મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › જુલાઈ 2027 › 16 જુલાઈ
કેથોલિક પંચાંગ
દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 16 જુલાઈ 2027
શુક્રવાર · સામાન્ય કાળનું 15મું અઠવાડિયું
પર્વો અને સંતો
સામાન્ય કાળના 15મા અઠવાડિયાનો શુક્રવાર
વૈકલ્પિક સ્મૃતિદિન · ધાર્મિક વિધિનો રંગ: લીલો
કાર્મેલ પર્વતનાં માતા મરિયમ · વૈકલ્પિક સ્મૃતિદિન
ઉપવાસ અને પ્રાયશ્ચિત્ત
પ્રાયશ્ચિત્તનો દિવસ
દરેક શુક્રવાર પ્રાયશ્ચિત્તનો દિવસ છે; તે કેવી રીતે પાળવો તે દરેક બિશપ પરિષદ નક્કી કરે છે: માંસનો ત્યાગ કે પ્રાયશ્ચિત્તનું બીજું કોઈ કાર્ય. ઉપવાસ 18 થી 59 વર્ષની ઉંમર સુધી, માંસનો ત્યાગ 14 વર્ષથી બંધનકારક છે.
દિવસનાં વાંચનો
પહેલું વાંચન
10તેથી મૂસાએ અને હારુને ફારુનના દેખતાં જ આ બધા ચમત્કારો કરી બતાવ્યા. અને યહોવાહે ફારુનને હઠાગ્રહી બનાવ્યો અને તેણે ઇઝરાયલીઓને પોતાના દેશની બહાર જવા દીઘા નહિ. 12:1મૂસા અને હારુન જ્યારે મિસરમાં હતા ત્યારે યહોવાહે તેઓને કહ્યું, 2“તમારા લોકો માટે આ માસ વર્ષનો પ્રથમ માસ ગણાશે.” 3સમગ્ર ઇઝરાયલીઓ માટે આદેશ છે કે: “આ માસના દસમા દિવસે પ્રત્યેક પુરુષે પોતાના પિતાના કુટુંબ દીઠ એક હલવાન લેવું. 4અને જો કુટુંબમાં આખું એક હલવાન પૂરેપૂરું ખાઈ શકે તેટલાં માણસો ના હોય તો તેઓએ પોતાના પડોશીઓને નિમંત્રણ આપવું. અને તેઓની તથા કુટુંબની સંખ્યા પ્રમાણે હલવાન લેવું. પુરુષના આહાર પ્રમાણે હલવાન વિષે વિચારીને નક્કી કરવું.” 5પસંદ કરેલ હલવાન ખોડખાંપણ વગરનો પ્રથમ વર્ષનો ઘેટો અથવા બકરો જ હોવો જોઈએ. 6તમારે આ હલવાનને એ જ માસના ચૌદમા દિવસ સુધી સાચવી રાખવો. તે દિવસે સંધ્યાકાળે તમામ ઇઝરાયલીઓ પોતપોતાની પાસે રાખેલા હલવાનને કાપે. 7તમારે તે હલવાનોનું રક્ત લઈને જે ઘરમાં તે ખાવાનું હોય તે ઘરની બન્ને બારસાખ પર અને ઓતરંગ પર છાંટવું જોઈએ. 8“તે જ રાત્રે તમારે હલવાનના માંસને શેકવું અને તેને બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે ખાવું.” 9એ માંસ કાચું કે પાણીમાં બાફીને ન ખાવું. પગ, માથું અને આંતરડાં સાથે શેકીને ખાવું. 10તે રાત્રે જ બધું માંસ ખાઈ લેવું. અને જો એમાંનું કંઈ વધે અને સવાર સુધી રહે તો તેને તમારે આગમાં બાળી મૂકવું. 11તમારે તે આ રીતે જ ખાવું; તમારે પ્રવાસનાં વસ્ત્રો પહેરવાં, પગમાં પગરખાં પહેરવાં, હાથમાં લાકડી લેવી અને ઉતાવળ કરીને ખાવું. કેમ કે આ યહોવાહનું પાસ્ખા છે. 12“કેમ કે રાત્રે હું મિસરમાં ફરીશ અને આખા મિસર દેશના બધા મનુષ્યના અને પશુઓના પ્રથમજનિતોને મારી નાખીશ. મિસરના બધા દેવોને પણ હું સજા કરીશ. અને હું તેઓને બતાવીશ કે હું યહોવાહ છું. 13પરંતુ તમારા ઘર પર છાંટવામાં આવેલું રક્ત એ ચિહ્ન રહેશે જેને હું જોઈશ એટલે તમારા ઘરને ટાળીને હું આગળ જઈશ. મિસરના લોકો પર મરકી આવશે. પણ તમારા ઘરોમાં વિનાશક મરકી આવશે નહિ. 14તેથી તમે લોકો આજની આ રાતનું સદા સ્મરણ કરજો અને એને યહોવાહના પાસ્ખાપર્વ તરીકે પાળજો. અને નિત્ય નિયમાનુસાર તમારા વંશજોએ પણ યહોવાહના માનમાં તેની ઊજવણી કરવી.”
પ્રત્યુત્તર ગીત
12હું યહોવાહના મારા પર થયેલા સર્વ ઉપકારોનો તેમને શો બદલો આપું? 13હું ઉદ્ધારનો પ્યાલો લઈને, યહોવાહના નામને વિનંતિ કરીશ. 15યહોવાહની દ્રષ્ટિમાં તેમના ભક્તોનું મરણ કિંમતી છે. 16હે યહોવાહ, નિશ્ચે, હું તમારો સેવક છું; હું તમારો જ સેવક છું, તમારી સેવિકાનો દીકરો; તમે મારાં બંધન છોડ્યાં છે. 17હું તમારા માટે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવીશ અને હું યહોવાહના નામે પોકારીશ. 18યહોવાહની સમક્ષ લીધેલા સંકલ્પો જે મેં તેમના સર્વ લોકોની સમક્ષ લીધા છે, તે પાળીશ.
સુવાર્તા
1તે વેળાએ ઈસુ વિશ્રામવારે અનાજના ખેતરોમાં થઈને જતા હતા, ત્યારે તેમના શિષ્યોને ભૂખ લાગી, તેઓ કણસલાં તોડવા તથા ખાવા લાગ્યા. 2ફરોશીઓએ તે જોઈને ઈસુને કહ્યું કે, “જો, વિશ્રામવારે જે કરવું ઉચિત નથી તે તમારા શિષ્યો કરે છે.” 3પણ ઈસુએ તેઓને કહ્યું કે, “જયારે દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી? 4તેણે ઈશ્વરના ઘરમાં પેસીને અર્પણ કરેલી રોટલી, જે તેને તથા તેના સાથીઓને ખાવી ઉચિત ન હતી, પણ એકલા યાજકોને ઉચિત હતી, તે તેણે ખાધી. 5અથવા શું નિયમશાસ્ત્રમાં તમે એ નથી વાંચ્યું કે, વિશ્રામવારે ભક્તિસ્થાનમાં યાજકોએ વિશ્રામવારને અપવિત્ર કર્યા છતાં પણ નિર્દોષ છે? 6પણ હું તમને કહું છું કે ભક્તિસ્થાન કરતાં અહીં એક મોટો છે. 7વળી ‘બલિદાન કરતાં હું દયા ચાહું છું,’ એનો અર્થ જો તમે જાણતા હોત તો નિર્દોષને તમે દોષિત ન ઠરાવત. 8કેમ કે માણસનો દીકરો વિશ્રામવારનો પ્રભુ છે.”
સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો