Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › નવેમ્બર 2027 › 27 નવેમ્બર

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 27 નવેમ્બર 2027

શનિવાર · સામાન્ય કાળનું 34મું અઠવાડિયું

પર્વો અને સંતો

સામાન્ય કાળના 34મા અઠવાડિયાનો શનિવાર

વૈકલ્પિક સ્મૃતિદિન · ધાર્મિક વિધિનો રંગ: લીલો

શનિવારે ધન્ય કુમારી મરિયમનો સ્મૃતિદિન · વૈકલ્પિક સ્મૃતિદિન

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

દાનિ 7:15–27

15હું દાનિયેલ, મારા આત્મામાં દુઃખી થયો, મારા મગજમાં મેં સંદર્શનો જોયાં તેનાથી હું ભયભીત થયો. 16ત્યાં ઊભા રહ્યા હતા તેઓમાંના એકની પાસે જઈને મેં તેને કહ્યું કે, આ બાબતનો અર્થ શો છે તે મને બતાવ. 17‘આ ચાર મોટા પશુઓ ચાર રાજાઓ છે, તેઓ પૃથ્વી પર ઊભા થશે. 18પણ પરાત્પરના સંતો રાજ્ય મેળવશે અને તેઓ સદા સર્વકાળ સુધી રાજ કરશે.’” 19પછી મેં ચોથા પશુનું રહસ્ય જાણવાની ઇચ્છા પ્રગટ કરી, તે બીજા બધા કરતાં જુદું હતું, તેના લોખંડના દાંત અને પિત્તળના નખ ઘણા ભયંકર હતા; તે લોકોને ભક્ષ કરતું, ભાંગીને ટુકડા કરતું, બાકી રહેલાને તેના પગ તળે કચડી નાખતું હતું. 20વળી તેના માથા પરનાં દસ શિંગડાં તથા બીજા શિંગડાં આગળ પેલા ત્રણ શિંગડાં પડી ગયાં તેના વિષે જાણવાની મને ઇચ્છા હતી. જે શિંગડાને આંખો તથા બડાશ મારતું મુખ હતું, જે બીજા શિંગડાં કરતાં મોટું દેખાતું હતું, તેને વિષે પણ જાણવાની ઇચ્છા દર્શાવી. 21હું જોતો હતો, ત્યાં તો તે શિંગડું પવિત્ર લોકોની વિરુદ્ધ યુદ્ધ કરવા લાગ્યું, તેઓને પરાજિત કરતું હતું. 22પેલો પુરાતનકાલીન આવ્યો, પરાત્પરના સંતોને ન્યાય આપવામાં આપ્યો. પછી સમય આવ્યો કે સંતોને રાજ્ય પ્રાપ્ત થયું. 23તે વ્યક્તિએ ચોથા પશુ માટે આ પ્રમાણે કહ્યું, ‘કે, તે પૃથ્વી પર ચોથું રાજ્ય છે તે બીજાં બધાં રાજ્યો કરતાં જુદું હશે. તે આખી પૃથ્વીને ભક્ષ કરી જશે, તેને કચડી નાખશે ભાંગીને ટુકડે ટુકડા કરી નાખશે. 24તે દસ શિંગડાં એટલે આ રાજ્યમાંથી દસ રાજાઓ ઊભા થશે, તેમના પછી બીજો રાજા ઊભો થશે. તે અગાઉનાં કરતાં અલગ હશે, તે ત્રણ રાજાઓને જીતશે. 25તે પરાત્પરની વિરુદ્ધ બોલશે. પરાત્પર ઈશ્વરના પવિત્રો પર જુલમ કરશે, ધાર્મિક ઉત્સવોમાં તથા નિયમોમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરશે. એક વર્ષ માટે, બે વર્ષ માટે તથા અડધા વર્ષ માટે આ બાબત તેના હાથમાં સોંપી દેવામાં આવશે. 26પણ ન્યાયસભા ભરાશે, તેઓ તેનું રાજ્ય છીનવી લેશે અને અંતે તેનો સંપૂર્ણ નાશ થશે. 27રાજ્ય તથા સત્તા, આખા આકાશ નીચેના રાજ્યોનું માહાત્મ્ય, લોકોને સોંપવામાં આવશે જે પરાત્પરના પવિત્રોનું થશે. તેમનું રાજ્ય સદાકાળનું રાજ્ય છે, બીજા બધાં રાજ્યો તેમને તાબે થશે અને તેમની આજ્ઞામાં રહેશે.’”

પ્રત્યુત્તર ગીત

આ અનુવાદમાં નથી

સુવાર્તા

લૂક 21:34–36

34તમે સાવધાન રહો, રખેને અતિશય ખાવાથી કે પીવાથી તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થાય, અને તે દિવસ જાળની જેમ તમારા પર ઓચિંતો આવી પડે. 35કેમ કે તે દિવસ આખી પૃથ્વી ઉપર વસનારાં સર્વ પર ફાંદારૂપ આવી પડવાનો છે. 36તમે સતત જાગતા રહો અને પ્રાર્થના કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની સમક્ષ રજૂ થવા માટે તમે સક્ષમ થાઓ.’”

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો