મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › નવેમ્બર 2026 › 4 નવેમ્બર
કેથોલિક પંચાંગ
દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 4 નવેમ્બર 2026
બુધવાર · સામાન્ય કાળનું 31મું અઠવાડિયું
પર્વો અને સંતો
સામાન્ય કાળના 31મા અઠવાડિયાનો બુધવાર
સ્મૃતિદિન · ધાર્મિક વિધિનો રંગ: સફેદ
સંત ચાર્લ્સ બોરોમિયો, ધર્માધ્યક્ષ · સ્મૃતિદિન
દિવસનાં વાંચનો
પહેલું વાંચન
12તેથી, મારા પ્રિય ભાઈઓ, તમે જેમ હંમેશા આધીન રહેતા હતા તેમ, કેવળ મારી હાજરીમાં જ નહિ, પણ હવે વિશેષે કરીને મારી ગેરહાજરીમાં પણ તમારો ઉદ્ધાર થાય માટે ભય તથા કંપારીસહિત પ્રયત્ન કરો. 13કેમ કે જે પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઇચ્છવાની તથા પ્રયત્ન કરવાની પ્રેરણા આપે છે, તે તો ઈશ્વર છે. 14બડબડાટ તથા તકરાર વગર બધું કરો 15કે, જેથી કુટિલ તથા આડી પ્રજા મધ્યે તમે નિર્દોષ તથા સાલસ, ઈશ્વરનાં નિષ્કલંક સંતાન, જીવનનું વચન પ્રગટ કરીને દુનિયામાં જ્યોતિઓ તરીકે પ્રકાશો. 16જેથી ખ્રિસ્તનાં સમયમાં મને ગર્વ કરવાનું એવું કારણ મળે કે હું નિરર્થક દોડ્યો નથી અને મેં વ્યર્થ શ્રમ કર્યો નથી. 17પણ જો હું તમારા વિશ્વાસના અર્પણ તથા સેવા પર રેડાવું પડે તોપણ હું આનંદ કરીશ અને તમારી સર્વની સાથે આનંદ કરીશ. 18એમ જ તમે પણ મારી સાથે આનંદમાં સહભાગી બનો.
પ્રત્યુત્તર ગીત
1દાઉદનું (ગીત). યહોવાહ મારા ઉદ્ધારનાર તથા પ્રકાશ છે; હું કોનાથી બીહું? યહોવાહ મારા જીવનનું સામર્થ્ય છે; મને કોનો ભય લાગે? 4યહોવાહ પાસે મેં એક વરદાન માગ્યું છે: કે યહોવાહનું ઘર મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન મારું નિવાસસ્થાન થાય, જેથી હું યહોવાહના સૌંદર્યનું અવલોકન કર્યા કરું અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું. 13આ જીવનમાં હું યહોવાહની દયાનો અનુભવ કરીશ, એવો જો મેં વિશ્વાસ કર્યો ન હોત તો હું નિર્બળ થઈ જાત! 14યહોવાહની રાહ જો; બળવાન થા અને હિંમત રાખ! હા, યહોવાહની રાહ જો!
સુવાર્તા
25હવે ઘણાં લોક ઈસુની સાથે જતા હતા, અને તેઓને તેમણે પાછા ફરીને કહ્યું કે, 26‘જો કોઈ મારી પાસે આવે, અને પોતાનાં માતાનો અને પિતાનો, પત્નીનો, બાળકોનો, ભાઈઓનો તથા બહેનોનો, હા, પોતાના જીવનો પણ દ્રેષ ન કરે, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. 27જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી. 28કેમ કે તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલાં બેસીને ખર્ચ નહિ ગણે, કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહિ? 29રખેને કદાચ પાયો નાખ્યા પછી તે પૂરો કરી શકે નહિ; ત્યારે જે જુએ તેઓ સર્વ તેની મશ્કરી કરવા લાગે, 30અને કહે કે, આ માણસ બાંધવા લાગ્યો, પણ પૂરું કરી શક્યો નહિ. 31અથવા કયો રાજા એવો છે કે બીજા રાજાની સામે લડાઈ કરવા જતો હોય, પણ પહેલાં બેસીને વિચાર નહિ કરે, કે જે વીસ હજાર સૈનિકો લઈને મારી સામે આવે છે, તેની સામે હું દસ હજાર સૈનિકોને લઈ લડી શકીશ કે નહિ? 32નહિ તો બીજો રાજા હજી ઘણો દૂર છે, એટલામાં તે એલચીઓને મોકલીને સુલેહની શરતો વિષે પૂછશે. 33તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.
આજના સંતો
- સંત ચાર્લ્સ બોરોમિયો, ધર્માધ્યક્ષ
સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર A, અઠવાડિયાના દિવસોનું વર્ષ II.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો