Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › જુલાઈ 2027 › 25 જુલાઈ

ઓર્થોડોક્સ પંચાંગ · 12 જુલાઈ (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 25 જુલાઈ 2027

રવિવાર · સ્વર 4

પર્વો અને સંતો

પચાસમાના પર્વ પછીનો પાંચમો રવિવાર

ઉપવાસ

ઉપવાસ નથી

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

પ્રભાત-પ્રાર્થનાની પાંચમી સુવાર્તા

લૂક 24:12–35

12પણ પિતર ઊઠીને કબરે દોડી ગયો; અને નીચા વળીને અંદર જોયું તો તેણે શણના વસ્ત્રો એકલા પડેલા જોયા; અને જે થયું હતું તે સંબંધી પોતાના મનમાં તે આશ્ચર્ય પામતો પોતાને ઘરે ગયો. 13તે જ દિવસે તેઓમાં બે, એમ્મૌસ નામનું એક ગામ યરુશાલેમથી લગભગ સાત માઇલ દૂર છે, ત્યાં જતા હતા. 14આ બધી બનેલી બીનાઓ વિષે તેઓ એકબીજાની સાથે વાત કરતા હતા. 15એમ થયું કે તેઓ એકબીજાની સાથે વાત કરતા તથા અંદરોઅંદર સવાલ પૂછતાં હતા, ત્યારે ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલ્યા. 16પણ તેઓની આંખો બંધાઈ ગયેલી હોવાથી તેઓ તેમને ઓળખી શક્યા નહિ. 17ઈસુએ તેઓને કહ્યું કે, “તમે ચાલતાં ચાલતાં એકબીજાની સાથે શી વાત કરો છો?” તેઓ ઉદાસ થઈને ઊભા રહ્યા. 18ક્લિયોપાસ નામે એકે ઉત્તર આપતાં કહ્યું કે, “શું, યરુશાલેમમાં રહેનારાઓમાંના એકલા તમે જ આ દિવસોમાં બનેલી બિનાઓ નથી જાણતા?” 19તેણે તેઓને કહ્યું કે, “કઈ બિનાઓ?” તેઓએ તેને કહ્યું કે, “ઈસુ નાઝારી, જે ઈશ્વરની આગળ તથા સઘળા લોકોની આગળ કામમાં તથા વચનમાં પરાક્રમી પ્રબોધક હતા, તે સંબંધીની બિનાઓ; 20વળી કેવી રીતે મુખ્ય યાજકોએ તથા અમારા અધિકારીઓએ તેમને મૃત્યુદંડ ભોગવવા સારુ પરાધીન કર્યા, અને તેમને વધસ્તંભે જડાવ્યાં. 21પણ અમે આશા રાખતા હતા કે, ઇઝરાયલને જે ઉદ્ધાર આપવાના હતા તે એ છે; વળી એ સર્વ ઉપરાંત આ બનાવ બન્યાને આજ ત્રીજો દિવસ થયો. 22વળી અમારામાંની કેટલીક સ્ત્રીઓ જેઓ કબર આગળ વહેલી ગઈ હતી, તેઓએ અમને આશ્ચર્ય પમાડ્યું, 23એટલે તેઓએ તેમનો મૃતદેહ જોયો નહિ, ત્યારે તેઓએ આવીને કહ્યું કે, અમને સ્વર્ગદૂતોનું દર્શન પણ થયું હતું, કે જેઓએ કહ્યું કે તે જીવિત છે. 24અમારી સાથેના કેટલાક કબર આગળ ગયા, અને જેમ સ્ત્રીઓએ કહ્યું હતું તેમ જ તેઓને જોવા મળ્યું; પણ તેમને તેઓએ જોયા નહિ.” 25તેમણે તેઓને કહ્યું કે, “ઓ મૂર્ખાઓ તમે પ્રબોધકોએ જે કહ્યું છે, તે સર્વ પર વિશ્વાસ કરવામાં ધીમા છો. 26શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં પેસવું જોઈતું નહોતું?” 27મૂસાના નિયમશાસ્ત્રથી તથા સઘળા પ્રબોધકોથી માંડીને તેમણે બધા પવિત્રશાસ્ત્રમાંથી પોતાના સંબંધીની વાતોનો ખુલાસો કરી બતાવ્યો. 28જે ગામે તેઓ જતા હતા તેની નજીક તેઓ પહોંચ્યા, ત્યારે તેમણે જાણે કે આગળ જવાનું કર્યું. 29તેઓએ તેમને આગ્રહ કરીને કહ્યું કે, “અમારી સાથે રહો; કેમ કે સાંજ થવા આવી છે અને દિવસ નમી ગયો છે.” અને તેઓની સાથે રહેવા સારુ તે અંદર ગયા. 30એમ થયું કે, તે તેઓની સાથે જમવા બેઠા, ત્યારે તેમણે રોટલી લઈને આશીર્વાદ કર્યો, અને તેઓને આપી. 31ત્યારે તેઓની આંખો ઊઘડી અને તેઓએ તેમને ઓળખ્યા; એટલામાં તેઓની દ્રષ્ટિમાંથી તે અદ્રશ્ય થઈ ગયા. 32તેઓએ એકબીજાને કહ્યું કે, “જયારે તેઓ માર્ગમાં આપણી સાથે વાત કરતા હતા, અને પવિત્રશાસ્ત્રનો ખુલાસો આપણને કરી બતાવતા હતા, ત્યારે આપણા મન આપણામાં જ્વલંત નહોતાં થતાં શું?” 33તે જ ઘડીએ તેઓ ઊઠીને યરુશાલેમ તરફ પાછા વળ્યા, અને અગિયાર શિષ્યો ને તથા તેઓની સાથેનાઓને એકઠા થએલાં જોયા, 34કે, જેઓ કહેતાં હતા કે, ‘પ્રભુ ખરેખર ઊઠ્યાં છે, અને સિમોનને તેમનું દર્શન થયું છે.’” 35ત્યારે તેઓએ માર્ગમાં બનેલા બનાવ તથા રોટલી ભાંગતાં તેઓએ ઈસુને કેવી રીતે ઓળખ્યા તે વિષે પણ વાત કરી.

પત્ર

રોમ 10:1–10

1ભાઈઓ, ઇઝરાયલને સારુ મારા અંતઃકરણની ઇચ્છા તથા ઈશ્વરને મારી પ્રાર્થના છે કે તેઓ ઉદ્ધાર પામે. 2કેમ કે હું તેઓ વિષે સાક્ષી આપું છું કે, ઈશ્વર માટે તેઓને આતુરતા છે, પણ તે જ્ઞાન પ્રમાણે નથી. 3કેમ કે ઈશ્વરના ન્યાયીપણા વિષે અજાણ્યા હોવાથી તથા પોતાના ન્યાયીપણા ને સ્થાપન કરવા યત્ન કરતા હોવાથી તેઓ ઈશ્વરના ન્યાયીપણાને આધીન થયા નહિ. 4કેમ કે ખ્રિસ્ત તો દરેક વિશ્વાસ રાખનારને માટે ન્યાયીપણું પામવાના નિયમશાસ્ત્રની સંપૂર્ણતા છે. 5કેમ કે મૂસા ન્યાયીપણાના નિયમ વિષે લખે છે કે, ‘જે માણસ નિયમશાસ્ત્ર પ્રમાણે ન્યાયીપણું આચરે છે, તે તેના દ્વારા જીવશે.’” 6પણ જે ન્યાયીપણું વિશ્વાસ ધ્વારા મળે છે તે એવું કહે છે કે, ‘તું તારા અંતઃકરણમાં ન કહે કે, ‘સ્વર્ગમાં કોણ ચઢશે?’ એટલે ખ્રિસ્તને નીચે લાવવાને; 7અથવા એ કે, ‘ઊંડાણમાં કોણ ઊતરશે?” એટલે ખ્રિસ્તને મૃત્યુમાંથી સજીવન કરવાને. 8પણ તે શું કહે છે? કે, ‘એ વચન તારી પાસે, તારા મુખમાં તથા તારા અંતઃકરણમાં છે.’” એટલે વિશ્વાસનું જે વચન અમે પ્રગટ કરીએ છીએ તે એ છે કે 9જો તું તારા મુખથી ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને ઈશ્વરે તેમને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યા, એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં કરીશ, તો તું ઉદ્ધાર પામીશ. 10કારણ કે ન્યાયીપણું પ્રાપ્ત કરવાને માટે અંતઃકરણથી વિશ્વાસ કરવામાં આવે છે અને ઉદ્ધાર પ્રાપ્ત કરવા માટે મુખથી કબૂલાત કરવામાં આવે છે.

સુવાર્તા

માથ 8:28–9:1

28જયારે ઈસુ પેલે પાર ગાડરેનેસના દેશમાં પહોંચ્યા ત્યારે દુષ્ટાત્મા વળગેલાં બે માણસ કબરોમાંથી નીકળતા તેમને મળ્યા; તેઓ એવા બિહામણા હતા કે તે માર્ગે કોઈથી જવાતું નહોતું. 29જુઓ, તેઓએ બૂમ પાડતાં કહ્યું કે, “ઓ ઈશ્વરના દીકરા, અમારે ને તમારે શું છે? નિશ્ચિત સમય અગાઉ તમે અમને પીડા દેવાને અહીં આવ્યા છો શું?” 30હવે તેઓથી થોડેક દૂર ઘણાં ભૂંડોનું એક ટોળું ચરતું હતું. 31દુષ્ટાત્માઓએ તેમને વિનંતી કરતાં કહ્યું કે, “જો તમે અમને કાઢો તો ભૂંડોના ટોળાંમાં અમને મોકલો.” 32ઈસુએ તેઓને કહ્યું કે, ‘જાઓ!’ પછી તેઓ નીકળીને ભૂંડોમાં પેઠાં; અને જુઓ, આખું ટોળું ટેકરીની ધાર પરથી સમુદ્રમાં ઘસી પડ્યું અને પાણીમાં ડૂબી મર્યું. 33ત્યારે ચરાવનારા ભાગ્યા, તેઓએ નગરમાં જઈને સઘળું કહી સંભળાવ્યું; સાથે દુષ્ટાત્મા વળગેલાંઓને શું થયું તે પણ કહ્યું. 34ત્યારે જુઓ, આખું નગર ઈસુને મળવાને બહાર આવ્યું. તેમને જોઈને તેઓએ તેમને વિનંતી કરી કે, અમારા પ્રદેશમાંથી ચાલ્યા જાઓ. 9:1ત્યારે હોડીમાં બેસીને ઈસુ પેલે પાર ગયા, ત્યાર પછી પોતાના નગરમાં આવ્યા.

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 12 જુલાઈ એટલે નાગરિક પંચાંગનો 25 જુલાઈ. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો