Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › નવેમ્બર 2027 › 2 નવેમ્બર

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 2 નવેમ્બર 2027

મંગળવાર · સામાન્ય કાળનું 31મું અઠવાડિયું

પર્વો અને સંતો

સર્વ મૃત વિશ્વાસીઓ

સ્મરણ · ધાર્મિક વિધિનો રંગ: જાંબલી

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

યશા 25:6–9

6આ પર્વત પર સૈન્યોના યહોવાહ સર્વ લોકો માટે મેદવાળી વાનગીની ઉજવણી કરાવશે, ઉત્તમ દ્રાક્ષારસની, કુમળા માંસની મિજબાની આપશે. 7જે ઘૂંઘટ સઘળી પ્રજાઓ પર ઓઢાડેલો છે તેના પૃષ્ઠનો તથા જે આચ્છાદન સર્વ પ્રજાઓ પર પસારેલું છે, તેનો આ પર્વત પર તે નાશ કરશે. 8તે સદાને માટે મરણને ગળી જશે અને પ્રભુ યહોવાહ સર્વના મુખ પરથી આંસૂ લૂછી નાખશે; આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે, કેમ કે યહોવાહ એવું બોલ્યા છે. 9તે દિવસે એવું કહેવામાં આવશે, “જુઓ, આ આપણા ઈશ્વર છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ અને તે આપણો ઉદ્ધાર કરશે; આ યહોવાહ છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તેમણે કરેલા ઉદ્ધારથી આપણે હરખાઈને આનંદ કરીશું.”

પ્રત્યુત્તર ગીત

ગી.શા 23:1–6

1દાઉદનું ગીત. યહોવાહ મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ. 2તે મને લીલાં ઘાસમાં સુવાડે છે તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે. 3તે મારા આત્માને તાજગી આપે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે. 4જો કે હું મૃત્યુની છાયાની ખીણમાં ચાલું, તોય હું કંઈપણ દુષ્ટતાથી બીશ નહિ, કેમ કે તમે મારી સાથે છો; તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો આપે છે. 5તમે મારા દુશ્મનોની સામે મારે માટે ભોજન પીરસો છો તમે મારા માથા પર તેલ રેડ્યું છે; મારો પ્યાલો છલકાઈ જાય છે. 6નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન ભલાઈ તથા દયા મારી સાથે આવશે; અને હું સદા સર્વકાળ સુધી યહોવાહના ઘરમાં રહીશ.

બીજું વાંચન

1 કરિં 15:12–26

12પણ ખ્રિસ્ત મૃત્યુ પામેલાઓમાંથી સજીવન થયા છે. એવું જો પ્રગટ કરાય છે, તો તમારામાંના કેટલાક કેમ કહે છે કે, ‘મૃત્યુ પામેલાઓનું પુનરુત્થાન નથી?’ 13પણ જો મૃત્યુ પામેલાઓનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ સજીવન થયા નથી. 14અને જો ખ્રિસ્ત સજીવન થયા નથી. તો અમે જે ઉપદેશ કરીએ છીએ તે વ્યર્થ, અને તમે જે વિશ્વાસ કરો છો તે પણ વ્યર્થ છે. 15અને અમે ઈશ્વરના જૂઠા સાક્ષીઓ ઠરીએ છીએ, કારણ કે અમે ઈશ્વર વિષે એવી સાક્ષી આપી, કે તેમણે ખ્રિસ્તને સજીવન કર્યાં, પણ જો મૂએલાં ઊઠતાં નથી, તો ઈસુને પણ સજીવન કરવામાં આવ્યા નથી. 16કેમ કે જો મૂએલાંઓનું પુનરુત્થાન નથી, તો ખ્રિસ્ત પણ સજીવન થયા નથી. 17અને જો ખ્રિસ્ત સજીવન થયા નથી, તો તમારો વિશ્વાસ વ્યર્થ છે; હજી સુધી તમે તમારા પાપમાં જ છો. 18અને ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે. 19જો કેવળ આ જીવન માટે જ આપણી આશા ખ્રિસ્તમાં છે, તો સર્વ માણસો કરતાં આપણે વધારે દયાપાત્ર છીએ. 20પણ હવે ખ્રિસ્ત મૃત્યુ પામેલાઓમાંથી સજીવન થયા છે, અને તે ઊંઘી ગયેલાંઓનું પ્રથમફળ થયા છે. 21કેમ કે માણસથી મરણ થયું, એ જ રીતે માણસથી મૂએલાંઓનું પુનરુત્થાન પણ થયું છે. 22કેમ કે જેમ આદમમાં સર્વ મરે છે, તેમ ખ્રિસ્તમાં સર્વ સજીવન થશે. 23પણ પ્રત્યેક પોતપોતાને અનુક્રમે: ખ્રિસ્ત પ્રથમફળ, ત્યાર પછી જ્યારે તે આવશે ત્યારે જેઓ ખ્રિસ્તનાં છે તેઓને સજીવન કરવામાં આવશે. 24જયારે ખ્રિસ્ત ઈશ્વરને એટલે પિતાને રાજ્ય સોંપી દેશે, ત્યારે સમગ્ર સત્તા, સર્વ અધિકાર તથા પરાક્રમ નષ્ટ કરશે ત્યારે અંત આવશે. 25કેમ કે સર્વ શત્રુઓને તે પોતાના પગ તળે કચડી નહિ નાખે, ત્યાં સુધી તેમણે રાજ કરવું જોઈએ. 26જે છેલ્લો શત્રુ નાશ પામશે તે તો મરણ છે.

સુવાર્તા

માર્ક 8:27–35

અથવા: યોહ 1:1–5, 9–14

27ઈસુ તથા તેમના શિષ્યો કાઈસારિયા ફિલિપ્પીના ગામોમાં ગયા; અને માર્ગમાં તેમણે પોતાના શિષ્યોને પૂછ્યું કે ‘હું કોણ છું, તે વિષે લોકો શું કહે છે?’” 28તેઓએ ઈસુને કહ્યું કે, ‘કોઈ કહે છે કે તમે બાપ્તિસ્મા કરનાર યોહાન છો; અને કોઈ કહે છે કે તમે એલિયા છો, વળી કોઈ એવું કહે છે કે ‘તમે પ્રબોધકોમાંના એક છો.’” 29ઈસુએ તેઓને પૂછ્યું, ‘પણ હું કોણ છું, એ વિષે તમે શું કહો છો?’ પિતરે જવાબ આપતાં તેમને કહ્યું કે, ‘તમે તો ખ્રિસ્ત છો.’” 30તેમણે તેઓને તાકીદ કરી કે, ‘મારે વિષે તમારે કોઈને કશું કહેવું નહિ.’” 31ઈસુ તેઓને શીખવવા લાગ્યા કે, ‘માણસના દીકરાએ ઘણું સહેવું, અને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, માર્યા જવું અને ત્રણ દિવસ પછી પાછા ઊઠવું એ જરૂરી છે.’” 32ઈસુ એ વાત ઉઘાડી રીતે બોલ્યા. પછી પિતર તેમને એક બાજુએ લઈને તેમને ઠપકો આપવા લાગ્યો. 33પણ તેમણે પાછળ ફરીને તથા પોતાના શિષ્યોને જોઈને પિતરને ઠપકો આપ્યો કે, ‘શેતાન, તું મારી પાછળ જા; કેમ કે તું ઈશ્વરની બાબતો પર નહિ, પણ માણસોની બાબતો પર મન લગાડે છે.’” 34ઈસુએ પોતાના શિષ્યો સહિત લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે, ‘જો કોઈ મારી પાછળ આવવા ચાહે છે, તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. 35કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે, તે તેને ગુમાવશે; અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે.

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો