Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › જૂન 2027 › 10 જૂન

ઓર્થોડોક્સ પંચાંગ · 28 મે (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 10 જૂન 2027

ગુરુવાર · પાસ્ખાનું છઠ્ઠું અઠવાડિયું · સ્વર 5

પર્વો અને સંતો

પ્રભુનું સ્વર્ગારોહણ

ઉપવાસ

ઉપવાસ નથી

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

સંધ્યા-પ્રાર્થના: વાંચન

યશા 2:2–3

2છેલ્લાં દિવસોમાં, યહોવાહના ઘરનો પર્વત બીજા પર્વતો કરતાં ઊંચો સ્થાપન થશે અને તેને શિખરો કરતાં ઊંચો કરવામાં આવશે; અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવેશ કરશે. 3ઘણા લોકો જઈને કહેશે, “ચાલો, આપણે યહોવાહના પર્વત પાસે, યાકૂબના ઈશ્વરના ઘર પાસે ચઢી જઈએ, જેથી તે આપણને તેમના માર્ગ શીખવશે અને આપણે તેમના માર્ગમાં ચાલીશું.” કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી અને યહોવાહનાં વચન યરુશાલેમમાંથી નીકળશે

સંધ્યા-પ્રાર્થના: વાંચન

યશા 62:10–63:3, 7–9

10દરવાજામાં થઈને, દરવાજામાં થઈને આવો! લોકોને માટે માર્ગ તૈયાર કરો! બાંધો, સડક બાંધો, પથ્થરો વીણી કાઢો! પ્રજાઓને માટે ધ્વજા ઊંચી કરો. 11જુઓ, યહોવાહે પૃથ્વીના છેડા સુધી આ પ્રગટ કર્યું છે: “સિયોનની દીકરીને કહો, ‘જો તારો તારનાર આવે છે! જો, તેનું ઈનામ તેની સાથે છે અને તેનું પ્રતિફળ તેની આગળ છે.’” 12તે તેઓને “પવિત્ર પ્રજા,” “યહોવાહના ઉદ્ધાર પામેલા લોકો” કહેશે; અને તું “શોધી કાઢેલું,” “ન તજાયેલ નગર” કહેવાશે. 63:1આ જે અદોમથી, બોસરાથી કિરમજી રંગનાં વસ્ત્ર પહેરીને આવે છે તે કોણ છે? આ રાજકીય પોશાકમાં, પોતાના પુષ્કળ સામર્થ્યમાં વિશ્વાસથી કૂચ કરીને કોણ આવે છે? એ તો હું, ન્યાયીપણાથી બોલનાર અને ઉદ્ધારવાને શક્તિમાન, તે હું છું. 2તારા પોશાક કેમ લાલ છે, તારાં વસ્ત્ર દ્રાક્ષચક્કીમાં દ્રાક્ષા ખૂંદનારનાં વસ્ત્ર જેવાં કેમ થયાં છે? 3મેં એકલાએ દ્રાક્ષકુંડમાં દ્રાક્ષ ખૂંદી છે અને લોકોમાંથી કોઈ માણસ મારી સાથે નહોતો. મેં મારા રોષમાં તેઓને ખૂંદી અને મારા કોપમાં તેઓને છૂંદી નાખી. તેઓનું રક્ત મારા વસ્ત્ર પર છંટાયું અને તેથી મારા તમામ પોશાક પર ડાઘ પડ્યા છે. 7હું યહોવાહનાં કૃપાનાં કાર્ય વિષે કહીશ, જે સ્તુતિયોગ્ય કાર્યો યહોવાહે કર્યા છે તે જણાવીશ. યહોવાહે આપણા માટે શું કર્યું છે અને ઇઝરાયલનાં ઘર પર જે મહાન ભલાઈ કરી છે તે વિષે હું કહીશ. આ દયા તેમણે આપણને તેમની કૃપાને કારણે બતાવી છે અને તે કૃપાનું કાર્ય છે. 8કેમ કે તેમણે કહ્યું, “ખરેખર તેઓ મારા લોકો છે, કપટ ન કરે એવાં છોકરાં છે.” તે તેઓના ઉદ્ધારક થયા. 9તેઓના સર્વ દુઃખોમાં તે દુઃખી થયા અને તેમની હજૂરના દૂતે તેઓનો ઉદ્ધાર કર્યો. પ્રભુએ પોતાના પ્રેમમાં અને પોતાની દયાથી તેઓનો ઉદ્ધાર કર્યો અને પુરાતન કાળના સર્વ દિવસોમાં તેમણે તેઓને ઊંચકીને ફેરવ્યા.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

ઝખ 14:1, 4, 8–11

1જો, યહોવાહનો એક એવો દિવસ આવે છે કે, જ્યારે તારી લૂંટ તારી મધ્યે વહેંચવામાં આવશે. 4તે દિવસે તેમના પગ યરુશાલેમની પૂર્વમાં આવેલા જૈતૂનના પર્વત ઉપર ઊભા રહેશે. જૈતૂન પર્વત પૂર્વ તથા પશ્ચિમ વચ્ચે અડધો અડધ વિભાજિત થઈ જશે અને બહુ મોટી ખીણ થઈ જશે, અડધો પર્વત ઉત્તર તરફ અને બાકીનો અડધો દક્ષિણ તરફ પાછો જશે. 8તે દિવસે યરુશાલેમમાંથી સતત પાણી વહેશે. અડધો પ્રવાહ પૂર્વ સમુદ્રમાં અને અડધો પ્રવાહ પશ્ચિમ સમુદ્ર તરફ જશે. ઉનાળો હશે કે શિયાળો પણ એવું જ થશે. 9યહોવાહ આખી પૃથ્વી ઉપર રાજા થશે. તે દિવસે યહોવાહ ઈશ્વર એક જ હશે અને તેમનું નામ પણ એક જ હશે. 10સમગ્ર પ્રદેશ ગેબાથી તે યરુશાલેમની દક્ષિણે રિમ્મોન સુધી અરાબાહ જેવો થઈ જશે. યરુશાલેમ બિન્યામીનના દરવાજાથી પહેલા દરવાજાની જગા સુધી, એટલે ખૂણાના દરવાજા સુધી અને હનાનએલના બુરજથી તે રાજાના દ્રાક્ષકુંડ સુધી ઊંચું કરવામાં આવશે. 11લોકો યરુશાલેમમાં રહેશે, તેના પર કદી શાપ ઊતરશે નહિ; યરુશાલેમ સહીસલામત રહેશે.

પ્રભાત-પ્રાર્થના: સુવાર્તા

માર્ક 16:9–20

9(હવે અઠવાડિયાના પહેલા દિવસની સવારે ઈસુ પાછા ઊઠીને મગ્દલાની મરિયમ, જેનાંમાંથી તેમણે સાત દુષ્ટાત્માઓ કાઢ્યાં હતા, તેને તેઓ પ્રથમ દેખાયા. 10જેઓ તેમની સાથે રહેલા હતા, તેઓ શોક તથા રુદન કરતા હતા, ત્યારે તેણે તેઓની પાસે જઈને ખબર આપી. 11ઈસુ જીવિત છે અને તેના જોવામાં આવ્યા છે, એ તેઓએ સાંભળ્યું પણ વિશ્વાસ કર્યો નહિ. 12એ પછી તેઓમાંના બે જણ ચાલીને એમ્મૌસ ગામે જતા હતા, એટલામાં ઈસુ અન્ય સ્વરૂપે તેઓને દેખાયા. 13તેઓએ જઈને બાકી રહેલાઓને કહ્યું. જોકે તેઓએ પણ તેઓનું માન્યું નહિ. 14ત્યાર પછી અગિયાર શિષ્યો જમવા બેઠા હતા, ત્યારે ઈસુ તેઓને દેખાયા; અને તેમણે તેઓના અવિશ્વાસ તથા હૃદયની કઠણતાને લીધે તેઓને ઠપકો આપ્યો; કેમ કે તેઓ પાછા ઊઠ્યાં પછી જેઓએ તેમને જોયા હતા, તેઓનું તેઓએ માન્યું ન હતું. 15ઈસુએ તેઓને કહ્યું કે, ‘આખી દુનિયામાં જઈને સમગ્ર સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. 16જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે, તે ઉદ્ધાર પામશે; પણ જે વિશ્વાસ નહિ કરે, તે અપરાધી ઠરશે. 17વિશ્વાસ કરનારાઓને હાથે આવાં ચમત્કારિક ચિહ્નો થશે, મારે નામે તેઓ દુષ્ટાત્માઓને કાઢશે, નવી ભાષાઓ બોલશે, 18સર્પોને ઉઠાવી લેશે અને જો તેઓથી કંઈ પ્રાણઘાતક વસ્તુ પિવાઈ જશે તો તેઓને કંઈ ઈજા થશે નહિ; તેઓ બિમારો પર હાથ મૂકશે અને તેઓ સાજાં થશે.’” 19પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી સ્વર્ગમાં લઈ લેવાયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજ્યા. 20તેઓએ ત્યાંથી જઈને બધે સ્થળે સુવાર્તા પ્રગટ કરી; અને પ્રભુ તેઓના કામમાં તેઓને સહાય કરતા અને તેઓને હાથે થયેલા ચમત્કારિક ચિહ્નોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતા હતા.)

પત્ર

પ્રે.કૃ 1:1–12

1પ્રિય થિયોફિલ, ઈસુએ પોતાના પસંદ કરેલા પ્રેરિતોને પવિત્ર આત્માથી જે આજ્ઞા આપી, 2અને તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, તે દિવસ સુધી તેઓ જે કાર્ય કરતા તથા શિક્ષણ આપતા રહ્યા, તે બધી બિના વિષે મેં પહેલું પુસ્તક લખ્યું છે; 3ઈસુએ મરણ સહ્યાં પછી તેઓને ઘણી સાબિતીઓથી પોતાને સજીવન થયેલા બતાવ્યા, ચાળીસ દિવસ સુધી તે તેઓની સમક્ષ પ્રગટ થતાં અને ઈશ્વરના રાજ્ય વિશેની વાતો કહેતાં રહ્યા. 4તેઓની સાથે મળીને ઈસુએ તેઓને આજ્ઞા આપી કે, તમે યરુશાલેમથી જતા ના, પણ ઈશ્વરપિતાનું જે આશાવચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની રાહ જોતાં રહેજો; 5કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા આપ્યું હતું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. 6હવે તેઓ એકઠા થયા ત્યારે તેઓએ ઈસુને પૂછ્યું કે, પ્રભુ, શું તમે આ સમયે ઇઝરાયલના રાજ્યને પુનઃસ્થાપિત કરશો? 7ઈસુએ તેઓને જણાવ્યું કે, જે યુગો તથા સમયો પિતાએ પોતાના અધિકારમાં રાખ્યા છે, તે જાણવાનું કામ તમારું નથી. 8પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો; અને યરુશાલેમમાં, સમગ્ર યહૂદિયામાં, સમરુનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. 9એ વાતો કહી રહ્યા પછી, તેઓના દેખતા તેમને ઉપર લઈ લેવાયા; અને વાદળોએ તેઓની દૃષ્ટિથી તેમને ઢાંકી દીધાં. 10તે જતા હતા ત્યારે તેઓ સ્વર્ગ તરફ અનિમેષ નયને જોઈ રહ્યા હતા, એવામાં ચળકતાં વસ્ત્ર પહેરેલા બે દૂત તેઓની પાસે ઊભા રહ્યા. 11તેઓએ કહ્યું કે, ગાલીલના માણસો, તમે સ્વર્ગ તરફ જોતાં કેમ ઊભા રહ્યા છો? એ જ ઈસુ જેમને તમારી પાસેથી સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા છે, તેઓને જેમ તમે સ્વર્ગમાં જતા જોયા તે જ રીતે તેઓ પાછા આવશે. 12ત્યારે જૈતૂન નામનો પહાડ જે યરુશાલેમની પાસે, વિશ્રામવારની મુસાફરી જેટલે દૂર છે, ત્યાંથી તેઓ યરુશાલેમમાં પાછા આવ્યા.

સુવાર્તા

લૂક 24:36–53

36તેઓ એ વાતો કહેતાં હતા, ત્યારે ઈસુ પોતે તેઓની વચમાં ઊભા રહીને તેઓને કહે છે કે, ‘તમને શાંતિ થાઓ.’” 37પણ તેઓએ ગભરાઈને તથા ભયભીત થઈને એમ ધાર્યું કે, અમારા જોવામાં કોઈ આત્મા આવે છે. 38તેમણે તેઓને કહ્યું કે, ‘તમે કેમ ગભરાઓ છો, અને તમારાં મનમાં શંકા કેમ થાય છે? 39મારા હાથ તથા મારા પગ જુઓ, કે એ હું પોતે છું; મને હાથ અડકાડીને જુઓ; કેમ કે જેમ તમે જુઓ છે કે મને માંસ તથા હાડકાં છે તેમ આત્માને હોતા નથી.’” 40એમ કહીને તેમણે પોતાના હાથ તથા પગ તેઓને બતાવ્યાં. 41તેઓ હર્ષને લીધે હજી વિશ્વાસ કરતા નહોતા, અને દંગ થઈ ગયા હતા, ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારી પાસે કંઈ ખાવાનું છે?’” 42તેઓએ ઈસુને શેકેલી માછલીનો ટુકડો આપ્યો, 43ઈસુએ તે લઈને તેઓની આગળ ખાધો. 44ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમારી સાથે હતો, ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે, જે મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી લખ્યું છે તે બધું પૂરું થવું જોઈએ.’” 45ત્યારે પવિત્રશાસ્ત્ર સમજવા સારુ ઈસુએ તેઓનાં મન ખોલ્યાં. 46ઈસુએ તેઓને કહ્યું કે, ‘એમ લખ્યું છે, કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું, અને ત્રીજે દિવસે મૂએલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ; 47યરુશાલેમથી માંડીને સઘળી પ્રજાઓને તેમના નામમાં પસ્તાવો તથા પાપોની માફી પ્રગટ કરાવાં જોઈએ. 48એ વાતના સાક્ષીઓ તમે છો. 49હું મારા પિતાનું આશાવચન તમારા પર મોકલું છું; પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાઓ ત્યાં સુધી શહેરમાં રહેજો.’” 50બેથાનિયાની સામે તેઓને બહાર લઈ ગયા પછી તેમણે પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ આપ્યો. 51એમ થયું કે ઈસુ તેઓને આશીર્વાદ આપતા હતા એટલામાં તે તેઓથી છૂટા પડ્યા, અને સ્વર્ગમાં લઈ લેવાયા. 52તેમનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા યરુશાલેમમાં પાછા વળ્યા. 53અને તેઓ નિત્ય ભક્તિસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરતા હતા.

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 28 મે એટલે નાગરિક પંચાંગનો 10 જૂન. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો