Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › નવેમ્બર 2027 › 8 નવેમ્બર

ઓર્થોડોક્સ પંચાંગ · 26 ઑક્ટોબર (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 8 નવેમ્બર 2027

સોમવાર · પચાસમાના પર્વ પછીનું 21મું અઠવાડિયું · સ્વર 3

પર્વો અને સંતો

Great Martyr Demetrius of Thessalonica († c. 306)

ઉપવાસ

ઉપવાસ નથી

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

સંધ્યા-પ્રાર્થના: વાંચન

યશા 63:15–64:5, 8–9

15આકાશમાંથી નજર નાખીને તમારા પવિત્ર તથા પ્રતાપી નિવાસસ્થાનમાંથી જુઓ. તમારો ઉત્સાહ અને તમારાં મહાન કાર્યો ક્યાં છે? તમારી લાગણી અને તમારા દયાળુ કાર્યો અમારાથી દૂર રાખવામાં આવ્યાં છે. 16કેમ કે તમે અમારા પિતા છો, જો કે ઇબ્રાહિમ અમને જાણતા નથી અને ઇઝરાયલ અમને કબૂલ કરતા નથી, તમે, હે યહોવાહ, તમે અમારા પિતા છો. પ્રાચીન કાળથી “અમારો ઉદ્ધાર કરનાર” એ જ તમારું નામ છે. 17હે યહોવાહ, તમે શા માટે અમને તમારા માર્ગ પરથી ભટકાવી દો છો અને અમારાં હૃદયો કઠણ કરો છો, જેથી અમે તમારી આજ્ઞા પાળીએ નહિ? તમારા સેવકોની ખાતર, તમારા વારસાનાં કુળોને માટે પાછા આવો. 18થોડો જ વખત તમારા લોકોએ પવિત્રસ્થાનનું વતન ભોગવ્યું છે, પણ પછી અમારા શત્રુઓએ તેને કચડ્યું છે. 19જેઓના પર તમે ક્યારેય રાજ કર્યું નથી, જેઓ તમારા નામથી ઓળખાતા નથી તેઓના જેવા અમે થયા છીએ. 64:1જો તમે આકાશોને ફાડીને નીચે ઊતરો! જો પર્વતો તમારી હાજરીમાં કંપે, તો કેવું સારું, 2જેમ અગ્નિ ઝાડીને સળગાવે છે, જેમ અગ્નિ પાણીને ઉકાળે છે. તેમ તમારું નામ તમારા શત્રુઓ જાણી જશે, જેથી પ્રજાઓ તમારી હાજરીમાં ધ્રૂજી ઊઠશે! 3અગાઉ, અમારી કલ્પનામાં ન આવે એવાં અદ્દભુત કામો તમે કરતા હતા, તમે નીચે ઊતર્યા અને પર્વતો તમારી હાજરીથી કંપી ઊઠયા. 4આદિકાળથી કોઈએ સાંભળ્યું નથી કે માનવામાં આવ્યું નથી, કે કોઈ આંખે તમારા સિવાય બીજા કોઈ ઈશ્વરને જોયો નથી, કે જે તેમની રાહ જોનારને માટે એવું કરે. 5જેઓ આનંદથી જે યોગ્ય છે તે કરે છે, જેઓ તમારા માર્ગોને ધ્યાનમાં રાખીને તેને પાળે છે, તેઓને સહાય કરવાને તમે આવો. તમે કોપાયમાન થયા હતા કેમ કે અમે પાપ કર્યું. તમારા માર્ગોમાં અમારો હંમેશા ઉદ્ધાર થશે. 8અને છતાં, હે યહોવાહ, તમે અમારા પિતા છો; અમે માટી છીએ. તમે અમારા કુંભાર છો; અને અમે સર્વ તમારા હાથની કૃતિ છીએ. 9હે યહોવાહ, તમે અતિશય કોપાયમાન ન થાઓ, કે સર્વકાળ અમારાં પાપનું સ્મરણ ન કરો. અમે વિનંતી કરીએ છીએ, અમને જુઓ, અમે સર્વ તમારા લોકો છીએ.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

યર્મિ 2:2–12

2“તું જઈને યરુશાલેમના કાનોમાં પોકારીને કહે કે, ‘યહોવાહ આ પ્રમાણે કહે છે કે; અરણ્યમાં, ઉજ્જડ પ્રદેશમાં, તું મારી પાછળ ચાલતી હતી, તે વખતે યુવાવસ્થામાં જે તારો પ્રેમ તથા વિવાહસંબંધ થતી વખતની તારી પ્રીતિ તે હું તારા લાભમાં યાદ કરું છું 3ઇઝરાયલ યહોવાહને માટે પવિત્ર છે. અને તેમના પાકની પહેલી ફસલ છે. જે સર્વ તેને ખાઈ જાય છે તેઓ દોષિત ઠરશે! તેઓ પર આફત આવશે એમ યહોવાહ કહે છે. 4હે યાકૂબનાં કુટુંબો તથા ઇઝરાયલના સર્વ કુળસમૂહો, યહોવાહનું વચન સાંભળો; 5યહોવાહ કહે છે; તમારા પિતૃઓને મારામાં કયો દોષ માલૂમ પડ્યો છે કે તેઓ મને તજીને દૂર ચાલ્યા ગયા? તેઓ વિસાત વગરની મૂર્તિઓની પાછળ ગયા છે અને પોતે પણ વ્યર્થ થયા છે? 6તેઓએ પૂછ્યું નહી કે, “યહોવાહ ક્યાં છે, જે અમને મિસરમાંથી સલામત બહાર લાવ્યા? જે અમને અરણ્યમાં, ઉજ્જડ તથા ખાડાટેકરાવાળી ભૂમિમાં, નિર્જળ તથા અંધકારની ભૂમિમાં, જ્યાં કોઈ માણસ ક્યારેય જતું નહોતું કે જ્યાં કોઈ માણસે ક્યારેય વસવાટ કર્યો નથી તેમાં થઈને ચલાવ્યાં તે યહોવાહ ક્યાં છે?” 7હું તમને ફળદ્રુપ ભૂમિમાં તેનું ફળ તથા તેની ઊપજ ખાવા માટે લાવ્યો! પણ તમે તેમાં પ્રવેશ કરી અને મારી ભૂમિને અશુદ્ધ કરી તથા મારા વારસાને તિરસ્કારપાત્ર બનાવી દીધો! 8યાજકોએ કદી પૂછ્યું નથી કે, “યહોવાહ ક્યાં છે?” શાસ્ત્રના જાણકારોએ મને ઓળખ્યો નથી. અને અધિકારીઓએ મારી સામે બળવો કર્યો છે. પ્રબોધકોએ બઆલને નામે પ્રબોધ કર્યો. અને જે હિતકારક નથી તેની પાછળ તેઓ ગયા. 9આથી હું તમારી સાથે વિવાદ કરીશ એમ યહોવાહ કહે છે. અને હું તમારા દીકરાઓના દીકરાઓ સાથે વિવાદ કરીશ. 10પેલી પાર કિત્તીમના દ્રિપોમાં જઈને જુઓ અને કેદારમાં મોકલીને ખંતથી શોધો અને જુઓ કે આવું કદી બન્યું છે ખરું? 11શું કોઈ પ્રજાએ પોતાના દેવોને બદલ્યા છે? જો કે તેઓના દેવો તો દેવો જ નથી પણ જેનાથી હિત થતું નથી તેને સારુ, મારા લોકોએ તો પોતાનું ગૌરવ બદલ્યું છે. 12ઓ આકાશો, આ બાબતને લીધે તમે વિસ્મય પામો અને ધ્રૂજો એવું યહોવાહ કહે છે.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

આ અનુવાદમાં નથી

પ્રભાત-પ્રાર્થના: સુવાર્તા

માથ 10:16–22

16જુઓ, વરુઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું; માટે તમે સાપના જેવા હોશિયાર, તથા કબૂતરનાં જેવા સાલસ થાઓ. 17તમે માણસોથી સાવધાન રહો; કેમ કે તેઓ તમને ન્યાયસભાને સોંપશે, અને તેઓનાં સભાસ્થાનોમાં તમને કોરડા મારશે. 18તેઓને તથા બિનયહૂદીઓને માટે સાક્ષીને અર્થે મારે લીધે તમને અધિકારીઓની તથા રાજાઓની આગળ લઈ જવાશે. 19પણ જયારે તેઓ તમને સોંપશે ત્યારે તમે ચિંતા ન કરો કે શી રીતે અથવા શું બોલીએ; કેમ કે શું બોલવું તે તે જ ઘડીએ તમને અપાશે. 20કેમ કે જે બોલે છે તે તો તમે નથી, પણ પિતાનો આત્મા તમારા દ્વારા બોલે છે. 21ભાઈ ભાઈને તથા પિતા બાળકને મારી નંખાવવાને સોંપી દેશે અને બાળકો માતાપિતાની સામે ઊઠીને તેઓને મારી નંખાવશે. 22મારા નામને કારણે સહુ તમારો દ્વેષ કરશે, પણ જે કોઈ અંત સુધી ટકશે તે જ ઉદ્ધાર પામશે.

પત્ર

ફિલિ 4:10–23

10મેં પ્રભુમાં પુષ્કળ આનંદ કર્યો, કારણ કે મારા વિષેની તમારી ચિંતા આખરે ફરીથી તાજી થઈ છે; તે બાબતોમાં તમે ચિંતા તો કરતા હતા. પણ મને સહાય કરવાનો તમને પ્રસંગ મળ્યો નહિ. 11હું તંગીને લીધે બોલું છું એમ નહિ, કેમ કે જે અવસ્થામાં હું છું, તેમાં સંતોષી રહેવાને હું શીખ્યો છું. 12ગરીબીમાં કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું તથા સમૃદ્ધિમાં પણ કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું; દરેકપ્રકારે તથા સર્વમાં તૃપ્તિમાં તથા ભૂખમાં, પુષ્કળતામાં અને તંગીમાં રહેવાને હું શીખ્યો છું. 13જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું. 14તોપણ તમે મારા સંકટમાં મને મદદ કરી તે સારુ કર્યું. 15ઓ, ફિલિપ્પીઓ, તમે જાણો છો કે, સુવાર્તાનાં આરંભમાં, જયારે હું મકદોનિયામાંથી રવાના થયો, ત્યારે આપવા-લેવાની બાબતમાં એકલા તમારા વિના બીજાકોઈ વિશ્વાસી સમુદાયે ભાગ લીધો નહોતો. 16કેમ કે થેસ્સાલોનિકામાં પણ અનેક વાર મારે જે જે જોઈતું હતું તે બધું તમે મને મોકલી આપ્યું હતું. 17હું કંઈ દાન માગું છું એમ નહિ, પણ તમારા હિતમાં ઘણાં ફળ મળે એ માગું છું. 18મારી પાસે સર્વ ચીજવસ્તુઓ છે; અને તે પણ પુષ્કળ છે. તમારાં દાન એપાફ્રોદિતસની મારફતે મને મળ્યા છે તેથી હું સમૃદ્ધ છું. તે તો સુગંધીદાર ધૂપ ઈશ્વરને પ્રિય માન્ય અર્પણ છે. 19મારો ઈશ્વર પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. 20આપણા ઈશ્વરને તથા પિતાને સદાસર્વકાળ સુધી મહિમા હો. આમીન. 21ખ્રિસ્ત ઈસુમાં સર્વ સંતોને સલામ કહેજો, મારી સાથે જે ભાઈઓ છે તેઓ તમને સલામ કહે છે. 22સર્વ સંતો, વિશેષે જે કાઈસારનાં ઘરનાં છે, તેઓ તમને સલામ કહે છે. 23આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.

પત્ર (ધરતીકંપ વખતે)

હિબ 12:6–13, 25–27

6કેમ કે જેનાં પર પ્રભુ પ્રેમ રાખે છે, તેને તે શિક્ષા કરે છે, જે પુત્રનો તે અંગીકાર કરે છે, તે દરેકને તે કોરડા મારે છે.’” 7જે શિક્ષા તમે સહન કરો છો, તે શિક્ષાણને માટે છે જેમ પુત્રની સાથે તેમ તમારી સાથે ઈશ્વર વર્તે છે, કેમ કે એવું કયું બાળક છે જેને પિતા શિક્ષા કરતા નથી? 8પણ જે શિક્ષાના ભાગીદાર સઘળાં થયા છે, તે શિક્ષા તમને ન થાય, તો તમે દાસીપુત્રો છો, ખરા પુત્રો તો નહિ. 9વળી પૃથ્વી પરના આપણા પિતાઓ આપણને શિક્ષા કરતા હતા, અને આપણે તેઓનું માન રાખતા હતા, તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેમને આધીન રહીને જીવીએ નહિ? 10કેમ કે તેઓએ તો થોડાક દિવસો સુધી પોતાને જે વાજબી લાગ્યું તે પ્રમાણે આપણને શિક્ષા કરી ખરી, પણ તેમણે તો આપણા હિતને માટે શિક્ષા કરી કે આપણે તેમની પવિત્રતાના સહભાગી થઈએ. 11કોઈ પણ શિક્ષા તે સમયે આનંદકારક નહિ, પણ ખેદકારક લાગે છે; પણ પછી તો તેથી કસાયેલાઓને તે ન્યાયીપણાનાં શાંતિદાયક ફળ આપે છે. 12એ માટે ઢીલા પડેલા હાથોને તથા અશક્ત થએલાં ઘૂંટણોને તમે ફરી મજબૂત કરો; 13પોતાના પગોને સારુ રસ્તા સુગમ કરો; જેથી જે અપંગ છે, તે ઊતરી ન જાય પણ એથી વિપરીત તે સાજું થાય. 25જે બોલે છે તેનો તમે અનાદર ન કરો, માટે સાવધ રહો; કેમ કે પૃથ્વી પર ચેતવનારનો જેઓએ નકાર કર્યો તેઓ જો બચ્યા નહિ, તો સ્વર્ગમાંથી ચેતવનારની પાસેથી જો આપણે ફરીએ તો ચોક્કસ બચીશું નહિ. 26તેમની વાણીએ તે સમયે પૃથ્વીને કંપાવી, પણ તેમણે એવું આશાવચન આપ્યું છે કે, હવે ફરી એક વાર હું એકલી પૃથ્વીને જ નહિ, આકાશને પણ હલાવીશ. 27‘ફરી એક વારનો’ અર્થ એ છે કે, કંપાયમાન થયેલી વસ્તુઓ સૃષ્ટ વસ્તુઓની માફક નાશ પામે છે, જેથી જેઓ કંપાયમાન થયેલી નથી તે હંમેશા ટકી રહે.

પત્ર (સંત દેમેત્રિયસ માટે)

2 તિમ 2:1–10

1માટે, મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સામર્થ્યવાન થા. 2જે વાતો ઘણા સાક્ષીઓ સમક્ષ તેં મારી પાસેથી સાંભળી છે તે બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે. 3માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું દુઃખ સહન કર. 4યુદ્ધમાં જનાર કોઈ સૈનિક દુનિયાદારીના કામકાજમાં ગૂંથાતો નથી કે, જેથી તે પોતાના ઉપરી અધિકારીને સંતોષ પમાડે. 5વળી જો કોઈ રમતવીર હરીફાઈમાં ઊતરે, તો નિયમ પ્રમાણે હરીફાઈ કર્યા વગર તેને ઇનામ મળતું નથી. 6મહેનત કરનાર ખેડૂતને પ્રથમ ફળ મળવાં જોઈએ. 7હું જે કહું છું તેનો વિચાર કર; કેમ કે આ સર્વ બાબતો વિષે પ્રભુ તને સમજણ આપશે 8ઈસુ ખ્રિસ્ત જેમને મારી સુવાર્તા પ્રમાણે મરણમાંથી સજીવન કરવામાં આવ્યા, (અને) જે દાઉદના સંતાનના છે, તેમને યાદ રાખ; 9જે (સુવાર્તા) ને કારણે હું ગુનેગારની જેમ બંદીખાનાં સુધીનું દુઃખ વેઠું છું; પણ ઈશ્વરની વાત બંધનમાં નથી. 10હું પસંદ કરેલાઓને સારુ સઘળું સહન કરું છું કે, જેથી ખ્રિસ્ત ઈસુમાં જે ઉદ્ધાર છે તે (ઉદ્ધાર) તેઓ અનંત મહિમાસહિત પામે.

સુવાર્તા

લૂક 10:22–24

22મારા ઈશ્વરપિતાએ મને સઘળું સોંપ્યું છે; દીકરો કોણ છે, એ ઈશ્વરપિતા વિના કોઈ જાણતું નથી; ને ઈશ્વરપિતા કોણ છે, એ દીકરા વિના તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે તેમના વિના બીજો કોઈ જાણતું નથી.’” 23ઈસુએ શિષ્યો તરફ ફરીને તેઓને એકાંતમાં કહ્યું કે, ‘જે તમે જુઓ છો, તે જોનાર આંખો આશીર્વાદિત છે. 24કેમ કે હું તમને કહું છું કે, જે તમે જુઓ છો તે ઘણાં પ્રબોધકો તથા રાજાઓ જોવાની ઇચ્છા રાખતા હતા, પણ તેઓ જોવા પામ્યા નહિ. અને તમે જે સાંભળો છો તે તેઓ સાંભળવા ઇચ્છતા હતા, પણ સાંભળવા પામ્યા નહિ.’”

સુવાર્તા (ધરતીકંપ વખતે)

માથ 8:23–27

23જયારે ઈસુ હોડી પર ચઢ્યાં, ત્યારે તેમના શિષ્યો તેમની પાછળ ગયા. 24જુઓ, સમુદ્રમાં એવું મોટું તોફાન થયું, જેથી હોડી મોજાંઓથી ઢંકાઈ ગઈ; પણ ઈસુ પોતે ઊંઘતા હતા. 25ત્યારે શિષ્યોએ તેમની પાસે આવીને તેમને જગાડીને કહ્યું કે, “ઓ પ્રભુ, અમને બચાવો, અમે નાશ પામીએ છીએ!” 26પછી ઈસુ તેઓને કહ્યું કે, “ઓ અલ્પવિશ્વાસીઓ, તમે શા માટે ભયભીત થયા છો?” પછી તેમણે ઊઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યાં; અને મહાશાંતિ થઈ. 27ત્યારે તે માણસોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, “એ કયા પ્રકારના માણસ છે કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?”

સુવાર્તા (સંત દેમેત્રિયસ માટે)

યોહ 15:17–16:2

17તમે એકબીજા પર પ્રેમ રાખો માટે હું તમને એ આજ્ઞાઓ આપું છું. 18જો જગત તમારો દ્વેષ રાખે છે તો તમારા પહેલાં તેણે મારો દ્વેષ કર્યો છે, એ તમે જાણો છો. 19જો તમે જગતના હોત તો પોતાના હોવાથી જગત તમારા ઉપર પ્રેમ રાખત; પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યાં છે, તેથી જગત તમારા પર દ્વેષ રાખે છે. 20દાસ પોતાના શેઠથી મોટો નથી, એવી જે વાત મેં તમને કહી તે યાદ રાખો. જો તેઓએ મને સતાવ્યો છે, તો તમને પણ સતાવશે. જો તેઓએ મારાં વચનોનું પાલન કર્યું તો તમારા પણ પાળશે. 21પણ એ બધું મારા નામને માટે તેઓ તમને કરશે, કેમ કે તેઓ મારા મોકલનારને જાણતા નથી. 22જો હું આવ્યો ન હોત અને તેઓને કહ્યું ન હોત, તો તેઓને પાપ લાગત નહિ; પણ હવે તેઓના પાપ સંબંધી તેઓને કંઈ બહાનું રહ્યું નથી. 23જે મારો દ્વેષ કરે છે, તે મારા પિતાનો પણ દ્વેષ કરે છે. 24જે કામો બીજા કોઈએ કર્યાં નથી, તે જો મેં તેઓ મધ્યે કર્યાં ન હોત, તો તેઓને પાપ ન લાગત; પણ હવે તેઓએ મને તથા મારા પિતાને પણ જોયા છે, અને તોપણ દ્વેષ રાખ્યો છે. 25તેઓના નિયમશાસ્ત્રમાં વચન લખેલું છે કે, ‘તેઓએ વિનાકારણ મારા પર દ્વેષ રાખ્યો છે, તે પૂર્ણ થાય તે માટે એવું થયું. 26પણ સહાયક, એટલે સત્યનો આત્મા, જે પિતાની પાસેથી આવે છે, તેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલી દઈશ; તે જયારે આવશે, ત્યારે મારા સંબંધી સાક્ષી આપશે. 27તમે પણ સાક્ષી આપશો, કેમ કે તમે આરંભથી મારી સાથે છો. 16:1‘કોઈ તમને ગેરમાર્ગે દોરે નહિ, માટે મેં તમને એ વચનો કહ્યાં છે. 2તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે; ખરેખર, એવો સમય આવે છે કે જો કોઈ તમને મારી નાખે તો તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 26 ઑક્ટોબર એટલે નાગરિક પંચાંગનો 8 નવેમ્બર. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો