મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ડિસેમ્બર 2026 › 6 ડિસેમ્બર
કેથોલિક પંચાંગ
દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 6 ડિસેમ્બર 2026
રવિવાર · આગમનકાળનું બીજું અઠવાડિયું
પર્વો અને સંતો
આગમનકાળનો બીજો રવિવાર
રવિવાર · ધાર્મિક વિધિનો રંગ: જાંબલી
દિવસનાં વાંચનો
પહેલું વાંચન
1તમારા ઈશ્વર કહે છે, “દિલાસો આપો, મારા લોકોને દિલાસો આપો.” 2યરુશાલેમ સાથે હેતથી વાત કરો; અને તેને જણાવો કે તેની લડાઈ પૂરી થઈ છે, તેના અપરાધને માફ કરવામાં આવ્યો છે, તેને યહોવાહને હાથે તેના સર્વ પાપોને લીધે બમણી શિક્ષા થઈ છે. 3સાંભળો કોઈ એવું પોકારે છે, “અરણ્યમાં યહોવાહનો માર્ગ તૈયાર કરો; જંગલમાં આપણા ઈશ્વરને માટે સડક સુગમ કરો.” 4સર્વ ખીણને ઊંચી કરવામાં આવશે અને સર્વ પર્વતો અને ડુંગરોને સપાટ કરવામાં આવશે; ખરબચડી જગાઓ સરખી અને ખાડા ટેકરાને સપાટ મેદાન કરવામાં આવશે. 5યહોવાહનું ગૌરવ પ્રગટ થશે અને સર્વ માણસો તે જોશે; કેમ કે એ યહોવાહના મુખનું વચન છે. 9હે સિયોન, વધામણીના સમાચાર કહેનારી, તું ઊંચા પર્વત પર ચઢી જા; મોટા અવાજે સામર્થ્યથી પોકાર; યરુશાલેમને વધામણીના સમાચાર આપ. ઊંચા અવાજે પોકાર, બીશ નહિ. યહૂદિયાના નગરોને કહે, “તમારો ઈશ્વર આ છે!” 10જુઓ, પ્રભુ યહોવાહ જય પામનાર વીરની જેમ આવશે અને તેમનો ભુજ તેઓને માટે અધિકાર ચલાવશે. જુઓ, તેઓનું ઈનામ તેઓની સાથે અને તેઓનું પ્રતિફળ તેઓની આગળ જાય છે. 11ભરવાડની જેમ તે પોતાના ટોળાંનું પાલન કરશે, તે પોતાના હાથમાં હલવાનોને એકઠા કરશે અને પોતાની ગોદમાં ઊંચકી લેશે અને સ્તનપાન કરાવનારી સ્ત્રીઓને તે સંભાળીને ચલાવશે.
પ્રત્યુત્તર ગીત
8યહોવાહ ઈશ્વર જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળું છું, કેમ કે તે પોતાના લોકોની સાથે તથા તેમના વફાદાર અનુયાયીઓની સાથે શાંતિથી વર્તે. પરંતુ તેઓ મૂર્ખાઈ તરફ પાછા ફરી ન જાય. 9જેઓ તેમનો ભય રાખે છે તેઓનો ઈશ્વર ઉદ્ધાર કરે છે; બહુ જલદી અમારી ભૂમિ પર અમે માનપૂર્વક રહીશું. 10કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે; ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે. 11પૃથ્વીમાંથી સત્ય ઉપર ઊંચે જાય છે. અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે. 12હા, યહોવાહ સારા આશીર્વાદ આપશે; અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે. 13તેમનું ન્યાયીપણું આગળ ચાલશે, અને તેમનાં પગલાં આપણે માટે માર્ગ તૈયાર કરે છે.
બીજું વાંચન
8પણ પ્રિયો, આ એક વાત તમે ભૂલશો નહિ કે પ્રભુની દ્રષ્ટિએ એક દિવસ હજાર વર્ષોના જેવો અને હજાર વર્ષો એક દિવસના જેવા છે. 9વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના આશાવચન સંબંધી વિલંબ કરતા નથી, પણ કોઈનો નાશ ન થાય પણ બધાં પસ્તાવો કરે, એવું ઇચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે. 10પણ જેમ ચોર આવે છે, તેમ પ્રભુનો દિવસ આવશે, તે વેળાએ આકાશો ભારે ગર્જનાસહિત જતા રહેશે અને તત્વો અગ્નિથી પીગળી જશે અને પૃથ્વી તથા તે પરનાં કામોને બાળી નાખવામાં આવશે. 11તો એ સર્વ આ પ્રમાણે નાશ પામનાર છે, માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવાં થવું જોઈએ? 12ઈશ્વરના જે દિવસે આકાશો સળગીને ભસ્મીભૂત થશે તથા તત્વો બળીને પીગળી જશે તેમના આગમનના એ દિવસની રાહ જોતાં તેમની અપેક્ષા રાખવી. 13તોપણ આપણે તેમના આશાવચન પ્રમાણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની રાહ જોઈએ છીએ. 14એ માટે, પ્રિયો, આમ બનવાની આપણે રાહ જોઈ રહ્યા છીએ, તમે તેમની નજરમાં નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહો.
સુવાર્તા
1ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્તની આ સુવાર્તાની શરૂઆત. 2જેમ યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે કે, ‘જો, હું તારી આગળ મારા સંદેશવાહકને મોકલું છું; તે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે; 3અરણ્યમાં પોકારનારની વાણી એવી છે કે પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો. 4એ પ્રમાણે યોહાન બાપ્તિસ્મા અરણ્યમાં પાપોની માફીને માટે પસ્તાવાનું બાપ્તિસ્મા જાહેર કરતો પ્રગટ થયો. 5આખા યહૂદિયા દેશના તથા યરુશાલેમના રહેવાસીઓ તેમની પાસે ગયા; અને બધા પોતાનાં પાપ કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા. 6યોહાનનો પોશાક ઊંટના વાળનો હતો, તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તીડ તથા જંગલી મધ તેનો ખોરાક હતો. 7તેણે એવું પ્રગટ કર્યું કે, મારા કરતાં જે સામર્થ્યવાન છે તે મારી પાછળ આવે છે; હું તો વાંકો વળીને તેમના ચંપલની દોરી છોડવા યોગ્ય નથી. 8હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ તે પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.’”
આજના સંતો
- સંત નિકોલસ, ધર્માધ્યક્ષ
સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો