Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ડિસેમ્બર 2027 › 26 ડિસેમ્બર

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 26 ડિસેમ્બર 2027

રવિવાર · નાતાલકાળ

પર્વો અને સંતો

પવિત્ર કુટુંબ: ઈસુ, મરિયમ અને યૂસફ

પર્વ · ધાર્મિક વિધિનો રંગ: સફેદ

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

1 શમુ 1:20–22, 24–28

20સમય પસાર થતાં એમ થયું કે, હાન્ના ગર્ભવતી થઈ. પછી દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ શમુએલ રાખ્યું. અને કહ્યું, “મેં તેને ઈશ્વર પાસેથી માગી લીધો છે.” 21ફરીથી, એલ્કાના પોતાના આખા કુટુંબ સહિત, ઈશ્વરની આગળ વાર્ષિક બલિદાન તથા પોતાની માનતા ચઢાવવા ગયો. 22પણ હાન્ના ગઈ નહિ; તેણે તેના પતિને કહ્યું, “બાળક દૂધ છોડે નહિ ત્યાં સુધી હું જઈશ નહિ; પછી હું તેને લઈ જઈશ, જેથી તે ઈશ્વરની સમક્ષ હાજર થઈને સદા ત્યાં જ રહે.” 24તેણે તેનું દૂધ છોડાવ્યું ત્યાર પછી, તેણે તેને પોતાની સાથે લીધો, ત્રણ વર્ષનો એક બળદો, એક એફાહ આશરે 20 કિલો લોટ, એક કૂંડીમાં દ્રાક્ષાસવ પણ લીધો, આ બધું તેઓ શીલોમાં ઈશ્વરના ઘરમાં લાવ્યા. બાળક હજી નાનો હતો. 25તેઓએ બળદનું બલીદાન કર્યું અને તેઓ તે બાળ શમુએલને એલી પાસે લાવ્યા. 26હાન્નાએ કહ્યું, “ઓ, મારા માલિક! તારા જીવના સમ કે જે સ્ત્રી ઈશ્વરને પ્રાર્થના કરતી હતી તે હું છું. 27આ બાળક સારુ હું પ્રાર્થના કરતી હતી અને ઈશ્વર સમક્ષ મેં જે પ્રાર્થના કરી હતી તે તેમણે ફળીભૂત કરી છે. 28માટે મેં તેને ઈશ્વરને અર્પિત કરેલો છે; તે જીવે ત્યાં સુધી ઈશ્વરને અર્પણ કરેલો છે.” અને એલ્કાના તથા તેના કુંટુબે ત્યાં ઈશ્વરનું ભજન કર્યું. શમુએલ ભજન કરવા ત્યાં જ રહ્યો.

પ્રત્યુત્તર ગીત

ગી.શા 84:1–2, 4–5, 8–9

1મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તિથ. કોરાના દીકરાઓનું ગીત. હે સૈન્યોના યહોવાહ, તમારું નિવાસસ્થાન કેવું મનોહર છે! 2મારો આત્મા યહોવાહના આંગણાની અભિલાષા રાખે છે; જીવતા જાગતા ઈશ્વર માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે. 4તમારા ઘરમાં રહેનારાઓ આશીર્વાદિત છે; તેઓ સદા તમારાં સ્તુતિગાન ગાશે. સેલાહ 5જે માણસનું સામર્થ્ય તમારામાં છે, જેઓનાં હૃદય સિયોનના માર્ગો ધ્યાનમાં રાખે છે, તેઓ આશીર્વાદિત છે. 8હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; હે યાકૂબના ઈશ્વર, હું જે પ્રાર્થના કરું, તે પર ધ્યાન આપો! સેલાહ 9હે ઈશ્વર, અમારી ઢાલને જુઓ; તમારા અભિષિક્ત માટે કાળજી રાખો.

બીજું વાંચન

1 યોહ 3:1–2, 21–24

1જુઓ, પિતાએ આપણા પર એટલો પ્રેમ રાખ્યો છે કે, આપણે ઈશ્વરના બાળકો કહેવાઈએ છીએ અને ખરેખર આપણે તેમના બાળકો છીએ. તેથી માનવજગત આપણને ઓળખતું નથી, કેમ કે તેમણે તેમને ઓળખ્યા નહિ. 2પ્રિયો, હાલ આપણે ઈશ્વરનાં સંતાનો છીએ અને આપણે કેવાં થઈશું, તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે તો જાણીએ છીએ, કે જયારે ખ્રિસ્ત પ્રગટ થશે, ત્યારે તેમના જેવા આપણે થઈશું, કેમ કે જેવા તે છે, તેવા જ આપણે તેમને જોઈશું. 21વહાલાંઓ, જો આપણું અંતઃકરણ આપણને દોષિત ઠરાવતું નથી, તો ઈશ્વરની આગળ આપણને હિંમત પ્રાપ્ત થાય છે. 22જે કંઈ આપણે માગીએ છીએ, તે તેમના તરફથી પામીએ છીએ, કેમ કે તેમની આજ્ઞા આપણે પાળીએ છીએ અને તેમને જે પ્રસન્ન થાય છે તે કરીએ છીએ. 23તેમની આજ્ઞા એ છે કે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તનાં નામ પર આપણે વિશ્વાસ કરીએ અને જેમ તેમણે આપણને આજ્ઞા આપી, તેમ એકબીજા પર પ્રેમ રાખીએ. 24જે તેમની આજ્ઞાઓ પાળે છે, તે તેમનાંમાં રહે છે અને તેઓ તેનામાં રહે છે. જે આત્મા તેમણે આપણને આપ્યો છે તેથી આપણે જાણીએ છીએ કે તેઓ આપણામાં રહે છે.

સુવાર્તા

લૂક 2:41–52

41તેનાં માતાપિતા વરસોવરસ પાસ્ખાપર્વમાં યરુશાલેમ જતા હતાં. 42જયારે ઈસુ બાર વરસના થયા, ત્યારે તેઓ રિવાજ પ્રમાણે પર્વમાં ત્યાં ગયા. 43પર્વના દિવસો પૂરા કરીને તેઓ પાછા જવા લાગ્યાં, ત્યારે ઈસુ યરુશાલેમમાં રોકાઈ ગયા, અને તેમના માતાપિતાને તેની ખબર પડી નહિ. 44પણ તે સમૂહમાં હશે, એમ ધારીને તેઓએ એક દિવસ સુધી મુસાફરી કરી અને પછી પોતાનાં સગામાં તથા ઓળખીતામાં ઈસુને શોધ્યા. 45ઈસુ તેઓને મળ્યા નહિ, ત્યારે તેઓ તેમને શોધતાં શોધતાં યરુશાલેમમાં પાછા ગયા. 46ત્રણ દિવસ પછી તેઓએ તેમને ભક્તિસ્થાનમાં ધર્મગુરુઓની વચમાં બેઠેલા, તેઓનું સાંભળતાં તથા તેઓને સવાલો પૂછતાં જોયા. 47જેઓએ તેમનું સાંભળ્યું તેઓ બધા તેમની બુદ્ધિથી તથા તેમના ઉત્તરોથી વિસ્મિત થયા. 48તેમને જોઈને તેમના માતાપિતા આશ્ચર્ય પામ્યા; અને તેમની માએ તેમને કહ્યું કે, ‘દીકરા, અમારી સાથે તું આવી રીતે કેમ વર્ત્યો? જો, તારા પિતાએ તથા મેં દુઃખી થઈને તારી કેટલી શોધ કરી!’ 49ઈસુએ તેઓને કહ્યું કે ‘તમે મારી શોધ શા માટે કરી? શું તમે જાણતા નહોતાં કે મારે મારા પિતાના ઘરમાં હોવું જોઈએ?’” 50જે વાત ઈસુએ તેઓને કહી તે તેઓ સમજ્યાં નહિ. 51ઈસુ તેઓની સાથે ગયા, અને નાસરેથમાં આવ્યા, માતાપિતાને આધીન રહ્યા અને તેમની માએ એ સઘળી વાતો પોતાના મનમાં રાખી. 52ઈસુ જ્ઞાનમાં તથા કદમાં, ઈશ્વરની તથા માણસોની પ્રસન્નતામાં વૃદ્ધિ પામતા ગયા.

આજના સંતો

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર C, અઠવાડિયાના દિવસોનું વર્ષ II.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો