Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › સપ્ટેમ્બર 2027 › 30 સપ્ટેમ્બર

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 30 સપ્ટેમ્બર 2027

ગુરુવાર · સામાન્ય કાળનું 26મું અઠવાડિયું

પર્વો અને સંતો

સામાન્ય કાળના 26મા અઠવાડિયાનો ગુરુવાર

સ્મૃતિદિન · ધાર્મિક વિધિનો રંગ: સફેદ

સંત જેરોમ, પુરોહિત અને મંડળીના આચાર્ય · સ્મૃતિદિન

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

નહે 8:1–12

1સર્વ લોકો ખાસ હેતુસર પાણીના દરવાજાની સામેના મેદાનમાં એકત્ર થયા. મૂસાનું જે નિયમશાસ્ત્ર યહોવાહે ઇઝરાયલને ફરમાવ્યું હતું તેનું પુસ્તક લાવવા માટે તેઓએ એઝરા શાસ્ત્રીને જણાવ્યું. 2સાતમા માસને પહેલે દિવસે, જેઓ સાંભળીને સમજી શકે એવાં તમામ સ્ત્રીઓ તથા પુરુષોની સમક્ષ એઝરા યાજક નિયમશાસ્ત્ર લઈ આવ્યો. 3પાણીના દરવાજાની સામેના ચોક આગળ સવારથી બપોર સુધી તેઓની સમક્ષ તેણે નિયમોનું વાચન કર્યું. તેઓ સર્વ ખૂબ ધ્યાનપૂર્વક નિયમશાસ્ત્ર સાંભળતાં હતાં. 4લોકોએ બનાવેલા લાકડાના ચોતરા પર નિયમશાસ્ત્ર વાંચી સંભળાવવા માટે એઝરા શાસ્ત્રી ઊભો હતો. તેની જમણી બાજુએ માત્તિથ્યા, શેમા, અનાયા, ઉરિયા, હિલ્કિયા અને માસેયા ઊભા હતા. અને તેની ડાબી બાજુએ પદાયા, મીશાએલ, માલ્કિયા, હાશુમ, હાશ્બાદ્દાના, ઝખાર્યા અને મશુલ્લામ ઊભા હતા. 5એઝરા સર્વ લોકો કરતાં ઊંચા સ્થાને ઊભેલો હતો. તેણે સર્વ લોકોના દેખતા નિયમશાસ્ત્ર ઊઘાડ્યું. જયારે તેણે તે ઉઘાડ્યું ત્યારે સર્વ લોકો ઊભા થઈ ગયા. 6એઝરાએ મહાન ઈશ્વર યહોવાહનો આભાર માન્યો. સર્વ લોકોએ પોતાના હાથ ઊંચા કરીને કહ્યું, “આમીન!, આમીન!” પછી તેઓએ પોતાના માથા નમાવીને મુખ ભૂમિ તરફ નીચાં રાખ્યાં અને યહોવાહની આરાધના કરી. 7યેશૂઆ, બાની, શેરેબ્યા, યામીન, આક્કુબ, શાબ્બથાય, હોદિયા, માસેયા, કેલીટા, અઝાર્યા, યોઝાબાદ, હાનાન, પલાયા અને લેવીઓ લોકોને નિયમશાસ્ત્ર સમજવામાં મદદ કરતા હતા. લોકો પોતપોતની જગ્યાએ ઊભા રહેલા હતા. 8તેઓએ ઈશ્વરના નિયમશાસ્ત્રમાંથી જે વાચન કર્યું તે લોકો સમજી શકે માટે સ્પષ્ટતાપૂર્વક તેનો અર્થ અને ખુલાસો પણ સમજાવ્યો. 9નિયમશાસ્ત્રનાં વચનો સાંભળતી વખતે લોકો રડતા હતા તેથી મુખ્ય આગેવાન નહેમ્યાએ, યાજક અને શાસ્ત્રી એઝરાએ તથા અર્થઘટન કરી લોકોને સમજાવનાર લેવીઓએ સર્વને કહ્યું કે, “આ દિવસ તમારા ઈશ્વર યહોવાહને માટે પવિત્ર છે માટે તમે શોક કરશો નહિ અને રડશો પણ નહિ.” 10પછી નહેમ્યાએ તેઓને કહ્યું કે, “તમારા માર્ગે જાઓ, સ્વાદિષ્ટ ભોજન ખાઓ, મધુપાન કરો અને જેઓએ કંઈ તૈયાર કરેલું ના હોય તેઓને માટે તમારામાંથી હિસ્સા મોકલી આપો. કારણ, આપણા યહોવાહને સારુ આજનો દિવસ પવિત્ર છે. ઉદાસ થશો નહિ, કારણ, યહોવાહનો આનંદ એ જ તમારું સામર્થ્ય છે.” 11“છાના રહો, કેમ કે આજનો દિવસ પવિત્ર છે; માટે ઉદાસ ન થાઓ,” એમ કહીને લેવીઓએ સર્વ લોકોને શાંત પાડ્યા. 12તેથી બધા લોકોએ જઈને ખાધુંપીધું, બીજાઓને તેઓના હિસ્સા મોકલ્યા અને તેઓએ ઘણા આનંદ સાથે ઉજવણી કરી. કેમ કે તેઓને જે શાસ્ત્રવચનો વાંચી સંભળાવવામાં આવ્યાં હતાં તે તેઓ સમજ્યા હતા.

પ્રત્યુત્તર ગીત

ગી.શા 19:7–10

7યહોવાહના નિયમો સંપૂર્ણ છે, તે આત્માને તાજગી આપે છે; યહોવાહની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે ભોળાને બુદ્ધિમાન કરે છે. 8યહોવાહના વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે; યહોવાહની આજ્ઞાઓ નિર્મળ છે, જે આંખોને પ્રકાશ આપે છે. 9યહોવાહનો ભય શુદ્ધ અને અનાદિ છે; યહોવાહના ઠરાવો સત્ય તથા તદ્દન ન્યાયી છે. 10તે શુદ્ધ સોના કરતાં, પણ વધુ પસંદ કરવા યોગ્ય છે; વળી મધપૂડાનાં ટીપાં કરતાં તેઓ વધારે મીઠાં છે.

સુવાર્તા

લૂક 10:1–12

1આ બનાવો બન્યા પછી પ્રભુએ બીજા સિત્તેર શિષ્યોને નીમીને જે જે શહેર તથા જગ્યામાં તે પોતે જવાના હતા, તેમાં તેઓમાંના બબ્બેને પોતાની આગળ મોકલ્યા. 2ઈસુએ તેઓને કહ્યું કે, ‘ફસલ પુષ્કળ છે, પણ મજૂરો થોડા છે; માટે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે.’” 3જાઓ; અને ધ્યાન રાખજો કે, હું તમને વરુઓની વચ્ચે ઘેટાંના બચ્ચાં જેવા મોકલું છું. 4પૈસાની થેલી, ઝોળી કે ચંપલ લેતા નહી; અને માર્ગે કોઈને સલામ કરશો નહિ. 5જે કોઈ ઘરમાં તમે જાઓ ત્યાં પ્રથમ એમ કહો કે, ‘આ ઘરને શાંતિ થાઓ.’” 6અને જો કોઈ શાંતિપુત્ર ત્યાં હશે તો તમારી શાંતિ તેના પર રહેશે; પણ જો નહિ હોય, તો તે તમારી પાસે પાછી આવશે. 7તે જ ઘરમાં રહો, અને જે તેઓની પાસે જે હોય તે ખાતાંપીતાં રહેજો; કેમ કે મજૂર પોતાના પગારને યોગ્ય છે; ઘરેઘરે ફરતા નહિ. 8જે કોઈ ઘરમાં તમે જાઓ અને તેઓ તમારો આવકાર કરે, તો જે કંઈ તેઓ તમારી આગળ મૂકે તે ખાઓ; 9અને તેમાંના બીમારને સાજાં કરો, અને તેઓને કહો કે, ‘ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે.’” 10પણ જે કોઈ શહેરમાં તમે જાઓ, ત્યાંના લોકો તમારો આવકાર કરે નહિ, તો ત્યાંથી નીકળી જઈને કહો કે, 11તમારા શહેરની ધૂળ જે અમારા પગમાં લાગેલી છે તે પણ તમારી વિરુદ્ધ અમે લૂછી નાખીએ છીએ; તોપણ એટલું જાણો કે ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે. 12હું તમને કહું છું કે, તે દહાડે તે શહેરના કરતાં સદોમના હાલ સહેલ થશે.

આજના સંતો

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો