Bible Explorer એપ મેળવો

અન્વેષણ › રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં › શાઉલ અને દાઉદ

રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં · શાઉલ અને દાઉદ

આમ્મોનીઓ અને અરામીઓ સાથે યુદ્ધ

2 શમુ 10:1–19 · 1 કાળ 19:1–19

2 શમુએલ

2 શમુ 10:1–19

1ત્યાર પછી એમ થયું કે, આમ્મોનીઓનો રાજા નાહાશ મરણ પામ્યો અને તેના સ્થાને તેનો દીકરો હાનૂન રાજા થયો.

2દાઉદે કહ્યું, “જેમ તેના પિતાએ મારા પર દયા રાખી હતી તેમ હું નાહાશના દીકરા હાનૂન ઉપર દયા રાખીશ.” દાઉદે તેના પિતાના મૃત્યુ નિમિત્તે તેને દિલાસો આપવા માટે પોતાના દાસોને મોકલ્યા, તેઓ ચાકરોએ આમ્મોનીઓના દેશમાં આવ્યા.

3પણ આમ્મોનીઓના આગેવાનોએ પોતાના રાજા હાનૂનને કહ્યું કે, “દાઉદે તારી પાસે તને દિલાસો આપવાને માણસો મોકલ્યા છે તેથી તું એવું માને છે કે દાઉદ તારા પિતાનો આદર કરે છે? શું દાઉદે પોતાના દાસોને નગર જોવાને તથા તેની જાસૂસી કરવાને તથા તેનો વિનાશ કરવાને માટે તારી પાસે મોકલ્યા નહિ હોય?”

4તેથી હાનૂને દાઉદના દાસોની અડધી દાઢીઓ મૂંડાવી નાખી. તેઓનાં કમર નીચે સુધીના વસ્ત્રો કાપી નાખીને તેઓને દૂર મોકલી દીધા.

5આ બાબત તેઓએ દાઉદને જણાવી, ત્યારે તેણે તેઓને મળવા માટે માણસ મોકલ્યા, કેમ કે તે માણસો ઘણાં શરમાતા હતા. એટલે રાજાએ કહ્યું કે, તમારી દાઢી પાછી વધે ત્યાં સુધી તમે યરીખોમાં રહો અને પછીથી પાછા આવજો.

6જયારે આમ્મોનીઓએ જોયું કે તેઓ દાઉદની નજરમાં તિરસ્કૃત થયા છે, ત્યારે તેઓએ સંદેશાવાહકો મોકલીને બેથ-રાહોબના તથા સોબાહના અરામીઓમાંથી વીસ હજાર પાયદળ સૈનિકો, હજાર માણસો સહિત માકાના રાજાને, તથા ટોબના બાર હજાર માણસો વેતન આપી સૈન્યમાં દાખલ કર્યા.

7જયારે દાઉદે તે વિષે સાંભળ્યું, ત્યારે તેણે યોઆબ અને સૈન્યના સઘળા સૈનિકોને મોકલ્યા.

8આમ્મોનીઓએ બહાર નીકળીને તેમના નગરના દરવાજાના પ્રવેશદ્વાર આગળ વ્યૂહરચના કરી, સોબાહના તથા રહોબના અરામીઓ, ટોબના તથા માકાના માણસો પોતે ખુલ્લાં મેદાનમાં અલગ ઊભા હતા.

9જયારે યોઆબે જોયું કે પોતાની આગળ તથા પાછળ યુદ્ધવ્યૂહ રચાયેલો છે, ત્યારે તેણે ઇઝરાયલના ઉત્તમ લડવૈયાઓમાંથી કેટલાકને પસંદ કર્યા અને તેઓને અરામીઓ સામે ગોઠવ્યા.

10બાકીના સૈન્યને તેણે પોતાના ભાઈ અબિશાયના અધિકાર નીચે રાખ્યા, તેણે તેઓને આમ્મોનના સૈન્યની સામે યુદ્ધ માટે ગોઠવ્યા.

11યોઆબે અબિશાયને કહ્યું કે, “જો અરામીઓ અમને ભારે પડે, તો તું મને નિશ્ચે બચાવજે. પણ જો આમ્મોનીઓનું સૈન્ય તને ભારે પડે, તો હું આવીને તને બચાવીશ.

12બહાદુરી બતાવજો, આપણે આપણા લોકને માટે તથા ઈશ્વરના નગરોને માટે શૂરાતન બતાવીએ, પછી ઈશ્વર પોતાના ઉદ્દેશ માટે તેમને જે યોગ્ય લાગે તે મુજબ કરે.”

13યોઆબ અને તેના સૈન્યના સૈનિકો અરામીઓ સામે યુદ્ધ કરવાને આગળ આવ્યા અને તેઓ ઇઝરાયલના સૈન્યની આગળથી નાસી ગયા.

14જયારે આમ્મોનીઓના સૈન્યએ જોયું કે અરામીઓ નાસી ગયા છે, ત્યારે તેઓ પણ અબિશાયની આગળથી નાસીને નગરમાં જતા રહ્યા. પછી યોઆબ આમ્મોનીઓ પાસેથી પાછો વળીને યરુશાલેમમાં પરત આવ્યો.

15અને જયારે અરામીઓએ જોયું કે તેઓને ઇઝરાયલે પરાજિત કર્યા છે, ત્યાર પછી તેઓ ફરીથી એકત્ર થયા.

16પછી હદાદેઝેરે માણસ મોકલીને ફ્રાત નદીની પેલી બાજુ રહેનાર અરામીઓના સૈન્યને બોલાવ્યું. તેના સૈનિકો હદાદેઝેરના સૈન્યના સેનાપતિ શોબાખની આગેવાની નીચે હેલામમાં આવ્યા.

17જયારે દાઉદને એની બાતમી મળી ત્યારે તેણે સર્વ ઇઝરાયલને એકત્ર કર્યા, તે યર્દન ઓળંગીને હેલામમાં આવ્યો. અરામીઓએ પોતે દાઉદ સામે વ્યૂહરચના કરી અને તેની સાથે લડ્યા.

18અરામીઓ ઇઝરાયલ સામેથી નાસી ગયા. દાઉદે અરામીઓના સાતસો રથસવારોને તથા ચાળીસ હજાર ઘોડેસવારોને મારી નાખ્યા. તેઓના સૈન્યનો સેનાપતિ શોબાખ ઘવાયો અને ત્યાં જ મરણ પામ્યો.

19જયારે સઘળા રાજાઓ જે હદાદેઝેરના તાબેદારો હતા તેઓએ જોયું કે તેઓ ઇઝરાયલ દ્વારા પરાજિત થયા છે, ત્યારે અરામીઓએ ઇઝરાયલ સાથે સંધિ કરીને તેઓના તાબેદારો થયા. તેથી ત્યાર બાદ અરામીઓ આમ્મોન પુત્રોની મદદે આવતાં ગભરાતા હતા.

1 કાળવૃતાંત

1 કાળ 19:1–19

1આમ્મોનીઓનો રાજા નાહાશ મરણ પામ્યો. તેના પછી તેનો દીકરો ગાદીનશીન થયો.

2દાઉદે કહ્યું, “હું નાહાશના દીકરા હાનૂન પર દયા રાખીશ, કેમ કે તેના પિતાએ પણ મારા પ્રત્યે ભલાઈ રાખેલી હતી.” તેથી દાઉદે તેના પિતાના મરણ સંબંધી તેને દિલાસો આપવા સારુ સંદેશાવાહકોને આમ્મોનીઓના દેશમાં મોકલ્યા.

3ત્યારે આમ્મોની સરદારોએ હાનૂનને કહ્યું, “તું શું એમ માને છે કે, તારા પિતાને માન આપવાના હેતુથી દાઉદે આ માણસોને આશ્વાસન આપવા મોકલ્યા છે? એ માણસો તો તેના જાસૂસો છે અને આ દેશને શી રીતે જીતી લેવો એની બાતમી મેળવવા આવ્યા છે.”

4તેથી હાનૂને દાઉદ રાજાના સંદેશાવાહકોનું અપમાન કર્યુ. તેઓની દાઢી અડધી મૂંડાવી નાખી, તેઓનાં વસ્ત્રો કમરથી મધ્યભાગ સુધી કાપી નાખ્યાં પછી તેણે તેઓને શરમજનક સ્થિતિમાં દાઉદ પાસે પાછા મોકલ્યા.

5જ્યારે દાઉદને આ બાબતની ખબર મળી કે તેના માણસોના બૂરા હાલ કરવામાં આવ્યા છે, ત્યારે તેણે તેઓને મળવા માણસો મોકલ્યા, કારણ કે, તેઓ છોભીલા પડી ગયા હતા. દાઉદ રાજાએ તેઓને કહેવડાવ્યું કે, “તમારી દાઢી પાછી ઊગે ત્યાં સુધી યરીખોમાં રહેજો, પછી જ અહીં પાછા આવજો.

6જ્યારે આમ્મોનીઓને ભાન થયું કે તેઓ દાઉદની નજરમાં ધિક્કારપાત્ર બન્યા છે, ત્યારે હાનૂને અને આમ્મોનીઓએ અરામ-નાહરાઈમમાંથી, માકામાંથી અને સોબાહમાંથી રથો તેમ જ ઘોડેસવારો ભાડેથી મેળવવા માટે ચોત્રીસ હજાર કિલો ચાંદી મોકલી આપી.

7તેણે બત્રીસ હજાર રથો ભાડે રાખ્યા અને માકાના રાજા તથા તેના સમસ્ત સૈન્યનો પગાર ચૂકવી આપવા ગોઠવણ કરી. તેઓનાં સર્વ સૈન્યોએ મેદબા આગળ છાવણી નાખી. જે આમ્મોનીઓ પોતપોતાનાં નગરોમાંથી ભેગા થયા હતા તેઓ ત્યાં યુદ્ધ કરવાને તેઓની સાથે જોડાયાં.

8દાઉદને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે યોઆબને તેના સર્વ સૈન્ય સાથે તેઓનો સામનો કરવા મોકલ્યા.

9આમ્મોનીઓ બહાર આવીને શહેરના દરવાજા આગળ યુદ્ધ કરવાને ગોઠવાઈ ગયા અને તેઓની મદદે આવેલા રાજાઓ એક બાજુ ખુલ્લાં મેદાનમાં ચાલ્યા ગયા.

10જ્યારે યોઆબે જોયું કે, પોતાની સામે આગળ પાછળ બંન્ને બાજુએથી હુમલો થવાનો છે. ત્યારે તેણે ઇઝરાયલના પસંદ કરેલા લડવૈયાઓને અરામીઓની સામે ગોઠવી દીધાં.

11બાકીનું સૈન્ય તેણે પોતાના ભાઈ અબિશાયની સરદારી હેઠળ મૂક્યું. અને તેઓએ આમ્મોનીઓની સામે યુદ્ધ કરવાની વ્યૂહરચના કરી.

12યોઆબે તેના ભાઈને કહ્યું, “જો અરામીઓ મારા પર વિજયી થાય, તો તું આવીને મને મદદ કરજે અને જો આમ્મોનીઓ તારા પર વિજય પામે તો, હું આવીને તને મદદ કરીશ.

13હિંમતવાન થા અને બળવાન થા, આપણે ઈશ્વરનાં નગરોને માટે બહાદુરી બતાવીએ, કેમ કે યહોવાહ, પોતાના ઇરાદાની પૂર્ણતા માટે સારું કરશે.”

14જ્યારે યોઆબ અને તેના સૈનિકો અરામીઓ સામે યુદ્ધ કરવા નજીક આવ્યા ત્યારે અરામીઓ તેઓની સામેથી પલાયન થઈ ગયા.

15અને આમ્મોનીઓએ જોયું કે અરામીઓ નાસી ગયા છે ત્યારે તેઓ પણ યોઆબના ભાઈ અબિશાયથી નાસીને નગરમાં પાછા ફર્યા. પછી યોઆબ પણ આમ્મોની લોકો પાસેથી પાછો યરુશાલેમ આવી પહોંચ્યો.

16અરામીઓ સમજી ગયા કે પોતે ઇઝરાયલીઓથી પરાજિત થયા છે. એટલે તેમણે સંદેશાવાહકો મોકલીને નદી પારના બીજા અરામીઓને હદાદેઝેરના સેનાપતિ શોફાખની આગેવાની હેઠળ બોલાવી લીધા.

17આ સમાચાર મળતાં જ દાઉદે ઇઝરાયલનું આખું સૈન્ય ભેગું કર્યું અને યર્દન નદીને પાર કરી તેઓની સામે યુદ્ધની વ્યુહરચના કરી. ઇઝરાયલીઓએ અરામીઓને યુદ્ધમાં હરાવી દીધા.

18અરામીઓ ફરીથી ઇઝરાયલીઓ આગળથી નાસવા લાગ્યા. દાઉદે અરામના સાત હજાર ઘોડેસવારોને અને ચાલીસ હજાર બીજા લડવૈયાઓનો સંહાર કર્યો. અરામના સૈન્યના સેનાપતિ શોફાખને પણ તેણે મારી નાખ્યો.

19જ્યારે હદાદેઝેરના સેવકોએ જોયું કે તેઓ ઇઝરાયલીઓની સામે હારી ગયા છે, ત્યારે તેઓએ દાઉદ સાથે સુલેહ કરી અને તેની સેવા કરી. તે પછી અરામીઓ આમ્મોનીઓને મદદ કરતાં બીવા લાગ્યા. તેથી અરામીઓ આમ્મોનીઓની મદદ કરવા રાજી ન હતા.

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો