Bible Explorer એપ મેળવો

અન્વેષણ › રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં › યહૂદિયાના રાજાઓ

રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં · યહૂદિયાના રાજાઓ

મિખાયા આહાબને ચેતવે છે

1 રાજા 22:1–35 · 2 કાળ 18:1–34

1 રાજાઓ

1 રાજા 22:1–35

1અરામ તથા ઇઝરાયલની વચ્ચે યુદ્ધ ના થયું હોય એ ત્રણ વર્ષનો ગાળો વીતી ગયો.

2પછી ત્રીજે વર્ષે એમ બન્યું કે યહૂદિયાનો રાજા યહોશાફાટ ઇઝરાયલના રાજાની પાસે ગયો.

3હવે ઇઝરાયલના રાજાએ પોતાના ચાકરોને કહ્યું, “શું તમે જાણો છો કે રામોથ ગિલ્યાદ આપણું છે? પણ આપણે છાનામાના બેસી રહ્યા છીએ અને અરામના રાજાના હાથમાંથી તે લઈ લેતા નથી.”

4તેથી તેણે યહોશાફાટને કહ્યું, “શું તમે યુદ્ધમાં મારી સાથે રામોથ ગિલ્યાદ પર હુમલો કરવા આવશો?” યહોશાફાટે ઇઝરાયલના રાજાને જવાબ આપ્યો, “તારા જેવો જ હું છું, જેવા તારા લોકો તેવા મારા લોકો અને જેવા તારા ઘોડેસવારો તેવા મારા ઘોડેસવારો છે.”

5યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું, “આમાં યહોવાહની શી ઇચ્છા છે તે કૃપા કરીને આજ પૂછી જુઓ.”

6પછી ઇઝરાયલના રાજાએ પ્રબોધકોમાંના આશરે ચારસો માણસોને ભેગા કરીને તેમને પૂછ્યું, “શું હું યુદ્ધ કરવા માટે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરું કે ના કરું?” તેઓએ કહ્યું, “હુમલો કરો, કેમ કે પ્રભુ તે સ્થળને રાજાના હાથમાં સોંપશે.”

7પણ યહોશાફાટે કહ્યું, “શું આ સિવાય યહોવાહનો કોઈ પ્રબોધક અહીં નથી કે આપણે તેને સલાહ પૂછી જોઈએ?”

8ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “ત્યાં હજી એક પ્રબોધક બાકી છે કે, જેની મારફતે આપણે યહોવાહની સલાહ પૂછી જોઈએ. તે તો ઈમલાહનો દીકરો મિખાયા છે, પણ હું તેને ધિક્કારું છું, કેમ કે તે મારે વિષે સારું નહિ, પણ ખોટું ભવિષ્ય કહે છે.” પણ યહોશાફાટે કહ્યું, “રાજાએ એવું ન બોલવું જોઈએ.”

9પછી ઇઝરાયલના રાજાએ એક આગેવાનને બોલાવીને આજ્ઞા કરી કે, “ઈમલાહના દીકરા મિખાયાને હમણાં જ લઈ આવ.”

10હવે ઇઝરાયલનો રાજા તથા યહૂદિયાનો રાજા યહોશાફાટ સમરુનના દરવાજાના આગળ ખુલ્લાં મેદાનમાં રાજ્યપોષાક પહેરીને પોતપોતાના રાજ્યાસન પર બેઠા હતા. સર્વ પ્રબોધકો તેમની આગળ પ્રબોધ કરતા હતા.

11કેનાહના દીકરા સિદકિયાએ પોતાને માટે લોખંડના શિંગડાં બનાવીને કહ્યું, “યહોવાહ આમ કહે છે, ‘અરામીઓનો નાશ થતાં સુધી તું આ વડે તેઓને નસાડી મૂકશે.’

12અને સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો, “રામોથ ગિલ્યાદ પર હુમલો કરીને વિજય પ્રાપ્ત કરો, કેમ કે યહોવાહ તેને રાજાના હાથમાં સોંપશે.”

13જે સંદેશવાહક મિખાયાને બોલાવવા ગયો હતો, તેણે મિખાયાને કહ્યું, “હવે જો, પ્રબોધકોની વાણી સર્વાનુમતે રાજાને માટે સારું ભવિષ્ય કહે છે. કૃપા કરીને તારું વચન પણ તેઓમાંના એકના વચન જેવું હોય અને તું પણ એવું જ હિતવચન ઉચ્ચારજે.”

14મિખાયાએ જવાબ આપ્યો, “જીવતા યહોવાહના સમ કે મને તો યહોવાહ જે કહેશે, તે જ હું બોલીશ.”

15જયારે તે રાજાની પાસે આવ્યો, ત્યારે રાજાએ તેને કહ્યું, “મિખાયા, શું અમે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરીએ કે, ના કરીએ?” મિખાયાએ જવાબ આપ્યો, “હુમલો કરો અને વિજય પામો. યહોવાહ તેને રાજાના હાથમાં સોંપશે.”

16પછી રાજાએ તેને કહ્યું, “હું કેટલી વાર તને સોગન આપું કે, તારે મને યહોવાહને નામે સત્ય વગર બીજું કંઈ કહેવું નહિ?”

17તેથી મિખાયાએ કહ્યું, “મેં સર્વ ઇઝરાયલને પાળક વગરનાં ઘેટાંની જેમ પર્વતો ઉપર વિખેરાઈ ગયેલા જોયા અને યહોવાહે કહ્યું, ‘એમનો કોઈ રક્ષક નથી. તેઓ દરેક પોતપોતાને ઘરે શાંતિએ પાછા જાય.’”

18તેથી ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “શું મેં તને નહોતું કહ્યું કે, એ મારા વિષે સારું નહિ, પણ માઠું જ બોલશે?”

19પછી મિખાયાએ કહ્યું, “એ માટે તમે યહોવાહની વાત સાંભળો: મેં યહોવાહને તેમના સિંહાસન પર બેઠેલા અને આકાશનું સર્વ સૈન્ય તેમને જમણે તથા ડાબે હાથે તેમની પાસે ઊભેલું જોયું.

20યહોવાહે કહ્યું, ‘કોણ આહાબને લલચાવે કે જેથી તે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરે અને ત્યાં માર્યો જાય?’ ત્યારે એક જણે આમ કહ્યું અને બીજાએ બીજો જવાબ આપ્યો.

21પછી આત્માએ આગળ આવીને યહોવાહની સમક્ષ ઊભા રહીને કહ્યું, ‘હું તેને લલચાવીશ.’ યહોવાહે તેને કહ્યું, ‘કેવી રીતે?’

22આત્માએ જવાબ આપ્યો, ‘હું અહીંથી જઈને તેના સર્વ પ્રબોધકોના મુખમાં પેસીને જૂઠું બોલનાર આત્મા થઈશ.’ યહોવાહે જવાબ આપ્યો, ‘તું તેને લલચાવીશ અને સફળ પણ થઈશ. હવે જા અને એ પ્રમાણે કર.’

23હવે જો, યહોવાહે આ તમારા સર્વ પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા મૂક્યો છે અને યહોવાહે તમારું અહિત ઉચ્ચાર્યું છે.”

24પછી કેનાહના દીકરા સિદકિયાએ પાસે આવીને મિખાયાના ગાલ પર તમાચો મારીને કહ્યું, “યહોવાહનો આત્મા તારી સાથે બોલવા માટે મારી પાસેથી કયે માર્ગે થઈને ગયો?”

25મિખાયાએ કહ્યું, “જો, જે દિવસે તું સંતાવા માટે અંદરની ઓરડીમાં ભરાઈ જશે, તે દિવસે તે તું જોશે.”

26ઇઝરાયલના રાજાએ કહ્યું, “મિખાયાને પકડીને તેને નગરના આગેવાન આમોનની પાસે તથા મારા દીકરા યોઆશની પાસે લઈ જાઓ.

27તેને કહો, ‘રાજા એમ કહે છે, આ માણસને જેલમાં પૂરો અને હું સહિસલામત પાછો આવું ત્યાં સુધી થોડી રોટલી તથા પાણીથી તેનું પોષણ કરજો.’

28પછી મિખાયાએ કહ્યું, “જો તું સુરક્ષિત પાછો આવે, તો યહોવાહ મારી મારફતે બોલ્યા નથી એમ સમજવું.” અને વળી તેણે કહ્યું, “હે સર્વ લોકો તમે આ સર્વ સાંભળો.”

29પછી ઇઝરાયલના રાજા આહાબે અને યહૂદિયાના રાજા યહોશાફાટે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરી.

30ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “હું મારો પોષાક બદલીને યુદ્ધમાં જઈશ, પણ તું તારો રાજપોષાક પહેરી રાખ.” તેથી ઇઝરાયલનો રાજા પોતાનો પોષાક બદલીને યુદ્ધમાં ગયો.

31હવે અરામના રાજાએ પોતાના બત્રીસ રથાધિપતિઓને આજ્ઞા કરી હતી, “માત્ર ઇઝરાયલના રાજા સિવાય કોઈપણ નાના કે મોટાની સાથે લડશો નહિ.”

32જયારે રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ કહ્યું, “ચોક્કસ આ ઇઝરાયલનો રાજા છે.” તેથી તેઓ તેના પર હુમલો કરવા વળ્યા, તેથી યહોશાફાટે જોરથી બૂમ પાડી.

33અને એમ થયું કે જયારે રથાધિપતિઓએ જોયું કે આ ઇઝરાયલનો રાજા નથી ત્યારે તેઓએ તેનો પીછો કરવાનું છોડી દીધું.

34પરંતુ એક સૈનિકે તીર છોડ્યું. એ તીર ઇઝરાયલના રાજાને તેના બખ્તરના સાંધાની વચ્ચે થઈને વાગ્યું. તેથી આહાબે પોતાના સારથિને કહ્યું, “રથ ફેરવીને મને યુદ્ધભૂમિની બહાર લઈ જા. કેમ કે મને કારમો ઘા વાગ્યો છે.”

35તે દિવસે દારુણ યુદ્ધ મચ્યું અને રાજાને તેના રથમાં અરામીઓ તરફ મોં રહે તે રીતે બેસાડી રાખવામાં આવ્યો હતો, તેના ઘામાંથી લોહી વહીને રથને તળિયે ગયું અને સાંજ થતાં તે મૃત્યુ પામ્યો.

2 કાળવૃતાંત

2 કાળ 18:1–34

1યહોશાફાટ રાજાની પાસે પુષ્કળ પ્રમાણમાં સંપત્તિ હતી અને તે ઘણો લોકપ્રિય હતો. તેણે પોતાના દીકરાનું લગ્ન આહાબની પુત્રી સાથે કરીને તેની સાથે આહાબની સાથે સગાઈના સંબંધ બાંધ્યો.

2થોડાં વર્ષો પછી, તે આહાબને મળવા સમરુન ગયો. આહાબે તેની અને તેની સાથે જે માણસો હતા તેઓની મોટી સંખ્યામાં ઘેટાં અને બળદોની મિજબાની આપી. અને પોતાની સાથે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરવા આહાબને સમજાવ્યો. તેથી રામોથ ગિલ્યાદ પરની ચઢાઈમાં આહાબે પણ યહોશાફાટને સાથ આપ્યો.

3ઇઝરાયલના રાજા આહાબે યહૂદિયાના રાજા યહોશાફાટને કહ્યું, “તમે મારી સાથે રામોથ ગિલ્યાદ પર ચઢાઈમાં આવશો?” યહોશાફાટે ઉત્તર આપ્યો, “હું તારા જેવો છું અને મારા લોકો પણ તારા લોકો છે; અમે તારી સાથે યુદ્ધમાં રહીશું.”

4યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું, “તમારા ઉત્તર માટે પ્રથમ તમે ઈશ્વરની ઇચ્છાને શોધો.”

5પછી ઇઝરાયલના રાજાએ ચારસો પ્રબોધકોને ભેગા કર્યા અને તેઓને પૂછ્યું, “અમારે રામોથ ગિલ્યાદ ઉપર ચઢાઈ કરવી કે નહિ?” તેઓએ કહ્યું, “હુમલો કરો, કેમ કે ઈશ્વર રાજાને વિજય આપશે.”

6પણ યહોશાફાટે પૂછ્યું, “અહીં ઈશ્વરનો બીજો કોઈ પ્રબોધક નથી કે જેની આપણે સલાહ પૂછીએ?”

7ઇઝરાયલનો રાજાએ તેને કહ્યું, “હજી એક માણસ છે જેની મારફતે આપણે ઈશ્વરની સલાહ પૂછી શકીએ, પણ હું તેનો તિરસ્કાર કરું છું, કારણ કે તેણે કદી મારા વિષે સારું ભવિષ્ય કહ્યું નથી, પણ ફક્ત માઠું જ કહ્યું છે, તે તો ઈમલાહનો પુત્ર મિખાયા છે.” પણ યહોશાફાટે કહ્યું, “રાજાએ એવું ન બોલવું જોઈએ, આપણે તેનું પણ સાંભળીએ.”

8પછી ઇઝરાયલના રાજાએ એક અધિકારીને બોલાવીને કહ્યું, “ઈમલાહના દીકરા મિખાયાને જલ્દી બોલાવી લાવો.”

9હવે, ઇઝરાયલનો રાજા આહાબ અને યહૂદાનો રાજા યહોશાફાટ રાજપોશાક પહેરીને સમરુનના દરવાજાની આગળ ખુલ્લી જગ્યામાં પોતપોતાનાં સિંહાસન પર બેઠા અને બધા પ્રબોધકો તેઓની આગળ પોતપોતાની પ્રબોધવાણીઓ સંભળાવતા હતા.

10કેનાહના દીકરા સિદકિયાએ પોતાને માટે લોખંડનાં શિંગડાં બનાવડાવ્યા હતાં. તે બતાવીને બોલ્યો, “ઈશ્વર એવું કહે છે, ‘અરામીઓનો નાશ થતાં સુધી આવાં શિંગ વડે તમે તેમને હઠાવશો.’”

11સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો હતો, “રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરીને વિજયી થાઓ; કારણ કે ઈશ્વરે તેને રાજાના હાથમાં આપી દીધું છે.”

12જે સંદેશવાહક મિખાયાને બોલાવવા ગયો હતો તેણે મિખાયાને કહ્યું, “હવે જો, બધા પ્રબોધકો એક સાથે રાજાને માટે સારું ભવિષ્ય કહે છે. કૃપા કરી તારું કહેવું પણ તેમના જેવું જ હોય તો સારું.”

13મિખાયાએ જવાબ આપ્યો, “જીવતા ઈશ્વરના સમ કે, મારા પ્રભુ મને જે કહેશે તે જ હું બોલીશ.”

14જયારે તે રાજા પાસે આવ્યો, ત્યારે રાજાએ તેને કહ્યું, “મિખાયા, અમે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરીએ કે ન કરીએ?” મિખાયાએ જવાબ આપ્યો, “ચઢાઈ કરીને વિજય પામો! કેમ કે એ મોટો વિજય હશે.”

15પછી રાજાએ તેને કહ્યું, “ઈશ્વરને નામે મને કેવળ સત્ય જ કહેવા માટે મારે તારી પાસે કેટલી વાર સમ લેવડાવવા?”

16તેથી મિખાયાએ કહ્યું, “મેં સર્વ ઇઝરાયલીઓને પાળક વગરનાં ઘેટાંની જેમ પર્વતો ઉપર વિખેરાઈ ગયેલા જોયા અને ઈશ્વરે કહ્યું, ‘એમનો કોઈ પાળક નથી. તેઓ દરેક પોતપોતાને ઘરે શાંતિથી પાછા જાય.’”

17તેથી ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “શું મેં તને નહોતું કહ્યું કે તે મારા સંબંધી સારું નહિ, પણ માઠું ભવિષ્ય ભાખશે?”

18પછી મિખાયાએ કહ્યું, “તમે સર્વ ઈશ્વરનું વચન સાંભળો મેં ઈશ્વરને તેમના સિંહાસન પર બેઠેલા જોયા છે અને આકાશનું આખું સૈન્ય તેમને જમણે હાથે તથા ડાબે હાથે ઊભેલું હતું.

19ઈશ્વરે કહ્યું, ‘કોણ ઇઝરાયલના રાજા આહાબને ફોસલાવીને રામોથ ગિલ્યાદ લઈ જાય કે ત્યાં તે માર્યો જાય?’ ત્યારે એકે આમ કહ્યું અને બીજાએ તેમ કહ્યું.

20પછી એક આત્માએ આગળ આવીને ઈશ્વરની સમક્ષ ઊભા રહીને કહ્યું, ‘હું તેને ફોસલાવીશ.’ ઈશ્વરે તેને પૂછ્યું, ‘કેવી રીતે?’

21આત્માએ જવાબ આપ્યો, ‘ત્યાં જઈને હું તેના બધા પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા થઈશ.’ ઈશ્વરે જવાબ આપ્યો, ‘તું તેને ફોસલાવશે અને તું સફળ પણ થશે. હવે જઈને એમ કર.’”

22હવે જો, ઈશ્વરે આ તારા પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા મૂક્યો છે અને ઈશ્વર તારા સંબંધી અશુભ બોલ્યા છે.”

23ત્યારે કેનાહના દીકરા સિદકિયાએ ઉપર આવીને મિખાયાને તેના ગાલ પર તમાચો મારીને કહ્યું, “ઈશ્વરનો આત્મા તારી સાથે બોલવાને મારી પાસેથી ક્યા માર્ગે થઈને ગયો?”

24મિખાયાએ કહ્યું, “જો, જે દિવસે તું સંતાવાને અંદરના ઓરડામાં ભરાઈ જશે તે દિવસે તું તે જોશે.”

25ઇઝરાયલના રાજાએ કેટલાક ચાકરોને કહ્યું, “મિખાયાને પકડીને તેને નગરના રાજ્યપાલ આમોનની પાસે તથા મારા દીકરા યોઆશની પાસે પાછો લઈ જાઓ.

26તમે તેમને કહેજો કે, ‘રાજા કહે છે, આને જેલમાં પૂરો અને હું સુરક્ષિત પાછો આવું ત્યાં સુધી તેને થોડી જ રોટલી તથા થોડું જ પાણી આપજો.’”

27પછી મિખાયાએ કહ્યું, “જો તું સુરક્ષિત પાછો ફરે તો ઈશ્વર મારા દ્વારા બોલ્યા નથી એમ સમજવું.” વળી તેણે કહ્યું, “હે સર્વ લોકો તમે આ સાંભળો.”

28તેથી ઇઝરાયલના રાજા આહાબે તથા યહૂદિયાના યહોશાફાટે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરી.

29ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “હું મારો વેશ બદલીને યુદ્ધમાં જઈશ, પણ તમે તમારો રાજપોષાક પહેરી રાખજો.” તેથી ઇઝરાયલના રાજાએ વેશ બદલ્યો અને તેઓ યુદ્ધમાં ગયા.

30હવે અરામના રાજાએ પોતાના રથાધિપતિઓને એવી આજ્ઞા આપી હતી કે, “તમારે ઇઝરાયલના રાજા સિવાય બીજા કોઈની પર હુમલો કરવો નહિ.”

31અને એમ થયું કે જયારે રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ કહ્યું કે, “આ ઇઝરાયલનો રાજા છે.” માટે તેઓ તેની સાથે લડવાને આવ્યા, પણ યહોશાફાટે બૂમ પાડી અને ઈશ્વરે તેને મદદ કરી. ઈશ્વરે તેઓનાં મન ફેરવ્યાં.

32અને એમ થયું કે જયારે રથાધિપતિઓએ જોયું કે એ તો ઇઝરાયલનો રાજા નથી, ત્યારે તેઓ તેની પાછળ ન પડતાં પાછા ફર્યા.

33પણ એક માણસે અનાયાસે ધનુષ્ય ખેંચીને ઇઝરાયલના રાજાને કવચના સાંધાની વચમાં બાણ માર્યું. પછી આહાબે પોતાના સારથિને કહ્યું, “રથ ફેરવીને મને યુદ્ધમાંથી બહાર લઈ જા, કેમ કે હું બહુ ખરાબ રીતે ઘવાયો છું.”

34તે દિવસે ભીષણ યુદ્ધ ખેલાયું અને ઇઝરાયલના રાજાને ટેકો આપીને અરામીઓની સામે રથમાં સાંજ સુધી ટટ્ટાર બેસાડી રાખ્યો હતો. આશરે સૂર્યાસ્ત થતાં તે મરણ પામ્યો.

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો