Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › નવેમ્બર 2027 › 14 નવેમ્બર

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 14 નવેમ્બર 2027

રવિવાર · સામાન્ય કાળનું 33મું અઠવાડિયું

પર્વો અને સંતો

સામાન્ય કાળનો 33મો રવિવાર

રવિવાર · ધાર્મિક વિધિનો રંગ: લીલો

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

દાનિ 12:1–3

1“તે સમયે તારા લોકોની રક્ષા કરનાર મહાન રાજસરદાર મિખાએલ ઊભો થશે. અને સંકટનો એવો સમય આવશે કે પ્રજાઓ ઉત્પન્ન થઈ ત્યારથી અત્યાર સુધીમાં એવો સમય કદી આવ્યો નથી. તે સમયે તારા લોકો જેઓનાં નામ જીવનના પુસ્તકમાં લખાયેલાં માલૂમ પડશે છે તેઓ બચી જશે. 2જેઓ પૃથ્વીની ધૂળમાં સૂઈ ગયા છે તેઓમાંના ઘણા બેઠા થશે, કેટલાકને અનંતજીવન મળશે, કેટલાક અનંતકાળ સુધી શરમિંદા તથા તિરસ્કારપાત્ર થશે. 3જેઓ જ્ઞાની છે તેઓ અંતરિક્ષના અજવાળાની જેમ પ્રકાશશે. જેઓએ ઘણાને ન્યાયીપણા તરફ વાળ્યા છે તેઓ તારાઓની જેમ સદાકાળ ચમકશે.

પ્રત્યુત્તર ગીત

ગી.શા 16:5, 8–11

5યહોવાહ, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો. તમે મારા હિસ્સાનો આધાર છો. 8મેં યહોવાહને સદા મારી સમક્ષ રાખ્યા છે, તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી. 9તેથી મારું હૃદય આનંદમાં છે; મારો આત્મા હર્ષ પામે છે; ચોક્કસ હું સહીસલામત રહીશ. 10કારણ કે તમે મારો આત્મા શેઓલને સોંપશો નહિ; તમે તમારા પવિત્રને કહોવાણ જોવા દેશો નહિ. 11તમે મને જીવનનો માર્ગ જણાવશો; તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે; તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનારાં સુખદાયક વાનાં છે.

બીજું વાંચન

હિબ 10:11–14, 18

11દરેક યાજક નિત્ય સેવા કરતાં તથા એ ને એ જ બલિદાનો વારંવાર આપતા ઊભો રહે છે, પરંતુ એ બલિદાનો પાપોને દૂર કરવાને કદાપિ સક્ષમ નથી. 12પણ ખ્રિસ્ત તો, પાપોને કાજે એક બલિદાન સદાકાળને માટે આપીને, ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે. 13હવે પછી તેમના વૈરીઓને તેમના પગ નીચે કચડવામાં આવે ત્યાં સુધી તે રાહ જુએ છે. 14કેમ કે જેઓ પવિત્ર કરાય છે તેઓને તેમણે એક જે અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કરી દીધાં છે. 18હવે જ્યાં તેઓના પાપ માફ થયા છે, ત્યાં ફરી પાપને સારુ બીજા અર્પણની જરૂરિયાત નથી.

સુવાર્તા

માર્ક 13:24–32

24પણ તે દિવસોમાં, એ વિપત્તિ પછી, સૂર્ય અંધકારરૂપ થઈ જશે, અને ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે, 25આકાશના તારાઓ ખરવા લાગશે; અને આકાશમાંના પરાક્રમો હલાવાશે. 26ત્યારે તેઓ માણસના દીકરાને ભરપૂર પરાક્રમ તથા મહિમાસહિત વાદળામાં આવતા જોશે. 27ત્યારે તે પોતાના સ્વર્ગદૂતોને મોકલીને પૃથ્વીના છેડાથી આકાશના છેડા સુધી, ચારે દિશાથી પોતાના પસંદ કરેલાઓને એકઠા કરશે. 28હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો; જયારે તેની ડાળી કુમળી જ હોય છે અને પાંદડાં ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે છે. 29એમ જ તમે પણ જયારે આ બધું થતું જુઓ, ત્યારે તમારે જાણવું કે, ખ્રિસ્ત પાસે એટલે બારણા આગળ જ છે. 30હું તમને નિશ્ચે કહું છું કે આ બધાં પૂરાં થાય ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ. 31આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ. 32પણ તે દિવસો તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ જાણતું નથી, આકાશમાંના સ્વર્ગદૂતો નહિ અને દીકરો પણ નહિ.

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો