મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ડિસેમ્બર 2027 › 5 ડિસેમ્બર
કેથોલિક પંચાંગ
દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 5 ડિસેમ્બર 2027
રવિવાર · આગમનકાળનું બીજું અઠવાડિયું
પર્વો અને સંતો
આગમનકાળનો બીજો રવિવાર
રવિવાર · ધાર્મિક વિધિનો રંગ: જાંબલી
દિવસનાં વાંચનો
પહેલું વાંચન
આ અનુવાદમાં નથી
પ્રત્યુત્તર ગીત
1ચઢવાનું ગીત. જ્યારે યહોવાહ બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઈએ એવું લાગ્યું. 2ત્યારે અમારું મુખ હાસ્યથી ભરાઈ ગયું અને અમારી જીભ ગાયન કરવા લાગી. ત્યારે તેઓએ લોકોની વચ્ચે કહ્યું, “યહોવાહે તેઓને માટે મહાન કૃત્યો કર્યાં છે.” 3યહોવાહે અમારે માટે મહાન કામ કર્યાં છે; અમે કેટલા ખુશ છીએ! 4નેગેબના ઝરણાંની જેમ, હે યહોવાહ, અમારી સંપત્તિ પુનઃસ્થાપિત કરો. 5જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે, તેઓ હર્ષનાદસહિત લણશે. 6જે કોઈ મુઠ્ઠીભર બીજ લઈને રડતાં રડતાં વાવવા જાય છે, તે પોતાની સાથે પૂળીઓ લઈને આનંદ સાથે પાછો આવશે.
બીજું વાંચન
4નિત્ય આનંદ સાથે તમો સર્વને માટે મારી પ્રાર્થનામાં વિનંતિ કરતાં, 5જયારે જયારે હું તમને યાદ કરું છું ત્યારે ત્યારે હું મારા ઈશ્વરનો આભાર માનું છું. 6જેમણે તમારામાં સારાં કામની શરૂઆત કરી તે, ઈસુ ખ્રિસ્તનાં દિવસ સુધી, તેને સંપૂર્ણ કરતા જશે, એવો મને ભરોસો છે. 8કેમ કે હું ઈસુ ખ્રિસ્તની કરુણાથી તમો સર્વ ઉપર કેટલો બધો પ્રેમ રાખું છું, તે વિષે ઈશ્વર મારા સાક્ષી છે. 9વળી હું એવી પ્રાર્થના કરું છું કે, જ્ઞાનમાં તથા સર્વ વિવેકબુદ્ધિમાં તમારો પ્રેમ ક્રમે ક્રમે વધતો જાય; 10જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો અને એમ તમે ખ્રિસ્તનાં દિવસ સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ; 11વળી ઈશ્વરની સ્તુતિ તથા મહિમા વધે તે માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીપણાનાં ફળોથી તમે ભરપૂર થાઓ.
સુવાર્તા
1હવે તિબેરિયસ કાઈસારની કારકિર્દીને પંદરમે વર્ષે, જયારે પોંતિયસ પિલાત યહૂદિયાનો અધિપતિ, તથા હેરોદ ગાલીલનો રાજ્યકર્તા તથા તેનો ભાઈ ફિલિપ ઇતુરાઈ તથા ત્રાખોનિતી દેશનો રાજ્યકર્તા તથા લુસાનિયસ આબીલેનેનો રાજ્યકર્તા હતો 2આન્નાસ તથા કાયાફા પ્રમુખ યાજકો હતા ત્યારે ઝખાર્યાનાં દીકરા યોહાનની પાસે ઈશ્વરનું વચન અરણ્યમાં આવ્યું. 3તે યર્દનની આસપાસના સઘળા પ્રદેશમાં પાપોની માફીને સારુ પસ્તાવાનું બાપ્તિસ્મા જાહેર કરતો પ્રગટ થયો. 4યશાયા પ્રબોધકનાં વચનોના પુસ્તકમાં લખ્યું છે તેમ કે, ‘અરણ્યમાં ઘાંટો કરનારની વાણી કે, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો; 5દરેક નીચાણ પુરાશે, દરેક પહાડ તથા ટેકરો નીચાં કરાશે, વાંકું સીધું કરાશે અને ખાડા ટેકરાવાળાં માર્ગ સપાટ કરવામાં આવશે. 6સઘળાં મનુષ્યો ઈશ્વરનો ઉદ્ધાર જોશે.’”
સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર C, અઠવાડિયાના દિવસોનું વર્ષ II.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો