Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › જુલાઈ 2027 › 7 જુલાઈ

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 7 જુલાઈ 2027

બુધવાર · સામાન્ય કાળનું 14મું અઠવાડિયું

પર્વો અને સંતો

સામાન્ય કાળના 14મા અઠવાડિયાનો બુધવાર

અઠવાડિયાનો દિવસ · ધાર્મિક વિધિનો રંગ: લીલો

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

ઉત્પ 41:55–57; 42:5–7, 17–24

55જયારે આખો મિસર દેશ ભૂખે મરવા લાગ્યો, ત્યારે લોકોએ ફારુનની આગળ અનાજને માટે કાલાવાલા કર્યા. ફારુને સર્વ મિસરીઓને કહ્યું, “યૂસફની પાસે જાઓ અને તે તમને જે કહે તે કરો.” 56પછી યૂસફે સર્વ કોઠારો ઉઘાડીને મિસરીઓને અનાજ વેચાતું આપ્યું. જો કે મિસર દેશમાં તે દુકાળ બહુ વિકટ હતો. 57સર્વ દેશોના લોકો મિસર દેશમાં યૂસફની પાસે અનાજ વેચાતું લેવાને આવ્યા, કેમ કે આખી પૃથ્વી પર સખત દુકાળ હતો. 42:5બીજા લોકો કે જેઓ અનાજ વેચાતું લેવા આવેલા હતા તેઓની સાથે ઇઝરાયલના દીકરા પણ અનાજ માટે આવ્યા હતા. કેમ કે કનાન દેશમાં પણ દુકાળ હતો. 6અહીં મિસર દેશનો અધિપતિ યૂસફ હતો. દેશના સર્વ લોકોને અનાજ વેચાતું આપનાર તે જ હતો. યૂસફના ભાઈઓ આવ્યા અને તેઓએ જમીન સુધી માથાં નમાવીને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. 7યૂસફે પોતાના ભાઈઓને જોયાં. તેઓને ઓળખ્યા, પણ તે જાણે તેઓને ઓળખતો ન હોય તેમ તેઓની સાથે વર્ત્યો. તેણે તેઓની સાથે કઠોરતાથી વાત કરીને પૂછ્યું, “તમે ક્યાંથી આવ્યા છો? “તેઓએ કહ્યું, “અમે કનાન દેશથી અનાજ વેચાતું લેવાને આવ્યા છીએ. 17તેણે તેઓને ત્રણ દિવસ સુધી કેદમાં પૂરી રાખ્યા. 18ત્રીજે દિવસે યૂસફે તેઓને કહ્યું, “તમે એક કામ કરો અને જીવતા રહો. કેમ કે હું ઈશ્વરથી ડરું છું. 19જો તમે પ્રમાણિક અને સાચા પુરુષો હો, તો તમારામાંનો એક ભાઈ કેદખાનામાં રહે અને બાકીના જાઓ અને દુકાળને લીધે તમારા ઘર માટે અનાજ લઈ જાઓ. 20તમારા નાના ભાઈને મારી પાસે લાવો. જેથી તમારી વાત સાચી ઠરશે અને તમે મરણને પાત્ર થશો નહિ.” તેથી તેઓએ એમ જ કર્યું. 21તેઓએ એકબીજાને કહ્યું, “નિશ્ચે આપણે આપણા ભાઈ સંબંધી અપરાધી છીએ, કેમ કે જયારે તેણે કાલાવાલા કર્યા ત્યારે આપણે તેની પીડા જોઈ, પણ તેનું સાંભળ્યું નહિ. તેથી આ સંકટ આપણા પર આવી પડ્યું છે.” 22રુબેને તેઓને ઉત્તર આપ્યો, “શું મેં તમને કહ્યું ન હતું, ‘આ છોકરા સંબંધી તમે પાપ ન કરો?’ પણ તમે માન્યું નહિ. હવે તેના લોહીનો બદલો લેવામાં આવે છે.” 23તેઓ જાણતા ન હતા કે યૂસફ તેમની વાત સમજે છે, કેમ કે તેઓની અને યૂસફની વચ્ચે દુભાષિયા મારફતે વાતચીત થતી હતી. 24યૂસફ તેના ભાઈઓની પાસેથી દૂર જઈને રડી પડ્યો. તેણે તેઓની પાસે પાછા આવીને વાત કરી. તેઓમાંથી શિમયોનને લઈને તેઓના દેખતાં તેને બાંધ્યો.

પ્રત્યુત્તર ગીત

ગી.શા 33:2–3, 10–11, 18–19

2વીણા વગાડી યહોવાહની સ્તુતિ કરો; દશ તારનું વાજિંત્ર વગાડીને તેમનાં સ્તોત્ર ગાઓ. 3તેમની આગળ નવું ગીત ગાઓ; વાજિંત્રોને કુશળતાથી અને આનંદથી વગાડો. 10યહોવાહ વિદેશીઓની યોજનાઓને નિષ્ફળ બનાવે છે; તે લોકોની યોજનાઓને નિરર્થક બનાવે છે. 11યહોવાહની યોજનાઓ સદાકાળ ટકે છે, તેમણે કરેલી ઘારણા પેઢી દર પેઢી રહે છે. 18જુઓ, જેઓ યહોવાહનો ભય રાખે છે અને તેમના કરારના વિશ્વાસુપણામાં રહે છે, તેઓ પર તેમની નજર રહે છે. 19જેથી તે તેઓના જીવને મૃત્યુથી બચાવે અને દુકાળ સમયે તેઓને જીવતાં રાખે.

સુવાર્તા

માથ 10:1–7

1પછી ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો, તથા દરેક પ્રકારનો મંદવાડ તથા દરેક જાતનો રોગ મટાડવાનો અધિકાર તેઓને આપ્યો. 2તે બાર પ્રેરિતોનાં નામ આ છે. પહેલો સિમોન જે પિતર કહેવાય છે, અને તેનો ભાઈ આન્દ્રિયા; ઝબદીનો દીકરો યાકૂબ, તથા તેનો ભાઈ યોહાન; 3ફિલિપ તથા બર્થોલ્મી; થોમા તથા માથ્થી દાણી; અલ્ફીનો દીકરો યાકૂબ તથા થદી; 4સિમોન જે અતિ ઝનૂની માણસ હતો તથા યહૂદા ઇશ્કારિયોત, જે ઈસુને પરસ્વાધીન કરનાર હતો. 5ઈસુએ તે બાર શિષ્યોને મોકલીને એવી આજ્ઞા આપી કે, “તમે વિદેશીઓને માર્ગે ન જાઓ અને સમરૂનીઓના કોઈ નગરમાં ન પેસો. 6પણ તેના કરતાં ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાંની પાસે જાઓ. 7તમે જતા જતા એમ પ્રગટ કરો કે, ‘સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.’”

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો