Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › માર્ચ 2027 › 7 માર્ચ

ઓર્થોડોક્સ પંચાંગ · 22 ફેબ્રુઆરી (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 7 માર્ચ 2027

રવિવાર · સ્વર 7

પર્વો અને સંતો

માંસત્યાગનો રવિવાર

છેલ્લા ન્યાયનો રવિવાર

ઉપવાસ

ઉપવાસ નથી

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

પ્રભાત-પ્રાર્થનાની સાતમી સુવાર્તા

યોહ 20:1–10

1હવે અઠવાડિયાને પહેલે દિવસે રવિવારે વહેલી સવારે અંધારું હતું તેવામાં મગ્દલાની મરિયમ કબરે આવી અને તેણે કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો. 2ત્યારે તે દોડીને સિમોન પિતર તથા બીજો શિષ્ય, જેનાં પર ઈસુ પ્રેમ રાખતા હતા, તેમની પાસે આવીને તેઓને કહે છે કે, ‘તેઓએ પ્રભુને કબરમાંથી ઉઠાવી લીધા છે અને તેઓએ તેમને ક્યાં મૂક્યાં છે તે અમે જાણતા નથી.’” 3તેથી પિતર તથા તે બીજો શિષ્ય કબર તરફ જવા રવાના થયા. 4તેઓ બંને સાથે દોડ્યા; પણ તે બીજો શિષ્ય પિતરથી વધારે ઝડપથી દોડીને કબર આગળ પહેલો પહોંચ્યો. 5તેણે નમીને અંદર જોયું તો શણનાં વસ્ત્રો પડેલાં તેના જોવામાં આવ્યા; પણ તે અંદર ગયો નહિ. 6પછી સિમોન પિતર પણ તેની પાછળ આવ્યો અને તે કબરની અંદર ગયો; તેણે શણના વસ્ત્રો પડેલાં જોયાં; 7અને જે રૂમાલ તેમના માથા પર વીંટાળેલો હતો, તે શણનાં વસ્ત્રોની પાસે પડેલો ન હતો, પણ વાળીને એક જગ્યાએ અલગથી મૂકેલો હતો. 8પછી બીજો શિષ્ય કે જે કબર પાસે પહેલો આવ્યો હતો, તેણે પણ અંદર જઈને જોયું અને વિશ્વાસ કર્યો. 9કેમ કે ઈસુએ મૃત્યુ પામેલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ, તે શાસ્ત્રવચન ત્યાં સુધી તેઓ સમજતા ન હતા. 10ત્યારે શિષ્યો ફરી પોતાને ઘરે પાછા ગયા.

પત્ર

1 કરિં 8:8–9:2

8પણ ભોજનથી આપણે ઈશ્વરને માન્ય થતાં નથી જો ન ખાઈએ તો આપણે વધારે સારા થતાં નથી; અને જો ખાઈએ તો વધારે ખરાબ થતાં નથી. 9પણ સાવધાન રહો, રખેને આ તમારી સ્વતંત્રતા નિર્બળોને કોઈ રીતે ઠોકર ખવડાવે. 10કેમ કે તારા જેવા જ્ઞાની માણસને મૂર્તિના મંદિરમાં બેસીને ભોજન કરતાં જો કોઈ નિર્બળ અંતઃકરણવાળો માણસ જુએ, તો શું તેનું અંતઃકરણ મૂર્તિઓની પ્રસાદી ખાવાની હિંમત નહિ કરશે? 11એવી રીતે તારા જ્ઞાનથી તારો નિર્બળ ભાઈ જેને લીધે ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તેનો નાશ થાય; 12અને એમ ભાઈઓની વિરુદ્ધ પાપ કરીને તથા તેઓનાં નિર્બળ અંતઃકરણોને આઘાત પમાડીને તમે ખ્રિસ્તની વિરુદ્ધ પાપ કરો છો. 13તો પ્રસાદી ખાવાથી જો મારા ભાઈને ઠોકર લાગે તો હું ક્યારેય પણ માંસ નહિ ખાઉં કે જેથી મારા ભાઈને ઠોકર ન લાગે. 9:1શું હું સ્વતંત્ર નથી? શું હું પ્રેરિત નથી? શું મને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દર્શન થયું નથી? શું તમે પ્રભુમાં મારી સેવાનું ફળ નથી? 2જોકે હું બીજાઓની દ્રષ્ટિમાં પ્રેરિત ન હોઉં, તોપણ નિશ્ચે તમારી નજરે તો છું જ, કેમ કે પ્રભુમાં તમે મારા પ્રેરિતપદનો પુરાવો છો.

સુવાર્તા

માથ 25:31–46

31જયારે માણસના દીકરા પોતાના મહિમામાં સર્વ પવિત્ર સ્વર્ગદૂતો સાથે આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે. 32સર્વ દેશજાતિઓ તેમની આગળ એકઠી કરાશે; અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદા પાડશે. 33ઘેટાંને તે પોતાને જમણે હાથે, પણ બકરાંને ડાબે હાથે રાખશે. 34ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે કે, ‘મારા પિતાના આશીર્વાદિતો તમે આવો, જે રાજ્ય સૃષ્ટિનો પાયો નાખ્યા અગાઉ તમારે સારુ તૈયાર કરેલું છે તેનો વારસો લો. 35કેમ કે હું ભૂખ્યો હતો, ત્યારે તમે મને ખવડાવ્યું; હું તરસ્યો હતો, ત્યારે તમે મને કંઈક પીવા માટે આપ્યું; હું પારકો હતો; ત્યારે તમે મને અતિથિ તરીકે રાખ્યો; 36હું નિર્વસ્ત્ર હતો, ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યાં; હું માંદો હતો ત્યારે તમે મારી ચાકરી કરી; હું જેલમાં હતો, ત્યારે તમે મને મળવા આવ્યા.’” 37ત્યારે ન્યાયીઓ તેમને ઉત્તર આપશે કે, ‘પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા જોઈને ખવડાવ્યું, તરસ્યા જોઈને કંઈક પીવા માટે આપ્યું? 38ક્યારે અમે તમને પારકા જોઈને અતિથિ રાખ્યા, નિર્વસ્ત્ર જોઈને વસ્ત્ર પહેરાવ્યાં? 39ક્યારે અમે તમને માંદા અથવા જેલમાં જોઈને તમને મળવા આવ્યા?’ 40ત્યારે રાજા તેઓને ઉત્તર આપશે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ‘આ મારા ભાઈઓમાંના બહુ નાનાંઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું.’” 41પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે, ‘ઓ શાપિતો, જે અનંતઅગ્નિ શેતાન તથા તેના દૂતોને સારુ તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ, 42કેમ કે હું ભૂખ્યો હતો, પણ તમે મને ખવડાવ્યું નહિ, હું તરસ્યો હતો, પણ તમે મને કંઈક પીવા માટે આપ્યું નહિ; 43હું પારકો હતો, પણ તમે મને અતિથિ રાખ્યો નહિ; નિર્વસ્ત્ર હતો, પણ તમે મને વસ્ત્ર પહેરાવ્યાં નહિ; માંદો તથા જેલમાં હતો, પણ તમે મારી ચાકરી કરી નહિ.’” 44ત્યારે તેઓ પણ તેમને ઉત્તર આપશે કે, ‘પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા, તરસ્યા, પારકા, નિર્વસ્ત્ર, માંદા કે જેલમાં જોઈને તમારી સેવા નથી કરી?’ 45ત્યારે ઈસુ તેઓને ઉત્તર આપશે કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ‘આ બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું નહિ, એટલે તે મને કર્યું નહિ.’ 46તેઓ અનંતકાળિક સજા માટે જશે, પણ ન્યાયીઓ અનંતજીવનમાં પ્રવેશશે.”

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 22 ફેબ્રુઆરી એટલે નાગરિક પંચાંગનો 7 માર્ચ. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો