મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ઑગસ્ટ 2027 › 13 ઑગસ્ટ
કેથોલિક પંચાંગ
દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 13 ઑગસ્ટ 2027
શુક્રવાર · સામાન્ય કાળનું 19મું અઠવાડિયું
પર્વો અને સંતો
સામાન્ય કાળના 19મા અઠવાડિયાનો શુક્રવાર
વૈકલ્પિક સ્મૃતિદિન · ધાર્મિક વિધિનો રંગ: લીલો
સંત પોન્તિયન, પોપ, અને હિપ્પોલિટસ, પુરોહિત, શહીદો · વૈકલ્પિક સ્મૃતિદિન
ઉપવાસ અને પ્રાયશ્ચિત્ત
પ્રાયશ્ચિત્તનો દિવસ
દરેક શુક્રવાર પ્રાયશ્ચિત્તનો દિવસ છે; તે કેવી રીતે પાળવો તે દરેક બિશપ પરિષદ નક્કી કરે છે: માંસનો ત્યાગ કે પ્રાયશ્ચિત્તનું બીજું કોઈ કાર્ય. ઉપવાસ 18 થી 59 વર્ષની ઉંમર સુધી, માંસનો ત્યાગ 14 વર્ષથી બંધનકારક છે.
દિવસનાં વાંચનો
પહેલું વાંચન
1યહોશુઆએ ઇઝરાયલના સર્વ કુળોને શખેમમાં ભેગાં કર્યા. ઇઝરાયલના વડીલોને, તેઓના આગેવાનોને, વડાઓને, ન્યાયાધીશોને, તેઓના અધિકારીઓને બોલાવ્યા અને તેઓ યહોવાહની સમક્ષ ઉપસ્થિત થયા. 2યહોશુઆએ સર્વ લોકોને કહ્યું, “ઇઝરાયલના યહોવાહ, કહે છે કે, ‘પૂર્વકાળે તમારા પૂર્વજ ઇબ્રાહિમના પિતા તથા નાહોરના પિતા તેરાહ ફ્રાત નદીને પેલે પાર વસેલા હતા. તેઓ અન્ય દેવોની પૂજાભક્તિ કરતા હતા. 3પણ હું તમારા પિતા ઇબ્રાહિમને ફ્રાત નદીની પેલી પારથી કનાન દેશમાં દોરી લાવ્યો અને તેના દીકરા ઇસહાક દ્વારા મેં તેને ઘણાં સંતાનો આપ્યાં. 4મેં ઇસહાકને બે દીકરા યાકૂબ તથા એસાવ આપ્યાં. મેં વતન તરીકે એસાવને સેઈર પર્વતનો પ્રદેશ આપ્યો, પણ યાકૂબ અને તેના દીકરાઓ મિસરમાં જઈને રહ્યા. 5પછી મેં મૂસાને તથા હારુનને મોકલ્યા અને મરકીથી મિસરીઓને મેં પીડિત કર્યા. ત્યાર પછી હું તમને ત્યાંથી બહાર કાઢી લાવ્યો. 6હું તમારા પિતૃઓને મિસરમાંથી બહાર લાવ્યો. ચાલતા ચાલતા તમે સમુદ્ર સુધી આવી પહોંચ્યા. ત્યારે મિસરીઓ રથો તથા ઘોડેસવારો સાથે લાલ સમુદ્ર સુધી તમારા પિતૃઓની પાછળ ચડી આવ્યા. 7ત્યારે તમારા પૂર્વજોએ યહોવાહને પોકાર કર્યો, એટલે યહોવાહે તમારી તથા મિસરીઓની વચ્ચે અંધારપટ કર્યો. યહોવાહે તેઓ પર સમુદ્રનાં પાણી લાવીને તેઓને ડુબાવી દીધા. મેં મિસરમાં જે કર્યું તે તમે તમારી સગી આંખોએ જોયું છે. પછી તમે ઘણાં દિવસો સુધી અરણ્યમાં રહ્યા. 8જે અમોરીઓ યર્દનની પેલી બાજુ વસેલા હતા, તેઓના દેશમાં હું તમને લાવ્યો. તેઓએ તમારી સાથે યુદ્ધ કર્યું. અને મેં તેઓને તમારા હાથમાં સોંપી દીધા. તમે તેઓના દેશ કબજે કરી લીધો. અને મેં તમારી આગળ તેઓનો સંહાર કર્યો. 9પછી મોઆબના રાજા સિપ્પોરના દીકરા બાલાકે ઊઠીને ઇઝરાયલની સાથે યુદ્ધ કર્યું. તેણે તમને શાપ દેવા સારુ બેઓરના દીકરા બલામને બોલાવી મંગાવ્યો. 10પણ મેં બલામનું સાંભળ્યું નહિ. તેથી તેણે તમને આશીર્વાદ આપ્યો હતો. આ રીતે મેં તમને તેના હાથમાંથી છોડાવ્યાં. 11પછી તમે યર્દનથી પાર ઊતરીને યરીખો પાસે આવ્યા. ત્યારે યરીખોના આગેવાનો, અમોરી, પરિઝી, કનાની, હિત્તી, ગિર્ગાશી, હિવ્વી અને યબૂસી લોકોએ તમારી સાથે યુદ્ધ કર્યું. મેં તમને તેઓના પર વિજય આપ્યો અને તેઓને તમારા નિયંત્રણમાં સોંપી દીધા. 12વળી મેં તમારી આગળ ભમરીઓ મોકલી, તેઓએ અમોરીઓના બે રાજાઓને તમારી આગળથી નસાડી મૂક્યા. આ બધું કંઈ તમારી તલવારથી કે તમારા ધનુષ્યથી થયું નહોતું! 13જે દેશ માટે તમે શ્રમ કર્યો નહોતો અને જે નગરો તમે બાંધ્યા નહોતાં તે મેં તમને આપ્યાં છે, હવે તમે તેમાં રહો છો. જે દ્રાક્ષવાડીઓ તથા જૈતૂનવાડીઓ તમે રોપી નહોતી તેઓનાં ફળ તમે ખાઓ છો.’”
પ્રત્યુત્તર ગીત
ગી.શા 136:1–3, 16–18, 21–22, 24
1યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 2સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 3પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 16જે પોતાના લોકોને અરણ્યમાં થઈને દોરી લીધા તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 17જેમણે મોટા રાજાઓને મારી નાખ્યા, તેમની સ્તુતિ કરો. કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 18નામાંકિત રાજાઓના સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 21જેમણે તેઓનો દેશ વારસામાં આપ્યો તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 22જેમણે તે દેશ પોતાના સેવક ઇઝરાયલને વારસામાં આપ્યો તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 24અમારા શત્રુઓ પર જેમણે અમને વિજય અપાવ્યો, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
સુવાર્તા
3ફરોશીઓએ તેમની પાસે આવીને તેમનું પરીક્ષણ કરતાં પૂછ્યું કે, “કોઈ પણ કારણને લીધે શું પુરુષે પત્નીને છોડી દેવી ઉચિત છે?” 4ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, “શું તમે એમ નથી વાંચ્યું કે, જેમણે તેઓને ઉત્પન્ન કર્યાં, તેમણે તેઓને આરંભથી નરનારી ઉત્પન્ન કર્યા? 5અને કહ્યું કે ‘તે કારણને લીધે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે, અને તે બન્ને એક દેહ થશે?’ 6માટે તેઓ હવેથી બે નથી, પણ એક દેહ છે. એ માટે ઈશ્વરે જેમને જોડ્યાં છે તેમને માણસોએ જુદા ન પાડવાં.” 7તેઓએ ઈસુને કહ્યું કે, “તો મૂસાએ એવી આજ્ઞા કેમ આપી કે, ફારગતીનું પ્રમાણપત્ર આપીને તેને મૂકી દેવી?” 8ઈસુએ તેઓને કહ્યું કે, “મૂસાએ તમારાં હૃદયની કઠોરતાને લીધે તમને તમારી પત્નીઓને મૂકી દેવા દીધી, પણ આરંભથી એવું ન હતું. 9હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની પત્નીને ત્યજીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે, તો તે વ્યભિચાર કરે છે; અને જો કોઈ ત્યજી દીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે તો તે પણ વ્યભિચાર કરે છે.” 10તેમના શિષ્યોએ તેમને કહ્યું કે, “જો પુરુષની તેની પત્ની સંબંધી આ સ્થિતિ હોય, તો લગ્ન કરવું સારું નથી.” 11ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “બધાથી એ વાત પળાતી નથી, પણ જેઓને તે આપેલું છે તેઓથી જ. 12કેમ કે કેટલાક નપુંશક છે કે જેઓ પોતાની માતાઓથી જ એવા જન્મેલાં છે. કેટલાક એવા છે કે જેઓને માણસોએ નપુંશક બનાવ્યા છે; વળી કેટલાક એવા છે કે જેઓએ સ્વર્ગના રાજ્યને લીધે પોતાની જાતને જ નપુંશક તરીકે કર્યા છે. જે સ્વીકારી શકે છે તે આ વાત સ્વીકારે.”
આજના સંતો
- સંત પોન્તિયન, પોપ, અને હિપ્પોલિટસ, પુરોહિત, શહીદો
સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો