મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › નવેમ્બર 2027 › 5 નવેમ્બર
કેથોલિક પંચાંગ
દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 5 નવેમ્બર 2027
શુક્રવાર · સામાન્ય કાળનું 31મું અઠવાડિયું
પર્વો અને સંતો
સામાન્ય કાળના 31મા અઠવાડિયાનો શુક્રવાર
અઠવાડિયાનો દિવસ · ધાર્મિક વિધિનો રંગ: લીલો
ઉપવાસ અને પ્રાયશ્ચિત્ત
પ્રાયશ્ચિત્તનો દિવસ
દરેક શુક્રવાર પ્રાયશ્ચિત્તનો દિવસ છે; તે કેવી રીતે પાળવો તે દરેક બિશપ પરિષદ નક્કી કરે છે: માંસનો ત્યાગ કે પ્રાયશ્ચિત્તનું બીજું કોઈ કાર્ય. ઉપવાસ 18 થી 59 વર્ષની ઉંમર સુધી, માંસનો ત્યાગ 14 વર્ષથી બંધનકારક છે.
દિવસનાં વાંચનો
પહેલું વાંચન
14ઓ મારા ભાઈઓ, મને તમારા વિષે પૂરી ખાતરી છે કે તમે પોતે સંપૂર્ણ ભલા, સર્વ જ્ઞાનસંપન્ન અને એકબીજાને ચેતવણી આપવાને શક્તિમાન છો. 15તે છતાં બિનયહૂદીઓ પવિત્ર આત્માથી પાવન થઈને માન્ય અર્પણ થાય માટે ઈશ્વરની સુવાર્તાનો યાજક થઈને હું બિનયહૂદીઓ પ્રત્યે ખ્રિસ્ત ઈસુનો સેવક થાઉં, 16એ કારણથી ઈશ્વરે મને જે કૃપાદાન આપ્યું છે, તેને આધારે તમને ફરીથી સહેજ યાદ કરાવવાં માટે વિશેષ હિંમત રાખીને મેં આ પત્ર તમારા પર લખ્યો છે. 17તેથી ઈશ્વરને અર્થે કરેલાં કાર્યો સંબંધી મને ખ્રિસ્ત ઈસુમાં ગૌરવ કરવાનું પ્રયોજન છે. 18કેમ કે પવિત્ર આત્માનાં પરાક્રમથી, વાણી અને કાર્ય વડે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મોના પ્રભાવથી બિનયહૂદીઓને આજ્ઞાંકિત કરવા માટે ખ્રિસ્તે જે કામો મારી પાસે કરાવ્યાં છે, તે સિવાય બીજાં કોઈ કામો વિષે બોલવાની હિંમત હું કરીશ નહિ; 19એટલે યરુશાલેમથી રવાના થઈને ફરતાં ફરતાં છેક ઇલુરીકમ સુધી મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે એ વિષે જ હું બોલીશ. 20એવી રીતે તો સુવાર્તા પ્રગટ કરવામાં મેં એવો નિયમ રાખ્યો છે કે, જ્યાં ખ્રિસ્તનું નામ જાણવામાં આવ્યું હતું ત્યાં બોધ કરવો નહિ, રખેને બીજાના પાયા પર હું બાંધું; 21લખેલું છે કે ‘જેઓને તેમના સંબંધી જાણકારી મળી ન હતી તેઓ જોશે અને જેઓએ સાંભળ્યું ન હતું તેઓ સમજશે.’”
પ્રત્યુત્તર ગીત
1ગીત. યહોવાહની સમક્ષ, એક નવું ગીત ગાઓ, કેમ કે તેમણે અદ્દભુત કૃત્યો કર્યાં છે; તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે. 2યહોવાહે પોતાનું તારણ બતાવ્યું છે; તેમણે પોતાનું ન્યાયીપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે. 3તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે; આખી પૃથ્વીએ આપણા ઈશ્વરનો વિજય જોયો છે. 4હે પૃથ્વીના લોકો, યહોવાહની આગળ હર્ષનાદ કરો; આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ, હા, સ્તોત્રો ગાઓ.
સુવાર્તા
1પછી ઈસુએ શિષ્યોને પણ કહ્યું કે, ‘એક શ્રીમંત માણસ હતો, તેણે એક કારભારી રાખ્યો; અને શ્રીમંતની આગળ કારભારી પર એવો આરોપ મૂકવામાં આવ્યો કે, તે તમારી મિલકત ઉડાવી દે છે. 2અને તેણે તેને બોલાવીને કહ્યું કે, આ જે તારે વિષે હું સાંભળું છું તે શું છે? તારા વહીવટનો હિસાબ આપ; કેમ કે હવેથી તું કારભારી રહી શકશે નહિ. 3કારભારીએ પોતાના મનમાં કહ્યું કે, હું શું કરું? કેમ કે મારો માલિક મારી પાસેથી કારભાર લઈ લે છે. મારામાં મજૂરી કરવાની શકતી નથી; ભીખ માગતાં મને શરમ લાગે છે. 4તે મને કારભારમાંથી કાઢી મૂકે ત્યારે લોકો મારા સાથમાં રહે તે માટે શું કરવું તેની મને સૂઝ પડે છે. 5તેણે પોતાના માલિકના દરેક કરજદારને બોલાવ્યા. તેમાંના પહેલાને કહ્યું કે, મારા માલિકનું તારે કેટલું દેવું છે? 6અને તેણે કહ્યું કે, સો માપ તેલ. અને તેણે તેને કહ્યું કે, તારું ખાતું લે, અને જલદી બેસીને પચાસ લખ. 7પછી તેણે બીજાને કહ્યું કે, તારે કેટલું દેવું છે? અને તેણે કહ્યું કે, સો માપ ઘઉં, તેણે તેને કહ્યું કે, તારું ખાતું લે, અને એંસી લખ. 8તેના માલિકે અન્યાયી કારભારીનાં વખાણ કર્યાં, કારણ કે તે હોશિયારીથી વર્ત્યો હતો; કેમ કે આ જગતના દીકરા પોતાની પેઢી વિષે અજવાળાનાં દીકરા કરતાં વધારે હોશિયાર હોય છે.
સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો