Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › સપ્ટેમ્બર 2027 › 12 સપ્ટેમ્બર

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 12 સપ્ટેમ્બર 2027

રવિવાર · સામાન્ય કાળનું 24મું અઠવાડિયું

પર્વો અને સંતો

સામાન્ય કાળનો 24મો રવિવાર

રવિવાર · ધાર્મિક વિધિનો રંગ: લીલો

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

યશા 50:5–9

5પ્રભુ યહોવાહે મારા કાન ઉઘાડ્યાં છે અને મેં બંડ કર્યું નથી કે, પાછો હટ્યો નથી. 6મેં મારા મારનારની આગળ મારી પીઠ તથા વાળ ખેંચી કાઢનારની આગળ મારા ગાલ ધર્યા; અપમાનિત તથા થૂંકાવા છતાં મેં મારું મુખ સંતાડ્યું નહિ. 7કેમ કે પ્રભુ યહોવાહ મારી સહાય કરશે; તેથી હું ફજેત થનાર નથી; તેથી મેં મારું મુખ ચકમકના પથ્થર જેવું કર્યું છે, કેમ કે હું જાણું છું કે હું લજ્જિત થઈશ નહિ. 8મને ન્યાયી ઠરાવનાર પાસે છે. કોણ મારો વિરોધ કરશે? આવો આપણે સાથે ઊભા રહીને એક બીજાની સરખામણી કરીએ. મારા પર આરોપ મૂકનાર કોણ છે? તેને મારી પાસે આવવા દો. 9જુઓ, પ્રભુ યહોવાહ મને સહાય કરશે. મને અપરાધી ઠરાવનાર કોણ છે? જુઓ, તેઓ સર્વ વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે; ઉધાઈ તેઓને ખાઈ જશે.

પ્રત્યુત્તર ગીત

ગી.શા 116:1–6, 8–9

1હું યહોવાહને પ્રેમ કરું છું કેમ કે તેમણે મારો અવાજ અને મારી વિનંતી સાંભળી છે. 2તેમણે મારી તરફ પોતાના કાન ધર્યા છે, મારા જીવનપર્યંત હું તેમની પ્રાર્થના કરીશ. 3મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો અને મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં; મને સંકટ તથા શોક મળ્યાં હતાં. 4ત્યારે મેં યહોવાહના નામનો પોકાર કર્યો: “હે યહોવાહ, કૃપા કરીને મારા આત્માને છોડાવો.” 5યહોવાહ ન્યાયી તથા કૃપાળુ છે; આપણા ઈશ્વર ખરેખરા માયાળુ છે. 6યહોવાહ ભોળા માણસોનું રક્ષણ કરે છે; હું છેક લાચાર બની ગયો હતો અને તેમણે મને બચાવ્યો. 8કેમ કે તમે મારા પ્રાણને મૃત્યુથી, મારી આંખોને આંસુથી અને મારા પગોને લથડવાથી બચાવ્યા છે. 9હું જીવલોકમાં યહોવાહની સેવા કરવાનું ચાલુ રાખીશ.

બીજું વાંચન

યાકૂ 2:14–18

14મારા ભાઈઓ, જો કોઈ કહે છે કે, ‘મને વિશ્વાસ છે,’ પણ જો તેને કરણીઓ ન હોય, તો તેથી શો લાભ થાય? શું એવો વિશ્વાસ તેનો ઉદ્ધાર કરી શકે છે? 15જો કોઈ ભાઈ અથવા બહેન નિર્વસ્ત્ર હોય અને રોજનો પૂરતો ખોરાક ન હોય, 16અને તમારામાંનો કોઈ તેઓને કહે કે ‘શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાઓ;’ તોપણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો, તો શો લાભ થાય? 17તેમ જ વિશ્વાસ પણ, જો તેની સાથે કરણીઓ ન હોય, તો તે એકલો હોવાથી નિર્જીવ છે. 18હા, કોઈ કહેશે, ‘તને વિશ્વાસ છે અને મને કરણીઓ છે; તો તું તારો વિશ્વાસ તારી કરણીઓ વગર મને બતાવ અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તને બતાવીશ.’

સુવાર્તા

માર્ક 8:27–35

27ઈસુ તથા તેમના શિષ્યો કાઈસારિયા ફિલિપ્પીના ગામોમાં ગયા; અને માર્ગમાં તેમણે પોતાના શિષ્યોને પૂછ્યું કે ‘હું કોણ છું, તે વિષે લોકો શું કહે છે?’” 28તેઓએ ઈસુને કહ્યું કે, ‘કોઈ કહે છે કે તમે બાપ્તિસ્મા કરનાર યોહાન છો; અને કોઈ કહે છે કે તમે એલિયા છો, વળી કોઈ એવું કહે છે કે ‘તમે પ્રબોધકોમાંના એક છો.’” 29ઈસુએ તેઓને પૂછ્યું, ‘પણ હું કોણ છું, એ વિષે તમે શું કહો છો?’ પિતરે જવાબ આપતાં તેમને કહ્યું કે, ‘તમે તો ખ્રિસ્ત છો.’” 30તેમણે તેઓને તાકીદ કરી કે, ‘મારે વિષે તમારે કોઈને કશું કહેવું નહિ.’” 31ઈસુ તેઓને શીખવવા લાગ્યા કે, ‘માણસના દીકરાએ ઘણું સહેવું, અને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, માર્યા જવું અને ત્રણ દિવસ પછી પાછા ઊઠવું એ જરૂરી છે.’” 32ઈસુ એ વાત ઉઘાડી રીતે બોલ્યા. પછી પિતર તેમને એક બાજુએ લઈને તેમને ઠપકો આપવા લાગ્યો. 33પણ તેમણે પાછળ ફરીને તથા પોતાના શિષ્યોને જોઈને પિતરને ઠપકો આપ્યો કે, ‘શેતાન, તું મારી પાછળ જા; કેમ કે તું ઈશ્વરની બાબતો પર નહિ, પણ માણસોની બાબતો પર મન લગાડે છે.’” 34ઈસુએ પોતાના શિષ્યો સહિત લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે, ‘જો કોઈ મારી પાછળ આવવા ચાહે છે, તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. 35કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે, તે તેને ગુમાવશે; અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે.

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો