Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ઑક્ટોબર 2027 › 26 ઑક્ટોબર

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 26 ઑક્ટોબર 2027

મંગળવાર · સામાન્ય કાળનું 30મું અઠવાડિયું

પર્વો અને સંતો

સામાન્ય કાળના 30મા અઠવાડિયાનો મંગળવાર

અઠવાડિયાનો દિવસ · ધાર્મિક વિધિનો રંગ: લીલો

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

રોમ 8:18–25

18કેમ કે હું માનું છું કે, જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે વર્તમાન સમયનાં દુઃખો સરખાવવા યોગ્ય નથી. 19કેમ કે સૃષ્ટિની ઉત્કંઠા ઈશ્વરનાં દીકરાઓના પ્રગટ થવાની રાહ જોયા કરે છે. 20કારણ કે સૃષ્ટિ પોતાની ઇચ્છાથી નહિ, પણ સ્વાધીન કરનારની ઇચ્છાથી વ્યર્થપણાને સ્વાધીન થઈ; 21અને તે એવી આશાથી સ્વાધીન થઈ કે સૃષ્ટિ પોતે પણ નાશના દાસત્વમાંથી મુક્ત થઈને ઈશ્વરના દીકરાના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે. 22કેમ કે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે. 23અને એકલી તે નહિ, પણ આપણે જેઓને આત્માનું પ્રથમફળ મળ્યું છે, તે આપણે પોતે પણ દત્તકપુત્ર તરીકેની એટલે આપણા શરીરનાં ઉદ્ધારની રાહ જોતાં, પોતાના મનમાં નિસાસા નાખીએ છીએ. 24કેમ કે આપણે આશાથી ઉદ્ધાર પામ્યા છીએ, પણ જે આશા દૃશ્ય હોય તે આશા નથી; કેમ કે કોઈ મનુષ્ય પોતે જે જુએ છે તેની આશા કેવી રીતે કરે? 25પણ જે આપણે જોતાં નથી તેની આશા જયારે રાખીએ છીએ, ત્યારે ધીરજથી તેની રાહ જોઈએ છીએ.

પ્રત્યુત્તર ગીત

ગી.શા 126:1–6

1ચઢવાનું ગીત. જ્યારે યહોવાહ બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઈએ એવું લાગ્યું. 2ત્યારે અમારું મુખ હાસ્યથી ભરાઈ ગયું અને અમારી જીભ ગાયન કરવા લાગી. ત્યારે તેઓએ લોકોની વચ્ચે કહ્યું, “યહોવાહે તેઓને માટે મહાન કૃત્યો કર્યાં છે.” 3યહોવાહે અમારે માટે મહાન કામ કર્યાં છે; અમે કેટલા ખુશ છીએ! 4નેગેબના ઝરણાંની જેમ, હે યહોવાહ, અમારી સંપત્તિ પુનઃસ્થાપિત કરો. 5જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે, તેઓ હર્ષનાદસહિત લણશે. 6જે કોઈ મુઠ્ઠીભર બીજ લઈને રડતાં રડતાં વાવવા જાય છે, તે પોતાની સાથે પૂળીઓ લઈને આનંદ સાથે પાછો આવશે.

સુવાર્તા

લૂક 13:18–21

18ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે, અને હું એને શાની ઉપમા આપું? 19તે રાઈના દાણા જેવું છે. કોઈ માણસે દાણો લઈને પોતાની વાડીમાં વાવ્યો. પછી છોડ ઊગ્યો અને તે વધીને મોટું ઝાડ થયું, અને આકાશના પક્ષીઓએ તેની ડાળીઓ પર વાસો કર્યો.’” 20ફરીથી ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે અને હું એને શાની ઉપમા આપું? 21તે ખમીર જેવું છે. એક મહિલાએ ખમીર લઈને ત્રણ માપ લોટમાં મેળવ્યું. પરિણામે બધો લોટ ખમીરવાળો થયો.’”

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો