મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › એપ્રિલ 2027 › 9 એપ્રિલ
ઓર્થોડોક્સ પંચાંગ · 27 માર્ચ (જૂની પદ્ધતિ)
ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 9 એપ્રિલ 2027
શુક્રવાર · મહાન ઉપવાસકાળનું ચોથું અઠવાડિયું · સ્વર 3
પર્વો અને સંતો
Martyr Matrona of Thessalonica (3rd-4th C)
મહાન ઉપવાસકાળ
કડક ઉપવાસ (સૂકો આહાર: રોટલી, શાકભાજી, ફળ)
આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.
દિવસનાં વાંચનો
છઠ્ઠો કલાક
13પ્રભુ કહે છે, “આ લોકો તેમના મુખથી જ મારી પાસે આવે છે અને કેવળ હોઠોથી મને માન આપે છે, પરંતુ તેઓએ પોતાનું હૃદય મારાથી દૂર રાખ્યું છે. તેઓ મારો જે આદર કરે છે તે માત્ર માણસોએ શીખવેલી આજ્ઞા છે. 14તેથી, જુઓ, આ લોકમાં અદ્દભુત કામ, હા, મહાન તથા અજાયબ કામ ફરીથી કરવાનો છું. તેઓના જ્ઞાનીઓનું ડહાપણ નષ્ટ થશે અને તેઓના બુદ્ધિમાનોની બુદ્ધિનો લોપ થઈ જશે. 15જેઓ યહોવાહથી પોતાની યોજનાઓ સંતાડવાને ઊંડો વિચાર કરે છે અને જેઓ અંધકારમાં કામ કરે છે. તેઓ કહે છે, “અમને કોણ જુએ છે, અમારા વિષે કોણ જાણે છે? તેઓને અફસોસ! 16તમે વસ્તુઓને ઊંધી સીધી કરો છો! શું કુંભાર માટીની બરાબર ગણાય, એવી રીતે કે, કૃત્યો પોતાના કર્તા વિષે કહે, “તેણે મને બનાવ્યો નથી,” અથવા જે વસ્તુની રચના થયેલી છે તે પોતાના રચનારને કહેશે કે, “તે મને સમજી શકતો નથી?” 17થોડી જ વારમાં, લબાનોન વાડી થઈ જશે અને વાડી વન થઈ જશે. 18તે દિવસે બધિરજનો પુસ્તકનાં વચનો સાંભળશે અને અંધની આંખો ગહન અંધકારમાં જોશે. 19દીનજનો યહોવાહમાં આનંદ કરશે અને દરિદ્રી માણસો ઇઝરાયલના પવિત્રમાં હરખાશે. 20કેમ કે જુલમીનો અંત આવ્યો છે અને નિંદકને ખતમ કરવામાં આવ્યો છે. જે કોઈ દુષ્ટતા કરવાનું ચાહે છે તેઓ સર્વને નાબૂદ કરવામાં આવશે, 21તેઓ તો દાવામાં માણસને ગુનેગાર ઠરાવનાર છે. તેને માટે જાળ બિછાવે છે તેઓ દરવાજા આગળ ન્યાય ઇચ્છે છે પરંતુ ન્યાયને ખાલી જુઠાણાથી નીચે પાડે છે. 22તેથી જેણે ઇબ્રાહિમનો ઉદ્ધાર કર્યો, તે યહોવાહ યાકૂબના કુટુંબ વિષે કહે છે: “યાકૂબને કદી શરમાવું પડશે નહિ, તેનો ચહેરો ઊતરી જશે નહિ. 23પરંતુ જ્યારે પોતાની મધ્યે પોતાના સંતાનો એટલે મારા હાથની કૃતિઓને જોશે, ત્યારે તેઓ મારા નામને પવિત્ર માનશે. તેઓ યાકૂબના પવિત્રને પવિત્ર માનશે અને ઇઝરાયલના ઈશ્વરના આદરમાં ઊભા રહેશે.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
1હવે ઈશ્વરે ઇબ્રામને કહ્યું, “તું તારો દેશ, તારા સગાંઓ અને તારા પિતાના કુટુંબને છોડીને, જે દેશ હું તને બતાવું ત્યાં જા. 2હું તારાથી એક મોટી જાતિ ઉત્પન્ન કરીશ, હું તને આશીર્વાદ દઈશ, તારું નામ મોટું કરીશ અને તું આશીર્વાદરૂપ થશે. 3જેઓ તને આશીર્વાદ આપશે, તેઓને હું આશીર્વાદ આપીશ અને જેઓ તને શાપ આપશે, તેઓને હું શાપ આપીશ. પૃથ્વીના સર્વ કુટુંબો તારી મારફતે આશીર્વાદિત થશે. 4તેથી ઈશ્વરે તેને જે પ્રમાણે કરવાનું કહ્યું હતું તે પ્રમાણે, ઇબ્રામ અને તેની સાથે તેનો ભત્રીજો લોત પણ ગયો. જયારે ઇબ્રામ હારાન દેશથી રવાના થયો ત્યારે તે પંચોતેર વર્ષનો હતો. 5ઇબ્રામે તેની પત્ની સારાયને તથા તેના ભત્રીજા લોતને તેઓએ મેળવેલી સર્વ સંપત્તિ, જાનવરો તથા જે દાસદાસીઓ તેમને હારાનમાં પ્રાપ્ત થયાં હતા તેઓને સાથે લીધાં. તેઓ કનાન દેશમાં પહોંચ્યા. 6ઇબ્રામ કનાન દેશમાં શખેમથી મુસાફરી કરતાં મોરેના એલોન વૃક્ષ પાસે આવ્યો. તે વખતે કનાનીઓ તે દેશમાં રહેતા હતા. 7ઈશ્વરે ઇબ્રામને દર્શન આપીને કહ્યું, “હું તારા વંશજોને આ દેશ આપીશ.” તેથી જેમણે તેને દર્શન આપ્યું હતું તે ઈશ્વરના સ્મરણમાં ઇબ્રામે ત્યાં વેદી બાંધી.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
15ભોળો માણસ બધું માની લે છે, પણ ચતુર માણસ પોતાની વર્તણૂક બરાબર તપાસે છે. 16જ્ઞાની માણસ દુષ્ટતાથી દૂર રહે છે, પણ મૂર્ખ માણસ ઉન્મત્ત થઈને બેદરકાર બને છે. 17જલદી ક્રોધ કરનાર મૂર્ખાઈ કરી બેસે છે, અને દુષ્ટ યોજનાઓ ઘડનાર ધિક્કાર પામે છે. 18ભોળા લોકો મૂર્ખાઈનો વારસો પામે છે, પણ ડાહ્યા માણસોને વિદ્યાનો મુગટ પહેરાવવામાં આવે છે. 19દુષ્ટોને સજ્જનો આગળ ઝૂકવું પડે છે, અને જેઓ દુષ્ટ છે તેઓને સદાચારીઓને બારણે નમવું પડે છે. 20ગરીબને પોતાના પડોશીઓ પણ ધિક્કારે છે, પરંતુ ધનવાનને ઘણા મિત્રો હોય છે. 21પોતાના પડોશીને તુચ્છ ગણનાર પાપ કરે છે, પણ ગરીબ પર દયા કરનાર આશીર્વાદિત છે. 22ભૂંડી યોજનાઓ ઘડનાર શું ભૂલ નથી કરતા? પણ સારી યોજનાઓ ઘડનારને કૃપા અને સત્ય પ્રાપ્ત થશે. 23જ્યાં મહેનત છે ત્યાં લાભ પણ હોય છે, પણ જ્યાં ખાલી વાતો જ થાય ત્યાં માત્ર ગરીબી જ આવે છે. 24જ્ઞાનીઓનો મુગટ તેઓની સંપત્તિ છે, પણ મૂર્ખોની મૂર્ખાઈ તે જ તેમનો બદલો છે. 25સાચો સાક્ષી જીવનોને બચાવે છે, પણ કપટી માણસ જૂઠાણું ઉચ્ચારે છે. 26યહોવાહનાં ભયમાં દૃઢ વિશ્વાસ સમાયેલો છે, તેનાં સંતાનોને તે આશ્રય આપે છે.
તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 27 માર્ચ એટલે નાગરિક પંચાંગનો 9 એપ્રિલ. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો