Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ડિસેમ્બર 2026 › 22 ડિસેમ્બર

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 22 ડિસેમ્બર 2026

મંગળવાર · આગમનકાળનું ચોથું અઠવાડિયું

પર્વો અને સંતો

22 ડિસેમ્બર

અઠવાડિયાનો દિવસ · ધાર્મિક વિધિનો રંગ: જાંબલી

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

1 શમુ 1:24–28

24તેણે તેનું દૂધ છોડાવ્યું ત્યાર પછી, તેણે તેને પોતાની સાથે લીધો, ત્રણ વર્ષનો એક બળદો, એક એફાહ આશરે 20 કિલો લોટ, એક કૂંડીમાં દ્રાક્ષાસવ પણ લીધો, આ બધું તેઓ શીલોમાં ઈશ્વરના ઘરમાં લાવ્યા. બાળક હજી નાનો હતો. 25તેઓએ બળદનું બલીદાન કર્યું અને તેઓ તે બાળ શમુએલને એલી પાસે લાવ્યા. 26હાન્નાએ કહ્યું, “ઓ, મારા માલિક! તારા જીવના સમ કે જે સ્ત્રી ઈશ્વરને પ્રાર્થના કરતી હતી તે હું છું. 27આ બાળક સારુ હું પ્રાર્થના કરતી હતી અને ઈશ્વર સમક્ષ મેં જે પ્રાર્થના કરી હતી તે તેમણે ફળીભૂત કરી છે. 28માટે મેં તેને ઈશ્વરને અર્પિત કરેલો છે; તે જીવે ત્યાં સુધી ઈશ્વરને અર્પણ કરેલો છે.” અને એલ્કાના તથા તેના કુંટુબે ત્યાં ઈશ્વરનું ભજન કર્યું. શમુએલ ભજન કરવા ત્યાં જ રહ્યો.

પ્રત્યુત્તર ગીત

1 શમુ 2:1, 4–8

1હાન્નાએ પ્રાર્થના કરતાં કહ્યું કે, “મારું હૃદય ઈશ્વરમાં આનંદ કરે છે; મારું શિંગ ઈશ્વરમાં ઊંચું કરાયું છે; મારું મુખ મારા શત્રુઓ સામે હિંમતથી બોલે છે, કેમ કે હું તમારા ઉદ્ધારમાં આનંદ કરું છું. 4પરાક્રમી પુરુષોનાં ધનુષ્યો ભાંગી નંખાયા છે, પણ ઠોકર ખાનારાઓ બળથી વેષ્ટિત કરાયા છે. 5જેઓ તૃપ્ત હતા તેઓ રોટલી સારુ મજૂરી કરે છે; જેઓ ભૂખ્યા હતા તેઓ હવે એશ આરામ કરે છે. નિઃસંતાન સ્ત્રીએ સાત બાળકોને જન્મ આપ્યો છે, પણ સ્ત્રીને ઘણાં બાળકો છે તે તડપે છે. 6ઈશ્વર મારે અને જીવાડે છે. તે શેઓલ સુધી નમાવે છે અને તેમાંથી બહાર કાઢે છે. 7ઈશ્વર માણસને નિર્ધન બનાવે છે અને તે ધનવાન પણ કરે છે. તે નીચા પાડે છે અને તે ઊંચે પણ ચઢાવે કરે છે. 8તે ગરીબોને ધૂળમાંથી બેઠા કરે છે; તે જરૂરિયાત મંદોને ઉકરડા પરથી ઊભા કરીને, તેઓને રાજકુમારોની સાથે સિંહાસન પર બેસાડે છે, અને ગૌરવનો વારસો પમાડે છે. કેમ કે પૃથ્વીના સ્તંભો ઈશ્વરના છે; તેમના પર તેમણે જગતને સ્થાપ્યું છે.

સુવાર્તા

લૂક 1:46–56

46મરિયમે કહ્યું કે, મારો જીવ પ્રભુને મહાન માને છે, 47અને ઈશ્વર, મારા ઉદ્ધારકમાં મારો આત્મા હરખાયો છે. 48કારણ કે તેમણે પોતાની સેવિકાની દીનાવસ્થા પર દ્ર્ષ્ટિ કરી છે; કેમ કે, જો, હવેથી સઘળી પેઢીઓ મને આશીર્વાદિત કહેશે. 49કેમ કે પરાક્રમી ઈશ્વરે મારે સારુ મહાન કૃત્યો કર્યા છે, તેમનું નામ પવિત્ર છે. 50જેઓ તેમનું સન્માન કરે છે, તેઓ પર તેમની દયા પેઢી દરપેઢી રહે છે. 51તેમણે પોતાના પરાક્રમી હાથો વડે ઘણાં પરાક્રમી કાર્યો કર્યાં છે, અભિમાનીઓને તેઓનાં હૃદયની કલ્પનામાં તેમણે વિખેરી નાખ્યા છે. 52તેમણે રાજકર્તાઓને રાજ્યાસન પરથી ઉતારી નાખ્યા છે, અને ગરીબોને ઊંચા કર્યા છે. 53તેમણે ભૂખ્યાંઓને સારાં વાનાંથી તૃપ્ત કર્યા છે; અને શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢ્યાં છે. 54આપણા પૂર્વજોને તેમના કહ્યાં પ્રમાણે, ઇબ્રાહિમ પર તથા તેના વંશ પર 55સદા દયા કરવાનું સંભારીને, તેમણે પોતાના સેવક ઇઝરાયલને સહાય કરી.’” 56મરિયમ આશરે ત્રણ મહિના સુધી તેની સાથે રહી, પછી પોતાને ઘરે પાછી ગઈ.

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો