મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › સપ્ટેમ્બર 2027 › 2 સપ્ટેમ્બર
કેથોલિક પંચાંગ
દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 2 સપ્ટેમ્બર 2027
ગુરુવાર · સામાન્ય કાળનું 22મું અઠવાડિયું
પર્વો અને સંતો
સામાન્ય કાળના 22મા અઠવાડિયાનો ગુરુવાર
અઠવાડિયાનો દિવસ · ધાર્મિક વિધિનો રંગ: લીલો
દિવસનાં વાંચનો
પહેલું વાંચન
9તમે સર્વ પ્રકારની આત્મિક સમજણમાં તથા બુદ્ધિ પ્રાપ્ત કરવામાં ઈશ્વરની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ એ માટે અમે તે સાંભળ્યું તે દિવસથી તમારે માટે પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી. 10તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાને માટે યોગ્ય રીતે વર્તો અને સર્વ સારાં કામમાં તેનું ફળ ઉપજાવો અને ઈશ્વર વિશેના જ્ઞાનમાં વધતા જાઓ. 11આનંદસહિત દરેક પ્રકારની ધીરજ તથા સહનશીલતાને માટે ઈશ્વરના મહિમાના સામર્થ્ય પ્રમાણે શક્તિમાન થાઓ; 12ઈશ્વરપિતા જેમણે આપણને પ્રકાશમાંના સંતોના વારસાના ભાગીદાર થવાને યોગ્ય બનાવ્યા છે, તેમની આભારસ્તુતિ કરો. 13તેમણે અંધકારનાં અધિકારમાંથી આપણને છોડાવ્યાં તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં લાવ્યા. 14તેમનાં રક્તદ્વારા આપણને ઉદ્ધાર, એટલે પાપોની માફી છે.
પ્રત્યુત્તર ગીત
2યહોવાહે પોતાનું તારણ બતાવ્યું છે; તેમણે પોતાનું ન્યાયીપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે. 3તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે; આખી પૃથ્વીએ આપણા ઈશ્વરનો વિજય જોયો છે. 4હે પૃથ્વીના લોકો, યહોવાહની આગળ હર્ષનાદ કરો; આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ, હા, સ્તોત્રો ગાઓ. 5વીણાસહિત, વીણા તથા ગાયનસહિત યહોવાહનાં સ્તોત્રો ગાઓ. 6તૂરી તથા રણશિંગડાંના અવાજથી યહોવાહ રાજાની આગળ હર્ષનાદ કરો.
સુવાર્તા
1હવે એમ થયું કે ઘણાં લોકો ઈસુ પર પડાપડી કરીને ઈશ્વરના વચનને સાંભળતાં હતા, ત્યારે ગન્નેસારેતના સરોવરને કિનારે તે ઊભા રહ્યા હતા. 2તેમણે સરોવરને કિનારે ઊભેલી બે હોડી જોઈ, પણ માછીમારો તેઓ પરથી ઊતરીને જાળો ધોતા હતા. 3તે હોડીઓમાંની એક સિમોનની હતી, ઈસુ તે હોડીમાં ગયા. અને તેને કિનારેથી થોડે દૂર હડસેલવાનું કહ્યું. પછી તેમણે હોડીમાં બેસીને લોકોને બોધ કર્યો. 4ઉપદેશ સમાપ્ત કર્યા પછી ઈસુએ સિમોનને કહ્યું કે, ‘હોડીને ઊંડા પાણીમાં જવા દો, અને માછલાં પકડવા સારુ તમારી જાળો નાખો.’” 5સિમોને ઉત્તર આપ્યો કે, ‘ગુરુ, અમે આખી રાત મહેનત કરી, પણ કશું પકડાયું નહિ, તોપણ તમારા કહેવાથી હું જાળ નાખીશ.’” 6તેઓએ જાળ નાખી તો માછલાંનો મોટો જથ્થો પકડાયો અને તેઓની જાળ તૂટવા લાગી. 7તેઓના ભાગીદાર બીજી હોડીમાં હતા તેઓને તેઓએ ઇશારો કર્યો કે, તેઓ આવીને તેમને મદદ કરે; અને તેઓએ આવીને બન્ને હોડીઓ માછલાંથી એવી ભરી કે તેઓની હોડીઓ ડૂબવા લાગી. 8તે જોઈને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કહ્યું કે, ‘ઓ પ્રભુ, મારી પાસેથી જાઓ. કેમ કે હું પાપી માણસ છું.’” 9કેમ કે તે તથા તેના સઘળા સાથીઓ માછલાંનો જે જથ્થો પકડાયો હતો, તેથી આશ્ચર્ય પામ્યા હતા. 10તેમાં ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન, જેઓ સિમોનના ભાગીદાર હતા, તેઓને પણ આશ્ચર્ય થયું. ઈસુએ સિમોનને કહ્યું કે, ‘બીશ નહિ કારણ કે, હવેથી તું માણસો પકડનાર થશે.’” 11તેઓ હોડીઓને કિનારે લાવ્યા પછી બધું મૂકીને ઈસુની પાછળ ચાલ્યા.
સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો