયલના રાજાના હાથમાં કેદ પકડાયો. અને ઇઝરાયલના રાજાએ તેના સૈન્યનો ભારે સંહાર કરીને તેને હરાવ્યો.

6રમાલ્યાના પુત્ર પેકાહે જે ઇઝરાયલનો રાજા હતો તે યહૂદિયામાં એક જ દિવસમાં એક લાખ વીસ હજાર શૂરવીર યોદ્ધાઓને મારી નાખ્યા. કારણ કે તેઓએ તેમના પિતૃઓના ઈશ્વરને તજી દીધા હતા.

7એફ્રાઇમના શૂરવીર ઝિખ્રીએ રાજાના પુત્ર માસેયાને અને રાજમહેલના કારભારી આઝ્રીકામ તેમ જ રાજાથી થોડા નીચા દરજજાના એલ્કાનાને મારી નાખ્યા.

8ઇઝરાયલીઓના સૈનિકોએ પોતાના ભાઈઓમાંથી સ્ત્રીઓ અને બાળકો મળીને બે લાખને પકડ્યા અને પુષ્કળ લૂંટ મેળવીને તેઓ સમરુનમાં પાછા આવ્યા.

9પણ ત્યાં ઓદેદ નામે ઈશ્વરનો એક પ્રબોધક રહેતો હતો. તે સમરુન પાછા ફરતાં ઇઝરાયલી સૈન્યને મળવા ગયો અને તેણે કહ્યું, “યહોવાહ તમારા પિતૃઓના ઈશ્વર યહૂદિયાના લોકો ઉપર ક્રોધે ભરાયા છે અને તેથી તેમણે તેઓને તમારા હાથમાં સોંપી દીધા, પણ તમે તેઓને મારી નાખ્યા અને તેથી તે ક્રોધ આકાશ સુધી ઉપર પહોંચ્યો છે.

10અને હવે તમે યહૂદિયા અને યરુશાલેમનાં સ્ત્રીપુરુષોને ગુલામ તરીકે રાખો છો. એવું કરીને તમે પોતે પણ તમારા ઈશ્વર પ્રભુની વિરુદ્ધ અપરાધ કર્યા નથી?

11હવે પછી મારું કહેવું સાંભળો, આ તમારા ભાઈઓમાંથી જેઓને તમે બંદીવાન કર્યા છે તેઓને મુક્ત કરો અને ઘરે પાછા મોકલી દો. કેમ કે ઈશ્વરનો ઉગ્ર કોપ તમારા ઉપર છે.”

12ત્યાર બાદ કેટલાક એફ્રાઇમી આગેવાનો, યોહાનાનનો પુત્ર અઝાર્યા, મશિલ્લેમોથનો પુત્ર બેરેખ્યા, શાલ્લુમનો પુત્ર હિઝકિયા અને હાદલાઈનો પુત્ર, અમાસા યુદ્ધમાંથી પાછા ફરતા માણસોની સામે ઊભા રહ્યા.

13તેઓએ તેઓને કહ્યું, “તમે આ કેદીઓને અહીં લાવશો નહિ. કેમ કે તમે એવું કરવા ધારો છો જેથી અમે ઈશ્વર આગળ ગુનેગાર ઠરીશું અને અમારા પાપોમાં તથા ઉલ્લંઘનોમાં વધારો થશે. ઈશ્વરનો ઉગ્ર રોષ ઇઝરાયલ ઉપરનો ઝઝૂમી રહ્યો છે.”

14તેથી સૈન્યના માણસોએ આગેવાનો અને આખી સભા આગળ કેદીઓ અને લૂંટના સામાનને મૂકી દીધાં.

15પછી જે પુરુષોનાં નામ ઉપર દર્શાવેલાં છે તેઓએ ઊઠીને બંદીવાનોમાંથી જેઓ નિર્વસ્ત્ર હતા તેઓને લૂંટમાંથી વસ્ત્ર પહેરાવ્યાં. તેઓએ તેમને વસ્ત્ર ઉપરાંત પગરખાં તેમ જ ખોરાક અને દ્રાક્ષારસ પણ આપ્યાં, વળી તેઓએ તેમના ઘા પર મલમ લગાવ્યો અને જે અશક્ત હતા તેઓને ગધેડા પર બેસાડીને ખજૂરીઓનાં નગર યરીખોમાં તેઓનાં કુટુંબ પાસે લઈ ગયા. પછી તેઓ સમરુનમાં પાછા ફર્યા.

16તે વખતે રાજા આહાઝે આશ્શૂરના રાજાને પોતાની સહાય માટે સંદેશ મોકલાવ્યો.

17કેમ કે, અદોમીઓ ફરી એકવાર યહૂદિયા પર ચઢી આવ્યા અને ઘણાં લોકોને બંદીવાન તરીકે પકડી ગયા.

18પલિસ્તીઓએ પણ યહૂદિયાના નીચાણના પ્રદેશોમાં તેમ જ દક્ષિણનાં શહેરો ઉપર હુમલો કર્યો અને આજુબાજુ ગામડાંઓ સહિત બેથ-શેમેશ, આયાલોન, ગદેરોથ, સોખો, તિમ્ના અને ગિમ્ઝો નગરો કબજે કર્યાં અને તેમાં વસવાટ કર્યો.

19ઇઝરાયલના રાજા આહાઝને લીધે ઈશ્વરે યહૂદિયાને નમાવ્યું. કેમ કે તે રાજા યહૂદિયામાં ઉદ્ધતાઈથી વર્ત્યો હતો અને તેણે ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યાં હતાં.

20આશ્શૂરના રાજા તિલ્ગાથ-પિલ્નેસેરે તેને મદદ કરવાને બદલે આવીને તેને હેરાન કર્યો.

21આહાઝે યહોવાહના સભાસ્થાનમાંથી, રાજમહેલમાંથી અને પોતાના આગેવાનોના ઘરોમાંથી લૂંટ ચલાવીને એ લૂંટનો માલ આશ્શૂરના રાજાને આપ્યો. પણ તેનાથી તેને કશો લાભ થયો નહિ, કશું વળ્યું નહિ.

22અતિ સંકટના આ સમયે રાજા આહાઝ યહોવાહનો વિરુદ્ધ વધુ અને વધુ પાપ કરતો ગયો.

23દમસ્કસના જે દેવોએ તેને હાર આપી હતી તેઓને તેણે બલિદાનો ચઢાવ્યા. તેણે કહ્યું, “કેમ કે અરામના રાજાઓના દેવોએ તેઓને સહાય કરી છે તો આ બલિદાનો ચઢાવવાને લીધે એ દેવો મારી પણ મદદ કરશે.” પણ તેમ કરવાથી ઊલટું તેને અને આખા ઇઝરાયલને ભારે નુકસાન થયું.

24આહાઝે ઈશ્વરના સભાસ્થાનના પાત્રો ભાંગીને તેના ટુકડેટુકડાં કરી નાખ્યા. તેણે ઈશ્વરના સભાસ્થાનના બારણાં બંધ કરીને યરુશાલેમમાં ખૂણેખાંચરે બીજા દેવોની વેદી બનાવી.

25યહૂદિયાના એકે એક નગરમાં દેવોની આગળ ધૂપ બાળવા ઉચ્ચસ્થાનો બાંધીને પોતાના પિતૃઓના ઈશ્વરનો રોષ વહોરી લીધો.

26હવે તેનાં બાકીનાં કૃત્યો અને તેનાં બધાં આચરણોની વિગતો યહૂદિયા અને ઇઝરાયલના રાજાઓનાં પુસ્તકમાં લખેલી છે.

27આહાઝ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને યરુશાલેમ નગરમાં દફનાવવામાં આવ્યો, જો કે તેને ઇઝરાયલના રાજાઓના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો નહિ. તેના પછી તેનો પુત્ર હિઝકિયા રાજા બન્યો.

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો