મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ઑગસ્ટ 2027 › 29 ઑગસ્ટ
ઓર્થોડોક્સ પંચાંગ · 16 ઑગસ્ટ (જૂની પદ્ધતિ)
ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 29 ઑગસ્ટ 2027
રવિવાર · સ્વર 1
પર્વો અને સંતો
પચાસમાના પર્વ પછીનો 10મો રવિવાર
ઉપવાસ
ઉપવાસ નથી
આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.
દિવસનાં વાંચનો
પ્રભાત-પ્રાર્થનાની 10મી સુવાર્તા
1એ બીનાઓ બન્યા પછી તિબેરિયસના સમુદ્રકિનારે ફરીથી ઈસુએ શિષ્યોને દર્શન આપ્યું; તેમણે આ રીતે દર્શન આપ્યું; 2સિમોન પિતર, થોમા જે દીદીમસ કહેવાતો હતો તે, ગાલીલના કાનાનો નથાનિયેલ, ઝબદીના દીકરા તથા તેમના શિષ્યોમાંના બીજા બે એકત્ર થયા હતા. 3સિમોન પિતર તેઓને કહે છે કે, ‘હું માછલીઓ પકડવા જાઉં છું.’ તેઓ તેને કહે છે કે, અમે પણ તારી સાથે આવીએ છીએ. ત્યારે તેઓ નીકળીને હોડીમાં બેઠા; પણ તે રાત્રે તેઓને કંઈ મળ્યું નહિ. 4પણ વહેલી સવારે ઈસુ કિનારે ઊભા હતા; પરંતુ તેઓ ઈસુ છે એમ શિષ્યોએ જાણ્યું નહિ. 5ઈસુ તેઓને કહે છે કે, ‘જુવાનો, તમારી પાસે કંઈ ખાવાનું છે?’ તેઓએ તેમને ઉત્તર આપ્યો કે, ‘નથી.’” 6તેમણે તેઓને કહ્યું કે, ‘હોડીની જમણી તરફ જાળ નાખો, એટલે તમને કંઈક મળશે.’ તેથી તેઓએ જાળ નાખી; પણ એટલી બધી માછલીઓ તેમાં ભરાઈ કે તેઓ તેને ખેંચી શક્યા નહિ. 7ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા તે પિતરને કહે છે કે, ‘આ તો પ્રભુ છે!’ જ્યારે સિમોન પિતરે સાંભળ્યું કે તેઓ પ્રભુ છે ત્યારે તેણે પોતાનો ઝભ્ભો પહેર્યો કેમ કે તે ઉઘાડો હતો અને સમુદ્રમાં કૂદી પડ્યો. 8બીજા શિષ્યો હોડીમાં જ રહીને માછલીઓથી ભરાયેલી જાળ ખેંચતા આવ્યા, કેમ કે તેઓ કિનારાથી દૂર નહિ, પણ લગભગ 100 મીટર જેટલે અંતરે હતા. 9તેઓ કિનારે ઊતર્યા ત્યારે ત્યાં તેઓએ અંગારા પર મૂકેલી માછલી તથા રોટલી જોયાં. 10ઈસુ તેઓને કહે છે કે, ‘તમે અત્યારે પકડેલી માછલીઓમાંથી થોડી લાવો.’” 11તેથી સિમોન પિતર હોડી પર ચઢીને એક્સો ત્રેપન મોટી માછલીઓથી ભરાયેલી જાળ કિનારે ખેંચી લાવ્યો; જોકે એટલી બધી માછલીઓ હોવા છતાં પણ જાળ ફાટી નહિ. 12ઈસુ તેઓને કહે છે કે, ‘આવો, નાસ્તો કરો.’ તેઓ પ્રભુ છે તે જાણીને શિષ્યોમાંના કોઈની ‘તમે કોણ છે? એમ પૂછવાની હિંમત ચાલી નહિ. 13ઈસુએ આવીને રોટલી તેમ જ માછલી પણ તેઓને આપી. 14મૃત્યુમાંથી પાછા ઊઠ્યાં પછી ઈસુએ પોતાના શિષ્યોને આ ત્રીજી વાર દર્શન આપ્યું.
પત્ર
9માટે હું વિચારું છું કે, ઈશ્વરે અમો પ્રેરિતોને જાણે કે છેલ્લાં મરણદંડ પામનારા હોય એવા બતાવ્યા છે; કેમ કે અમે વિશ્વની, સ્વર્ગદૂતોની તથા માણસોની આગળ તમાશા જેવા ખુલ્લાં થયા છીએ. 10ખ્રિસ્તને માટે અમે મૂર્ખ, પણ તમે ખ્રિસ્તમાં બુદ્ધિમાન; અમે નિર્બળ પણ તમે બળવાન; અને તમે માન પામનારા, પણ અમે અપમાન પામનારા થયા છીએ. 11અત્યાર સુધી અમે ભૂખ્યા, તરસ્યા તથા વસ્ત્રો વિનાના છીએ, સતાવણી સહન કરીએ છીએ અને ઘરબાર વિનાના છીએ. 12અમે હાથે કામ અને મહેનત કરીએ છીએ; નિંદા પામવા છતાં અમે આશીર્વાદ આપીએ છીએ; સતાવણી સહન કરીએ છીએ; 13તિરસ્કૃત હોવા છતાંય વિનંતી કરીએ છીએ; અમે હજી સુધી માનવજગતથી ધિક્કાર પામેલા તથા કચરા જેવા છીએ. 14હું તમને શરમાવવા માટે આ વાતો લખતો નથી; પણ તમને મારાં પ્રિય બાળકો સમજીને શિક્ષણ આપું છું. 15જોકે તમને ખ્રિસ્તમાં દસ હજાર શિક્ષકો હોય, તોપણ તમને ઘણાં પિતા નથી; કેમ કે ખ્રિસ્ત ઈસુમાં, સુવાર્તાદ્વારા હું તમારો પિતા થયો છું. 16તેથી હું તમને વિનંતી કરું છું કે, તમે મારા અનુયાયીઓ થાઓ.
પત્ર (ઉદ્ધારકર્તાના ચિહ્નચિત્ર માટે)
12ઈશ્વરપિતા જેમણે આપણને પ્રકાશમાંના સંતોના વારસાના ભાગીદાર થવાને યોગ્ય બનાવ્યા છે, તેમની આભારસ્તુતિ કરો. 13તેમણે અંધકારનાં અધિકારમાંથી આપણને છોડાવ્યાં તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં લાવ્યા. 14તેમનાં રક્તદ્વારા આપણને ઉદ્ધાર, એટલે પાપોની માફી છે. 15તે અદ્રશ્ય ઈશ્વરની પ્રતિમા, સર્વ સૃષ્ટિના પ્રથમજનિત છે; 16કેમ કે તેમનાંથી બધાં ઉત્પન્ન થયાં, જે આકાશમાં તથા પૃથ્વી પર છે, જે દૃશ્ય તથા અદ્રશ્ય છે, રાજ્યાસનો, રાજ્યો, અધિપતિઓ કે અધિકારીઓ સર્વ તેમની મારફતે તથા તેમને માટે ઉત્પન્ન થયાં; 17તેઓ સર્વ બાબતોમાં પહેલાં છે; અને તેમનાંમાં સર્વ બાબતો વ્યવસ્થિત થઈને રહે છે. 18તેઓ શરીરનું એટલે વિશ્વાસી સમુદાયનું શિર છે; તે આરંભ, એટલે મૃત્યુ પામેલાંઓમાંથી પ્રથમ સજીવન થયેલાં છે; કે જેથી સર્વમાં તે શ્રેષ્ઠ થાય.
સુવાર્તા
14જયારે તેઓ લોકોની ભીડ પાસે આવ્યા, ત્યારે એક વ્યક્તિએ ઈસુની પાસે આવીને તેમની આગળ ઘૂંટણે પડીને કહ્યું કે, 15“ઓ પ્રભુ, મારા દીકરા પર દયા કરો; કેમ કે તેને વાઈનુ દર્દ છે, તેથી તે ઘણો પીડાય છે; અને તે ઘણીવાર અગ્નિમાં તથા પાણીમાં પડે છે. 16તેને હું તમારા શિષ્યોની પાસે લાવ્યો હતો, પણ તેઓ તેને સાજો કરી શક્યા નહીં.” 17ત્યારે ઈસુએ જવાબ આપ્યો કે, “ઓ અવિશ્વાસી તથા ભ્રષ્ટ પેઢી, ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? તેને મારી પાસે લાવો.” 18પછી ઈસુએ તે દુષ્ટાત્માને ધમકાવ્યો, અને તે તેનામાંથી નીકળી ગયો; તે જ સમયે તે છોકરો સાજો થયો. 19પછી શિષ્યોએ એકાંતમાં ઈસુની પાસે આવીને કહ્યું કે, “અમે તેને કેમ કાઢી ન શક્યા?” 20ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “તમારા અવિશ્વાસને લીધે; કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે, ‘તું અહીંથી ત્યાં ખસી જા’ અને તે ખસી જશે; અને તમારા માટે કંઈ અશક્ય નહિ હોય. 21(પણ પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી.”) 22જયારે તેઓ ગાલીલમાં રહેતા હતા ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે; 23તેઓ તેને મારી નાખશે, પણ ત્રણ દિવસ પછી તે પાછો ઊઠશે.” ત્યારે શિષ્યો બહુ દિલગીર થયા.
સુવાર્તા (ઉદ્ધારકર્તાના ચિહ્નચિત્ર માટે)
51એમ થયું કે ઈસુને ઉપર લઈ લેવાના દિવસો પૂરા થવા આવ્યા, ત્યારે તેમણે યરુશાલેમ જવાનો મક્કમ નિર્ણય કર્યો. 52ઈસુએ પોતાની આગળ સંદેશવાહકો મોકલી આપ્યા, તેઓ તેમને માટે વ્યવસ્થા કરવા માટે સમરૂનીઓના એક ગામમાં ગયા. 53પણ ઈસુ યરુશાલેમ જતા હતા એટલે ગામના લોકોએ તેમનો સ્વીકાર કર્યો નહિ. 54તેમના શિષ્યો યાકૂબ તથા યોહાને એ જોઈને કહ્યું કે, ‘પ્રભુ, શું, તમારી એવી ઇચ્છા છે કે અમે આજ્ઞા કરીએ કે સ્વર્ગથી આગ પડીને તેઓનો નાશ કરે?’” 55ઈસુએ પાછા ફરીને તેઓને ધમકાવ્યાં. 56અને તેઓ બીજે ગામ ગયા. 10:22મારા ઈશ્વરપિતાએ મને સઘળું સોંપ્યું છે; દીકરો કોણ છે, એ ઈશ્વરપિતા વિના કોઈ જાણતું નથી; ને ઈશ્વરપિતા કોણ છે, એ દીકરા વિના તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે તેમના વિના બીજો કોઈ જાણતું નથી.’” 23ઈસુએ શિષ્યો તરફ ફરીને તેઓને એકાંતમાં કહ્યું કે, ‘જે તમે જુઓ છો, તે જોનાર આંખો આશીર્વાદિત છે. 24કેમ કે હું તમને કહું છું કે, જે તમે જુઓ છો તે ઘણાં પ્રબોધકો તથા રાજાઓ જોવાની ઇચ્છા રાખતા હતા, પણ તેઓ જોવા પામ્યા નહિ. અને તમે જે સાંભળો છો તે તેઓ સાંભળવા ઇચ્છતા હતા, પણ સાંભળવા પામ્યા નહિ.’”
તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 16 ઑગસ્ટ એટલે નાગરિક પંચાંગનો 29 ઑગસ્ટ. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો