બાઇબલ › ગીતશાસ્ત્ર › 32
IRV · અધ્યાય 32 / 150
ગીતશાસ્ત્ર 32
1દાઉદનું (ગીત). માસ્કીલ. જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે, તે આશીર્વાદિત છે.
2જેને યહોવાહ દોષિત ગણતા નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી, તે આશીર્વાદિત છે.
3જ્યારે હું છાનો રહ્યો, ત્યારે આખો દિવસ છાના રુદનથી મારાં હાડકાં જીર્ણ થયાં.
4કેમ કે રાતદિવસ તમારો હાથ મારા પર ભારે હતો. જેમ ઉનાળાંની ગરમીમાં જળ સુકાઈ જાય છે, તેમ મારી શક્તિ હણાઈ ગઈ હતી. સેલાહ
5મેં મારાં પાપ તમારી સમક્ષ કબૂલ કર્યાં અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી. મેં કહ્યું, “હું મારાં પાપો યહોવાહ સમક્ષ કબૂલ કરીશ.” અને તમે મારાં પાપોની ક્ષમા આપી. સેલાહ
6તે માટે જરૂરના સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે. પછી જ્યારે ઘણા પાણીની રેલ ચઢે, ત્યારે તે તેને પહોંચશે નહિ.
7તમે મારી સંતાવાની જગ્યા છો; તમે મને મારા સંકટમાંથી ઉગારશો. તમે મારી આસપાસ વિજયનાં ગીતો ગવડાવશો. સેલાહ
8કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ. મારી નજર હું તારા પર રાખીને તને બોધ આપીશ.
9ઘોડા તથા ખચ્ચર જેને કંઈ સમજણ નથી, જેને કાબૂમાં રાખવા માટે ચોકડા તથા લગામની જરૂર છે, નહિ તો તું જ્યાં લઈ જવા ચાહે ત્યાં તેઓ આવી ન શકે, માટે તેઓના જેવો અણસમજુ ન થા.
10દુષ્ટોને ઘણી તકલીફો સહન કરવી પડે છે પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ તો તેમની કૃપાથી ઘેરાશે.
11હે ન્યાયીઓ, યહોવાહમાં આનંદ કરો તથા હરખાઓ; હે શુદ્ધ હૃદયના માણસો, તમે સર્વ હર્ષના પોકાર કરો.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી (IRV, 2019) · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. (લખાણ બદલ્યા વિના; પાદટીપો અને શીર્ષકો છોડી દેવાયાં છે) · eBible.org