Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ડિસેમ્બર 2027 › 22 ડિસેમ્બર

ઓર્થોડોક્સ પંચાંગ · 9 ડિસેમ્બર (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 22 ડિસેમ્બર 2027

બુધવાર · પચાસમાના પર્વ પછીનું 27મું અઠવાડિયું · સ્વર 1

પર્વો અને સંતો

Conception by Righteous Anna, of the Most Holy Mother of God

નાતાલનો ઉપવાસ

ઉપવાસ: તેલ સાથે

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

પત્ર

1 તિમ 5:22–6:11

22કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ ના કર. બીજાઓનાં પાપમાં ભાગીદાર થઈશ નહિ; પણ પોતાને શુદ્ધ રાખ. 23હવેથી એકલું પાણી ન પીતો, પણ તારા પેટને લીધે તથા તારી વારંવારની બિમારીઓને લીધે, થોડો દ્રાક્ષાસવ પણ પીજે. 24કેટલાક મનુષ્યોનાં પાપ જાહેર હોવાથી તેમનો ન્યાય પહેલાં થાય છે પણ કેટલાકનાં પછીથી જાહેર થાય છે. 25તે જ પ્રમાણે કેટલાકનાં સારાં કામ જગજાહેર છે, તેની સામે જે જાહેર નથી તે પણ ગુપ્ત રહી શકતા નથી. 6:1જેટલાં દાસ તરીકે ઝૂંસરી તળે છે તેઓએ પોતાના માલિકોને પૂરા માનયોગ્ય ગણવા, કે જેથી ઈશ્વરના નામ અને શિક્ષણ વિરુદ્ધ દુર્ભાષણ થાય નહિ. 2તદુપરાંત જેઓનાં માલિકો વિશ્વાસી છે, તેઓ ભાઈઓ છે તેથી તેઓને તુચ્છ ગણવા નહિ, પણ તેમની સેવા કરવી, કેમ કે જેઓ સેવા પામે છે તેઓ વિશ્વાસી તથા પ્રિય છે. એ વાતો શીખવ અને સમજાવ. 3જો કોઈ અલગ શિક્ષણ આપે છે, અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં વચન તથા ભક્તિભાવ પ્રમાણે જે શુદ્ધ શિક્ષણ છે, તેને સંમત નથી, 4તો તે અભિમાની છે, અને કંઈ જાણતો નથી, પણ તે વાદવિવાદ અને શાબ્દિક તકરારોથી પીડાય છે કે જેમાંથી અદેખાઈ, ઝઘડા, નિંદા, દુષ્ટ શંકાઓ ઊપજે છે, 5અને બુદ્ધિભ્રષ્ટ અને સત્યથી ફરી જનારાં કે જેઓ માટે ભક્તિભાવ કમાઈનું એક સાધન છે તેઓમાં સતત કજિયા થાય છે. 6પણ સંતોષસહિતની ઈશ્વરપરાયણતા એ મહત્તમ લાભ છે; 7કેમ કે આપણે આ દુનિયામાં કશું લાવ્યા નથી ને તેમાંથી કશું પણ લઈ જઈ શકવાના નથી. 8પણ આપણને જે અન્ન અને વસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ. 9જેઓ દ્રવ્યવાન થવા ચાહે છે, તેઓ પરીક્ષણ, ફાંદા તથા ઘણી મૂર્ખ અને હાનિકારક ઇચ્છાઓમાં પડે છે, જે માણસોને પાયમાલી તથા વિનાશમાં ડુબાવે છે. 10કેમ કે દ્રવ્યપ્રેમ એ સર્વ પ્રકારની દુષ્ટતાનું મૂળ છે તેની પાછળ ખેંચાવાથી કેટલાક વિશ્વાસથી દુર લઈ જવાયા અને તેઓએ ઘણાં દુઃખોથી પોતાને વીંધ્યા છે. 11પણ હે ઈશ્વરભક્ત, તું આ બાબતોથી દૂર ભાગજે; તદુપરાંત ન્યાયીપણું, ઈશ્વરપરાયણતા, વિશ્વાસ, પ્રેમ, સહનશીલતા તથા વિનમ્રતાની પાછળ લાગ.

પત્ર (સંત અન્ના માટે)

ગલ 4:22–31

22કેમ કે એમ લખેલું છે કે, ઇબ્રાહિમને બે દીકરા હતા, એક દાસી દ્વારા જન્મેલો અને બીજો પત્ની દ્વારા જન્મેલો. 23જે દાસીનો તે મનુષ્યદેહ પ્રમાણે જન્મેલો હતો અને જે પત્નીનો તે વચન પ્રમાણે જન્મેલો હતો. 24તેઓ તો નમૂનારૂપ છે કેમ કે તે સ્ત્રીઓ જાણે બે કરારો છે; એક તો સિનાઈ પહાડ પરનો, કે જે દાસત્વને જન્મ આપે છે અને તે તો હાગાર દાસી છે. 25હવે હાગાર તો જાણે અરબસ્તાનમાંનો સિનાઈ પહાડ છે, તે હાલનાં યરુશાલેમને લાગુ પડે છે, કેમ કે તે પોતાનાં સંતાનો સાથે દાસત્વમાં છે. 26પણ ઉપરનું યરુશાલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે; 27કેમ કે લખેલું છે કે, ‘હે નિ:સંતાન, સ્ત્રી તું આનંદ કર; જેને પ્રસૂતિની પીડા થતી નથી, તે તું હર્ષનાદ કર; કેમ કે જેને પતિ છે તેના કરતાં એકલી મુકાયેલી સ્ત્રીનાં સંતાન વધારે છે.’” 28હવે, હે ભાઈઓ, આપણે ઇસહાકની જેમ વચનનાં સંતાનો છીએ. 29પણ તે સમયે જેમ દેહથી જન્મેલાંએ આત્માથી જન્મેલાંને સતાવ્યો; તેવું અત્યારે પણ ચાલે છે. 30પણ શાસ્ત્રવચન શું કહે છે? ‘દાસીને તથા તેના દીકરાને કાઢી મૂક, કેમ કે દાસીનો દીકરો પત્નીના દીકરા સાથે વારસ બનશે નહિ.’” 31તેથી, ભાઈઓ, આપણે દાસીનાં સંતાનો નથી, પણ પત્નીનાં છીએ.

સુવાર્તા

લૂક 21:5–7, 10–11, 20–24

5સુંદર પથ્થરોથી તથા દાનોથી ભક્તિસ્થાન કેવું સુશોભિત કરાયેલું છે તે વિષે કેટલાક વાત કરતા હતા, ત્યારે ઈસુએ કહ્યું કે, 6‘આ બધું તમે જુઓ છો ખરા, પણ એવા દિવસો આવશે કે જયારે અહીં પાડી નંખાશે નહિ એવો એક પથ્થર બીજા પર રહેવા દેવાશે નહિ.’” 7તેઓએ તેમને પૂછ્યું કે, ‘ઉપદેશક, તો એ ક્યારે થશે? જયારે આ વાતો પૂરી થવાની હશે ત્યારે કઈ નિશાની દેખાશે?’” 10ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે,’ પ્રજા પ્રજા વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે; 11અને મોટા ધરતીકંપો થશે, તથા ઠેરઠેર દુષ્કાળ તથા મરકીઓ થશે; સ્વર્ગમાંથી ભયંકર ઉત્પાત તથા ભયાનક ચમત્કારિક ચિહ્નો થશે. 20પણ જયારે યરુશાલેમને લશ્કરોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો નાશ થવાનો સમય પાકી ગયો છે. 21ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું; જેઓ શહેરમાં હોય તેઓએ બહાર નીકળી જવું; અને જેઓ ખેતરોમાં હોય તેઓએ શહેરમાં આવવું નહિ. 22કેમ કે એ વેર વાળવાના દિવસો છે, એ માટે કે જે લખેલું છે, તે બધું પૂરું થાય. 23એ દિવસોમાં જેઓ સગર્ભા હશે તથા જેઓ સ્તનપાન કરાવતી હશે તેઓની હાલત દુઃખદાયક થશે. કેમ કે દેશ પર મોટી વિપત્તિ, અને આ લોકો પર કોપ આવી પડશે. 24તેઓ તલવારની ધારથી માર્યા જશે, અને કેટલાકને ગુલામ બનાવીને અન્ય દેશોમાં લઈ જવાશે; અને વિદેશીઓના સમયો પૂરા થશે, ત્યાં લગી યરુશાલેમ તેઓથી ખૂંદી નંખાશે.

સુવાર્તા (સંત અન્ના માટે)

લૂક 8:16–21

16વળી કોઈ માણસ દીવો સળગાવીને તેને વાસણ નીચે ઢાંકતો નથી, અથવા ખાટલા નીચે મૂકતો નથી; પણ તેને દીવી પર મૂકે છે કે અંદર આવનારાઓને અજવાળું મળે. 17કારણ કે, એવી કોઈ છૂપી વસ્તુ નથી કે તે ખુલ્લી નહિ થાય અને જણાશે નહિ, તથા ઉધાડું થશે નહિ, એવું કંઈ ગુપ્ત નથી. 18માટે તમે કેવી રીતે સાંભળો છો તે વિષે સાવધાન રહો; કેમ કે જેની પાસે છે તેને અપાશે; અને જેની પાસે નથી તેની પાસેથી તેનું જે છે તે પણ લઈ લેવાશે.’” 19ઈસુનાં મા તથા ભાઈઓ તેમની પાસે આવ્યાં, પણ લોકોની ભીડને લીધે તેઓ તેમની પાસે જઈ શક્યા નહિ. 20અને ઈસુને કોઈએ ખબર આપી કે, ‘તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા રહ્યાં છે, અને તમને મળવા માગે છે.’” 21પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, ‘આ જેઓ ઈશ્વરનાં વચનને સાંભળે છે તથા પાળે છે તેઓ મારાં મા તથા ભાઈઓ છે.’”

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 9 ડિસેમ્બર એટલે નાગરિક પંચાંગનો 22 ડિસેમ્બર. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો