મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › નવેમ્બર 2027 › 14 નવેમ્બર
ઓર્થોડોક્સ પંચાંગ · 1 નવેમ્બર (જૂની પદ્ધતિ)
ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 14 નવેમ્બર 2027
રવિવાર · સ્વર 4
પર્વો અને સંતો
પચાસમાના પર્વ પછીનો 21મો રવિવાર
ઉપવાસ
ઉપવાસ નથી
આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.
દિવસનાં વાંચનો
પ્રભાત-પ્રાર્થનાની 10મી સુવાર્તા
1એ બીનાઓ બન્યા પછી તિબેરિયસના સમુદ્રકિનારે ફરીથી ઈસુએ શિષ્યોને દર્શન આપ્યું; તેમણે આ રીતે દર્શન આપ્યું; 2સિમોન પિતર, થોમા જે દીદીમસ કહેવાતો હતો તે, ગાલીલના કાનાનો નથાનિયેલ, ઝબદીના દીકરા તથા તેમના શિષ્યોમાંના બીજા બે એકત્ર થયા હતા. 3સિમોન પિતર તેઓને કહે છે કે, ‘હું માછલીઓ પકડવા જાઉં છું.’ તેઓ તેને કહે છે કે, અમે પણ તારી સાથે આવીએ છીએ. ત્યારે તેઓ નીકળીને હોડીમાં બેઠા; પણ તે રાત્રે તેઓને કંઈ મળ્યું નહિ. 4પણ વહેલી સવારે ઈસુ કિનારે ઊભા હતા; પરંતુ તેઓ ઈસુ છે એમ શિષ્યોએ જાણ્યું નહિ. 5ઈસુ તેઓને કહે છે કે, ‘જુવાનો, તમારી પાસે કંઈ ખાવાનું છે?’ તેઓએ તેમને ઉત્તર આપ્યો કે, ‘નથી.’” 6તેમણે તેઓને કહ્યું કે, ‘હોડીની જમણી તરફ જાળ નાખો, એટલે તમને કંઈક મળશે.’ તેથી તેઓએ જાળ નાખી; પણ એટલી બધી માછલીઓ તેમાં ભરાઈ કે તેઓ તેને ખેંચી શક્યા નહિ. 7ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા તે પિતરને કહે છે કે, ‘આ તો પ્રભુ છે!’ જ્યારે સિમોન પિતરે સાંભળ્યું કે તેઓ પ્રભુ છે ત્યારે તેણે પોતાનો ઝભ્ભો પહેર્યો કેમ કે તે ઉઘાડો હતો અને સમુદ્રમાં કૂદી પડ્યો. 8બીજા શિષ્યો હોડીમાં જ રહીને માછલીઓથી ભરાયેલી જાળ ખેંચતા આવ્યા, કેમ કે તેઓ કિનારાથી દૂર નહિ, પણ લગભગ 100 મીટર જેટલે અંતરે હતા. 9તેઓ કિનારે ઊતર્યા ત્યારે ત્યાં તેઓએ અંગારા પર મૂકેલી માછલી તથા રોટલી જોયાં. 10ઈસુ તેઓને કહે છે કે, ‘તમે અત્યારે પકડેલી માછલીઓમાંથી થોડી લાવો.’” 11તેથી સિમોન પિતર હોડી પર ચઢીને એક્સો ત્રેપન મોટી માછલીઓથી ભરાયેલી જાળ કિનારે ખેંચી લાવ્યો; જોકે એટલી બધી માછલીઓ હોવા છતાં પણ જાળ ફાટી નહિ. 12ઈસુ તેઓને કહે છે કે, ‘આવો, નાસ્તો કરો.’ તેઓ પ્રભુ છે તે જાણીને શિષ્યોમાંના કોઈની ‘તમે કોણ છે? એમ પૂછવાની હિંમત ચાલી નહિ. 13ઈસુએ આવીને રોટલી તેમ જ માછલી પણ તેઓને આપી. 14મૃત્યુમાંથી પાછા ઊઠ્યાં પછી ઈસુએ પોતાના શિષ્યોને આ ત્રીજી વાર દર્શન આપ્યું.
પત્ર
16જાણીએ છીએ કે, મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓથી નહિ, પણ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ન્યાયી ઠરે છે. અમે પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો કે જેથી અમે નિયમશાસ્ત્રની કરણીઓથી નહિ પણ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ન્યાયી ઠરીએ, કેમ કે નિયમશાસ્ત્રની કરણીઓથી કોઈ પણ મનુષ્ય ન્યાયી ઠરશે નહિ. 17પણ ખ્રિસ્તમાં ન્યાયી ઠરવાની ઇચ્છા રાખીને, જો આપણે પોતે પાપી માલૂમ પડીએ, તો શું ખ્રિસ્ત પાપના સેવક છે? કદી નહિ. 18કેમ કે જેને મેં પાડી નાખ્યું, તેને હું ફરીથી બાંધુ, તો હું પોતાને અપરાધી ઠરાવું છું. 19કેમ કે હું ઈશ્વરને માટે જીવવાને, નિયમશાસ્ત્ર દ્વારા નિયમશાસ્ત્ર પ્રત્યે મૃત્યુ પામ્યો છું. 20હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો છું, પરંતુ હું જીવું છું, તોપણ હું નહિ, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે; અને હવે મનુષ્યદેહમાં મારું જે જીવન છે તે ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી છે; તેમણે મારા પર પ્રેમ કર્યો અને મારે માટે પોતાનું અર્પણ કર્યું.
પત્ર (સંત કોસ્માસ અને સંત દામિયન માટે)
27હવે તમે ખ્રિસ્તનું શરીર, અને તેના જુદાંજુદાં અંગો છો. 28ઈશ્વરે મંડળીમાં કેટલાકને નીમ્યા છે, તે આ પ્રમાણે છે; પ્રથમ પ્રેરિતો, બીજા પ્રબોધકો, ત્રીજા ઉપદેશકો, પછી પરાક્રમી કામો કરનારા, પછી સાજાપણાંના કૃપાદાનો, સહાયકો, વહીવટકર્તાઓ અને વિવિધ ભાષા બોલનારાઓ. 29શું બધા પ્રેરિતો છે? શું બધા પ્રબોધકો છે? શું બધા ઉપદેશકો છે? શું આપણે બધા પરાક્રમી કામો કરીએ છીએ? 30શું બધાને સાજાં કરવાના કૃપાદાન છે? શું બધા વિવિધ ભાષાઓ બોલે છે? શું બધા ભાષાંતર કરે છે? 31જે કૃપાદાનો વધારે ઉત્તમ છે તેઓને પ્રાપ્ત કરવાની ઉત્કંઠા રાખો; તોપણ હું તમને એ કરતાં ઉત્તમ માર્ગ બતાવું છું. 13:1જોકે હું માણસોની તથા સ્વર્ગદૂતોની પણ ભાષાઓ બોલી શકું, પણ મારામાં પ્રેમ ન હોય, તો રણકાર કરનાર પિત્તળ કે ઝમકાર કરનાર ઝાંઝના જેવો હું છું. 2જો મને પ્રબોધ કરવાનું દાન હોય, અને હું સર્વ મર્મ તથા સર્વ વિદ્યા જાણતો હોઉં, અને હું પર્વતોને ખસેડી શકું એવો પૂરો વિશ્વાસ મારામાં હોય, પણ મારામાં પ્રેમ હોય નહિ, તો હું કશું જ નથી. 3જો હું કંગાલોનું પોષણ કરવા મારી બધી સંપત્તિ આપું અને જો હું મારું શરીર અગ્નિને સોંપું પણ મારામાં પ્રેમ ન હોય, તો મને કશું હિતકારક નથી. 4પ્રેમ સહનશીલ તથા પરોપકારી છે; પ્રેમ અદેખાઈ કરતો નથી; પ્રેમ બડાશ મારતો નથી, ફુલાઈ જતો નથી, 5પ્રેમ અયોગ્ય રીતે વર્તતો નથી, પોતાનું જ હિત શોધતો નથી, ખીજવાતો નથી, કોઈનું ખરાબ ઇચ્છતો નથી; 6અન્યાયમાં નહિ, પણ સત્યમાં આનંદ મનાવે છે; 7પ્રેમ બધું ખમે છે, બધું સાચું માને છે, બધાની આશા રાખે છે, બધાનું સહન કરે છે. 8પ્રેમ કદી ઓછો થતો નથી, પણ પ્રબોધ કરવાનું દાન હોય તો તે નષ્ટ થશે; ભાષાઓ ભુલાઈ જશે; વિદ્યા હોય તો તે વીસરી જશે.
સુવાર્તા
26ગાલીલને પેલે પાર આવેલા ગેરાસાનીઓના દેશમાં તેઓ પહોંચ્યા. 27પછી ઈસુ કિનારે ઊતર્યા, ત્યારે શહેરમાંથી એક માણસ તેમની સામે આવ્યો. તેને દુષ્ટાત્માઓ વળગેલો હતો; ઘણાં સમયથી તે પોતાનાં વસ્ત્રો પહેરતો ન હતો. અને ઘરમાં નહિ, પણ કબરોમાં રહેતો હતો. 28તેણે ઈસુને જોયા ત્યારે તે બૂમ પાડીને તેમની આગળ પડ્યો અને મોટે ઘાંટે કહ્યું કે, ‘ઓ ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે અને તમારે શું છે? હું તમને વિનંતી કરું છું કે મને પીડા ન દો.’” 29કારણ કે ઈસુએ અશુદ્ધ આત્માને તે માણસમાંથી બહાર નીકળવાની આજ્ઞા કરી હતી. એ દુષ્ટાત્મા તે માણસને વારંવાર વળગ્યા કરતો હતો; અને તેઓ તેને સાંકળોથી તથા બેડીઓથી બાંધતા, પણ તે બંધનો તોડી નાખતો અને દુષ્ટાત્મા તેને જંગલમાં લઈ જતો હતો. 30ઈસુએ તેને પૂછ્યું કે, ‘તારું નામ શું છે?’ તેણે કહ્યું કે, ‘સેના,’ કેમ કે તેનામાં ઘણાં દુષ્ટાત્માઓ હતાં. 31દુષ્ટાત્માઓએ ઈસુને વિનંતી કરી કે, ‘અમને નીકળીને અનંતઊંડાણમાં જવાનો હુકમ ન કરો.’” 32હવે ત્યાં ઘણાં ભૂંડોનું ટોળું પર્વતની બાજુ પર ચરતું હતું; અને તેઓએ તેમને વિનંતી કરી કે, અમને ‘તેઓમાં પેસવાની રજા આપો.’ ઈસુએ તેઓને રજા આપી. 33દુષ્ટાત્માઓ તે માણસમાંથી નીકળીને ભૂંડોમાં ગયાં; અને ટોળું ટેકરા ઉપરથી સમુદ્રમાં પડી ગયું અને ડૂબી મર્યું. 34જે થયું તે જોઈને ભૂંડ ચરાવનારા ભાગ્યા, અને શહેરમાં તથા ગામડાંઓમાં જઈને તે વિષે ખબર આપી. 35જે થયું તે જોવા સારુ લોકો નીકળ્યા, અને ઈસુની પાસે આવ્યા; ત્યારે જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળ્યાં હતાં તેને તેઓએ વસ્ત્ર પહેરેલો તથા હોશમાં આવેલો ઈસુના પગ આગળ બેઠેલો જોયો; અને તેઓ ભયભીત થયા. 36દુષ્ટાત્મા વળગેલો માણસ શી રીતે સાજો થયો, તે જેઓએ જોયું હતું તેઓએ તેમને કહી જણાવ્યું. 37ગેરાસાનીઓની આસપાસના દેશમાં સર્વ લોકોએ ઈસુને વિનંતી કરી કે, ‘અમારી પાસેથી ચાલ્યા જાઓ.’ તેઓ ખૂબ ડરી ગયા હતા. પછી હોડીમાં બેસીને તે પાછા ગયા. 38પણ જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળ્યા હતા તેણે તેમની સાથે રહેવા સારુ વિનંતી કરી; પણ ઈસુએ તેને વિદાય કરતાં કહ્યું કે, 39‘તારે ઘરે પાછો જા, અને ઈશ્વરે તારે માટે કેવાં મોટાં કામ કર્યાં છે તે કહી જણાવ.’ અને તેણે જઈને ઈસુએ કેવાં મોટાં કામ તેને સારુ કર્યા હતાં, તે આખા શહેરમાં કહી જણાવ્યું.
સુવાર્તા (સંત કોસ્માસ અને સંત દામિયન માટે)
1પછી ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો, તથા દરેક પ્રકારનો મંદવાડ તથા દરેક જાતનો રોગ મટાડવાનો અધિકાર તેઓને આપ્યો. 5ઈસુએ તે બાર શિષ્યોને મોકલીને એવી આજ્ઞા આપી કે, “તમે વિદેશીઓને માર્ગે ન જાઓ અને સમરૂનીઓના કોઈ નગરમાં ન પેસો. 6પણ તેના કરતાં ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાંની પાસે જાઓ. 7તમે જતા જતા એમ પ્રગટ કરો કે, ‘સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.’” 8માંદાઓને સાજાં કરો, મૂએલાંઓને સજીવન કરો, રક્તપિત્તના રોગીઓને શુદ્ધ કરો, અને દુષ્ટાત્માઓને કાઢો. તમે મફત પામ્યા છો, મફત આપો.
તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 1 નવેમ્બર એટલે નાગરિક પંચાંગનો 14 નવેમ્બર. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો