મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › જાન્યુઆરી 2027 › 11 જાન્યુઆરી
કેથોલિક પંચાંગ
દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 11 જાન્યુઆરી 2027
સોમવાર · સામાન્ય કાળનું પહેલું અઠવાડિયું
પર્વો અને સંતો
સામાન્ય કાળના પહેલા અઠવાડિયાનો સોમવાર
અઠવાડિયાનો દિવસ · ધાર્મિક વિધિનો રંગ: લીલો
દિવસનાં વાંચનો
પહેલું વાંચન
1પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે ઈશ્વરે અનેક વાર વિવિધ રીતે વાત કરી હતી. 2તે આ છેલ્લાં સમયમાં પુત્ર કે, જેમને તેમણે સર્વના વારસ ઠરાવ્યાં અને વળી જેમનાં વડે તેમણે વિશ્વ પરના લોકોને ઉત્પન્ન કર્યા, તેમના દ્વારા આપણી સાથે બોલ્યા છે. 3તેઓ ઈશ્વરના મહિમાનું તેજ તથા તેમના વ્યક્તિત્વની આબેહૂબ પ્રતિમા છે, પોતાના પરાક્રમના શબ્દથી તેઓ સર્વને નિભાવી રાખે છે; તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત કરી, આપણને શુદ્ધ કરી, મહાન પિતાની જમણી તરફ ઉચ્ચસ્થાને બિરાજેલા છે. 4તેમને સ્વર્ગદૂતો કરતાં જેટલાં પ્રમાણમાં ઉચ્ચતમ નામ વારસામાં મળ્યું છે, તેટલાં પ્રમાણમાં તે તેઓ કરતાં ઉત્તમ છે. 5કેમ કે ઈશ્વરે સ્વર્ગદૂતોને ક્યારે એવું કહ્યું કે, ‘તું મારો દીકરો છે, આજે મેં તને જન્મ આપ્યો છે?’” અને વળી, ‘હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે?’” 6વળી જયારે તે પ્રથમજનિતને દુનિયામાં લાવે છે, ત્યારે તે કહે છે કે, ‘ઈશ્વરના સર્વ સ્વર્ગદૂતો તેમનું ભજન કરો.’”
પ્રત્યુત્તર ગીત
1યહોવાહ રાજ કરે છે; પૃથ્વી હરખાઓ; ટાપુઓનો સમૂહ આનંદ પામો. 2વાદળો અને અંધકાર તેમની આસપાસ છે. ન્યાયીપણું તથા ન્યાય તેમના રાજ્યાસનનો પાયો છે. 6આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરે છે અને સર્વ લોકોએ તેમનો મહિમા જોયો છે. 7મૂર્તિઓની પૂજા કરનારાઓ, મૂર્તિઓમાં અભિમાન કરનારાઓ, ઓ બધી દેવતાઓ! તેમની આગળ પ્રણામ કરો. 9કેમ કે, હે યહોવાહ, તમે સમગ્ર પૃથ્વી પર પરાત્પર છો. તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.
સુવાર્તા
14યોહાનની ધરપકડ કરાયા પછી ઈસુ ગાલીલમાં આવ્યા અને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરતાં તેમણે કહ્યું કે, 15‘સમય પૂરો થયો છે, ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે; પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો.’” 16તેમણે ગાલીલના સમુદ્રને કિનારે ચાલતાં સિમોન તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયાં; કેમ કે તેઓ માછીમાર હતા. 17ઈસુએ તેઓને કહ્યું કે, ‘મારી પાછળ આવો અને હું તમને માણસો પકડનારા કરીશ.’” 18તરત તેઓ પોતાની જાળો પડતી મૂકીને તેમની સાથે ગયા. 19ત્યાંથી થોડે આગળ જતા તેમણે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને હોડીમાં જાળો સાંધતા જોયા. 20ઈસુએ તરત જ તેઓને બોલાવ્યા; અને તેઓ પોતાના પિતા ઝબદીને મજૂરોની સાથે હોડીમાં રહેવા દઈને તેમની પાછળ ગયા.
સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો