અન્વેષણ › સુવાર્તાઓ બાજુબાજુમાં › ગાલીલમાં
સુવાર્તાઓ બાજુબાજુમાં · ગાલીલમાં
સુકાઈ ગયેલા હાથવાળો માણસ
માથ 12:9–14 · માર્ક 3:1–6 · લૂક 6:6–11
માથ 12:9–149ઈસુ ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યા.
10ત્યારે જુઓ, ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયેલો હતો. ઈસુ પર દોષ મૂકવા સારુ ફરોશીઓએ તેમને પૂછ્યું કે, “શું વિશ્રામવારે સાજું કરવું ઉચિત છે?”
11ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “તમારામાં કયો માણસ એવો છે કે, જેને એક ઘેટું હોય, અને વિશ્રામવારે જો તે ખાડામાં પડે તો તેને પકડીને બહાર નહિ કાઢે?
12તો માણસ ઘેટાં કરતાં કેટલું મૂલ્યવાન છે! એ માટે વિશ્રામવારે સારું કરવું ઉચિત છે.”
13ત્યારે પેલા માણસને ઈસુએ કહ્યું કે, “તારો હાથ લાંબો કર.” તેણે તે લાંબો કર્યો, તરત તેનો હાથ બીજા હાથનાં જેવો સાજો થયો.
14ત્યારે ફરોશીઓએ નીકળીને તેમને મારી નાખવાને માટે તેમની વિરુદ્ધ મસલત કરી.
માર્ક 3:1–61ઈસુ ફરી સભાસ્થાનમાં આવ્યા; અને ત્યાં એક માણસ હતો જેનો હાથ સુકાઈ ગયેલો હતો.
2તે વિશ્રામવારે તેને સાજો કરશે કે નહિ, તે વિષે તેઓએ તેમના પર સતત નજર રાખી, એ માટે કે તેઓ તેમના પર દોષ મૂકી શકે.
3પેલા સુકાયેલા હાથવાળા માણસને ઈસુએ કહ્યું કે, ‘વચમાં ઊભો થા.’”
4અને તેમણે કહ્યું કે, ‘વિશ્રામવારે સારું કરવું કે ખોટું કરવું જોઈએ? જીવને બચાવવો કે મારી નાખવો, કયું ઉચિત છે?’ પણ તેઓ મૌન રહ્યા.
5તેઓના હૃદયની કઠોરતાને લીધે તે દિલગીર થઈને ગુસ્સાસહિત ચોતરફ તેઓને જોઈને તે માણસને કહ્યું કે, ‘તારો હાથ લાંબો કર.’” તેણે તે લાંબો કર્યો; અને તેનો હાથ સાજો થયો.
6શી રીતે ઈસુને મારી નાખવા તે વિષે ફરોશીઓએ બહાર જઈને તરત હેરોદીઓની સાથે તેમની વિરુદ્ધ મનસૂબો કર્યો.
લૂક 6:6–116બીજા એક વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં જઈને બોધ કરતા હતા; ત્યારે એક માણસ ત્યાં હતો કે જેનો જમણો હાથ સુકાઈ ગયેલો હતો.
7વિશ્રામવારના દિવસે ઈસુ કોઈને સાજો કરશે કે નહિ, તે વિષે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ તેમને જોયા કરતા હતા, એ માટે કે ઈસુ પર દોષ મૂકવાની તેઓને તક મળે.
8પણ ઈસુએ તેઓના વિચારો જાણી લઈને જે વ્યક્તિનો હાથ સુકાઈ ગયેલો હતો તેને કહ્યું કે, ‘ઊઠીને વચમાં ઊભો રહે.’ તે ઊઠીને વચમાં આવીને ઊભો રહ્યો.
9ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમને પૂછું છું, કે વિશ્રામવારે સારું કરવું કે ખોટું કરવું, જીવને બચાવવો કે તે જીવનો નાશ કરવો, એ બન્નેમાંથી કયું ઉચિત છે?’”
10ઈસુએ બધી બાજુ નજર ફેરવીને તે વ્યક્તિને કહ્યું કે, ‘તારો હાથ લાંબો કર.’ તેણે તેમ કર્યું, એટલે તેનો હાથ સાજો થયો.
11પણ તેઓ ક્રોધે ભરાયા; અને એકબીજાને કહેવા લાગ્યા કે, ‘ઈસુ વિષે આપણે શું કરીએ?’”
ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.