Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ઑક્ટોબર 2026 › 27 ઑક્ટોબર

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 27 ઑક્ટોબર 2026

મંગળવાર · સામાન્ય કાળનું 30મું અઠવાડિયું

પર્વો અને સંતો

સામાન્ય કાળના 30મા અઠવાડિયાનો મંગળવાર

અઠવાડિયાનો દિવસ · ધાર્મિક વિધિનો રંગ: લીલો

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

એફે 5:21–33

21ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો. 22પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન થાઓ; 23કેમ કે પતિ પત્નીનું શિર છે. જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે તે શરીરનાં ઉદ્ધારક છે. 24જેમ વિશ્વાસી સમુદાય ખ્રિસ્તને આધીન છે, તેમ પત્નીઓએ સર્વ બાબતમાં પોતાના પતિઓને આધીન રહેવું. 25પતિઓ, પોતાની પત્નીઓ પર પ્રેમ કરો, જેમ ખ્રિસ્ત ઈસુએ પોતાના વિશ્વાસી સમુદાય પર પ્રેમ રાખ્યો અને તેને સારું પોતાનું સ્વાર્પણ કર્યુ તેમ; 26એ સારુ કે વચન વડે જળસ્નાનથી શુદ્ધ કરીને, ખ્રિસ્ત વિશ્વાસી સમુદાયને પવિત્ર કરે, 27અને જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ન હોય; પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય, એવા વિશ્વાસી સમુદાય તરીકે પોતાની આગળ ગૌરવી સ્વરૂપે રજૂ કરે. 28એ જ પ્રમાણે પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ કરવો; જે પોતાની પત્ની પર પ્રેમ કરે છે, તે પોતા પર પ્રેમ કરે છે; 29કેમ કે કોઈ માણસ પોતાના શરીરનો કદી દ્વેષ કરતો નથી; પણ તે તેનું પાલનપોષણ કરે છે. જેમ ખ્રિસ્ત પણ વિશ્વાસી સમુદાયનું પોષણ કરે છે તેમ, 30કેમ કે આપણે તેમના ખ્રિસ્તનાં શરીરનાં અંગો છીએ. 31એ માટે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીની સાથે જોડાઈને રહેશે, અને તેઓ બન્ને એક દેહ થશે. 32આ ગહન રહસ્ય છે; પણ હું ખ્રિસ્ત તથા વિશ્વાસી સમુદાય સંબંધી એ કહું છું. 33તોપણ તમારામાંના દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ કરે; અને પત્ની પોતાના પતિનું માન જાળવે.

પ્રત્યુત્તર ગીત

ગી.શા 128:1–5

1ચઢવાનું ગીત. જે યહોવાહને માન આપે છે અને તેમના માર્ગમાં ચાલે છે, તે સર્વ આશીર્વાદિત છે. 2તું તારે હાથે મહેનત કરીને આનંદ મેળવીશ; તું આશીર્વાદિત થશે અને સમૃદ્ધ થશે. 3તારી પત્ની તારા ઘરમાં ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે; તારાં સંતાનો તારી મેજની આસપાસ જૈતૂનવૃક્ષના રોપા જેવાં થશે. 4હા, નિશ્ચે, જે યહોવાહને માન આપે છે તે આશીર્વાદિત થશે. 5યહોવાહ તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; તારા જીવનના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું ભલું જોશે.

સુવાર્તા

લૂક 13:18–21

18ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે, અને હું એને શાની ઉપમા આપું? 19તે રાઈના દાણા જેવું છે. કોઈ માણસે દાણો લઈને પોતાની વાડીમાં વાવ્યો. પછી છોડ ઊગ્યો અને તે વધીને મોટું ઝાડ થયું, અને આકાશના પક્ષીઓએ તેની ડાળીઓ પર વાસો કર્યો.’” 20ફરીથી ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે અને હું એને શાની ઉપમા આપું? 21તે ખમીર જેવું છે. એક મહિલાએ ખમીર લઈને ત્રણ માપ લોટમાં મેળવ્યું. પરિણામે બધો લોટ ખમીરવાળો થયો.’”

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર A, અઠવાડિયાના દિવસોનું વર્ષ II.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો