Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › જુલાઈ 2027 › 27 જુલાઈ

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 27 જુલાઈ 2027

મંગળવાર · સામાન્ય કાળનું 17મું અઠવાડિયું

પર્વો અને સંતો

સામાન્ય કાળના 17મા અઠવાડિયાનો મંગળવાર

અઠવાડિયાનો દિવસ · ધાર્મિક વિધિનો રંગ: લીલો

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

નિર્ગ 33:7–11; 34:5–9, 28

7મૂસા મંડપ લઈને છાવણી બહાર દૂર તે માંડવો ઊભો કરતો હતો અને તેણે તેનું નામ મુલાકાતમંડપ પાડ્યું. યહોવાહને શોધનાર પ્રત્યેક માણસ નીકળીને છાવણી બહારના મુલાકાતમંડપમાં જતો. 8મૂસા જ્યારે જ્યારે મૂલાકાતમંડપમાં જતો ત્યારે ત્યારે બધા લોકો ઊઠીને પોતપોતાના તંબુના દરવાજા આગળ ઊભા રહીને, મૂસા મૂલાકાતમંડપમાં દાખલ થાય ત્યાં સુધી તેને જોઈ રહેતા. 9મૂસા જ્યારે મંડપમાં પ્રવેશ કરતો ત્યારે વાદળનો સ્તંભ નીચે ઊતરી માંડવાના દરવાજા આગળ ઊભો રહેતો અને યહોવાહ મૂસા સાથે વાત કરતા. 10વાદળના સ્તંભને દરવાજા આગળ જોતાં જ દરેક માણસ પોતપોતાના માંડવાના દરવાજા આગળ ભજન કરતા. 11યહોવાહ મૂસા સાથે એક માણસ બીજા માણસ સાથે વાત કરે એ રીતે મુખોપમુખ વાત કરતા. ત્યાર પછી મૂસા પાછો છાવણીમાં આવતો, પણ તેનો નવયુવાન સેવક નૂનનો દીકરો યહોશુઆ કદી મંડપમાંથી બહાર નીકળતો નહિ. 34:5યહોવાહ મેઘસ્તંભના રૂપમાં નીચે ઊતરી આવ્યા અને તેની સાથે ત્યાં ઊભા રહ્યા અને તેમણે પોતાનું નામ “યહોવાહ” જાહેર કર્યું. 6યહોવાહ તેની આગળથી જાહેર કરતા પસાર થયા કે, “યહોવાહ, યહોવાહ દયાળુ તથા કૃપાળુ ઈશ્વર, ક્રોધ કરવામાં ધીમા અને કરૂણાથી ભરપૂર તથા વિશ્વાસપાત્ર છું. 7હું યહોવાહ હજારો પેઢી સુધી કરૂણા રાખનાર, અન્યાય, ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર અને દોષિતને નિર્દોષ નહિ જ ઠરાવનાર; પિતાના અધર્મની સજા ત્રીજી અને ચોથી પેઢી સુધી છોકરાંના છોકરાં પર બદલો વાળનાર છું.” 8મૂસાએ એકદમ જમીન પર લાંબા થઈને સાષ્ટાંગ નમસ્કાર કર્યાં. 9પછી તેણે કહ્યું, “હે પ્રભુ યહોવાહ, જો હું તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરીને યહોવાહ અમારી મધ્યે ચાલે, કેમ કે આ લોકો તો હઠીલા છે. અમારો અધર્મ અને અમારાં પાપ માફ કરો અને અમોને તમારો વારસો કરી લો.” 28મૂસા ત્યાં યહોવાહ ની સાથે ચાળીસ દિવસ તથા ચાળીસ રાત હતો; તેણે રોટલી ખાધી ન હતી, તેમ જ પાણી પણ પીધું ન હતું. તેણે શિલાપાટીઓ ઉપર કરારના શબ્દો, એટલે દશ આજ્ઞાઓ લખી.

પ્રત્યુત્તર ગીત

ગી.શા 103:6–13

6યહોવાહ જે ઉચિત છે તે કરે છે, અને તે સર્વ જુલમથી લદાયેલાને માટે ન્યાયનાં કૃત્યો કરે છે. 7તેમણે પોતાના માર્ગો મૂસાને અને પોતાનાં કૃત્યો ઇઝરાયલના વંશજોને જણાવ્યાં. 8યહોવાહ દયાળુ તથા કરુણાળુ છે; તે ધીરજ રાખનાર છે; તે કૃપા કરવામાં મોટા છે. 9તે હંમેશાં શિક્ષા કરશે નહિ; તે હંમેશા ગુસ્સે રહેતા નથી. 10તેઓ આપણાં પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યા નથી અથવા આપણા પાપના પ્રમાણમાં તેમણે આપણને બદલો વાળ્યો નથી. 11કારણ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, તેમ તેમનો આદર કરનાર પર તેમની કૃપા વિશાળ છે. 12પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે, તેટલાં તેમણે આપણા અપરાધો આપણાથી દૂર કર્યાં છે. 13જેમ પિતા પોતાનાં સંતાનો પર દયાળુ છે, તેમ યહોવાહ પોતાના ભક્તો પર દયાળુ છે.

સુવાર્તા

માથ 13:36–43

36ત્યારે લોકોને મૂકીને ઈસુ ઘરમાં ગયા; પછી તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, “ખેતરનાં કડવા દાણાના દ્રષ્ટાંતનો અર્થ અમને કહો.” 37ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “સારું બીજ જે વાવે છે તે માણસનો દીકરો છે. 38ખેતર દુનિયા છે; સારાં બી રાજ્યના સંતાન છે, પણ કડવા દાણા શેતાનના સંતાન છે; 39જેણે વાવ્યાં તે દુશ્મન શેતાન છે. કાપણી જગતનો અંત છે, અને કાપનારા સ્વર્ગદૂતો છે. 40એ માટે જેમ કડવા દાણા એકઠા કરાય છે, અને અગ્નિમાં બાળી નંખાય છે, તેમ આ જગતના અંતે થશે. 41માણસનો દીકરો પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, પાપમાં પાડનારી બધી વસ્તુઓને તથા દુષ્ટતા કરનારાંઓને તેમના રાજ્યમાંથી તેઓ એકઠા કરશે, 42અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે, ત્યાં રડવું ને દાંત પીસવું થશે. 43ત્યારે ન્યાયીઓ પોતાના પિતાના રાજ્યમાં સૂર્યની જેમ પ્રકાશશે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે.

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો