Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › માર્ચ 2027 › 3 માર્ચ

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 3 માર્ચ 2027

બુધવાર · તપઋતુનું ત્રીજું અઠવાડિયું

પર્વો અને સંતો

તપઋતુના ત્રીજા અઠવાડિયાનો બુધવાર

અઠવાડિયાનો દિવસ · ધાર્મિક વિધિનો રંગ: જાંબલી

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

પુન 4:1, 5–9

1હવે, હે ઇઝરાયલ, જે કાયદાઓ અને નિયમો હું તમને શીખવું છું તે ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો; એ માટે કે તમે જીવતા રહો અને તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહ જે દેશ તમને આપે છે, તેમાં પ્રવેશ કરો અને તેને કબજે કરો. 5જુઓ, જેમ ઈશ્વર મારા યહોવાહે મને આજ્ઞા આપી તે પ્રમાણે મેં તમને કાનૂનો અને નિયમો શીખવ્યા છે, કે જેથી જે દેશનું વતન પ્રાપ્ત કરવા માટે તમે તેમાં પ્રવેશ કરો છો તેમાં તમે એ પ્રમાણે કરો. 6માટે તે પાળીને તેને અમલમાં લાવો; તેથી લોકોની દ્રષ્ટિમાં તમે જ્ઞાની તથા સમજદાર ગણાશો, જેઓ સર્વ આ કાનૂનો વિષે સાંભળશે તેઓ કહેશે કે, “ખરેખર, આ મહાન દેશજાતિ જ્ઞાની અને સમજદાર છે.” 7કેમ કે એવી કઈ મોટી દેશજાતિ છે કે જેની સાથે કોઈ ઈશ્વર નજીક છે, જેમ ઈશ્વર આપણા યહોવાહને જયારે આપણે પોકારીએ છીએ ત્યારે તે આપણી સાથે સંબંધ રાખે છે. 8બીજી કઈ એવી મહાન જાતિ છે કે તેઓની પાસે આ બધા નિયમો જેને આજે હું તમારી આગળ પ્રગટ કરું છું તેના જેવા ન્યાયી નિયમો તથા કાનૂનો છે? 9ફક્ત પોતાના વિષે સાવધ રહો અને ધ્યાનથી તમારા આત્માની કાળજી રાખો, કે જેથી તમારી આંખે જે જોયું છે તે તું ભૂલી જાઓ નહિ અને તમારા જીવનના સર્વ દિવસો પર્યંત તમારા હૃદયમાંથી તે દૂર થાય નહિ. પણ, તમારા સંતાનને અને તમારા સંતાનના સંતાનને શીખવો.

પ્રત્યુત્તર ગીત

ગી.શા 147:12–13, 15–16, 19

12હે યરુશાલેમ, યહોવાહની સ્તુતિ કર; હે સિયોન, તારા ઈશ્વરની સ્તુતિ કર. 13કારણ કે તેમણે તારાં દ્વારોની ભૂંગળો મજબૂત કરી છે; તેમણે તારામાં તારાં સંતાનોને આશીર્વાદિત કર્યાં છે. 15તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે; તેમની આજ્ઞા બહુ ઝડપથી દોડે છે. 16તે ઊનના જેવો બરફ મોકલે છે; તે હવામાંથી રાખ જેવા કરાની વૃષ્ટિ કરે છે. 19તેમણે યાકૂબને તેમનાં વચનો પ્રગટ કર્યાં, તેમણે તેમના વિધિઓ અને નિયમો ઇઝરાયલને પણ પ્રગટ કર્યા.

સુવાર્તા

માથ 5:17–19

17એમ ન ધારો કે હું નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને આવ્યો છું; હું નાશ કરવા નહિ, પણ પૂર્ણ કરવા આવ્યો છું. 18કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી સઘળાં પૂરાં થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા માત્રા જતી રહેશે નહિ. 19એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એકને જો કોઈ તોડશે અથવા માણસોને એવું કરવાનું શીખવશે, તો તે સ્વર્ગના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. પણ જો કોઈ તે પાળશે અને શીખવશે તે સ્વર્ગના રાજ્યમાં મોટો કહેવાશે.

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો