મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ડિસેમ્બર 2026 › 20 ડિસેમ્બર
કેથોલિક પંચાંગ
દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 20 ડિસેમ્બર 2026
રવિવાર · આગમનકાળનું ચોથું અઠવાડિયું
પર્વો અને સંતો
આગમનકાળનો ચોથો રવિવાર
રવિવાર · ધાર્મિક વિધિનો રંગ: જાંબલી
દિવસનાં વાંચનો
પહેલું વાંચન
1ઈશ્વરે રાજાને શાંતિ સલામતી બક્ષ્યા પછી રાજા પોતાના ઘરમાં વિશ્રામથી રહેતો હતો. 2ત્યારે રાજાએ નાથાન પ્રબોધકને કહ્યું, “જો, હું દેવદાર વૃક્ષનાં લાકડાંના ઘરમાં રહું છું, પણ ઈશ્વરનો કરાર કોશ તંબુમાં રહે છે.” 3નાથાને રાજાને કહ્યું કે, “જા, જે તારા મનની અભિલાષા છે તે પૂરી કર. ઈશ્વર તારી સાથે છે.” 4પણ તેજ રાત્રે ઈશ્વરનું વચન નાથાન પાસે આવ્યું, 5“જા અને મારા સેવક દાઉદને કહે, ઈશ્વર એમ કહે છે કે: શું તું મારે રહેવા માટે ઘર બાંધશે? 8મારા સેવક દાઉદને કહે કે, સૈન્યોના ઈશ્વર એવું કહે છે કે: તું ઘેટાંનાં ટોળાંની પાછળ ફરતો હતો ત્યાંથી મેં તને તેડાવી લીધો છે, કે તું મારા લોક ઇઝરાયલ પર અધિકારી બનશે. 9જ્યાં તું ગયો ત્યાં હું તારી સાથે હતો. તારા સર્વ શત્રુઓને મેં તારી આગળથી નાબૂદ કર્યા છે. હવે પૃથ્વીના મહાન પુરુષોના નામ જેવું તારું નામ હું કરીશ. 10હું ઇઝરાયલના મારા લોકોને માટે જગ્યા ઠરાવીશ. અને તેઓને ત્યાં સ્થાયી કરીશ, કે જેથી તેઓ પોતાની જ જગ્યાએ રહે અને વધારે મુશ્કેલીમાં મુકાય નહિ. જેમ તેઓએ અગાઉ કર્યું તેમ વિરોધી લોકો હવે પછી તેમના પર જુલમ કરશે નહિ, 11જે દિવસોથી ઇઝરાયલના મારા લોકો ઉપર મેં ન્યાયાધીશો થવાની આજ્ઞા આપી ત્યારથી તેઓ અગાઉની માફક કરતા હતા. પણ હવે હું તને તારા સર્વ શત્રુઓથી સલામત રાખીશ. વળી, હું, ઈશ્વર, તને કહું છું કે હું તારે સારું ઘર બાંધીશ. 12જયારે તારા દિવસો પૂરા થશે અને તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે, ત્યાર પછી હું તારા વંશને ઊભો કરીશ જે તારું સંતાન છે, તેનું રાજય હું સ્થાપીશ. 14હું તેનો પિતા થઈશ અને તે મારો દીકરો થશે. જો તે પાપ કરશે, તો હું માણસની સોટીથી તથા માણસનાં દીકરાઓના કોરડાથી તેને શિક્ષા કરીશ. 15જેમ મેં શાઉલને તારી આગળથી દૂર કરીને તેની પાસેથી મારા વિશ્વાસુપણાનો કરાર લઈ લીધો હતો, તેવી રીતે મારા વિશ્વાસુપણાનો કરાર તેની પાસેથી લઈ લેવાશે નહિ. 16તારું ઘર તથા રાજય હંમેશા તારી આગળ સ્થાયી થશે. તારું રાજયાસન હંમેશા માટે ટકી રહેશે.
પ્રત્યુત્તર ગીત
1એથાન એઝ્રાહીનું માસ્કીલ. હું નિરંતર યહોવાહની કૃપા વિષે ગાઈશ. હું મારે મુખે પેઢી દરપેઢી તમારું વિશ્વાસુપણું પ્રગટ કરીશ. 2કેમ કે મેં કહ્યું છે, “કૃપા સદાને માટે સ્થાપન કરવામાં આવશે; આકાશોમાં જ તમે તમારું વિશ્વાસુપણું સ્થાપજો.” 3યહોવાહે કહ્યું, “મેં મારા પસંદ કરેલાની સાથે કરાર કર્યો છે, મેં મારા સેવક દાઉદને વચન આપ્યું છે. 4તારા વંશજોને હું સદા ટકાવી રાખીશ અને વંશપરંપરા હું તારું રાજ્યાસન સ્થિર રાખીશ.” સેલાહ 26તે મને પોકારીને કહેશે, ‘તમે મારા પિતા છો, મારા ઈશ્વર અને મારા તારણના ખડક છો.’ 28હું તેના ઉપર મારી કૃપા સદા રાખીશ; અને તેની સાથે મારો કરાર દ્રઢ રહેશે.
બીજું વાંચન
25હવે જે મર્મ આરંભથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ આ સમયમાં પ્રસિદ્ધ થયો છે અને સર્વ પ્રજાઓ વિશ્વાસને આધીન થાય, એ માટે સનાતન ઈશ્વરની આજ્ઞાથી પ્રબોધકોના લેખોમાં તેમને જણાવવાંમાં આવ્યો છે, 26તે મર્મના પ્રકટીકરણ પ્રમાણે મારી સુવાર્તા, એટલે ઈસુ ખ્રિસ્ત વિષેના ઉપદેશ પ્રમાણે તમને દૃઢ કરવાને જે શક્તિમાન છે. 27તે એકલા જ્ઞાની ઈશ્વરને, ઈસુ ખ્રિસ્ત દ્વારા સર્વકાળ સુધી મહિમા હો. આમીન.
સુવાર્તા
26છઠ્ઠે મહિને ગાબ્રિયેલ સ્વર્ગદૂતને ગાલીલના નાસરેથ નામે એક શહેરમાં એક કુમારિકાની પાસે ઈશ્વર તરફથી મોકલવામાં આવ્યો હતો. 27દાઉદના વંશના, યૂસફ નામે, એક પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી; તેનું નામ મરિયમ હતું. 28સ્વર્ગદૂતે તેની પાસે આવીને કહ્યું કે, ‘હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે!’ 29પણ એ વચન સાંભળીને તે ઘણી ગભરાઈ અને વિચાર કરવા લાગી કે, આ તે કઈ જાતની સલામ હશે! 30સ્વર્ગદૂતે તેને કહ્યું કે, ‘હે મરિયમ, બીશ નહીં; કેમ કે તું ઈશ્વરથી કૃપા પામી છે. 31જો, તને ગર્ભ રહેશે, તને દીકરો થશે, અને તું તેમનું નામ ઈસુ પાડશે. 32તે મોટા થશે અને પરાત્પર ઈશ્વરના દીકરા કહેવાશે; અને ઈશ્વર પ્રભુ તેમને તેમના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. 33તે યાકૂબના વંશજો પર સર્વકાળ રાજ્ય કરશે, અને તેમના રાજ્યનો અંત આવશે નહિ.’” 34મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, ‘એ કેમ કરીને થશે? કેમ કે હું કુંવારી છું, અને હું કોઈ પુરુષ સાથે સંબંધમાં આવી નથી.’” 35સ્વર્ગદૂતે તેને ઉત્તર આપ્યો કે, ‘પવિત્ર આત્મા તારા પર આવશે, અને પરાત્પર ઈશ્વરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે; માટે જે તારાથી જન્મ લેશે તેને પવિત્ર ઈશ્વરનો દીકરો કહેવાશે. 36જો, તારી સગી એલિસાબેતે પણ તેની વૃદ્ધાવસ્થામાં દીકરાનો ગર્ભ ધર્યો છે; અને જે નિ:સંતાન કહેવાતી હતી, તેને આ છઠ્ઠો મહિનો જાય છે. 37‘કેમ કે ઈશ્વર માટે કશું જ અશક્ય નથી!’ 38મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, ‘જો, હું પ્રભુની સેવિકા છું, તારા કહ્યાં પ્રમાણે મને થાઓ.’ ત્યારે સ્વર્ગદૂત તેની પાસેથી ગયો.
સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો