Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ડિસેમ્બર 2027 › 13 ડિસેમ્બર

ઓર્થોડોક્સ પંચાંગ · 30 નવેમ્બર (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 13 ડિસેમ્બર 2027

સોમવાર · પચાસમાના પર્વ પછીનું 26મું અઠવાડિયું · સ્વર 8

પર્વો અને સંતો

Holy and All-priased Apostle Andrew the First-Called († 62)

નાતાલનો ઉપવાસ

માછલીની છૂટ

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

સંધ્યા-પ્રાર્થના: વાંચન

1 પિત 1:1–2:6

1ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર લખે છે કે, વેરવિખેર થઈને પોન્તસ, ગલાતિયા, કપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં પરદેશી તરીકે ઈશ્વરથી પસંદ કરેલાઓ; 2જેઓને ઈશ્વરપિતાના પૂર્વજ્ઞાન પ્રમાણે આત્માનાં પવિત્રીકરણથી આજ્ઞાકારી થવા અને ઈસુ ખ્રિસ્તનાં રક્તથી છંટકાવ પામવા સારુ પસંદ કરેલા છે, તેવા તમ સર્વ પર પુષ્કળ કૃપા તથા શાંતિ હો. 3આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતાની સ્તુતિ થાઓ; તેમણે પોતાની પુષ્કળ દયા પ્રમાણે મૂએલામાંથી ઈસુ ખ્રિસ્તનાં પુનરુત્થાન દ્વારા આપણને જીવંત આશાને સારુ, 4અવિનાશી, નિર્મળ તથા જર્જરિત ન થનારા વારસાને માટે આપણને નવો જન્મ આપ્યો છે, તે વારસો તમારે માટે સ્વર્ગમાં રાખી મૂકેલો છે. 5છેલ્લાં સમયમાં જે ઉદ્ધાર પ્રગટ થવાની તૈયારીમાં છે, તેને માટે ઈશ્વરના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળવામાં આવે છે. 6એમાં તમે બહુ આનંદ કરો છો, જોકે હમણાં થોડા સમય માટે વિવિધ પ્રકારનાં પરીક્ષણ થયાથી તમે દુઃખી છો. 7એ માટે કે તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં વધુ મૂલ્યવાન છે, તે ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની ઘડીએ સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય. 8તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો, જોકે અત્યારે તમે તેમને જોતાં નથી, તોપણ તેમના પર વિશ્વાસ રાખો છો અને તમે તેમનાંમાં અવર્ણનીય તથા મહિમા ભરેલા આનંદથી હરખાઓ છો. 9તમે પોતાના વિશ્વાસનું ફળ, એટલે આત્માઓનો ઉદ્ધાર પામો છો. 10જે પ્રબોધકોએ તમારા પરની કૃપા વિષે ભવિષ્યકથન કર્યું તેઓએ તે ઉદ્ધાર વિષે તપાસીને ખંતથી શોધ કરી. 11ખ્રિસ્તનો આત્મા જે તેઓમાં હતો તેણે ખ્રિસ્તનાં દુઃખ તથા તે પછીના મહિમા વિષે સાક્ષી આપી, ત્યારે તેણે કયો અથવા કેવો સમય બતાવ્યો તેનું સંશોધન તેઓ કરતા હતા. 12જે પ્રગટ કરાયું હતું તેનાથી તેઓએ પોતાની નહિ, પણ તમારી સેવા કરી. સ્વર્ગમાંથી મોકલાયેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓ દ્વારા તે વાતો તમને હમણાં જણાવવાંમાં આવી; જે વાતોને જોવાની ઉત્કંઠા સ્વર્ગદૂતો પણ ધરાવે છે. 13એ માટે તમે પોતાના મનને નિયંત્રણમાં રાખો અને જે કૃપા ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની ઘડીએ તમારા પર થશે તેની સંપૂર્ણ આશા રાખો. 14તમે આજ્ઞાકારી સંતાનો જેવા થાઓ, અને પોતાની અગાઉની અજ્ઞાન અવસ્થાની દુષ્ટ ઇચ્છાઓ પ્રમાણે ન ચાલો. 15પણ જેમણે તમને તેડ્યાં છે, તે જેવા પવિત્ર છે તેમના જેવા તમે પણ સર્વ વ્યવહારમાં પવિત્ર થાઓ. 16કેમ કે એમ લખ્યું છે કે, “હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ.” 17અને જે પક્ષપાત વગર દરેકનાં કામ પ્રમાણે ન્યાય કરે છે, તેમને જો તમે પિતા કહીને વિનંતી કરો છો, તો તમારા અહીંના પ્રવાસનો સમય બીકમાં વિતાવો. 18કેમ કે તમે એ જાણો છો કે તમારા પિતૃઓથી ચાલ્યા આવતાં વ્યર્થ આચરણથી તમે નાશવંત વસ્તુઓ, એટલે રૂપા અથવા સોના વડે નહિ, 19પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન છે તેમના મૂલ્યવાન રક્તથી તમે ખરીદી લેવાયેલા છો. 20તેઓ તો સૃષ્ટિના પ્રારંભ પૂર્વે નિયુક્ત કરાયેલા હતા ખરા, પણ તમારે માટે આ છેલ્લાં સમયમાં પ્રગટ થયા. 21તેમને મારફતે તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, જેમણે તેમને મરણમાંથી ઉઠાડયા અને મહિમા આપ્યો, એ માટે કે તમારો વિશ્વાસ તથા આશા ઈશ્વર પર રહે. 22તમે સત્યને આધીન રહીને ભાઈ પરના નિષ્કપટ પ્રેમને માટે તમારાં મનને પવિત્ર કર્યા છે, માટે શુદ્ધ હૃદયથી એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો. 23કેમ કે તમને વિનાશી બીજથી નહિ, પણ અવિનાશી બીજથી, ઈશ્વરના જીવંત તથા સદા ટકનાર વચન વડે નવો જન્મ આપવામાં આવ્યો છે. 24કેમ કે, ‘સર્વ લોકો ઘાસનાં જેવા છે અને મનુષ્યનો બધો વૈભવ ઘાસનાં ફૂલ જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને તેનું ફૂલ ખરી પડે છે, 25પણ પ્રભુનું વચન સદા રહે છે.’ જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરાયું તે એ જ છે. 2:1એ માટે તમામ દુષ્ટતા, કપટ, ઢોંગ, દ્વેષ તથા સર્વ પ્રકારની નિંદા દૂર કરીને, 2નવાં જન્મેલાં બાળકોની જેમ શુદ્ધ આત્મિક દૂધની ઇચ્છા રાખો, 3જેથી જો તમને એવો અનુભવ થયો હોય કે પ્રભુ દયાળુ છે તો તે વડે તમે ઉદ્ધાર પામતાં સુધી વધતાં રહો. 4જે જીવંત પથ્થર છે, મનુષ્યોથી નકારાયેલા ખરા, પણ ઈશ્વરથી પસંદ કરાયેલા તથા મૂલ્યવાન છે. 5તેમની પાસે આવીને તમે પણ આત્મિક ઘરના જીવંત પથ્થર બન્યા અને જે આત્મિક યજ્ઞો ઈસુ ખ્રિસ્તને ધ્વારા ઈશ્વરને પ્રસન્ન છે તેમનું અર્પણ કરવા પવિત્ર યાજકો થયા છો. 6કારણ કે શાસ્ત્રવચનમાં લખેલું છે કે, ‘જુઓ, પસંદ કરેલો તથા મૂલ્યવાન, એવો ખૂણાનો મુખ્ય પથ્થર હું સિયોનમાં મૂકું છું અને જે તેના પર વિશ્વાસ કરે છે તે શરમાશે નહિ.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

1 પિત 2:21–3:9

21કારણ કે એને માટે તમે તેડાયેલા છો, કેમ કે ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું છે અને તમને નમૂનો આપ્યો છે, કે તમે તેમને પગલે ચાલો. 22તેમણે કંઈ પાપ કર્યું નહિ, ને તેમના મુખમાં કપટ માલૂમ પડ્યું નહિ. 23તેમણે નિંદા પામીને સામે નિંદા કરી નહિ, દુઃખો સહેતાં કોઈને ધમકાવ્યાં નહિ, પણ સાચો ન્યાય કરનારને પોતાને સોંપ્યો. 24લાકડા પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણાં પાપ લીધાં, જેથી આપણે પાપ સંબંધી મૃત્યુ પામીએ અને ન્યાયીપણા માટે જીવીએ; તેમના જખમોથી તમે સાજાં થયા. 25કેમ કે તમે ભૂલાં પડેલાં ઘેટાંના જેવા હતા, પણ હમણાં તમારા આત્માનાં પાળક તથા રક્ષક ખ્રિસ્તની પાસે પાછા આવ્યા છો. 3:1તે જ પ્રમાણે, પત્નીઓ, તમે તમારા પતિઓને આધીન રહો, એ માટે કે જો કોઈ પતિ વચન માનનાર ન હોય તો તે પોતાની પત્નીના આચરણથી, 2એટલે તમારાં ઈશ્વર પ્રત્યે મર્યાદાયુક્ત શુદ્ધ વર્તન દ્વારા વચન વગર મેળવી લેવાય. 3તમારો શણગાર બાહ્ય, એટલે ગૂંથેલા વાળનો, સોનાનાં ઘરેણાંનો અથવા સારાં વસ્ત્ર પહેરવાનો ન હોય; 4પણ અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો, એટલે નમ્ર તથા શાંત આત્માનો, જે ઈશ્વરની નજરમાં ઘણો મૂલ્યવાન છે, તેના અવિનાશી આભૂષણોનો હોય. 5કેમ કે પ્રાચીન સમયમાં જે પવિત્ર સ્ત્રીઓ ઈશ્વર પર ભરોસો રાખતી હતી, તેઓ પોતપોતાનાં પતિને આધીન રહીને, તે જ પ્રમાણે પોતાને શણગારતી હતી. 6જેમ સારા ઇબ્રાહિમને સ્વામી કહીને તેને આધીન રહેતી તેમ; જો તમે સારું કરો છો અને ભયભીત ન બનો, તો તમે તેની દીકરીઓ છો. 7તે જ પ્રમાણે પતિઓ, સ્ત્રી નબળી વ્યક્તિ છે તેમ જાણીને તેની સાથે સમજણપૂર્વક રહો, તમે તેની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ સમજીને, તેને માન આપો, કે જેથી તમારી પ્રાર્થનાઓમાં કંઈ અવરોધ આવે નહિ. 8આખરે, તમે સર્વ એક મનના, એકબીજાના સુખ દુઃખમાં સહભાગી, ભાઈઓ પર પ્રેમ રાખનારા, કરુણા કરનાર તથા નમ્ર થાઓ. 9દુષ્ટતાનો બદલો વાળવા દુષ્ટતા ન કરો અને નિંદાનો બદલો વાળવા નિંદા ન કરો, પણ તેથી ઊલટું આશીર્વાદ આપો; કેમ કે તેને સારુ તમને તેડવામાં આવ્યા છે કે જેથી તમે આશીર્વાદના વારસ થાઓ.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

1 પિત 4:1–11

1હવે ખ્રિસ્તે આપણે માટે મનુષ્યદેહમાં દુ:ખ સહ્યું છે, માટે તમે પણ એવું જ મન રાખીને સજ્જ થાઓ; કેમ કે જેણે મનુષ્યદેહમાં દુ:ખ સહ્યું છે તે પાપથી મુક્ત થયો છે, 2કે જેથી તે બાકીનું જીવન માણસોની વિષયવાસનાઓ પ્રમાણે નહિ, પણ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વિતાવે. 3કેમ કે જેમ વિદેશીઓ જેમાં આનંદ માને છે તે પ્રમાણે કરવામાં તમે તમારા જીવનનો ઘણો સમય વિતાવ્યો છે, તે બસ તે છે. તે સમયે તમે વ્યભિચારમાં, વિષયભોગમાં, મદ્યપાનમાં, મોજશોખમાં, તથા તિરસ્કૃત મૂર્તિપૂજામાં મગ્ન હતા. 4એ બાબતોમાં તમે તેઓની સાથે જે દુરાચારના પૂરમાં ધસી પડતા નથી, તેથી તેઓ આશ્ચર્ય પામે છે અને તમારી નિંદા કરે છે. 5જીવતાંઓનો તથા મૃત્યુ પામેલાંઓનો ન્યાય કરવાને જે તૈયાર છે તેમને તેઓ હિસાબ આપશે; 6કેમ કે મૃત્યુ પામેલાંઓને પણ સુવાર્તા પ્રગટ કરાઈ હતી કે જેથી શરીરમાં તેઓનો ન્યાય થાય, પણ આત્મા વિષે તેઓ ઈશ્વરમાં જીવે. 7બધી બાબતોનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ અને સાવચેત રહો જેથી તમે પ્રાર્થના કરી શકો. 8વિશેષે કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો; કેમ કે પ્રેમ ઘણાં પાપને ઢાંકે છે. 9કઈ પણ ફરિયાદ વગર તમે એકબીજાનો સત્કાર કરો. 10દરેકને જે કૃપાદાન મળ્યું છે તે એકબીજાની સેવા કરવામાં ઈશ્વરની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓ તરીકે વાપરવું. 11જો કોઈ ઉપદેશ આપે છે, તો તેણે ઈશ્વરના વચન પ્રમાણે ઉપદેશ આપવો; જો કોઈ સેવા કરે, તો તેણે ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે સેવા કરવી; કે જેથી સર્વ બાબતોમાં ઈસુ ખ્રિસ્ત ધ્વારા ઈશ્વર મહિમાવાન થાય; તેમને સદાસર્વકાળ મહિમા તથા સત્તા હો! આમીન.

પ્રભાત-પ્રાર્થના: સુવાર્તા

માથ 4:18–23

18ઈસુ ગાલીલના સમુદ્રને કિનારે ચાલતા હતા ત્યારે તેમણે બે ભાઈઓને, એટલે સિમોન જે પિતર કહેવાય છે તેને તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછીમાર હતા. 19ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘મારી પાછળ આવો અને હું તમને માણસોના પકડનારા કરીશ.’ 20તેઓ તરત જાળો મૂકીને તેમની પાછળ ગયા. 21ત્યાંથી આગળ જતા તેમણે બીજા બે ભાઈઓને, એટલે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને, તેઓના પિતા સાથે વહાણમાં પોતાની જાળો સાંધતા જોયા. તેમણે તેઓને બોલાવ્યા, 22અને તેઓ તરત વહાણને તથા પોતાના પિતાને મૂકીને તેમની પાછળ ગયા. 23ઈસુ સભાસ્થાનોમાં શિક્ષણ આપતા, રાજ્યની સુવાર્તાનો ઉપદેશ આપતા અને લોકોમાં દરેક પ્રકારના રોગ તથા દુઃખ મટાડતા, આખા ગાલીલમાં ફર્યા.

પત્ર

1 તિમ 1:1–7

1ઈશ્વર આપણા ઉદ્ધારકર્તા તથા ખ્રિસ્ત ઈસુ જે આપણી આશા છે, તેમની આજ્ઞાથી થયેલ ખ્રિસ્ત ઈસુના પ્રેરિત પાઉલ તરફથી ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસમાં મારા સાચા દીકરા તિમોથીને સલામ. 2ઈશ્વર આપણા પિતા તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને કૃપા, દયા તથા શાંતિ થાઓ. 3હું મકદોનિયા જતો હતો ત્યારે મેં તને એફેસસમાં રહેવા વિનંતી કરી હતી જેથી તું કેટલાક માણસોને આજ્ઞા કરી શકે કે, તેઓ અલગ પ્રકારનો ઉપદેશ ન કરે, 4અને દંતકથાઓ પર તથા લાંબી લાંબી વંશાવળીઓ પર ધ્યાન ન આપે; કેમ કે એવી વાતો, ઈશ્વરની યોજના કે જે વિશ્વાસ દ્વારા છે તેને આગળ વધારવાને બદલે ખોટા વાદવિવાદ ઊભા કરે છે. 5આ આજ્ઞાનો મુખ્ય હેતુ પ્રેમ છે કે જે શુદ્ધ હૃદય, સારા અંતઃકરણ તથા ઢોંગ વગરના વિશ્વાસથી છે, 6જે ચુકી જઈને કેટલાક નકામી વાતો કરવા લાગ્યા છે. 7તેઓ નિયમશાસ્ત્રના શિક્ષક થવા ચાહે છે, પણ પોતે શું કહે છે અથવા જે વિષે તેઓ ખાતરીપૂર્વક બોલે છે તે તેઓ પોતે સમજતા નથી.

પત્ર (સંત આન્દ્રિયા માટે)

1 કરિં 4:9–16

9માટે હું વિચારું છું કે, ઈશ્વરે અમો પ્રેરિતોને જાણે કે છેલ્લાં મરણદંડ પામનારા હોય એવા બતાવ્યા છે; કેમ કે અમે વિશ્વની, સ્વર્ગદૂતોની તથા માણસોની આગળ તમાશા જેવા ખુલ્લાં થયા છીએ. 10ખ્રિસ્તને માટે અમે મૂર્ખ, પણ તમે ખ્રિસ્તમાં બુદ્ધિમાન; અમે નિર્બળ પણ તમે બળવાન; અને તમે માન પામનારા, પણ અમે અપમાન પામનારા થયા છીએ. 11અત્યાર સુધી અમે ભૂખ્યા, તરસ્યા તથા વસ્ત્રો વિનાના છીએ, સતાવણી સહન કરીએ છીએ અને ઘરબાર વિનાના છીએ. 12અમે હાથે કામ અને મહેનત કરીએ છીએ; નિંદા પામવા છતાં અમે આશીર્વાદ આપીએ છીએ; સતાવણી સહન કરીએ છીએ; 13તિરસ્કૃત હોવા છતાંય વિનંતી કરીએ છીએ; અમે હજી સુધી માનવજગતથી ધિક્કાર પામેલા તથા કચરા જેવા છીએ. 14હું તમને શરમાવવા માટે આ વાતો લખતો નથી; પણ તમને મારાં પ્રિય બાળકો સમજીને શિક્ષણ આપું છું. 15જોકે તમને ખ્રિસ્તમાં દસ હજાર શિક્ષકો હોય, તોપણ તમને ઘણાં પિતા નથી; કેમ કે ખ્રિસ્ત ઈસુમાં, સુવાર્તાદ્વારા હું તમારો પિતા થયો છું. 16તેથી હું તમને વિનંતી કરું છું કે, તમે મારા અનુયાયીઓ થાઓ.

સુવાર્તા

લૂક 19:37–44

37ઈસુ નજીકમાં જૈતૂન પહાડના ઢોળાવ પાસે આવી પહોંચ્યાં, ત્યારે જે પરાક્રમી કામો તેઓએ જોયાં હતાં, તે સઘળાંને લીધે શિષ્યોનો આખો સમુદાય હર્ષ કરીને ઊંચે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા કે, 38‘પ્રભુને નામે જે રાજા આવે છે તે આશીર્વાદિત છે! આકાશમાં શાંતિ તથા પરમ ઊંચામાં મહિમા!’” 39લોકોમાંથી કેટલાક ફરોશીઓએ ઈસુને કહ્યું કે, ‘ઉપદેશક, તમારા શિષ્યોને ધમકાવો.’” 40ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘હું તમને કહું છું કે જો તેઓ ચૂપ રહેશે તો પથ્થરો પોકારી ઊઠશે.’” 41ઈસુ પાસે આવ્યા ત્યારે શહેરને જોઈને તેને લીધે રડ્યા, અને કહ્યું કે, 42‘હે યરુશાલેમ, જો તેં, હા તેં, શાંતિને લગતી જે બાબતો છે તે જો તેં આજે જાણી હોત તો કેવું સારું! પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલી છે. 43કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જયારે તારા વૈરીઓ તારી આજુબાજુ દીવાલ બાંધશે. તને ઘેરી લેશે, અને ચારેબાજુથી તને દબાવશે. 44તેઓ તને તથા તારી સાથે રહેતાં તારાં છોકરાંને જમીન પર પછાડી નાખશે, અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહિ, કેમ કે તારી કૃપાદ્રષ્ટિનો સમય તેં જાણ્યો નહિ.’”

સુવાર્તા (સંત આન્દ્રિયા માટે)

યોહ 1:35–51

35વળી બીજે દિવસે યોહાન પોતાના બે શિષ્યોની સાથે ઊભો હતો. 36તેણે ઈસુને ચાલતા જોઈને કહ્યું કે, ‘જુઓ, ઈશ્વરનું હલવાન!’” 37તે બે શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને ઈસુની પાછળ ગયા. 38ઈસુએ ફરીને તેઓને પાછળ આવતા જોઈને કહ્યું કે, ‘તમે શું શોધો છો?’ તેઓએ તેમને કહ્યું, ‘રાબ્બી ‘એટલે ગુરુજી,’ તમે ક્યાં રહો છો?’” 39તેમણે તેઓને કહ્યું કે, ‘આવી અને જુઓ.’ માટે તેઓ ગયા અને ઈસુ જ્યાં રહેતા હતા તે જોયું; તે દિવસે તેઓ ઈસુની સાથે રહ્યા; તે સમયે આશરે સાંજના ચાર વાગ્યા હતા. 40જે બે શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને તેમની પાછળ ગયા હતા, તેઓમાંનો એક સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા હતો. 41તેણે પ્રથમ પોતાના ભાઈ સિમોનને મળીને કહ્યું કે, ‘મસીહ એટલે ખ્રિસ્ત અમને મળ્યા છે.’” 42તે તેને ઈસુ પાસે લઈ આવ્યો. ઈસુએ તેની સામે જોઈને કહ્યું કે, ‘તું યોનાનો દીકરો સિમોન છે. તું પિતર એટલે કેફા કહેવાશે જેનો અર્થ છે પથ્થર.’” 43બીજે દિવસે ઈસુને ગાલીલમાં જવાની ઇચ્છા થઈ અને તેમણે ફિલિપને મળીને કહ્યું કે, ‘મારી પાછળ આવ.’” 44હવે ફિલિપ તો બેથસાઈદાનો એટલે આન્દ્રિયા તથા પિતરના શહેરનો હતો. 45ફિલિપે નથાનિયેલને મળીને કહ્યું કે, ‘નિયમશાસ્ત્રમાં જેમનાં સંબંધી મૂસાએ તથા પ્રબોધકોએ લખેલું છે તેઓ, એટલે નાસરેથના ઈસુ, યૂસફના દીકરા, અમને મળ્યા છે.’” 46નથાનિયેલે તેને પૂછ્યું, ‘શું નાસરેથમાંથી કંઈ સારું નીકળી શકે?’ ફિલિપ તેને કહે છે કે, ‘આવ અને જો.’” 47ઈસુ નથાનિયેલને પોતાની પાસે આવતો જોઈને તેને વિષે કહે છે, ‘જુઓ, આ સાચો ઇઝરાયલી છે, એનામાં કંઈ કપટ નથી!’ 48નથાનિયેલે ઈસુને કહ્યું કે, ‘તમે મને ક્યાંથી ઓળખો છો?’ ઈસુએ તેને જવાબ આપ્યો, ‘ફિલિપે તને બોલાવ્યો તે પહેલાં, તું અંજીરી નીચે હતો, ત્યારે મેં તને જોયો.’” 49નથાનિયેલે તેમને જવાબ આપ્યો, ‘ગુરુજી, તમે ઈશ્વરના દીકરા છો; તમે ઇઝરાયલના રાજા છો.’” 50ઈસુએ તેને કહ્યું કે, ‘મેં તને અંજીરી નીચે જોયો એવું કહ્યું તેથી શું તું વિશ્વાસ કરે છે? આ કરતાં તું મોટી બાબતો જોશે.’” 51ઈસુએ તેને કહ્યું, ‘હું તને ખરેખર કહું છું કે, તું સ્વર્ગ ઊઘડેલું અને ઈશ્વરના સ્વર્ગદૂતોને માણસના દીકરા ઉપર ચઢતાં અને ઊતરતા જોશે.’”

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 30 નવેમ્બર એટલે નાગરિક પંચાંગનો 13 ડિસેમ્બર. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો