મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ડિસેમ્બર 2027 › 19 ડિસેમ્બર
ઓર્થોડોક્સ પંચાંગ · 6 ડિસેમ્બર (જૂની પદ્ધતિ)
ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 19 ડિસેમ્બર 2027
રવિવાર · સ્વર 1
પર્વો અને સંતો
પચાસમાના પર્વ પછીનો 26મો રવિવાર
નાતાલનો ઉપવાસ
માછલીની છૂટ
આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.
દિવસનાં વાંચનો
સંધ્યા-પ્રાર્થના: વાંચન
31સદાચારીઓનું મુખ ડહાપણ પ્રગટ કરે છે, પરંતુ હઠીલી જીભનો નાશ કરવામાં આવશે. 32સંતોષકારક અને ઉચિત શું છે તે સદાચારીના હોઠ જાણે છે. પણ દુષ્ટ પોતાને મુખે અવળું બોલે છે. 11:1ખોટાં ત્રાજવાં યહોવાહને કંટાળારૂપ છે, પણ સાચા વજનથી તેમને આનંદ થાય છે. 2અહંકાર આવે છે ત્યારે અપમાન પણ આવે છે, પણ નમ્ર જનો પાસે ડહાપણ હોય છે. 3પ્રામાણિક માણસની વિશ્વાનીયતા તેને દોરે છે, પણ ધુતારા પોતાના દુષ્ટ ઇરાદાઓથી નાશ પામશે. 4કોપને દિવસે દ્રવ્ય કંઈ કામ આવતું નથી, પણ નેકી મોતથી ઉગારે છે. 5પ્રામાણિક માણસની નેકી તેનો માર્ગ સ્થિર કરે છે, પણ દુષ્ટ માણસ પોતાની જ દુષ્ટતાથી પાયમાલ થશે. 6પ્રામાણિક માણસની નેકી, ઈશ્વરને પસંદ છે તેથી તે બચી જશે, પરંતુ કપટ કરનારા તેઓની પોતાની યોજનાઓમાં ફસાય છે. 7દુષ્ટ માણસની અપેક્ષા તેના મૃત્યુ સમયે નાશ પામે છે, અને અન્યાયીની આશા પણ નાશ પામે છે. 8સદાચારીને સંકટમાંથી ઉગારી લેવામાં આવે છે અને તેને બદલે દુષ્ટો તેમાં ફસાય છે. 9દુષ્ટ માણસ પોતાની વાણીથી પોતાના પડોશીઓનો નાશ કરે છે, પરંતુ ન્યાયી તેના ડહાપણ વડે બીજાઓને ઉગારે છે. 10ન્યાયી વ્યક્તિની સફળતામાં આખું નગર હર્ષ કરે છે; અને દુષ્ટોનો નાશ થાય છે ત્યારે હર્ષના નાદ સંભળાય છે. 11સદાચારીના આશીર્વાદથી નગરની ઉન્નતિ થાય છે, પણ દુરાચારીની વાણીથી તેનો નાશ થાય છે. 12પોતાના પડોશીનો તુચ્છકાર કરનાર અજ્ઞાની છે, પણ બુદ્ધિમાન માણસ શાંત રહે છે.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
આ અનુવાદમાં નથી
પ્રભાત-પ્રાર્થનાની ચોથી સુવાર્તા
1અઠવાડિયાને પહેલે દિવસે, પ્રભાતે, જે સુગંધીદ્રવ્યો તેઓએ તૈયાર કર્યાં હતાં તે લઈને તે સ્ત્રીઓ તેમની કબરે આવી. 2તેઓએ કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો. 3તેઓએ કબરમાં પ્રવેશ કર્યો પણ પ્રભુ ઈસુનું શબ તેઓને જોવા મળ્યું નહિ. 4એમ થયું કે, એ સંબંધી તેઓ ગૂંચવણમાં પડી હતી, ત્યારે ચળકતાં વસ્ત્ર પહેરેલા બે પુરુષો તેઓને દેખાયા. 5તેઓએ ડરીને જમીન સુધી પોતાનાં માથાં નમાવ્યાં, ત્યારે તેઓએ તેઓને કહ્યું કે, ‘મૂએલાંઓમાં જીવતાંને કેમ શોધો છો? 6તે અહીં નથી, પણ ઊઠયા છે; યાદ કરો કે તે ગાલીલમાં હતા ત્યારે તેમણે તમને શું કહ્યું હતું? 7પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પરસ્વાધીન કરાય તથા વધસ્તંભે જડાય અને ત્રીજે દિવસે પાછા ઊઠે એ જરૂરનું છે.’” 8તેમને ઈસુની વાતો યાદ આવી. 9કબર આગળથી પાછી આવીને તેઓએ અગિયાર શિષ્યોને તથા બીજા સર્વને એ બધી વાતો કહી. 10હવે જેઓએ આ વાત પ્રેરિતોને કહી તે મરિયમ મગ્દલાની, યોહાન્ના, યાકૂબની મા મરિયમ તથા તેમની સાથેની બીજી સ્ત્રીઓ હતી. 11એ વાતો તેઓને અક્કલ વગરની લાગી, અને તેઓએ તેઓનો વિશ્વાસ કર્યો નહિ. 12પણ પિતર ઊઠીને કબરે દોડી ગયો; અને નીચા વળીને અંદર જોયું તો તેણે શણના વસ્ત્રો એકલા પડેલા જોયા; અને જે થયું હતું તે સંબંધી પોતાના મનમાં તે આશ્ચર્ય પામતો પોતાને ઘરે ગયો.
પત્ર
8કેમ કે તમે પહેલાં અંધકારમાં હતા પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો; પ્રકાશનાં સંતોને ઘટે એ રીતે ચાલો. 9કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારના સદાચારમાં તથા ન્યાયીપણામાં તથા સત્યમાં છે. 10પ્રભુને શું પસંદ પડે છે, તે પારખી લો. 11અંધકારનાં નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ; પણ તેઓને વખોડો. 12કેમ કે તેઓ ગુપ્તમાં એવા કામ કરે છે કે, જે કહેતાં પણ શરમ લાગે છે. 13જે સર્વ વખોડાયેલું, તે પ્રકાશથી પ્રગટ થાય છે; કેમ કે જે પ્રગટ કરાયેલું છે, તે પ્રકાશરૂપ છે. 14માટે કહેલું છે કે, ઊંઘનાર, જાગ, ને મૂએલાંમાંથી ઊઠ, અને ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે. 15તો સાંભળો કે તમે નિર્બુદ્ધોની જેમ નહિ, પણ ચોકસાઈથી બુદ્ધિવંતોની રીતે ચાલો; 16સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ખરાબ છે. 17તેથી તમે અણસમજુ ન થાઓ, પણ ઈશ્વરની ઇચ્છા શી છે તે સમજો. 18દ્રાક્ષારસ પીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ; 19ગીતોથી, સ્ત્રોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે પ્રભુની વાતો કરીને તમારાં હૃદયમાં પ્રભુનાં ભજનો તથા ગીતો ગાઓ;
પત્ર (સંત નિકોલસ માટે)
17તમે પોતાના આગેવાનોની આજ્ઞાઓ માનીને તેઓને આધીન થાઓ, કેમ કે હિસાબ આપનારાઓની જેમ તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે, એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે, પણ શોકથી નહિ, કેમ કે એથી તમને ગેરલાભ થશે. 18તમે અમારે માટે પ્રાર્થના કરો, કેમ કે અમારું અંતઃકરણ શુદ્ધ છે એવી અમને ખાતરી છે અને અમે સઘળી બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ. 19તમે એ પ્રમાણે કરો તે માટે હું વિશેષ આગ્રહથી એ સારુ વિનંતી કરું છું કે તમારી પાસે હું વહેલો પાછો આવું. 20હવે શાંતિના ઈશ્વર, જેણે અનંતકાળના કરારના રક્તથી ઘેટાંના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યાં, 21તે તમને દરેક સારા કામને માટે એવા સંપૂર્ણ કરે કે, તમે તેમની ઇચ્છા પ્રમાણે જ બધું કરો. અને તેમની દ્રષ્ટિમાં જે સંતોષકારક છે, તે આપણી મારફતે ઈસુ ખ્રિસ્ત દ્વારા તેઓ કરાવે; તેમને સદાસર્વકાળ મહિમા હો. આમીન.
સુવાર્તા
12એક ગામમાં ઈસુએ પ્રવેશ કર્યો, એટલામાં રક્તપિત્તી દસ દર્દીઓ તેમને સામે મળ્યા. તેઓએ દૂર ઊભા રહીને 13બૂમ પાડીને કહ્યું કે, ‘ઓ ઈસુ, સ્વામી, અમારા પર દયા કરો.’” 14અને તેઓને જોઈને તેમણે તેઓને કહ્યું કે, ‘જાઓ, પોતાને યાજકોને બતાવો અને એમ થયું કે તેઓને રસ્તે ચાલતાં ચાલતાં શુદ્ધ કરવામાં આવ્યા. 15તેઓમાંનો એક, પોતે સાજો થયો છે તે જોઈને, મોટા અવાજે ઈશ્વરનો મહિમા કરતાં પાછો વળ્યો. 16તેણે ઈસુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેમનો આભાર માન્યો; તે સમરૂની હતો. 17ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, ‘શું દસે જણને શુદ્ધ કરાયા નહોતા? તો બીજા નવ ક્યાં છે? 18ઈશ્વરને મહિમા આપવાને પાછો આવે, એવો આ પરદેશી વિના અન્ય કોઈ નથી શું? 19ઈસુએ કહ્યું કે, ‘તું ઊઠીને ચાલ્યો જા; તારા વિશ્વાસે તને બચાવ્યો છે.’”
સુવાર્તા (સંત નિકોલસ માટે)
17પછી ઈસુ શિષ્યોની સાથે પહાડ પરથી ઊતરીને મેદાનમાં ઊભા રહ્યા, તેમના શિષ્યોનો મોટો સમુદાય તથા આખા યહૂદિયામાંથી, યરુશાલેમમાંથી, તેમ જ તૂર તથા સિદોનના દરિયાકિનારાંનાં લોકોનો મોટો સમુદાય ત્યાં હતો કે, જેઓ તેમના વચનો સાંભળવા તથા પોતાના રોગથી સાજાં થવા આવ્યા હતા; 18જેઓ અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા તેમને પણ સાજાં કરવામાં આવ્યા. 19સર્વ લોકો ઈસુને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતા હતા; કેમ કે તેમનાંમાંથી પરાક્રમ નીકળીને સઘળાંને સાજાં કરતું હતું. 20ત્યાર પછી ઈસુએ પોતાના શિષ્યો તરફ જોઈને કહ્યું કે, ‘ઓ નિર્ધનો, તમે આશીર્વાદિત છો કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારું છે. 21અત્યારે ભૂખ વેઠનારાઓ, તમે આશીર્વાદિત છો કેમ કે તમે તૃપ્ત થશો. અત્યારે રડનારાઓ, તમે આશીર્વાદિત છો કેમ કે તમે હસશો. 22જયારે માણસના દીકરાને લીધે લોકો તમારો દ્વેષ કરશે તમને બહાર કાઢશે, તમને મહેણાં મારશે, તમારું અપમાન કરશે, તમારા નામને કલંકિત માનીને તમને કાઢી મૂકશે, ત્યારે તમે આશીર્વાદિત છો. 23તે દિવસે તમે આનંદ કરો અને ખુશીથી કૂદો કેમ કે જુઓ, સ્વર્ગમાં તમારો બદલો મોટો છે; કેમ કે તેઓના પૂર્વજોએ પ્રબોધકોની પ્રત્યે એવું જ વર્તન કર્યુ હતું.
તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 6 ડિસેમ્બર એટલે નાગરિક પંચાંગનો 19 ડિસેમ્બર. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો